સીલી મિસ્ટેક


Silly Mistakes

Photo courtesy: cdn.newsapi.com.au

ભૂલ દરેક કરે છે પણ જે પોતાની ભૂલ સ્વીકારે છે એની વાટ લાગી જાય છે.

મણાં એક બોર્ડની પરીક્ષામાં શિક્ષકો દ્વારા થતી સીલી મિસ્ટેકનો કિસ્સો બહાર આવ્યો છે. પેપરના ટોટલ કરવામાં ગજબની ભૂલ પકડાઈ. અંદર ૮ માર્ક હોયને બહાર ૮૦ બોલે. બીજા કિસ્સામાં ૧૧ વત્તા ૧૧ વત્તા ૧૧ વત્તા ૧૧ નું ‘કુલ’ ટોટલ ૧૧ થયું. વળી એક કિસ્સામાં ૧૭ ના ૭૧ થઈ ગયા. અહીં કોકને લોટરી લાગી. કોકની ધોલાઈ થઈ. પણ આપણા લોકોની મહાનતા જુઓ કે જેના ૮ ના ૮૦ થયા એ ફરિયાદ કરવા નથી આવતું કે ‘મારો છોકરો તો ૮૦ લાવે જ નહીં, ફરી ચેક કરો!’

એવું કહેવાય છે કે માણસમાત્ર ભૂલને પાત્ર. ભૂલ દરેક કરે છે પણ જે પોતાની ભૂલ સ્વીકારે છે એની વાટ લાગી જાય છે. ભૂલ બીજાને માથે થોપી દેવી એ પણ એટલું જ સ્વાભાવિક છે એવું અમારો કોર્પોરેટ અનુભવ કહે છે. પણ બોર્ડમાં પેપરચેકિંગ કરનારની જવાબદારી નક્કી થયેલી હોય છે. વળી શિક્ષકે ઉત્તરવહી પર સહી પણ કરવાની હોય છે. એટલે પેલું ગુરમહેર કૌરના ‘પાકિસ્તાન ડીડ નોટ કિલ માય ફાધર, વોર ડીડ’ જેવું અહીં ન ચાલે કે ‘ટોટલની મિસ્ટેક મેં નથી કરી, મારી પેને કરી છે’. ત્યાં ગુરમહેરની તરફેણમાં તો ઘણા આવી ગયા હતા, પણ અહીં ટોટલ મિસ્ટેક થાય તો તમારો બચાવ કરવા કોઈ લિબરલ નથી આવવાનું. નથી કોઈ સુપર લિબરલ સિનીયર રાજકારણી ‘લોન્ડો સે ગલતી હો જાતી હૈ’ કરી તમારું ઉપરાળું લેવા આવવાનો. આમાં તો ફૂલની પાંખડી જેટલું જે મહેનતાણું મળે છે એ પણ કપાઈ જાય છે!

જે ડાળ ઉપર ઉપર બેઠા હતા એ જ ડાળ કાપવાની સીલી મિસ્ટેકને કારણે કાલીદાસનાં લગ્ન રાજકુંવરી સાથે થયા હતા એવી કિંવદંતિ છે. માળવાની વિદુષી કુંવરી વિદ્યોત્તમાંએ વિદ્વાનને પરણવાની હઠને લઈને દરબારના ઇન-હાઉસ વિદ્વાનોનું અપમાન કર્યું હતું. આ વિદ્વાનોએ એને પાઠ ભણાવવા માટે કુંવરીના લગ્ન બેવકૂફ જણાતા કાલીદાસ સાથે કરાવી દીધા. એ પછી જે બન્યું એ ઈતિહાસ છે, પણ એ સીલી મિસ્ટેકથી કાલિદાસના ‘અચ્છે દિન’ આવી ગયા હતા.

ધૂની માણસો સીલી મિસ્ટેક કરે ત્યારે એ વિચક્ષણમાં ખપે છે. દેખાવે લઘરવઘર અને વિચિત્ર હરકતો કરનાર કાંતો ચક્રમ અથવા જીનીયસ લેખાય છે. ભૂલેચુકે આપણે આઇન્સ્ટાઇન જેવી હેર-સ્ટાઈલ રાખીને ફરીએ તો કોક આપણને સોની નોટ પકડાવી ને કહે કે ‘લે ભઈ હમણાં ને હમણાં વાળ કપાઈ આય, રૂપિયા હું આલું છું’. ન્યુટને પોતાની પાળેલી નાની અને મોટી બે બિલાડીઓના આવવા-જવા માટે અલગ સાઈઝના બે બાકોરા રાખ્યા હતા. આમાં દરેક બિલાડીઓને આવવા-જવા માટે પોતપોતાનું આગવું કાણું મળી રહે તેવો ન્યુટનજીનો ઉચ્ચ આશય હશે, પરંતુ ઇતિહાસમાં આ ન્યુટનની સીલી મિસ્ટેક ગણાય છે.

ક્યારેક એક વ્યક્તિની સીલી મિસ્ટેક બીજી વ્યક્તિ માટે છટકબારી બની જતી હોય છે. સારા માર્ક લાવીને પાસ થવા માટે ઉંચી ફી ભરીને કોચિંગ ક્લાસમાં દાખલ કરાયેલા જીગાભ’ઈ ફેલ થાય ત્યારે ક્લાસના સર ‘તમારો જીગ્નેશ આમ તો સોમાંથી સો લાવે એવો છે, પણ કોણ જાણે કેમ પરીક્ષામાં સીલી મિસ્ટેક કરી આવે છે’ કહીને છટકી જતા હોય છે.

