પડવા વિષે થોડું ચિંતન


Padva Vishe Chintanશૅરબજાર તૂટ્યું. એફઆઈઆઈની ભારે વેચાવલી. માર્કેટમાં ગભરાટ. અફરાતફરીનો માહોલ. માર્કેટ કેપ અમુક હજાર કરોડ ધોવાયું. સેન્સેક્સ તમુક હજાર પોઈન્ટ નીચે. રોકાણકારો નાહ્યા. આ બધું સાંભળીને લાગે કે લાખના બારસો (હા, બારસો) કરવાની સીઝન આવી ગઈ છે. અરે જેમના પોર્ટફોલિયોમાં પા શૅર નથી એ પણ જાણે દટ્ટણ આવ્યું હોય એમ રાંટા હેંડવા લાગ્યા છે. પણ એવું નથી કે એકલું શૅરમાર્કેટ જ પડી રહ્યું છે. ડોલર સામે રૂપિયો પણ ગગડી રહ્યો છે. રૂપિયો જેમ ગગડે એમ પેટ્રોલના ભાવ ઉચકાય છે. આ બગીચાઓમાં બાળકો માટે મુકવામાં આવતા ઊંચકનીચક જેવું છે. પેટ્રોલ ડિઝલના ભાવ ઉચકાય એટલે મોંઘવારી વધે. મોંઘવારી ના ગગડે. જોકે અમને આ ‘ગગડવું’ શબ્દ ખાસ ગમતો નથી. કેમ? એ કહીએ છીએ.

આ પડવાની આખી વાતમાં જો આશ્વાસન લેવું હોય તો અઝીઝ દહેલવીના પેલા જાણીતા શેરથી લઈ કે  गिरते हैं शहसवार ही मैदाने ज़ंग में वो तिफ्ल क्या गिरे जो घुटनों के बल चले ! જે ઉભું હોય એ પડે. જે પહેલેથી સુતું હોય એ પડે નહીં, ગબડે. શેરબજાર ઉપર ગયું હતું, એટલે હવે નીચે આવ્યું છે. પડવા અને ગબડવામાં ફેર છે. પડવામાં ઊંડાઈ છે. ઊંચાઈ છે. ગબડવામાં કોઈ મહાનતા નથી. ગબડીને કે રગડીને તમે અહીંથી ત્યાં જઈ શકો. પણ પડવા માટે ઊંચાઈ જોઈએ. કોઈ કવિ કમ કાર્યક્રમ સંચાલકની ભાષામાં કહેવું હોય તો એમ કહેવાય કે “ધોધ એ ધોધ નહીં બોધ છે. કારણ કે ધોધ પડે છે જયારે ઝરણું અને નદી વહે છે. ધોધમાં ઉર્જા અને આકર્ષણ છે કારણ કે એ પડે છે. અને જેનામાં તળીયાનો તાગ મેળવવાની હામ હોય ને,  એ જ પડી શકે. પડવા માટે નીચેના સ્તર સુધી ઉતરવાની તૈયારી હોવી જોઈએ. દસમા માળની અગાશી પરથી પડનારાઓ નીચે રૂની તળાઈઓના અભરખા રાખતા નથી.  માણસે અહમને કોરાણે મૂકીને પડવાનું હોય છે. પડવું એ એક તરફી ક્રિયા છે. એટલે જ કહ્યું છે કે નેવાના પાણી મોભે ન ચઢે”. વગેરે વગેરે.

જેમ ઢાંકણીમાં પાણી લઈને પ્રતિકાત્મક રીતે ડૂબી શકાય છે, એમ પડવું હોય તો જરૂરી નથી કે તમારે પહાડની ટોચ પર ચઢવું પડે. પ્રતિકાત્મક રીતે તમે ગાલોના ખાડામાં પડી અને ડૂબી પણ શકો છો. પ્રેમમાં પણ પડવાનું આવે છે. પાકિઝાના રાજકુમારની જેમ પગની પાનીના પ્રેમમાં પડી શકાય છે. અમીષા પટેલ જેવી હિરોઈનનું મોઢું એટલું પહોળું છે કે એ કેળું આડું ખાઈ શકે, તોયે એના હોઠના પ્રેમમાં પડી શકાય છે. આ કવિઓએ માત્ર આંખ, હોઠ, કેશ, ગર્દન એવી બે-ચાર આઈટમ્સને એવી ચગાવી છે કે કાન, દાઢી, ઘૂંટણ, એડી, થાપો જેવા અવયવને સખ્ખત અન્યાય થાય છે. જ્યાં સુધી ‘તેરી દાઢી કે સિવા દુનિયામે રખ્ખા ક્યા હૈ’ જેવા ગીતો નહીં લખાય ત્યાં સુધી કવિઓ નિષ્પક્ષ છે એ વાત અમે માનવાના નથી. જોકે અમારો અભ્યાસ એવું કહે છે કે પ્રેમમાં પડવા કરતા ખાડામાં પડવું સસ્તું પડે; આમાં ઓર્થોપીડીક સર્જન ખંખેરી લે તો પણ તમે છ મહિનામાં છુટા થઇ જાવ, જયારે પ્રેમમાં પડો તો જીવો ત્યાં સુધી હપ્તા ભરવાના આવે!

