ગાઈઝ, કભી કભી ઘર કા ખાના ભી ખા લેના ચાહિયે


શ્ચિમી દેશોમાં ‘જોય ઓફ ગિવિંગ’ને ‘જોય ઓફ રીસીવિંગ’ કરતાં ઉંચો ગણવામાં આવ્યો છે. દાન હોય, ભેટ હોય કે આશીર્વાદ, આપણા દેશમાં પણ આપવાનું મહાત્મ્ય રહ્યું છે. દાન કે ભેટ આપવા માટે ગજવામાં પૈસા હોવા જરૂરી છે. આશીર્વાદ આપવા માટે પણ જ્ઞાની કે ઉંમરલાયક Zomatoહોવું જરૂરી છે. પણ સલાહ આપવાની  બાબતમાં આપણા દેશમાં કોઈ લાયકાતની જરૂર નથી પડતી. જેમ ભેંશ પોદળો કર્યા પછી એનું શું થયું એ જોવા ઉભી રહેતી નથી એમ જ સલાહ આપ્યા પછી સામેવાળો એ પ્રમાણે કરે છે કે નહિ એ જોવાનો રીવાજ નથી. સામેવાળાને ફાયદો થાય એવી જ સલાહ આપવાનો રીવાજ છે, પણ પોતાના પગ પર કુહાડો મારવાની સલાહ તો બિલકુલ નહિ. અપવાદ રૂપે તાજેતરમાં એપ દ્વારા બુકિંગ કરીને તમારા ઘેર ફૂડ ડીલીવર કરતી ટોમેટો જેવું નામ ધરાવતી કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘ગાઈઝ, કભી કભી ઘર કા ખાના ભી ખા લેના ચાહિયે’. આ અદભૂત સલાહ છે! આવા પરગજુ ધંધાવાળા ક્યાં મળવાના? પોતાનો ધંધાના ભોગે લોકોને ઘેર નહીં, ઘરનું ખાવાનું ખાવાની સલાહ આપે છે. આ અનુસરણીય છે.

જે દેશમાં એક જમાનામાં હોટેલનું ખાવું હીણપત ભર્યું કૃત્ય ગણાતું હતું ત્યાં કોઈ હોટેલના ધંધાવાળો ઘરાકને ઘરનું ખાવાની સલાહ આપે તે અમારા જેવાને દેશમાં સતયુગનો ઉદય થતો હોય એવું લાગે! અપેક્ષાઓ પણ વધી જાય. શક્ય છે કે આવનારા દિવસોમાં ધંધાદારી ટયુશનીયા ટીચર વિદ્યાર્થીને સલાહ આપતા થઇ જાય કે ‘બેટા, તમારે મમ્મી-પપ્પા પાસે ભણવું જોઈએ. સ્કુલમાં શિક્ષકો ભણાવે ત્યારે ધ્યાન આપવું જોઈએ. બોર્ડની પરીક્ષા આવે તો ડિસેમ્બર મહિનાથી સ્કુલે જવાનું બંધ ના કરવું જોઈએ પણ છેક પરીક્ષાના આગળના દિવસ સુધી સ્કૂલ આવવું જોઈએ’. તો તો દેશનો દહાડો ફરી જાય હોં બાકી!

આહા! આમ તો શેખચલ્લી જેવી ફીલિંગ આવે છે, પણ આ ખાયાલી પુલાવ પકાવવાની મજા આવે એવું છે. જરા કલ્પનાનું ગધેડું છુટ્ટું તો મૂકી જુઓ, ગમ્મત પડશે.

તમે હેરકટિંગ સલુનમાં દાઢી કરાવવા જાવ અને કારીગર તમને સલાહ આપે કે ‘બોસ, બસ આટલા માટે અહીં ધક્કો શું કામ ખાવ છો? સલુન પર આવીને લાઈનમાં બેસવા કરતાં ઘરે એક શેવિંગ કીટ વસાવી લ્યો અને જયારે મન ફાવે ત્યારે દાઢી કરો! સાંજે ગર્લફ્રેન્ડને મળવાનું  હોય તો બીજો હાથ પણ મારી શકશો રાજા.’ ત્યારે બસંતી યાદ આવે, જેણે કહ્યું હતું કે ‘ઘોડા અગર ઘાસ સે દોસ્તી કર લે તો ખાયેગા ક્યા?’

