જ્યારે જયારે હું અવકાશ તરફ મંડાયેલી ડીશ એન્ટેના જોઉં છું ત્યારે ત્યારે મને સેલ્ફી લેતી વખતે અફાટ આકાશ તરફ તકાયેલી બગલ યાદ આવે છે. ડીશ એન્ટેના તો અવકાશી સેટેલાઈટ તરફથી આવતા સિગ્નલ ઝીલવા માટે ગોઠવવામાં આવે છે. જયારે બગલથી કોઈ સિગ્નલ ઝીલવાના હોતા નથી. એ માત્ર સેલ્ફી ઝડપવાની ક્રિયાની આડ પેદાશ છે. પણ એના લીધે આજ દિન સુધી જે બગલો ગુમનામીના અંધકારમાં ગરક હતી એ હવે મુક્ત હવામાં શ્વાસ લઇ રહી છે. એ હકીકત છે.
સામાન્ય રીતે વસ્ત્રોના આવરણ નીચે રહેનારો આ વિસ્તાર ખુલ્લામાં આવ્યો એના મૂળ કારણો તો ભૂગોળમાં આપેલા જ છે. પરીક્ષામાં પાંચ માર્કની ટૂંકનોંધ પૂછાય તો તમે લખી શકો કે ભારત સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો પ્રદેશ છે. આપણે ત્યાં લગભગ આઠ નવ મહિના ગરમીનું સામ્રાજ્ય રહે છે. ઉપરાંત આજકાલ ડુડ ગણાતા લોકો બાયસેપ્સ બતાવવા માટે અને કન્યાઓ બોલ્ડ દેખાવા માટે બાંય વગરના કપડા પહેરે છે. કન્યાઓમાં બાંય વગરની કુર્તી, ટોપ અને બ્લાઉઝ પ્રચલિત છે. જયારે બાંય વગરના લેંઘા, પેન્ટ કે શર્ટની ફેશન હજી આવી નથી એટલે છોકરાઓ પણ બાંય વગરના ટીઝ કે પછી કેવળ ગંજી પહેરીને ફરી રહ્યા છે. એમાં ફ્રન્ટ કેમેરા સાથેના મોબાઈલનું આગમન થયું પછી તો બગલોએ આકાશ ભણી મીટ માંડી છે. વગેરે વગેરે …
આમ તો કોઈની પણ બગલ એ જે તે વ્યક્તિનો અંગત વિસ્તાર છે. ખુલ્લા પ્લોટના માલિકની જેમ એ વિસ્તારના માલિકને પણ એની સાથે મેઇન્ટેનન્સ સિવાય બીજી કોઈ લેવાદેવા હોતી નથી. પણ જેમ કોઈ વ્યક્તિ નેતા કે અભિનેતા બની જાય પછી એ જાહેર જીવનનો એક ભાગ બની જાય છે; એમ સેલ્ફી લેવા માટે હાથ ઉંચો કર્યા પછી બગલ એ જાહેર સ્થળનો ભાગ બની જાય છે. એટલે જ હવે વ્યક્તિએ પોતાની બગલ બાબતે ગંભીર થવાનો સમય આવ્યો છે. આજ દિવસ સુધી જ્યાં માત્ર સાબુ અને હાથ જ પહોંચી શકતા હતા એ વિસ્તાર હવે સમાજની નજર નીચે આવ્યો છે. અમારી તો માગણી છે કે સ્વચ્છ ભારત અભિયાનને આ સેલ્ફીબાજોની બગલ સુધી લંબાવવું જોઈએ. જાહેર સુખાકારી માટે પણ એ એટલું જ જરૂરી છે. સીધી વાત છે તમે મોલમાં મહાલવા ગયા હોવ તો આસપાસના લોકો પણ કંઈ ‘આપકી મહેકી હુઈ બગલ કી ખુશબુ’ લેવા નથી આવ્યા હોતા.