જેમ સુગમ સંગીતના જલસામાં ‘તારી આંખનો અફીણી…’ ગવાય એ જેટલું સામાન્ય છે, એટલું જ સામાન્ય પડવા વિશેની ચર્ચામાં ન્યુટનને યાદ કરવાનું છે. અમને તો એ ખાસ યાદ આવે કારણ કે એન્જીનીયરીંગની છેલ્લી પરીક્ષા આપી ત્યાં સુધી અમને અફસોસ રહ્યો છે કે કાશ ન્યુટનના ઘર પાસે સફરજનનું ઝાડ ના હોત તો? જોકે પાસ થયા પછી ન્યુટનના નિયમોએ જ અમને રોટલા ભેગા કર્યા છે એટલે અમે એને મોડા તો મોડા પણ માફ કરી દીધો છે. ખેર, હવે જયારે પડવાની ચર્ચામાં ન્યુટન આવી જ ગયો છે તો એ પણ જાણી લો કે પડવા પાછળ વૈજ્ઞાનિક કારણો હોય છે. સફરજનો તો પહેલાં પણ પડતા હતા, પણ ન્યુટને જયારે એને પડતું જોયું ત્યારે એણે શોધી કાઢ્યું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે એ ઉપર જવાને બદલે નીચે પડે છે. એટલું જ નહિ પણ એની ગતિમાં વેગ નહિ પણ પ્રવેગ છે. તમે કહેશો કે માથામાં સફરજન વેગથી પડે કે પ્રવેગથી, વાગે તો સરખું જ. તો તમારી વાત પણ સાચી છે. પણ આ વાત તમારો દીકરો સ્કૂલનું લેસન કરતી વખતે તમને પૂછતો હોય તો એને એન્જીનીયરીંગમાં ના મોકલતા નહીંતર અમથો અમારી જેમ હાસ્યલેખનના રવાડે ચઢી જશે.

પડતા સફરજનને જોઇને ન્યુટને જેમ અમને પ્રેક્ટીકલી ધંધે લગાડ્યા એમ જ એકવાર સરોવરના જળમાં જાંબુ પડવાથી થતો ગુલુગુગ્ગુલુગુગ્ગુલુ એવો અવાજ સાંભળીને ભોજ રાજાએ કવિ કાલિદાસને લેસન આપ્યું કે જેનું છેલ્લું ચરણ ગુલુગુગ્ગુલુગુગ્ગુલુ હોય એવી ‘ચાર લાઈનાં’ લખો! કાલિદાસ તો જાણતા હતા કે રાજા, વાજા અને વાંદરા સરખા જ ગણાય એટલે એમને ખ્યાલ આવી ગયો કે આનો જવાબ વાંદરું જ છે. એટલે એમણે અવાજ અને વાંદરાને સાંકળતા ત્રણ ચરણ લખ્યા –

जम्बूफलानि पक्वानि
पतन्ति विमले जले।
कपि कंपित शाखाभ्यां
गुलुगुग्गुलुगुग्गुलु॥

અર્થાત, વાંદરાઓએ હલાવેલી ડાળીઓ પરથી પાકા જાંબુ પાણીમાં પડી રહ્યા છે જેના કારણે ગુલુગુગ્ગુલુગુગ્ગુલુ અવાજ થઇ રહ્યો છે. ટૂંકમાં શેરબજાર, સફરજન કે જાંબુ, પડવાની ઘટના ભલભલાને ધંધે લગાડી દે છે.

મસ્કા ફન

ટુર ઓપરેટર: સાહેબ, અમારું હિમાલયા ટુર પેકેજ લો. એવા એવા લોકેશન્સ બતાવીશું કે તમે ગાંડા થઇ જશો.
ગ્રાહક: ના હોં! હું ગાંડો થઇ જાઉં તો મારા છોકરાં રખડી પડે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

1 Response to પડવા વિષે થોડું ચિંતન

  1. Kavyendu Bhachech કહે છે:

    એક વાત નક્કી છે કે કોઈ હાસ્ય લેખનના રવાડે ચઢી ને માથે પડે તે પોસાય પણ રૂદાલી લેખક બંને તો દસમાં માળેથી free fall ની માફક પડવું પડે.
    આપને એક વાત પુછવી છે:
    અમારા જેવા કોઈ આપને માથે પડે કે કદાચ કોઈ આશાએ પગે પડે કે ગમે ત્યાં થી પડે એમને પતિત કહેવાય કે નહીં?

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s