અમદાવાદનું ભજીયા-દાળવડા કલ્ચર


દાળવડા લારીથી આગળ વધી નથી શક્યા જયારે ભજીયાવાળા પાછળ આખું ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ લાગેલું છે

વરસાદ વિના અઠંગ દાળવડાબાજો દાળવડાને સુંઘે પણ નહિ. આર્દ્રા નક્ષત્ર બેસે,
કેરી ખાવાનું બંધ થાય અને ખાસ તો વરસાદ પડે પછી જ દાળવડાની મહેફીલો મંડાય

Dalvada Cultureમદાવાદમાં દશેરાએ ફાફડા જલેબી અને ચોમાસું આવે એટલે ભજીયા-દાળવડાની દુકાનો પર લાઈનો લાગે છે. સામાન્ય રીતે જયારે સપ્લાય કરતા ડિમાંડ વધે ત્યારે લાઈન લાગે. મફત ન મળતું હોય છતાં લાઈન લાગતી હોય એવું સુરતમાં તો બને, હવે અમદાવાદમાં પણ બનવા માંડ્યું છે એની નવાઈ છે.

અમદાવાદની દાળવડા સંસ્કૃતિના પ્રસારમાં પશ્ચિમ અમદાવાદનો ફાળો વિશેષ રહ્યો છે. અમદાવાદમાં દાળવડાની પહેલી લારી ક્યારે શરુ થઈ અને કોણે કરી, એ જાણવું હોય તો તમે ખોટી જગ્યાએ આવી ગયા છો. અમે ગુગલ કે બીજેથી ઉઠાવેલી વાસી વાતોને ફરી તળીને પીરસવામાં નથી માનતા. અમે પેલ્લા ઘાણના લેખક છીએ. ચોખવટ પૂરી. જેમ મનુષ્ય યોનિમાં કરોડો લોકો જન્મ લે છે પરંતુ એમાંથી સો-બસો જ પોતાનું નામ કરી જાય છે, એમ દાળવડા બનાવનારા ઘણા હશે, પણ દાળવડા તો ખાડાના જ – આવી માન્યતા અમદાવાદીઓ રાખે છે, ખાસ કરીને પશ્ચિમ અમદાવાદવાસીઓ. જેમ સારા અને ખરાબ માણસો એમના વર્તનથી આપોઆપ ઓળખાઈ આવે છે, એમ સારા દાળવડા અને ખરાબ દાળવડા દુકાન પર લાઈન લાગે છે કે નહીં તે જોવાથી આપોઆપ ઓળખાઈ આવે છે. નેતાના ભાષણમાં દમ ના હોય છતાં એની સભામાં ભીડ થતી હોય એવું બને, પણ દાળવડામાં દમ ના હોય તો એની દુકાન પર લાઈનો નથી લાગતી.

મનુષ્યો માટે એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે પણ દાળવડા અને ભજીયાના કારીગરો આ બાબતે ભગવાનથી જુદા પડે છે. દાળવડાને કોની સાથે પેર કરવા અને ભજીયાને કોની સાથે પરણાવવા એ કારીગર નક્કી કરે છે. સામાન્ય રીતે દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી આપવાનો રીવાજ છે. કઢી, આમલીની ચટણી કે પપૈયાના સંભારા સાથે દાળવડા પીરસનાર કારીગર કુંભીપાક નામના નરકને પામે છે જેમાં યમના દૂતો નારકીઓને પકડીને તપાવેલા વાસી-ખોરા તેલમાં નાખે છે. ટૂંકમાં મફતમાં મળતું હોય તો દીવેલ પણ પી જાય એવા અમદાવાદની તાસિર દાળવડાના કારીગરને ખબર હશે અને એથી જ એ લોકો મરચાં અને ડુંગળી જેવા તામસી અને એકલા ન ખવાય એવા તત્વોનું દાળવડા સાથે પેકેજીંગ કર્યું છે. બાકી ફાફડા સાથે કઢી મફત મળતી હોવાથી વાડકીમાં કાઢી કાઢીને લોકો પી જાય છે. પપૈયાનું છીણ હોય તો એનો પણ બુકડો ભરી જાય. પણ તળેલા મરચાં તો એક દાળવડા સાથે એકથી વધારે ન જાય, નહીતર બીજા દિવસે પસ્તાવો થાય!

