ચડ્ડીની ચોરી!


થોડા સમય પહેલા અમદાવાદના એક મોલમાંથી ચાર ચડ્ડીઓની ચોરી થઇ હતી! એમાં અગત્યની વાત એ હતી કે એક એક ચડ્ડી બબ્બે-બબ્બે હજારની હતી. આમ તો મોલમાં ચડ્ડીઓ સિવાય ચોરવા માટે બીજું ઘણુંય મળી રહે. પણ બની શકે કે ચોર ચડ્ડી-બનિયાનધારી ગેન્ગનો હોય અને સીસીટીવીમાં આજકાલ ઝલાઈ જવાતું હોય છે એવામાં ધંધાનું બ્રાન્ડીંગ બરોબર થાય એ માટે સારી માંહ્યલી ચડ્ડી ખરીદવા આવ્યો હોય અને પછી ભાવ જોઈને ખરીદવાનું મોકૂફ રાખી ચોરવાનું નક્કી કર્યું હોય. પણ બે હજારની ચડ્ડી પહેરીને લુંટફાટ કરવા જાવ એટલે મોટો દલ્લો હાથમાં આવે એવું જરૂરી નથી. આપણે ત્યાં તો ખાદીના લેંઘો-ઝભ્ભા ને સાઉથમાં લુંગીધારીઓ કરોડોનું કરી જાય છે! એ પણ ધોકાના ફટકા માર્યા વગર. શક્ય છે કે ચોર કરોડો રૂપિયા ખર્ચીને ફ્લોપ ગુજરાતી ફિલ્મ બનાવીને ચડ્ડી-બનિયાનભેર થઇ ગયેલો કોઈ રાઈટર, ડાયરેક્ટર પ્રોડ્યુસર હોય. કે પછી અમદાવાદની ગરમી અને બફારાથી કંટાળેલો કોઈ અમદાવાદી હોય!

છતાં પણ એક વસ્તુ તો માનવી પડે કે છે, બે હજારની એક ચડ્ડી ગણો તો એક એક પાયચું હજારનું થયું. એવું તો શું દાટ્યું હશે આ ચડ્ડીમાં કે લોકો બબ્બે હજજાર રૂપિયા આપીને છોડાવતા હશે? બની શકે કે બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય એટલે ચાર ગણા રૂપિયા લે અને માલ પણ અવ્વલ હોય. આમ છતાં આખી એટલે કે અડધી બાંયની ચડ્ડી બનાવવામાં કાપડ જોઈએ કેટલું? અડધો મીટર? અને એમાં નાડુ, અને સિલાઈના વધી વધીને કેટલા થાય? ચેઈન પણ હોતી નથી ચડ્ડીમાં પાછી. ચડ્ડી જ શું કામ કોઈ પણ નાઈટડ્રેસમાં નથી હોતી.

અમને લાગે છે આ બે હજારની ચડ્ડી કાં તો ચમત્કારી હશે, કાં તો એમાં કોઈ અદભૂત સગવડ મળતી હશે, કે પછી એમાં કોઈ ગુણ હશે કે જેમ કે આવી ચડ્ડી પહેરનારના છ મહિનામાં છૂટાછેડા થઈ જતા હોય.  બાકી શું કામ લોકો હોંશે હોંશે ચડ્ડીઓ લઇ જાય? પહેરવાની વાત તો જવા દો પણ અમે હજુ એ બે હજાર રૂપિયાવાળી ચડ્ડી જોઈ પણ નથી, એટલે એ વિશે હંમેશની જેમ કલ્પનાબેનના ગધેડા દોડાવવા સિવાય અમારી પાસે કોઈ ઉપાય નથી.

આમ તો ચડ્ડી એ લુંગી અને ધોતિયા પછી સૌથી વધુ હવાદાર પહેરવેશ છે. શક્ય છે કે આમાં દેશી એરકન્ડીશનીંગ સિસ્ટમ બેસાડી હોય જેના કારણે ચડ્ડીની હદની અંદર ‘ઠંડા ઠંડા કૂલ કૂલ’ કે ‘ગર્મિયો મેં ભી સર્દિયોં કા અહેસાસ’ થાય! જોકે આ એવી ‘અંદરકી બાત’ છે જેના વિષે ખાતરીપૂર્વક  માત્ર આવી ચડ્ડીની અંદર રહી આવેલી વ્યક્તિ જ કહી શકે! આજકાલ મોલમાં થેલીઓના રૂપિયા અલગ લે છે એટલે આ ચડ્ડીના ખિસ્સા કદાચ મોટા અને મજબુત રાખ્યા હશે જેથી લાલ પાટિયાવાળા સ્ટોરમાં શાક લેવા જાય તો સાથે થેલી લઇને જવું ના પડે!

