સરકારે છોકરીઓ, કન્યાઓ, સ્ત્રીઓ, મહિલાઓ, માતાઓ, બહેનો, યુવતીઓ, ભાભીઓ, કાકીઓ, માસીઓ, બધા માટે કોઈની કોઈ સ્કીમ કાઢી છે. મહિલાઓને સિલાઈના સંચાથી માંડીને મફતના ભાવે લોન આપવામાં આવે છે. એમને મફત ભણાવવામાં આવે છે. પરંતુ પુરુષો, ભાઈઓ, કાકાઓ, બંધુઓ, યુવાનો માટે ખાસ સ્કીમ નથી કાઢી. એકલી સરકાર જ નહિ પણ હવે તો જાણે આખું વિશ્વ નારીમય બની ગયું હોય એવું લાગે છે.
બીજા બધાની વાત તો જવા દો, જયારે ગરમી પડે ત્યારે છાપામાં ફોટા પણ દુપટ્ટા ઓઢેલી છોકરીઓના જ છપાય છે. મોઢે રૂમાલ બાંધીને ગરમીમાં હડીઓ કાઢતા ઝુઝારું નવજવાનોના ફોટા કોઈ દિવસ નથી છપાતા. વરસાદ પડે ત્યારે છત્રી લઈને જતી સ્ત્રી કે વરસાદમાં ઢીંચણ સમા પાણીમાં સાડી ઉંચી કરીને જતી સ્ત્રીઓના ફોટા જ આર્ટના નામે છપાય છે. પરંતુ પણ એવા જ પાણીમાં બાઈકના હેન્ડલ સુધી પગ અદ્ધર કરી જીવના જોખમે બાઈક ચલાવતા ગભરુ યુવાનોને જાણી જોઇને અવગણવામાં આવે છે. અરે, પુરુષોના અન્ડરવેરની જાહેરાતમાં પણ એક પુરુષની સામે ચાર સ્ત્રીઓને મોડલિંગની તક મળે છે! જાહેરાતમાં યુવતીઓના વાળ લહેરાતા બતાવે ત્યારે જાહેરાત પંખાની છે કે શેમ્પુની એ સમજાતું નથી. અને હવે તો દેશના સર્વોચ્ચ એવા ડિફેન્સ અને વિદેશ મંત્રાલયથી માંડીને રીક્ષા અને બસ ચલાવવા જેવા પુરુષોના અધિકારક્ષેત્રમાં પણ સ્ત્રીઓ પેસી ગઈ છે. ટૂંકમાં કવિ કહેવા એ માંગે છે કે તમે સ્ત્રીઓને વિશેષાધિકાર આપો એનો વાંધો નથી, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું– વધુ નહીં તો ચપટી, પાશેર-અચ્છેર – માનપાન પુરુષોને પણ આપવાનું રાખો. નહીતર પુરુષો અને યુવાનોને અમારે હાકલ કરવી પડશે કે – ઉઠો, જાગો, સ્ત્રીઓનાં અધિકારક્ષેત્રમાં ઘૂસ મારો અને તમારા ગૌરવનું પુન:સ્થાપન કરો!
હિન્દીમાં ‘પાપડ બેલના’ રૂઢીપ્રયોગ છે. મતલબ કે બહુ મહેનત કરવી. પાપડ વણવામાં બહુ મહેનતનું કામ હશે એટલે મોટે ભાગે સ્ત્રીઓ કરે છે. ભાઈઓ, આપણે જરૂર છે પાપડ વણવામાં ઝંપલાવવાની. પણ પરિસ્થિતિ એ છે કે આપણામાંના મોટાભાગના ભાઈઓને પાપડ શેકતા પણ આવડતું નથી. જે શેકે છે એ એવા શેકે છે કે ખાનાર શેક્યો પાપડ પણ ભાંગી નથી શકતા. વણવાની તો વાત જ ના કરશો. આપણે સ્ત્રી સમોવડિયા થવું હશે તો આ લાયકાત પણ કેળવવી પડશે. આપણે પાપડ ક્ષેત્રે પ્રવેશ કરીને સ્ત્રીઓના એકાધિકાર હેઠળના આ ક્ષેત્રમાં આપણે આગવી ઓળખ બનાવવાની છે. પાપડ ના દરેક પડ પર આપણે આપણી છાપ છોડવાની છે. જેમ કે અત્યારે પાપડ એક સરખા ગોળ આવે છે. એકદમ બોરિંગ. આપણે આપણી કલાસૂઝને કામે લગાડીને પાપડ વણાટને નવી દિશા આપવાની છે. આપણું વેલણ જે દિશામાં આગળ વધે એ દિશામાં પાપડને લંબાવીને લંબચોરસ ગોળ, ચોરસ ગોળ, અષ્ટકોણ ગોળ, ત્રિકોણ ગોળ, કાણાવાળા, બાખાવાળા, ચપટીવાળાઅને એવા બધા વિવિધ પ્રકારના પાપડ વણીને દુનિયાને ચકિત કરી દેવાના છેપછી તો આપણી પાંખ છે અને વિહરવા માટે આકાશ છે! આમાં આપણા ભાઈઓને પણ કંઈ કહેવું પડે એમ નથી. એમને જરૂર છે માત્ર તકની. ભાઈઓ જાગશે તો પાપડની વરાઈટીમાં પણ વધારો થશે અને વ્હીસ્કી પાપડ, વોડકા પાપડ, બીઅર પાપડ પણ મળવા લાગે એ દિવસ દૂર નથી. પાપડમાં હથોટી આવે એટલે ખાખરાનો વારો કાઢો જેથી લોકોને રમેશભાઈ કે શૈલેષભાઈ ખાખરાવાળા (અમારી કોઈ બીજી કોઈ બ્રાંચ નથી) પ્રકારના બોર્ડ જોવા મળે.
