તમે ઓલું લાવજો પેલું લાવજો …


Tame Olu Lavjo Pelu Lavjo

પ્રસ્તુત લેખ અને બીજા રસપ્રદ સમાચાર, લેખો અને વાર્તા ઓનલાઈન વાંચવા માટે આ લિંક ઉપર ક્લિક કરો: https://www.feelingsmultimedia.com/1st-july-2018/

‘તમે એકવાર મારવાડ જાજો રે મારવાડા …’ એ આપણું એક પ્રચલિત લોકગીત છે જે નવરાત્રીમાં પણ ગવાય છે. એ ગીતમાં આમ તો મારવાડીને મારવાડ જવાનું કહેવામાં આવ્યું છે. આપણો કેરાલીયન પંચરવાળો કે ટાઈપીસ્ટ કેરાલા જાય એટલી જ સાહજિક વાત છે, છતાં પણ કેરાલીયનને કેરાલા જવાનો આદેશ કરતું કે આજીજી કરતું લોકગીત સાંભળવામાં આવ્યું નથી. કદાચ રાજસ્થાન નજીક છે એટલે જાય તો જલ્દી પાછો આવે એ જ ઈરાદો હોઈ શકે. બાકી કેરાલીયન સાથે સંબંધ સારા હોય તો લોકગીતમાં મારવાડી પાસે જે જે વસ્તુઓ મંગાવવામાં આવી છે એ – ઓલું, પેલું, પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા, કચકડાની દાબડી – ઉપરાંત લુંગી અને લીલા નારિયેળ પણ લેતો આવે એમાં બે મત નથી. ગીતમાં મારવાડ જવાનું ભાડું કોણ આપશે એની પણ ચોખવટ નથી અને મારવાડી સ્વખર્ચે મારવાડ જઈને આ બધું લઇ આવશે એની સ્પષ્ટતા પણ નથી. છતાં આ બધું જ મંગાવવામાં આવે છે. અમને આખા કાવતરા પાછળ કોઈ બહારગામ જાય તો પાછા આવતી વખતે આપણા માટે કૈંક લેતું આવે એવો પ્રજાનો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે.

આજની પેઢીને નવાઈ લાગશે પણ એક જમાનામાં બહારગામથી આવતા લોકો કુટુંબીઓ તો ઠીક પણ અડોશી પડોશીઓ માટે પણ ચીજવસ્તુઓ લાવતા. રિવાજ એટલો રૂઢ હતો કે મોટા ભાગના કિસ્સાઓમાં આવનારે પોતાના ગામ-શહેરની ખાસ ગણાતી ચીજ વસ્તુઓ લાવવી પડતી. લોકો હક કરીને મંગાવતા પણ ખરા. એ જમાનાના દેશી નાટક સમાજના એક પ્રચલિત નાટ્યગીતમાં નાયિકા એના પિયુને પેરિસનું હારમોનિયમ લઈને પહેલી પેસેન્જરમાં નીકળી જવાનું કહેતી હોય એવો ઉલ્લેખ* મળે છે. એ પ્રથા જ એવી હતી કે પેલી મંગાવે પણ ખરી અને પેલો પેસેન્જર ટ્રેનની ભીડમાં હડસેલા ખાઈને પણ હાર્મોનિયમની પેટી ઉઠાવી લાવે એવું શક્ય પણ હતું. પછી ભલે લોકો એને ગાવા-બજાવવાવાળો સમજીને એના વાજા ઉપર પાવલી-આઠ આની મુકે! પેલી માટે બધું મંજૂર.

આટલેથી પતતું હોત તો ઠીક હતું, પણ આમાં બીજી પણ ઘણી બબાલ હતી. લાવનારને ખર્ચો તો થતો જ ઉપરાંત સગાંમાં મને સસ્તી વસ્તુ આપી અને પેલીને મોંઘી વસ્તુ આપી એવા વાંધા પણ પડતા અને મહેણાં પણ સંભાળવા પડતા. અમુક સગાઓને ખાસ સાચવવા પડતા. પછી તો એક્સપ્રેસ ટ્રેનો અને હવાઈ સેવા આવી ગઈ જેથી લોકો ફરતા થયા અને જોઈતું કરતુ જાતે જ લાવતા થયા. છતાં વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે વિદેશથી આવતા લોકો પોતાના પરિવારજનો માટે ‘ઈમ્પોર્ટેડ’ ગણાતી પણ ત્યાંના માટે દેશી એવી ચીજવસ્તુઓ લાવતા અને દેશી લોકો એ ફોરેનનો માલ પોતાના ઓળખીતા પારખીતાને બતાવીને પોરસાતા.

