હાય હાય લી તારા લીધે હું આઉટ થઇ ગઈ


આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જોકે પ્રાઈમ ટાઈમ પર સીરીયલોમાં જેટલી મઝા મહિલા કેરેક્ટર્સને જોવામાં આવે છે એટલી મઝા મહિલા ક્રિકેટર્સ અને ક્રિકેટ જોવામાં નથી આવતી. એટલે જ મેદાનો પણ અડધા ખાલી જોવા મળે છે. ક્રિકેટ મેદાન અને ડ્રેસિંગ રૂમમાં મજેદાર વાતચીત થતી જ હશે, પણ એ આપણા સુધી પહોંચતી નથી. ખણખોદ કરતા અમને થોડીક જાણકારી મળી છે, અમુક કિસ્સા સાંભળવા મળ્યા છે. મહિલા ક્રિકેટ લોકપ્રિય બનાવવા માટે કેટલાક સૂચનો પણ મળ્યા છે.

સૌથી પહેલું સૂચન તો એ છે કે મહિલા ક્રિકેટ કોચ તરીકે જે હોય તેને ફરફરિયું પકડાવીને તેને સ્થાને એકતા કપૂરને લાવો. પછી દરેક શોટ, કેચ અને વિકેટના ત્રણ ત્રણ રિપ્લે ઝટકા અને સાઉન્ડ ઈફેક્ટ સાથે બતાવવામાં આવે તો જમાવટ થઇ જાય. સિરિયલની સ્ટાઈલમાં. એમાં પણ પ્લેયરોના કોશ્ચ્યુમમાં સાડી ફરજીયાત કરી નાખો તો મેચના કવરેજના રાઈટ્સ માટે પડાપડી થાય. પછી તો ગ્રાઉન્ડમાં ગુજરાતી સુગમ સંગીતના  કોરસ સિંગર્સની જેમ આગિયાર પ્લેયરો ચળકતી કાંજીવરમ સાડી પહેરી, અંબોડામાં વેણી નાખીને ઉતરે તો એનું ટેલીકાસ્ટ પણ કેવું નયનરમ્ય હોય!

પણ અચાનક ગ્રાઉન્ડ પર ચાર જણીઓ ભેગી થઈને આઉટ કરવાનું કાવતરું ઘડતી હોય. એ વખતે તેના હેલિકોપ્ટરમાંથી લીધેલા હેલીકોપ્ટર શોટ આવે. પણ આ કાવતરાની થર્ડ અમ્પાયરને સ્ટમ્પના માઈકમાંથી ખબર પડી જાય અને એ ગ્રાઉન્ડ પરના અમ્પાયરને જાણ કરે. પછીનો બોલ એકાએક ઉછળીને પેડ ઉપર વાગે અને બોલર આંસુ ભરી આંખે, જરી ભરેલો પાલવ પાથરીને એવી હૃદયદ્રાવક અપીલો કરે કે સ્ત્રીઓ તો ઠીક ઘેર શાક સમારતા-સમારતા મેચ જોઈ રહેલા પુરુષો પણ રડી ઉઠે! પુરુષો તો આમેય બાપડા સહાનુભૂતિના દરિયા જ હોય છે! એમાં બોલરની લીપસ્ટીક એવી લાઉડ રાખી હોય કે અમ્પાયર આઉટની અપીલ નકારે અને બોલર મોં મચકોડે તો એ પણ સ્ટેડીયમમાંથી નરી આંખે દેખાય. રમવા માટે સાડી અગવડભર્યો પોશાક ખરો, પણ એશિયન મહિલા ક્રિકેટરો તો કાછોટો વાળીને પણ રમવા ઉતરી પડે. પણ આમ ફિલ્ડરો પાલવના ખોળા પાથરીને કેચ પકડવા માંડે એ તો કોઈ ચલાવી જ ન લે! એટલે ક્રિકેટમાં સાડીની શક્યતા ઓછી જણાય છે. જોકે આ પ્રકારે મેચો થાય તો ટીમમાં કોચ ઉપરાંત હેરડ્રેસર, મેકઅપ આર્ટિસ્ટ અને ડ્રેસ-ડીઝાઈનરને પણ કામ મળે. અને ક્યારેક આમ પણ બને.

કવિતા અને રવિના ક્રીઝ પર છે. કવિતા ફાઈન લેગ તરફ ફટકો મારે છે અને રન માટે દોડે છે. પણ રવિના નથી દોડતી. એટલે કવિતા રનઆઉટ થઇ જાય છે. સાંજે બેઉ જણ હોટલમાં ભેગા થાય છે.

કવિતા: હાય હાય લી તારા લીધે હું આઉટ થઇ ગઈ.