જરા વિચારો કે દૂરથી ઓવરલોડેડ ટેમ્પો આવતો દેખાય ત્યારે ટ્રાફિક પોલીસ પોતાના બે હાથ પાછળની તરફ બાંધી દઈ ચલણ બુક દેખાય નહીં એમ ઉભો રહી જાય, અને ટેમ્પોવાળો પણ કાયમની ટેવ મુજબ ટેમ્પો સાઈડમાં કરે ત્યારે પોલીસ દાદા બોલે ‘મિત્ર, કેમ ટેમ્પો ઉભો રાખ્યો? તારે માલ ડીલીવર કરવામાં મોડું નથી થતું? જા સુખેથી તારા પંથે સીધાવ.’ અને પછી સલાહ પણ આપે કે ‘લાંચ આપીને પોલીસોને બગાડીશ નહિ.’ આહા! ભગવાને અમને પૂછડી નથી આપી; પણ જો આપી હોય તો આવા પ્રસંગે જોર જોરથી પૂછડી હલાવીને અમારો આનંદ વ્યક્ત કરીએ.

કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. એ હિસાબે પેલા ફૂડ ડીલીવરીવાળાની પહેલ પછી સલમાન ખાન સલાહ આપે કે ગાડી ડ્રાઈવરને ચલાવવા દેવી જોઈએ, દારુ પીને ડ્રાઈવિંગ કદાપી ના કરવું જોઈએ, ગર્લફ્રેન્ડને માર કદાપિ ન મરાય અને ગાળો, ગાળો તો કદી બોલવી નહીં – તો એમાં આપણને અતિશયોક્તિ લાગે. પણ એ હકીકત છે કે ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ સલમાન ખાને દુબઈમાં ડ્રાઈવિંગ સ્કુલનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગનો વિડીયો ભલે નથી બહાર આવ્યો પણ જો આવ્યો હોત તો એમાં સલમાન અમે લખ્યું છે એવું જ કહેતો જોવા મળત!

ઓફિસમાં પણ કેટલીક હકારાત્મક ઘટનાઓ બનતી થઇ જાય. જેમ કે, તમે સાંજે સાડા સાત વાગ્યે કોમ્પ્યુટર ટર્મિનલ પર નજર ટીકાવી કીબોર્ડ પર ઝનુનપૂર્વક આંગળીઓ પછાડતા હોવ અને બૉસ આવીને તમારા ખભે હાથ મુકીને કહે ‘દોસ્ત, ઘેર નથી જવું? ઘેર તમારી વાઈફ અને ચિલ્ડ્રન રાહ જોતા હશે. કામ તો રોજ છે. કામનું ટેન્શન મગજ પર રાખવું નહિ, તબિયત બગડે.’ મા કસમ ઝળઝળિયાં આવી જાય.

એ જ રીતે હોટસ્ટાર ઉપર નવી જ આવેલી ‘ગેમ ઓફ થ્રોન્સ’ની સીઝન એઈટ એક રાતમાં પૂરી કરી હોય,  આંખો ઉઘાડી રાખવા માટે બે પોપચા વચ્ચે દીવાસળીઓ ઉભી ભરાવવી પડે એવી હાલત હોય અને લેકચરમાં ઝોકા ખાતા બેઠા હોવ ત્યાં એ જ કોલેજમાંથી તાજી જ પાસ થયેલી મીઠડી લેકચરર આવીને કહે કે ‘બકા, મારા ભણાવ્યા પહેલા ઊંઘ આવે છે? છેલ્લી બેંચ ખાલી છે. જા, જઈને સુઈ જા શાંતિથી. જીવનમાં ભણવું એ એક માત્ર ધ્યેય નથી. પણ ક્લાસ પૂરો થાય ત્યારે ઉઠીને એટેન્ડન્સ પુરાવવાનું ભૂલતો નહીં હોંકે !’ આવું બને પછી તો ‘એ ઓ હો હો હો હો ..’. છોકરાંઓ કોલેજ જવા માટે તલપાપડ થઇ જાય.

અમને લાગે છે કે પેલા ફૂડ ડીલીવરીવાળાએ આખી ક્ષિતિજ ખોલી નાખી છે. આપણા દેશની પ્રજા જો આમાંથી ધડો લે તો પશ્ચિમ તો શું ઘોડાના તબેલામાંથી પણ સૂર્ય ઉગી શકે છે. લેકિન, કિન્તુ, પરંતુ, બટ… એવું બનશે નહિ! કારણ? પેલા લોકોએ તો સલાહ આપી હતી. અને સલાહ તો આપવાની હોય, એનું પાલન થોડું કરવાનું હોય? અત્યારે રવિવારની સાંજ છે અને અમે પણ હમણાં જ ફોન કરીને ફૂડ ઓર્ડર કર્યું છે.

મસ્કા ફન

કર્ણાટક નાટક:
તમે પાંદડાનું સ્કર્ટ પહેર્યું હોય તો એને બકરીથી બચાવવાની જવાબદારી તમારી છે.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s