એ જમાનામાં ઈલેક્ટ્રોનિક ગુડ્ઝ પર ભારે ઈમ્પોર્ટ ડ્યુટી લાગતી. લોકલ માર્કેટમાં માત્ર કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરાયેલી ઈમ્પોર્ટેડ ચીજ વસ્તુઓ મળતી જેની ઉપર કોઈ વોરંટી-ગેરંટી નહિ! ચલે તો ચાંદ તક નહિ તો શામ તક! હોવ. અમુક વિરલાઓ એરપોર્ટના કસ્ટમવાળાને પત્રમ-પુષ્પમ કરીને ડ્યુટી ચૂકવ્યા વગર માલ કાઢી લાવતા.

ઓનલાઈન રીટેલરોની વેબ પોર્ટલ પર અવનવી ઓફરો અને કેશબેકની ચાવીઓ લગાડીને પોતાને ગમતી બ્રાંડનો મોબાઈલ કે મ્યુઝીક પ્લેયર ‘પાડી’ લેતી અત્યારની પેઢીને અચરજ થશે કે એક જમાનામાં ઈમ્પોર્ટેડ કેમેરા કે કેસેટ પ્લેયરો જૂજ ઘરોમાં જોવા મળતા. જેના ઘરે આવો ફોરેનનો માલ જોવા મળે એમને લોકો પૂછતાં કે ‘કોઈ સગું ફોરેનમાં રહે છે?’ આવી ઈમ્પોર્ટેડ ગીફટની લોકો એટલી દરકાર કરતા કે કેસેટ પ્લેયરો પર લોકો ચામડાના કવરો ચઢાવતા. એટલું જ નહિ પણ અહી ચામડાના કવરો બનાવવાનો આખો ઉદ્યોગ ચાલતો.

પરદેશથી આવનારા લોકો ખાસ મોટી બેગો વસાવતા. અમુક બેગો એટલી મોટી રહેતી કે એમાં ફર્નીચર સાથે આખું ખાનદાન સમાઈ શકે! એક અલગ જ સમાજ વ્યવસ્થા હતી. ડોલર/ પાઉન્ડમાં કમાનારના દિલ પણ એટલા મોટા કે બેગો ચિક્કાર ભરાઈને આવતી અને વળતી મુસાફરીમાં ત્યાં ન મળતો દેશી માલ એમાં ભરાઈને જતો.

એ સમયે કોઈ એન.આર.આઈ.ના કેમેરા માટે રીચાર્જેબલ સેલની જરૂર પડતી તો એ તાત્કાલિક હાજર કરીને ‘અહી હવે બધું જ મળે છે’ એવું દર્શાવવામાં લોકો ગૌરવ અનુભવતા. જયારે અત્યારે એન.આર.આઈ. મહેમાન iPhone 8 Plus વાપરતો હોય અને ઘરધણી iPhone X વાપરતો હોય એવું પણ ક્યારેક બનતું હોય છે. ગ્લોબલાઈઝેશનના ફળ સ્વરૂપ તમે ઓલું લાવજો પેલું લાવજો … કહીને હક કરવાની નાની બકુડી ખુશીઓ પણ છીનવાઈ ગઈ છે! તો સામે ભૌતિક સુખ-સગવડ અને સાધનો બંને તરફ સરખા થતાં માનસિકતામાં ઘણું પરિવર્તન આવ્યું છે. ઉદારીકરણની સાથે મોં મચકોડતી મામી અને વાંધા પાડતી કાકી નામની સંસ્થાઓ નામશેષ થવા આવી છે, સાથે સાથે એનઆરઆઈ કુટુંબો પરનું ‘ત્યાં જઈને બદલાઈ ગયા’નું લેબલ પણ ઘણે અંશે દૂર થઇ ગયું છે.

सुन भाई साधो …

દીકરાનું નામ ‘વૈશાખ’ પાડશો તો

એનો દીકરો ‘વૈશાખનંદન’ કહેવાશે.


* પિયું પહેલી પેસેન્જરમાં આવજો.

Published December 28, 2010 by કૃતેશ

જેનો પ્રિયતમ પરદેશ ગયો છે અને હવે થોડા જ દિવસોમાં પરત આવી રહ્યો છે એવી મિલન ઉત્સુક નાયિકાનું હ્રદય હંમેશા ઇચ્છે કે મારો પિયુ વહેલો પાછો આવે અને સાથે ઘણિબધી ભેટ પણ લાવે. આ પ્રેમના પરમાટનું ગીત માણિયે.
નાટક – અરુણોદય
કવિ – પ્રભુલાલ દ્વિવેદી
ગાયક – દિપ્તી દેસાઈ
તમે જો જો ના વાયદા વિતાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
સિલ્કની કીનાર કેરાં વાયલ આછેરાં,
કોઇક નવા નાટકનાં પચ્ચાઓ પેર્યા,
થોડા હૅન્ડબિલ હેરઓઇલ તણાં લાવજો,
પિયું પહેલી પેસેન્જરમાં આવજો.
એક હારમોનિયમ,એક હારમોનિયમ,
એક હારમોનિયમ, પૅરિસનું લાવજો,
આવવાનો તાર મને આગળ મોકલાવજો,
તમે સામા સ્ટેશન પર સીધાવજો

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s