પાણીપૂરી પર પ્રતિબંધ નથી …


Pani Puri

પાણીપૂરી પર પ્રતિબંધ નથી! આ વાક્ય ‘ઈશ્ક પર જોર નહિ’ જેવું ભલે લાગે પણ તાત્વિક રીતે બંને પાછળનો ભાવ એક જ છે. માણસને અને એમાં પણ મહિલાઓને પાણી પૂરી ખાતા કોઈ રોકી શકે એમ નથી. દેન છે કોઈની કે એના હાથમાંની પૂરીને કોઈ હાથ અડાડે? ચાહે આંધી આયે, તૂફાન આયે, ભૂચાલ આયે … પૂરી સે એક બૂંદ ન છલકે અગર છલકે તો કાયદે સે ઉન કે મુંહ મેં છલકે. સોરી, એકદમ બચ્ચન સાહેબ યાદ આવી ગયા.

હા, તો વડોદરામાં કમળો, કોલેરા અને અન્ય રોગચાળા માટે કારણભૂત હોવાની શંકાથી પાણીપૂરીના વેચાણ ઉપર પર હંગામી ધોરણે પ્રતિબંધ મુકાયો હતો. કાયમી પ્રતિબંધ મુકાય તો દારૂબંધી અને ઇન્ટરનેટબંધી પછી ગુજરાતનો આ ત્રીજો મોટો પ્રતિબંધ ગણાશે. કેટલાય મહિલા સંગઠનો આને મહિલા વિરોધી નિર્ણય ગણાવે છે અને નારીઓના આ કુદરતી અધિકારની રક્ષા માટે મહિલા આયોગ દરમ્યાનગીરી કરે એ માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે. તો પુરુષ સંગઠનો અને વોટ્સેપ સેના દારૂબંધી પછી પાણીપુરી બંધીને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં અગત્યનું પગલું ગણાવે છે. જોકે ૧૦ રૂપિયાનો સવાલ એ થાય છે કે પાણીપુરી બંધ થવાથી પુરુષોનો હરખ કેમ સમાતો નથી?

કોઈપણ પ્રકારે સ્ત્રીઓના આકર્ષણનું કેન્દ્ર બનવું એ પુરુષસહજ વૃત્તિ છે. આ એક કારણ છે કે જેને લીધે પુરુષો પાણીપુરીવાળા ભૈયાથી બળે છે. અહીં ભૈયો એ હરીફ છે. ભૈયા અને પાણીપુરીની લારીની આસપાસ ટોળે વળતી સ્ત્રીઓનું દ્રશ્ય કોઈ પણ પુરુષ માટે ઈર્ષાકારક છે. મોટા ભાગના પુરુષો આવા ભૈયા, ટેલર્સ, અને મહિલાઓને કોસ્મેટીક્સ અને હોઝિયરી વેચતા વેપારીઓની છુપી ઈર્ષ્યા કરતા હોય છે. ઘરમાં પતિને આંખને ઇશારે નચાવતી માનુની હાથમાં પ્લેટ પકડીને ધીરજપૂર્વક પોતાના વારાની રાહ જોતી ચુપચાપ ઉભી હોય એવો પ્રભાવ ઉભો કરવો પતિવર્ગ માટે સ્વપ્નવત છે.

ઘણી સ્ત્રીઓ પાણીપુરીની ક્વોલીટીથી, ખાસ કરીને પાણી અને ચણા-બટાટાની લુગદીથી, સંતૃષ્ટ ન હોઈ ઘેર જાતે પાણીપુરી બનાવે છે. એમાં પૂરી બહારથી લાવે અને બાકીનું ઘેર બનાવે છે. પણ ભોગેજોગે પૂરી લાવવાના અંદાજમાં જો ગડબડ થાય, તો ઘરમાં પાણીપુરી સપ્તાહ ઉજવાઈ જાય છે. મહદઅંશે તો પાણી વધે અને પુરીઓ ખલાસ થઇ જાય એટલે બીજા દિવસે ફક્ત પૂરીઓ લાવવામાં આવે છે. બીજી બેઠક પછી વધેલી પૂરીઓના પ્રમાણમાં પાણી ન વધે એટલે ત્રીજા દિવસે પાણી, ફુદીનો અને તૈયાર મસાલો નાખીને મહેફિલ જમાવવામાં આવતી હોય છે. આશ્ચર્યજનક રીતે ત્રીજા દિવસની પાણીપૂરીને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવે છે, કારણ કે એના સ્વાદનું ફાઈન-ટ્યુનીંગ થયેલું હોય છે.

પૂરીઓ ઘણી વધારે આવી ગઈ હોય તેવા કિસ્સામાં પહેલા દિવસે પાણીપુરી, બીજા દિવસે સેવપૂરી, ત્રીજા દિવસે દહીપુરીની લહેજત માણવામાં આવે છે. ચોથા દિવસે ભાઈ ઘેર ફોન કરીને પૂછી લે છે કે ‘ઘેર પાણીપૂરી પૂરી થઈ કે નહીં?’ અને જવાબ જો ‘ના’ આવે તો ‘આજે મારે પાર્ટી સાથે એકાએક બહાર ડીનરનું નક્કી થયું એટલે ચેક કરવા ફોન કર્યો કે ઘેર બગડે એમ તો નથી ને’, કહી બહાર જમીને ઘેર આવે છે. બીજી સવારે ઓફિસ જતા પહેલા પાછો ફ્રીજ અને ડબ્બા ચેક કરીને જાય છે કે ‘પૂરી પૂરી થઈ કે નહીં’. આવું છેલ્લી પૂરી સુધી ચાલતું હોય છે. મનુષ્યની આ વૃત્તિને લઈને જ રાત્રે વાળુ માગવા આવનારને કદી પાણીપૂરી ખાવા મળતી નથી.

