સુપ્રિમનું સુપ્રિમ દિવાળી માર્ગદર્શન


પ્રદુષણના સદર્ભમાં થયેલી રીટ ઉપર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે ફટાકડા રાત્રે ૮-૦૦ થી ૧૦-૦૦ દરમિયાન જ ફોડી શકાશે. એ પણ ગ્રીન ફટાકડા. જોકે પ્રદુષણ જેવી જ દેશમાં બીજી અનેક સમસ્યાઓ છે, એ પણ દિવાળી સંબંધિત, તો એ અંગે પણ સુપ્રિમ કોર્ટ કંઈ માર્ગદર્શન આપે એવી અમારા જેવા સુપ્રિમ ચાહકોની અરજ છે.

સુપ્રિમના આ ચુકાદાથી અત્યારે લોકો ભડકેલા છે અને પોતાની ભડાશ સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે. અમુક તો એવા સવાલ કરી રહ્યા છે કે હવે સુપ્રિમ મોહનથાળના ચોસલા કઈ સાઈઝના કરવા એ અંગે પણ ચોખવટ કરે. ભાઈઓ, કોર્ટો એમ નથી ચાલતી. કોર્ટમાં જાહેરહિતની અરજી સાથે તમારે લોકો મોહનથાળના ચોસલા મનફાવે એમ પાડે એનાથી જનસામાન્યને શું વાંધો છે તે જણાવવું પડે છે. તમારો કેસ મજબૂત કરવા માટે કહેવું પડે છે કે લોકોને મોહનથાળ બનાવતા આવડતું જ નથી. ક્યારેક એટલો ઢીલો બની જાય છે કે થીક શેકની જેમ જાડી સ્ટ્રોથી પીવો પડે છે. કેટલીક વખત ઘી નાખવામાં કંજુસાઈને લીધે જેર થઈ જાય એટલે ચવાણાની જેમ ફાકવો પડે છે. આના પુરાવા આપવા પડે તમારે. જેમ કે ગણિતમાં  કાચી સ્ત્રીઓ સમાંતરબાજુ ચતુષ્કોણ આકારમાં મોહનથાળ કાપી ના શકે ત્યારે કોણમાપક કે કાટખૂણીયુ વાપરતી નથી. આ અનિયમિત આકારને કારણે મોહનથાળ ખવડાવવાને બહાને છોકરાઓને ગણિતના દાખલા પણ નથી શીખવાડી શકાતા. દાખલા તરીકે: ધારો કે સમાંતરબાજુ ચતુષ્કોણ એવા મોહનથાળનો બેઝ ૪ સેમીનો છે અને એક બાજુ બેઝ સાથે ૬૦ ડીગ્રી ખૂણો બનાવે છે અને બેઝને સમાંતર બાજુનું લંબ અંતર ૫ સેમી હોય તો ચતુષ્કોણની બીજી બાજુનું માપ શોધો. જો છોકરું આ કૂટપ્રશ્ન સોલ્વ કરી શકે તો જ મોહનથાળ ખાવા મળે. આમાં કોઈપણ એક વસ્તુ થઇ શકે – કાં માણસ મોહનથાળ ખાય, કાં એનું માપ કાઢે!

જોકે અમે માનીએ છીએ કે મોહનથાળ જેટલી જ અગત્યની મીઠાઈ કાજુકતરી છે. આ કાજુકતરીની જાડાઈ માત્ર ચાર થી પાંચ મીમી આવે છે. આ સંજોગોમાં આઠ-દસ પીસ ખાવ તો સંતોષ થાય છે. પરંતુ આઠ-દસ પીસ ઉપાડવામાં શરમ નડે છે. તમે હિમ્મત કરીને ઉઠાવી પણ લો તો લોકો તમારું ‘ફૂડ શેમીંગ’ કરે છે. અમદાવાદમાં તો પ્રસાદિયા પેંડાના પગલે હવે પાપડ જેટલી જાડાઈની કાજુકતરી બજારમાં આવે એ દિવસો દૂર નથી. આ સંજોગોમાં કાજુકતરીની જાડાઈ અંગે કોર્ટે નિર્દેશ આપવાની જરૂર છે. અમે તો ઓછામાં ઓછી એક ઈંચની કરવાની દરખાસ્ત કરીએ છીએ. વળી કાજુકતરી ઉપર આવતા ચાંદીના વરખના હોલમાર્ક કે એવા કોઈ સર્ટિફિકેટ સાથે એટેચ થવા જોઈએ જેથી ચાંદીના નામે એલ્યુમિનિયમ પેટમાં નથી જતું ને એની ખાતરી થાય. કાજુકતરીના દરેક પીસ પર એક્સપાયરી ડેટ છાપવી ફરજીયાત હોવી જોઈએ જેથી વાઘ બારશે ખરીદેલી કાજુકતરી તમને કોઈ દેવદિવાળીએ ન ખવડાવી જાય.