દેખીતી રીતે જ બેવકૂફીભરી જણાતી ભૂલ કોઈ જાણી જોઇને તો ન જ કરે, પણ થઇ જતી હોય છે. આવી ભૂલોનું પ્રેમ જેવું છે. જેમ ફિલ્મોમાં ગાઈ વગાડીને કહેવામાં આવે છે કે ‘પ્યાર કિયા નહિ જાતા હો જાતા હૈ’ એમ જ સીલી મિસ્ટેક્સ જાણી જોઇને કરવામાં આવતી નથી.

ક્યારેક દેખીતી રીતે ‘સીલી મિસ્ટેક’ લાગતું પગલું ‘સ્માર્ટ મુવ’ નીકળે છે. ૨૦૦૭ની T20 વર્લ્ડકપની ફાઈનલની છેલ્લી ઓવરમાં ૬ બોલ બાકી હતા અને ૧૩ રન કરવાના હતા. પાકિસ્તાનની છેલ્લી વિકેટ રૂપે મિસબાહ સ્ટ્રાઈક પર હતો. એ વખતે કેપ્ટન ધોનીએ પાછળથી સ્માર્ટ મુવ ગણાયેલો પણ એ વખતે સીલી મિસ્ટેક લાગે એવો નિર્ણય લઈને જોગીન્દર શર્માને કે જેની લાઈન-લેન્થના ઠેકાણા નહોતા એને આખરી ઓવર આપી. એમાં એક વાઈડ બોલ અને પછી મિસબાહે સિક્સર ઠોકી એટલે જોગીન્દરની સાથે ધોનીને પણ ગાળો પડી. પણ સીલી મિસ્ટેક્સ માટે જાણીતા મિસબાહભાઈને કુમતિ સુઝી ને ઓફ સ્ટમ્પથી ખાસ્સા  બહાર પડેલા બોલને સ્કૂપ કરીને ડીપ ફાઈન લેગ બાજુ સિક્સર ફટકારવા ગયા, અને શ્રીસંતના હાથમાં ઝલાઈ ગયા!

મિસ્બાહને પણ આંટી જાય એવો કિસ્સો થોડા દિવસ પહેલાં જ બન્યો! ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં પાકિસ્તાની બેટ્સમેન અઝહર અલી ભ’ઈ એ બોલ બાઉન્ડ્રી સુધી પહોંચે એવો શોટ તો માર્યો પણ બોલ બાઉન્ડ્રીની સાવ પાસે જઈને ગ્રાઉન્ડની અંદર જ અટકી ગયો! આ બાજુ અઝહર ભ’ઈ ચોગ્ગો સમજીને એમના પાર્ટનર સાથે પીચની વચ્ચોવચ વાતોએ વળગ્યા. દરમ્યાનમાં બાઉન્ડ્રી પરથી થ્રો આવ્યો અને વિકેટકીપરે ચકલાં ઉડાડી દીધા! મેચ પછી અઝહરે એના ભાંગ્યા તૂટ્યા ઇંગ્લીશમાં એટલું જ કહ્યું કે મારી આ સીલી મિસ્ટેકના લીધે મને હમેશા યાદ રાખવામાં આવશે.

ભૂલ નામનો છોડ દરેક પ્રકારની માટી અને વાતાવરણમાં ઉગે છે. ગાંધીજીએ પણ ભૂલો કરી હતી. અમે પણ કરીએ છીએ. તમે પણ કરતા હશો. આપણે અંદર ખોલવાનો હોય એ દરવાજાને બહાર ધક્કો મારતા હોઈએ છીએ. પેનડ્રાઈવ પહેલી વખત તો ખોટી જ નાખીએ છીએ. ગર્લફ્રેન્ડને મોકલવાનો મેસેજ બૉસને મોકલી દઈએ છીએ. નાડુ ડાબી તરફને બદલે જમણી તરફ ખેંચાઈ જાય એમાં બીજો છેડો નેફામાં ગરકાવ થઈ જાય છે. થોડીક તકેદારી રાખીએ તો આવી ભૂલો નિવારી શકાય છે. જોકે આપણા પૂર્વજોએ થોડી તકેદારી રાખી હોત તો આપણે હોત કે કેમ એ જ સવાલ છે!

ચિંતકો એમ કહે છે કે ભૂલ થાય તો સુધારી નાખવી જોઈએ. એટલે જ પેન્સિલના પાછળના છેડે ઈરેઝર લગાડેલું હોય છે. પરંતુ બીજા એક ચિંતક એમ પણ કહે છે કે પેન્સિલ પૂરી થાય એ પહેલે ઈરેઝર પૂરું થાય એટલી પણ ભૂલો ના કરવી જોઈએ. સ્વાભાવિક છે ચિંતકોને આપણી ખરેખર ચિંતા નહીં હોય એટલે જ આવી વિરોધાભાસી સલાહો આપતા હશે.

મસ્કા ફન

સાધક : બાપુ, કોઈ સુંદર છોકરીનો હાથ મેળવવા માટે શું કરવું જોઈએ?

બાપુ: કોઈ મોલની બહાર ટેબલ મુકીને મહેંદી મુકવાનું કામ શરુ કરી દે વત્સ.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s