પુરુષો માટે સર્જાયેલા અને વર્ષો સુધી પહેરાયેલા પેન્ટ શર્ટ, ટી શર્ટ, ઝભ્ભામાં સ્ત્રીઓએ પગપેસારો એટલે કે પેન્ટમાં પગપેસારો અને શર્ટ ટી-શર્ટમાં હાથપેસારો કર્યો છે. પરંતુ પુરુષોમાં હજુ સ્કર્ટ પહેરવાનું સ્કોટલેન્ડ સિવાય ખાસ પ્રચલિત નથી. ન્યુઝીલેન્ડની ડ્યુનેડીન નોર્થ ઇન્ટરમિડીયેટ સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાં છોકરાઓને છોકરીઓ પહેરે છે એવા સ્કર્ટ પહેવાની આઝાદી આપી છે. ભારતમાં રણવીર સિંહ ફ્રોક અને લોંગ સ્કર્ટ પહેરીને ફરે છે, પરંતુ આવા રડ્યાખડ્યા અપવાદને બાદ કરતા સ્ત્રીઓના સાડી, બ્લાઉઝ, ચણીયા, ચણીયા-ચોળી, સ્કર્ટ, ગાઉન અને બિકીનીમાં પુરુષોએ હાથ-પગ કે માથું-પેસારો નથી કર્યો. ભાઈઓ, સમય છે ટાઈગર શ્રોફની જેમ વેક્સિંગ કરાવી સ્કર્ટમાં પગપેસારો કરવાનો. ક્યાં સુધી લુંગી ઝાટકીને ગરમીમાં પગને હવા ખવડાવશો? આવો, સમય આવી ગ્યો છે દીપિકા પાદુકોણે અને પ્રિયંકા ચોપરા જેવા ગાઉન ઘસડતાં ફિલ્મ ફેસ્ટીવલમાં અને ચણીયા ચોળી પહેરીને ગરબે ઘુમવાનો. ભાઈઓ હવે સમય આવી ગયો છે બોરિંગ શેરવાની-ઝભ્ભામાંથી બહાર આવવાનો અને લાખ રૂપિયાના ઘાઘરા કે લહેંગા સિવડાવવાનો. આવો કબ્જા પર કબ્જો કરીએ અને પેટની ચામડીને વિટામીન ડી મળે તેની ગોઠવણ કરીએ. ફગાવીએ ચડ્ડી બર્મુડાને અને અપનાવીએ શોર્ટ સ્કર્ટને. ભલેને પછી પગ અનિલ કપૂર જેવા દેખાય!
ભાઈઓ ચેલેન્જ ઉપાડો. એવું શું છે જે સ્ત્રીઓ કરી શકે છે અને તમે નથી કરી શકતા? રડવાનું? તો લાફીંગ ક્લબો બંધ કરો અને ક્રાઈંગ ક્લબો બનાવો. બધા ભાયડાઓ સવારે બગીચામાં ભેગા થઈને પોકે ને પોકે રડો. જો રડવું ન આવે તો તમારા સાસુને યાદ કરો. રીસેપ્શનીસ્ટની નોકરીમાં આપણને થતાં અન્યાયને યાદ કરો પણ ધ્રુસકે ને ધ્રુસકે રડો. ઓફિસમાં કુથલી ક્લબ શરુ કરો. એકતા કપૂરની સીરીયલોના જુના એપિસોડ જુઓ. જરૂર પડે તો સ્ત્રીઓનું અનુસરણ કરો પણ સ્ત્રીસમોવડિયા બનો. લોકોને લડાવો. પોતે પણ લડો. બેસી શું રહ્યા છો, ઉભા થાવ અને પાણીપુરીની લારીઓ પર લાઈન લગાડો. સફળતામાં એમનો પીછો કરો. માઉન્ટ એવરેસ્ટ, ધ્રુવપ્રદેશ, અવકાશ … જ્યાં જ્યાં સ્ત્રીઓ ગઈ છે ત્યાં હિંમતપૂર્વક જાવ - સિવાય કે લેડીઝ ટોઇલેટ.
મસ્કા ફન
મેં રોટલીનું ચિત્ર દોર્યું.
એક ગરીબ ભૂખ્યો આવીને રોટલી લઈ ગયો.
બદલામાં દુવાઓ દઈ ગયો.
હવે હું બીએમડબ્લ્યુના ચિત્ર દોરું છું.