રંગોળી બાબતે પણ કોઈ વેવલાએ કોર્ટમાં જવા જેવું છે. આમ તો રંગોળી બનાવવી અને જોવી ગમે. પણ એ રંગોળી બતાવીને આપણને મુક્ત કરી દેતા હોય તો ગનીમત છે. અહીં તો રંગોળી કરનારના પપ્પા કે પતિ રંગોળીનું માર્કેટિંગ અને રાત્રે કેટલા વાગ્યા સુધી બેસીને રંગોળી કરી હતી એની દાસ્તાન આપણને  સંભળાવે. એમાં સ્વીટીએ બનાવેલું હરણ ભલે કૂતરા જેવું દેખાતું હોય, પણ ફરજીયાત વખાણવું પડે છે. બીજું કે પડોશીઓ ફ્લેટના દરવાજા આગળ સુપર બિલ્ટઅપ એરિયામાં સમાવિષ્ટ પેસેજમાં રંગોળી કરે તે પણ એક પ્રકારનું દબાણ જ છે. જેમ હાઈકોર્ટ મુનસીટાપલીને દબાણ દુર કરવા આદેશ આપે છે તેમ ફ્લેટોમાંથી આવી નડતરરૂપ રંગોળીઓ હટાવવા દબાણ ખાતાને ઝાડુ-તગારાથી સજ્જ કરવું જોઈએ. ક્યાં સુધી લંગડીઓ ભરીને કોઈના ઘરમાં ઘૂસવાનું? અને રંગોળીના નામે ફૂલ, કેરી, મોર, પોપટ અને દીવડાની ચીલાચાલુ ડિઝાઈનો બનાવવા ઉપર તો પ્રતિબંધ જ લાદી દેવો જોઈએ.

દિવાળીની સફાઈ વખતે માળીયામાં બેઠાબેઠા અમને માળિયાકર્મીઓની દયાજનક હાલતનો વિચાર આવ્યો. એક અંદાજ મુજબ દિવાળી પહેલાંના દિવસોમાં ભારતીય પતિઓની કુલ સંખ્યાના ૮૦% પતિદેવો કોઈ એક સમયે માળિયામાં હોય છે. આ પૈકી મોટાભાગનાને માળિયાની વિષમ પરિસ્થિતિ અને વાતાવરણમાં કામ કરવાનો પૂર્વઅનુભવ નથી હોતો. નથી એમને કોઈ પ્રકારની તાલીમ અપવામાં આવતી. કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કામ કરતા મજૂરોની સલામતી માટે સરકારે કડક નિયમો બનાવેલા છે, પણ ગંજી-ચડ્ડીભેર માળિયામાં ચઢેલા માટીડાઓનું કોઈ ધણીધોરી નથી! ઘરમાં ખાઈ-પીને બકરકૂદી કરતા લઠિંગા જેવા દિકરા હોવા છતાં ઈરાદાપૂર્વક પતિને જ નિશાન બનાવવામાં આવે છે. માળિયાના કપરા ચઢાણ ચઢવા તૂટેલી-ફૂટેલી નિસરણી અને ડગુમગુ થતા ટેબલ ઉપર મુકેલા લોટના ડબ્બા જેવા ટાંચા અને તકલાદી સાધનો આપીને સફાઈના ઉત્તુંગ શિખરો સર કરવા માટે એમને ધકેલી દેવામાં આવે છે. માળિયામાં કામ કરનારાઓને તો  ખાણીયાઓનો દરજ્જો મળવો જોઈએ. પ્રત્યેક માળિયાકર્મીને બે જોડી કપડા, બે-ત્રણ કલાક ચાલે તેટલો નાસ્તો, ધૂળ પ્રતિરોધક માસ્ક, માથા ઉપર બત્તી સાથેની હેલ્મેટ, ગરોળી ભગાડવા માટે લાકડી અને પંખો-વેક્યુમ ક્લીનર જેવા સાધનો આપવા ફરજીયાત કરી દેવા જોઈએ. દિવાળીની સફાઈકામમાં સલામતીના ધારાધોરણોનો ભંગ કરનારનું દિવાળીનું શોપિંગ રદ કરવા સુધીના આકરા પગલા લઇ શકાય એવા કાયદા બનાવવાની તાતી જરૂર છે. આ પ્રકારની માગણી સાથે જો આંદોલન શરુ કરવામાં આવશે તો અમારા સહીત સેંકડો લોકો આમાં જોડાશે એની અમને ખાતરી છે. તમે પણ જોઈ રહ્યા વગર જોડાઈ જજો. આજે નહિ તો કદી નહિ.

મસ્કા ફન

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તમારે
ઈજ્જતના ભડાકા કરવા હોય તો
એ પણ રાત્રે ૧૦ વાગ્યા પહેલાં
કરી લેવાની તાકીદ કરવામાં આવે છે.     

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s