સ્કુટરના સીટ કવર ઉપરથી પ્રેરણા લઈને ચડ્ડીના પાછળના ભાગમાં ડનલોપ કે ગાદી લગાડી હોઈ શકે જેથી માણસ ઉબડખાબડ જગ્યા ઉપર કે પછી સપાટ પાટિયા ઉપર નિરાંતે બેસી શકે. જો વાંકમાં આવે અને પત્ની પૃષ્ઠ ભાગે વેલણથી પ્રહાર કરે તો વાગે પણ ઓછું. એમાં બિલ્ટ-ઇન બમ-બેગ્ઝ સાથેની ચડ્ડીઓના શાહિદ કપૂર કે અનુષ્કા શર્મા જેવા લોકો બે તો શું ચાર હજાર રૂપિયા પણ આપી દે!

લેંઘા-ચડ્ડીમાં ઈલાસ્ટીક કે નાડુ વપરાય છે. નાડાની ગાંઠ મારવી એ પણ એક કળા છે જે ઘણાને સાધ્ય નથી હોતી. આથી ગાંઠ ખોલ-બંધ કરવા માટે ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બેસાડ્યું હોય એવી ચડ્ડી હોઈ શકે કે જેમાં એકવાર ચાંપ દબાવો એટલે નાડું ખુલે અને ફરી ચાંપ દબાવો એટલે નાડું પાછું બંધાઈ જાય! કે પછી ચડ્ડીમાં બેગની જેમ કોમ્બીનેશન લોક મુક્યું હોય કે જેથી કરીને કોઈ મરજી વિરુદ્ધ ચડ્ડી ઉતારી ન નાખે. આવી ચડ્ડીઓ માર્કેટમાં આવે તો રાજકારણીઓમાં પહેલી ઉઠાવે! જોકે કોમ્બીનેશન લોકનો નંબર ભુલાઈ જાય તો ચડ્ડી કાઢવા છેક ત્રણ દરવાજા જવું પડે! આવી ચડ્ડીના હાઈ-એન્ડ એટલે કે VXi મોડલમાં ચેઈન પણ ચાંપ દબાવવાથી જ અપ-ડાઉન કરી શકાતી હશે.

કારની જેમ જ ચડ્ડીના સ્પોર્ટ્સ મોડલમાં જોગર્સ માટે એલઇડી રોપ લાઈટ ફીટ કરતા હશે, જેથી પહેરીને વહેલી સવારે કે મોડી રાતે કોઈ જોગિંગ કરવા નીકળે તો અથડાઈ ન જાય! બની શકે કે ચડ્ડીની સાથે એક રીમોટ કંટ્રોલ આવતો હોય, જેમાં આ બધા પ્રકારના બટનો આપેલા હોય! ભૂલથી ખોટું બટન દબાઈ જાય તો લાસ્ટ ચોઈસમાં જઈ શકાય તેવી સગવડ સાથેના. જોકે ક્યારેક મોબાઈલની જેમ જો રીમોટ ઘરે ભૂલી ગયા હોઈએ કે પછી ચોમાસામાં બરોબરની લાગી હોય ત્યારે જ જો બેટરી ડાઉન થઇ જાય તો આવી બને!

આમ તો ચડ્ડી પુરી બે હજાર રૂપિયાની છે એ તો પ્રાઈઝ ટેગ જવાથી જ ખબર પડે. એના કરતા સો-સો ની વીસ નોટોનું તોરણ કેડે બાંધીને ફરીએ તો વધારે વટ પડે એવું અમારું નમ્ર મંતવ્ય છે! વીસ ના પોસાય તો દસની નોટો વપરાય. બાકી ગોળ નાખીને ગળ્યું કરનારા મળી આવે તો આપણા ફેશન ડિઝાઈનરો હોર્નવાળી, મ્યુઝીકલ, સેન્ટેડ એરકન્ડીશન્ડ ચડ્ડીઓથી માંડીને LED ડિસ્પ્લેવાળી, Wi-Fi કે Bluetooth કે બાયોમેટ્રિક એનેબલ્ડ અંગુઠો દબાવવાથી ખોલ-બંધ થાય કે રંગ બદલે અને પહેરવાને બદલે સ્ટીકરની જેમ ચોંટાડી શકાય એવી એવી ચડ્ડીઓ પણ ડિઝાઈન કરી આપે. અને આપણા હરખપદુડા કરોડપતિઓ હોંશેહોંશે પહેરીને ફરે પણ ખરા!

મસ્કા ફન

ગીઝર બંધ કર્યા પછી નળમાંથી જ્યાં સુધી ઠંડુ પાણી ના આવે ત્યાં સુધી નહાયા કરે એ ગુજરાતી.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , . Bookmark the permalink.

2 Responses to ચડ્ડીની ચોરી!

  1. અનામિક કહે છે:

    Too good article..👍👍good ideas n imagination..😀😀 when reading article was imagine how men looked in different kind of shorts ( chaddi) 😀😀 too funny.

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s