ખુશાલી કઈ રીતે વ્યક્ત કરવી?


Noto no Varsad

Image Courtesy : Gujarat Mirror

સુપ્રીમ કોર્ટે ડાન્સ અને દારૂના કોમ્બોને મંજુર કરી દીધો છે. જોકે ડાન્સબારમાં ડાન્સર ઉપર હવે નોટોનો વરસાદ નહીં કરી શકાય. એમ કરવું હવે ગુનો ગણાશે. સુપ્રીમના આદેશ મુજબ હવે માત્ર ટીપ આપી શકાશે પણ નોટો ઉછાળી નહીં શકાય. શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિકસ્થળો પાસે ડાન્સ બાર ખોલવાની પરવાનગી ન આપવાનો નિયમ પણ રદ કરવામાં આવ્યો છે, એટલે જે વિદ્યાર્થીઓથી બારમાં જવાનું પાપ થઇ ગયું એ હવે નજીકના ધર્મસ્થળે જઈને પાપ ધોઈ આવી શકશે. અદાલતે બારબાળાઓનો પગાર ફિક્સ કરી આપવાની ના પાડી છે અને એમને બાર માલિક સાથે સીધો કોન્ટ્રાકટ કરવાનું સૂચન કર્યું છે.

આ નોટો ઉછાળવાની પ્રથા બંધ કરી એની દૂરગામી અસરો પડી શકે છે, કારણ કે એ અંતરનો ઉજમ વ્યકત કરવાની આ એક રીત છે. આપણે ત્યાં વરઘોડામાં, શોભાયાત્રામાં, ડાન્સબારમાં અને ડાયરામાં નોટો ઉછાળીને પોતાની ખુશી કલાકાર, નાચનાર અને હાજર વ્યક્તિઓ સાથે વહેંચવાનો રીવાજ છે. હવે જયારે અદાલતે રૂપિયા ઉછાળવા પર પ્રતિબંધ મુક્યો છે તો એ સંજોગોમાં લોકોએ પોતાની ખુશાલી કઈ રીતે વ્યક્ત કરવી તે અંગે પણ સુપ્રિમ કોર્ટે કોઈ માર્ગદર્શન આપવું જોઈતું હતું પણ નથી આપ્યું. એટલે અમે આ તક ઝડપીએ છીએ.

નોટો ઉછાળવા ઉપર પ્રતિબંધ તો મુક્યો છે પણ ટીપ કેવી રીતે આપવી એ વિષે અદાલતે વધુ વિગતો નથી આપી. ખરેખર તો અદાલતે સ્પષ્ટ નિર્દેશ આપવા જોઈતા હતા કે બારના માલિકે ટીપ એકત્ર કરવા માટે ટેબલ નાખીને નોટ-પેન સાથે એક ભાઈને ચાંલ્લો સોરી, ટીપ લખવા બેસાડવો પડશે જેથી લોકો “સુશ્રી રોઝી બહેનને સુંદર નૃત્ય બદલ શ્રી બાબુલાલ ગોરધનલાલ ઉમતાવાળા તરફથી રૂ. ૧૦૦૧/-“ એવું ગૌરવભેર નોંધાવી શકે.

આમ તો આ કાયદો મહિલા સન્માન જાળવણી અંતર્ગત છે, છતાં ન કરે સુપ્રિમ કોર્ટ અને ડાન્સબારને પગલે વરઘોડામાં ઢોલી ઉપર રૂપિયા ઉછાળવા પર પ્રતિબંધ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડે. આમાં વરરાજાના મામા કે કાકાની આબરૂનો સવાલ છે. વરઘોડામાં નાચનારા રૂપિયાના સીધા લાભાર્થી નથી (એ એક વિટંબણા પણ છે!). વગાડનારા છે. વરઘોડામાં બે-પાંચ હજાર ઉછાળીને બેન્ડવાજાવાળાને જોશ ચડાવવું અને એ જોશમાં ભાણીયા-ભત્રીજા-ભાભી-બહેનોને નચાવવા એ ભારતીયસહજ વૃત્તિ છે. આ સંજોગોમાં કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ જેમ ‘યે ગયા’ કહીને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરે છે, તેમ વરઘોડામાં પણ ઢોલવાળાના ડોલના પડ ઉપર ચોંટાડેલા ક્યુઆર કોડને આઈપેડથી સ્કેન કરીને એના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાય, એ પણ બધાના દેખતા અને બચ્ચનની સ્ટાઈલથી ‘યે ગયા આપ કે ખાતે મેં’ બોલીને! આમાં ડીજીટલ ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળે. જોકે આમ કરવામાં કોકવાર નેટવર્ક ના હોય તો ‘યે ગયા’ બોલ્યા પછી ‘મની ટ્રાન્સફર્ડ’ ને બદલે ‘નેટવર્ક એરર: ટ્રાન્ઝેક્શન ફેઈલ્ડ’ એવા મેસેજ પણ જોવા મળે. તો કોક વાર ઓટીપી આવે અને ટ્રાન્ઝેક્શન કન્ફર્મ કરવામાં વાર થાય ત્યાં સુધીમાં બેન્ડવાળો વગાડવાનું બંધ પણ કરી દે! આના વિકલ્પે ડાયરાના કલાકારને, બેન્ડવાળાને કે ઢોલીને ગીફ્ટ વાઉચરો, ફૂડ કૂપનો અથવા સોડેક્સો જેવા વાઉચર આપી શકાય.