ભજીયા સાથે શું આપવું એ ચણાના લોટના આવરણ નીચે શું છે એના પરથી નક્કી થાય છે. મરચાના ભજીયા સાથે મરચા અને કાંદાના ભજીયા સાથે સમારેલી ડુંગળી આપવી એ ખાતર ઉપર દીવેલ જેવું ગણાય. મરચાની તીખાશ ન લાગે એ માટે મરચાના ભજીયા સાથે આમલીની ચટણી આપવાનો રીવાજ છે. બટાકાની પતરીના ભજીયા કોઈની કંપનીના મોહતાજ નથી. એટલે જ બટાકાના ભજીયા અને બટાટાવડા ભોજનની થાળીમાં સ્થાન પામે છે. તમને ભોજન સમારંભના મેનુમાં ભજીયા મળી આવશે પણ દાળવડા શોધ્યા નહિ જડે. દાળવડાના પાછા ટાઈમિંગ હોય છે. આર્દ્રા નક્ષત્ર બેસે, કેરી ખાવાનું બંધ થાય અને ખાસ તો વરસાદ પડે પછી જ દાળવડાની મહેફીલો જામે છે. વરસાદ વિના અઠંગ દાળવડાબાજો દાળવડાને સુંઘે પણ નહિ. આ જ કારણથી અકડુ પ્રકૃતિના દાળવડા લારીથી આગળ નથી વધી શક્યા, જયારે ભજીયાવાળા પાછળ આખું ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ લાગેલું છે. પન ઈન્ટેન્ડેડ.

દાળવડાતુર વ્યક્તિએ લાઈનમાં ઉભા રહી દાળવડા તળાતાં, જોખાતા અને પડીકે બંધાતા જોવા સિવાય બીજું કંઈ કરવાનું હોતું નથી. બાકી હોય એમ લાઈનમાં પણ મોટે ભાગે પુરુષો જ હોવાથી બીજી કોઈ રીતે ટાઈમપાસ થઈ શકતો નથી. આ સંજોગોમાં બળેલા તેલના રગડાથી મઢેલી તેલની કઢાઈ અને સદ્યતલિત (નવો શબ્દ જન્મ્યો છે) એટલે કે તાજા તળેલા દાળવડા તરફ જ બધાની નજર હોય છે. કઢાઈની પાછળ કરડા મોંવાળા, લાઈનથી કદી ન કંટાળતા રવજીભાઈ, ધનજીભાઈ, કે રમણભાઈ બેઠેલા હોય છે જે ભાગ્યે જ વાચાળ હોય છે. બીજા કેટલાય ધંધામાં ધંધાર્થી ચાલુ કામકાજે તમારી સાથે વાતો કરે, હસી-મજાક કરે. પરંતુ દાળવડા વેચનાર માટે બીઝનેસ મીન્સ બિઝનેસ. દાળવડા વેચનાર ફર્સ્ટ-ઇન-ફર્સ્ટ આઉટ (ફીફો) અથવા ટોકન સિસ્ટમ પ્રમાણે રૂપિયા પહેલા આપનારનું પડીકું પહેલું બાંધે છે. આ બતાવે છે કે દાળવડાનો ધંધો કરનાર મેનેજમેન્ટના સિદ્ધાંતો બરોબર જાણે છે.

જેમ દારૂના પીઠામાં દૂધ ન મળે, એમ દાળવડા વેચનારા જવલ્લે જ ભજીયા વેચતા હોય છે. માર્કેટિંગમાં ભલે ‘રાઈટ પ્રોડક્ટ મિક્સ’ શીખવાડવામાં આવતું હોય, પણ આ લોકોને દાળવડા પર એટલી શ્રધ્ધા હોય છે કે એક જ પ્રોડક્ટ પર સાત પેઢીઓ ચાલી જાય છે. એ રીતે દાળવડાએ ‘એકલા ચાલો એકલા ચાલો એકલા ચાલો રે …’ ને સાર્થક કર્યું છે. બર્ગર, સેન્ડવીચ, કે આઈસ્ક્રીમની દુકાનમાં પ્રોડક્ટના જાતજાતના કલરફૂલ ફોટા લાગેલા હોય છે. પરંતુ દાળવડાની દુકાનમાં હનુમાનજી કે મહાદેવજી જેવા કોક એકાદ દિવાલ પર મરકતા બેઠા હોય કાં કાળી ટોપી પહેરેલા લારીના સ્થાપકનો ફોટો હોય. બાકી દાળવડા વેચવા તમારે પ્રોડક્ટ ફોટોગ્રાફી નથી કરાવવી પડતી. આથી વિશેષ દુકાનમાં કોઈ સાજસજાવટ પણ નથી હોતી. એક લારી મુકાય એટલી જગ્યામાં દાળવડાનો ધંધો શરુ કરી શકાય છે. આઈઆઈએમ સંસ્થાન દ્વારા આ દાળવડા માર્કેટિંગ કે બિઝનેસ સ્ટ્રેટેજી અંગે કોઈ સંશોધન પત્ર હજુ સુધી બહાર નથી પડ્યું, જે ગુજરાત અને દેશના અન્ય પ્રદેશમાં વસતા લોકોનું દુર્ભાગ્ય છે.

મસ્કા ફન

“તારે કપાલભાતિ પ્રાણાયામ કરવો હોય તો દૂર જઈને કર, મારા મમરા ઉડી જાય છે” – વિશ્વ યોગ દિવસે સાંભળેલું

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s