રવિના: હોય, હું તો તૈયાર જ હતી.

કવિતા: ધૂળ તૈયાર હતી. તું નેઈલ પોલીશ ચેક કરતી હતી એ વખતે, રિપ્લેમાં જોઈ લે જા ….

મિતાલીએ છગ્ગો માર્યો અને બોલ સ્ટેડીયમની બહાર ગયો. નવો બોલ બદલાવવાની ક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન ક્રીઝ પર આપણી બે મહિલા ક્રિકેટર વાત કરે છે.

મિતાલી: અરે દિપાલી, આ બુટ તેં ઓનલાઈન ખરીદ્યા?

દિપાલી: ના રે આ તો મારો ભાઈ દુબઈ ગયો તો ત્યાંથી લાવ્યો. સારા છે?

મિતાલી: આમ તો ગમ્યા પણ બીજો કલર ના મળ્યો?

ટોસ ઉછાળવા વેસ્ટ ઇન્ડીઝ અને ભારતની કપ્તાનો જાય છે. રેફરી ટોસ ઉછાળે છે. વારો વેસ્ટ ઇન્ડીઝની કેપ્ટનનો છે. એ હેડ્ઝ કહે છે. અને હેડ્ઝ જ પડે છે.

ભારતની કપ્તાન: મારો વારો હોત તો હુંયે હેડ્ઝ જ કહેવાની હતી. આ ભૂત જેવીને ક્યાંથી ખબર પડી ગઈ!

મોટેરા સ્ટેડીયમ પર મેચ ચાલે છે. શિવાની બેટિંગ ક્રીઝ પર છે. મિતાલી નોનસ્ટ્રાઈકર એન્ડ પર છે જે અમદાવાદની છે. અમ્પાયર પાકિસ્તાની છે. ઓસ્ટ્રેલિયન બોલર ઈવાના બોલિંગ રન અપ શરુ કરે છે, પણ અમ્પાયર અને મિતાલી વાતે વળગ્યા હોય છે. ઈવાનાને એમ કે કંઈ પ્રોબ્લેમ હશે પણ ત્યાં તો આ વાત ચાલતી હતી.

અમ્પાયર રઝીયા: કલ રાતકો પાર્ટી મેં તુને જો ડ્રેસ પહેના થા વો કહાંસી લિયા? મુઝે મેરી નનદ કે લિયે વૈસા હી લેના હૈ. વો કહેતીથી અહેમદાબાદ મેં અચ્છે મિલતે હૈ.

મિતાલી: હમેરે અમદાવાદ મેં ઢાલગરવાડ કર કે એક પોળ હૈ. વહાં અચ્છે ડ્રેસ સસ્તે મેં મિલતે હૈ. લેકિન વો લોગ પહેલે ડબલ ભાવ બોલતે હૈ હાં. ફિર વ્યાજબી કરાના પડતા હૈ. ખરીદના હે તો કિસી કો લેકર જાના.

રઝીયા: તુમ ચલો ના, આજ રાત કો જાતે હૈ.

મિતાલી: રાત કો નહિ. વહેલા નિકલના પડેગા. ટ્રાફિક બોત હોતા હૈ. ઐસા કરો, મેં સ્ટ્રાઈક મેં આઉંગી તબ ‘બેડ લાઈટ’ કી અપીલ કરુંગી. તુમ ઓકે કર લેના. ફિર હમ લોગ નિકાલ જાયેંગે. ઠીક હૈ?

રઝીયા: ઇન્શાલ્લાહ.

ઓસ્ટ્રેલીયાની મારિયાએ ઓનસાઈડ પર શોટ માર્યો એકદમ ઉંચો કેચ ઉછાળ્યો. ત્યાં સ્ક્વેર લેગ પર કવિતા અને મીડ વિકેટ પર સંગીતા ઉભી હતી તેમની વચ્ચે પાછળની તરફ બોલ ઉછળ્યો.

કવિતા (સંગીતાને): અલી, આવવું છે, કેચ કરવા?

સંગીતા: ના ભૈશાબ, બહુ દૂર છે, તું જઈ આવ.

કવિતા: કંપની તો આપ બકા.

સંગીતા: સારું ચલ.

બેઉ જણા હાથ પકડીને જાય છે. કેચનું શું થયું, એ જોઈશું આવતા એપિસોડમાં.

મસ્કા ફન

પેથલપુરમાં પાવો વાગ્યો ‘ને સૂતો સોનીડો જાગ્યો…
જાગીને એ સોનીડાએ અડધી રાત્રે પેથલપુરની કોર્ટ ખોલાવી.
અને કોર્ટે પેથલપુરમાં પાવો વગાડવા ઉપર પ્રતિબંધ મુક્યો!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s