અત્યાર સુધી તો આ શરીરના આ ભાગની દરકાર લેવા માટે ડીઓડરન્ટ સ્પ્રે અને લેસર ટ્રીટમેન્ટ સિવાય બીજી કોઈ પ્રોડક્ટ કે પ્રોસીજરનો વિકાસ થયો નથી. પણ હવે આ વિસ્તાર કોસ્મેટીક ઇન્ડસ્ટ્રીના દાયરામાં આવી જ ગયો સમજો. બગલ સ્વરૂપે કોસ્મેટિક પ્રોડકટસ માટે એક આખું નવું ક્ષેત્ર ખુલ્યું છે. શક્ય છે કે ટૂંક સમયમાં જ આપણને ટીવી ઉપર ‘બગલ કી ત્વચા કી નમી’, ‘કાંખ કે ગોરેપન કા રાઝ’ અને ‘અન્ડર આર્મ કી ત્વચાકી દેખભાલ’ને લગતા કાર્યક્રમો અને ટીવી કોમર્શીયલ્સ જોવા મળી શકે. બગલના કીટાણું માટે તો અત્યારે એ લોકો આપણી મેથી મારી જ રહ્યા છે પણ પછી ‘બદબુદાર બગલ’ને લઈને ડીપ્રેસનમાં આવી ગયેલા કોઈ જાડિયાને કહેતા સાંભળશો કે “મૈ બહોત પરેશાન થા. મેરી હર સેલ્ફી મેં મૈ અકેલા હી હુઆ કરતા થા. જબ ભી મેં સેલ્ફી કે લિયે હાથ ઉપર કરતા થા તબ મેરે સબ દોસ્ત ભાગ જાતે થે. અબ મૈ ખુશ હું. ક્યોં કી અબ મેરે પાસ હૈ બગલ બહાર લોશન. સિર્ફ સાત દિન મેં બાગલીસ્તાન મેં બહાર!’ ‘ધૂપ સે બગલ કી સુરક્ષા’ બાબતે પણ આપણને સજાગ કરવામાં આવશે. સફેદ એપ્રન પહેરેલી મોડેલ આપણને તતડાવશે કે ‘ઉત્તરાયણના દિવસે આખો દિવસ તડકામાં સેલ્ફીઓ લઇ લઈને તમે તમારી બગલની શું હાલત કરો છો! તાપથી બચવા માટે માથા ઉપર કેપ અને આંખ ઉપર ગોગલ્સ પહેરો છો અને બગલ માટે કંઈ નહિ? અમારું બગલ વિલાસ ક્રીમ એક માની જેમ આપની બગલની સંભાળ લેશે અને એને બચાવશે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી.’ એ લોકો સેલ્ફી સ્ટીક મેન્યુ ફેકચરર સાથે કોલાબોરેશન કરશે પછી તો સેલ્ફી સ્ટીક વડે ફોટો ક્લિક કરતી વખતે સ્ટીકના બીજા છેડેથી બગલ તરફ પરફ્યુમનો ફુવારો છૂટે એવા મોડેલ પણ બજારમાં આવશે.
બસ, હવે કલ્પનાનું ગધેડું આટલે જ અટકાવીએ. આ બધું પુરાણ કરવાનું કારણ એટલું જ કે અત્યાર સુધી અગોચર રહેલા આ વિસ્તારોની જમીની હકીકત જોઇને અમે ચોંકી ઉઠ્યા છીએ. એટલે અમારી આજીજી ભરી વિનંતી છે કે શરીરના આ અગત્યના વિસ્તારને જો તમે સરકારી ખરાબાની જમીનની જેમ ટ્રીટ કરતા હોવ તો પ્લીઝ આખી બાંયના કપડા પહેરવાનું રાખજો. કમસે કમ સેલ્ફી લેતી વખતે તો ખાસ. સમાજ માટે તમે આટલું તો કરી જ શકો.
सुन भाई साधो …
“પાંચસો ગ્રામ દાળવડા આપો ને”
“ખાવાના છે?”
“ના. સોસાયટીવાળા ભેગા થઈને દાળવડાથી મારદડી રમવાના છીએ”
—–X—–X—–
Like this:
Like Loading...
Related
About 'બધિર' અમદાવાદી
Columnist with:
નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi)
ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા)
Wrote for:
મારી સહેલી મેગેઝીન (Monkey बात)
અભિયાન મેગેઝીન (Special issues)
દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
બગલ પુરાણ ….મઝા આવી .
LikeLiked by 1 person
Thank you Kshitij bhai for appreciating my work. 🙏
LikeLike
બગલ કાળી છે એનું તો આપે રિસર્ચ કર્યું, પણ હવે ગંધાય છે એને વિષે ના લખશો, કોમ્પ્યુટર ગંધાઈ જશે. LOL
LikeLiked by 1 person
Hahahahahahahaha
LikeLike
બીજું ગમેતે કરો પણ કોમ્પ્યુટર પદ ડીઓ ન છાંટતા. 😀
LikeLike