નેટવર્કના પ્રોબ્લેમ હોય કે વરરાજાના કાકાને ડિજીટલ ઇન્ડીયામાં રસ ના પડે તો ક્રિકેટ મેચમાં મેં ઓફ ધ મેચને જેમ ૬ ફૂટ બાય ૩ ફૂટના ફ્લેક્સ પર ચેક પ્રિન્ટ કરીને આપે છે, એવું પણ આપી શકાય. આમાં આપનારની પબ્લિસિટી પણ થાય. પછી તો વરરાજાના કાકા બદલે આ ફ્લેક્સ બેનર કોક ભત્રીજો ઊંચકીને ફરતો હોય એવું લગ્નના ફોટા અને વિડીયોમાં જોવા મળે. ખરી મઝા ચેક પકડાવ્યા પછી થાય. બેન્ડવાળાઓએ એક વધારાના માણસ અને લારીની વ્યવસ્થા આ ચેક લઈ જવા માટે કરવી પડે. અને આ બધો વધારાનો ખર્ચો વરના બાપના ખિસા પર આવે. તોયે બેન્ડવાળા ‘ડિજીટલ પેમેન કર્યું પણ ૧૮ ટકા જીએસટી તમારો કાકો ભરશે’ કરીને નારાજ થાય તેવી પણ શક્યતા રહેલી છે.

સ્ટેજ પર ચઢેલા કે ચઢાવેલા વક્તાઓને ઘણી વખત પોતાની ખુશાલી કઈ રીતે વ્યક્ત કરવી તે અંગે મૂંઝવણમાં હોય છે. મોટેભાગે નબળા વક્તાઓ તો ‘આટલી મોટી સંખ્યામાં સભ્યો ભેગા થયા છે એ જોઈને મને જે આનંદ થાય છે એ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી!’ એવું કહી ને છટકી જતા હોય છે. આવા વક્તાઓએ પૂઠે કૂતરાની પૂછડી જેવી એક મીકેનીકલ પૂછડી લગાડીને ભાષણ આપવા ઉભા થવું જોઈએ. જેવો આનંદ થાય કે તરત પૂછડી હલાવીને એ વ્યક્ત કરી શકે. કેટલીક સ્કૂલોમાં તાલી પાડીને આનંદ વ્યક્ત કરવાની મનાઈ હોય છે. તો અમુક લોકોને ખાખાખીખી માટે નફરત હોય છે આવા કિસ્સાઓમાં પૂછડી પૂંઠવગી હોય તો ઠીક પડે. એમાં પણ કોઈ નવરું એનજીઓ માણસે પૂછડી ક્યારે, કેટલી ઝડપથી, કઈ દિશામાં હલાવવી એ બાબતમાં કોઈ ધોરણ લાગુ કરાવવું હોય તો કોર્ટમાં જઈને વિગતવાર એવા હુકમો લાવી શકે કે – કપિલ શર્માના જોકથી આનંદ થાય તો બાજુવાળાને ખલેલ ન પહોંચ એ રીતે ડાબે જમણે બંને તરફ ૪૫ અંશની મર્યાદામાં ત્રણ વાર પૂછડી હલાવી શકાશે. કૂતરું પાછળ પડ્યું હોય કે પછી પત્ની ગુસ્સે થઇ હોય ત્યારે માત્ર એકવાર પૂછડી બે પગ વચ્ચે સંતાડી શકાશે. બીજા કિસ્સામાં ભાગવાની મનાઈ રહેશે. બેસણામાં જોકે પૂછડી ચંપલ સાથે જ બહાર કાઢીને આવવું પડે. અહીં અટકીએ. બધું અમે જ કહીશું તો સુપ્રિમ કોર્ટ શું કરશે?

મસ્કા ફન

કુંભમેળામાં નાગા બાવાઓ નહાતા હોય છે બરોબર એજ અવસ્થામાં બાથરૂમમાં નહાતા લોકોના સ્નાનને શાહીસ્નાન ના ગણી શકાય!

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , . Bookmark the permalink.

2 Responses to ખુશાલી કઈ રીતે વ્યક્ત કરવી?

  1. Pranav Vasavada કહે છે:

    ખૂબ ખૂબ સરસ. જેમ જેમ આગળ વાંચતા જઈએ તેમ તેમ નિખાલસ હાસ્ય આપોઆપ વધતું જાય એવો લેખ.અત્યારના સમય ને તદ્દન અનુરૂપ. મજ્જા પડી. 👌👌👌👍

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s