કોઈપણ સ્ત્રી ઘેરથી પાણીપુરી ખાવા જાઉં છું એમ કહીને નીકળતી નથી. પોતાના વ્હાલા સ્વજનોને મુકીને એકલા એકલા પાણીપૂરી ખાવાનો એનો ઈરાદો પણ હોતો નથી. છતાં સોલો શોપિંગ ટ્રીપ, શાકમાર્કેટ કે બ્યુટીપાર્લર તરફ ઉદ્ભવેલી ટ્રીપ ફંટાઈને પાણીપુરીની લારી તરફ કેમ વળી જાય છે એનું કારણ મનોવૈજ્ઞાનિકો અને મનોચિકિત્સકો આજ દિન સુધી શોધી શક્યા નથી. પતિને તડ અને ફડ મોઢા પર કહી દેવામાં વાર ના લગાડતી સ્ત્રી પાણીપુરી ખાવાની વાત પતિથી શું કામ છુપાવે છે તે સમાજશાસ્ત્રીઓ માટે પણ મોટો કોયડો છે.

શહેરમાં ટ્રાફિકના અનેક પ્રશ્નો શાકમાર્કેટ આસપાસ ફરતી ગાયો અને પાણીપુરીવાળાની આસપાસ એકત્ર થતી સ્ત્રીઓના ટુ વ્હીલર્સને કારણે થાય છે. રાત્રે ધંધો વધાવ્યા પછી લારીની નજીકમાં જ ઢોળવામાં આવતું ડીશો ધોયેલું પાણી આમ તો ગંદકી જ કરે છે પરંતુ કદાચ એમાંથી ઉઠતી પાણીપૂરીની વિશિષ્ઠ ગંધ બીજા દિવસે પણ ગ્રાહકોને આકર્ષતી હશે.

એક જમાનામાં કુવે કે નદીએ પાણી ભરવા જવાને બહાને સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા મળતું. એટલે જ જયારે ઘેર-ઘેર નળ દ્વારા પાણી આપવામાં આવ્યું ત્યારે અમુક ઠેકાણે એનો વિરોધ પણ થયો હતો. હવે નર્મદા યોજના જેવી યોજનાઓને કારણે જયારે પાણી ઘેર ઘેર પહોંચી ગયું છે ત્યારે સ્ત્રીઓ, ખાસ કરીને ગૃહિણીઓ, માટે ઘરની બહાર જવા માટે પાણીપુરી એ એક મજબૂત કારણ છે. આમાં પાણી લેવા જવાની પરમ્પરાનું સાતત્ય પણ જળવાઈ રહે છે. આમાં પાણી ભરેલી પૂરી માથે મુકીને મલપતી ચાલે ઘરે આવવાનું હોતું નથી એટલો જ ફેર. પાછું દસ રૂપિયા જેવી સામાન્ય રકમ કોઈને પણ પોસાય છે. સૌથી અગત્યનું જીભનો ચટાકો પૂરો થાય એ છે.

હજુ પણ મોટેભાગે રસોઈનું કાર્ય સ્ત્રીઓ જ સંભાળે છે. ક્યાંક સસરાના પાઈલ્સ ને ક્યાંક સાસુના અલ્સરને કારણે સકારણ અથવા અકારણ સ્વાદ વગર બનતી રસોઈ પાણીપુરીની જરૂરિયાત ઉભી કરે છે. અવારનવાર શાકમાર્કેટ કે ખરીદી કરવા જતી સ્ત્રીઓને પાણીપૂરી ખાવાનો મોકો આસાનીથી મળી રહે છે. આમ એમની લાલસા સમયાંતરે સંતોષાતી રહેતી હોઈ ઘેર પાણીપૂરી બનાવવાનો કાર્યક્રમ પાછો ઠેલાતો રહે છે, જેને લીધે પુરુષવર્ગ પાણીપૂરીથી વંચિત રહી જાય છે. પરંતુ અમારું અનુમાન છે કે સંપૂર્ણ પ્રતિબંધ ન મુકાય તો પણ સ્વચ્છતાના દુરાગ્રહના કારણે લારીની પાણીપુરી એનો અસલ સ્વાદ ગુમાવશે અને ઘેર પાણીપૂરી બનાવવાનું ચલણ વધશે. એટલે જ આ પ્રતિબંધને લઈને પુરુષવર્ગ ખુબ જ ઉત્સાહિત જણાય છે. તથાસ્તુ.

મસ્કા ફન
ખુમચાવાળા ભૈયાનો મોભો સાકીથી કમ ન આંકવો કારણ કે
શરાબના તલબગારો સાકી પર આટલી હદે ફિદા નથી હોતા!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

3 Responses to પાણીપૂરી પર પ્રતિબંધ નથી …

  1. Kshitij Thakore કહે છે:

    Super.. enjoyed ….

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s