વંદો


એક સંશોધન પ્રમાણે પૃથ્વી ખંડોમાં વિભાજીત થઇ એ પહેલાં વંદા તરીકે ઓળખાતા કીટકો જન્મી ચુક્યા હતા; એટલે દુનિયાના દરેક ખૂણે અને તિરાડોમાં તમને વંદા જોવા મળશે. વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરિપ્લેનેટા અમેરિકાના. તમને આશ્ચર્ય થશે કે દુનિયાના અનોખા વંદા પ્રેમીઓ પણ અમેરિકાના! ત્યાં લોકો વંદા પાળે છે, ઉછેરે છે અને વંદાનો બાકાયદા વેપાર થાય છે! ચીનાઓ માટે તો વંદા કારીયાણું ગણાય. ચીનમાં વિશ્વનું વંદાનું સૌથી મોટું બ્રીડીંગ ફાર્મ છે જે વર્ષે છ લાખ કરોડ વંદાનું ‘ઉત્પાદન’ કરે છે. તમે મહિલા હોવ અને અત્યારે આ વાંચી રહ્યા હોવ તો તમને ‘હાઆઆઆય હાય’ બોલવાની છૂટ છે. યસ, એ લોકો વંદા ઉછેરતા હોય છે. ઇન ફેક્ટ અમેરિકનો તો ઉંદર, ગોકળ ગાય, કાચંડા, દેડકા અને કરોળિયા પણ પાળતા હોય છે. એના નામ પણ રાખતા હોય છે. ત્યાંના લોકો એમના પાળેલા દેડકા અને કાચંડાને મિષ્ટાન્નમાં વંદા પીરસે છે.

મને નથી લાગતું કે ચીનાઓ સિવાય વંદા બીજા કોઈના કામમાં આવી શકે કારણ કે એમની પાસેથી બીજું કંઈ કામ લઇ શકાતું નથી. નથી એમની પાસે ખેતી કરાવી શકાતી કે નથી વંદી દૂધ આપતી. વંદો કૂતરાની જેમ ચોકી નથી કરતો કે વંદાની મૂછ પકડીને રૂઆબથી ફરવા નીકળી શકાતું નથી. આપણે ત્યાં ગાય, કૂતરા, વાંદરા અને બકરીની જેમ વંદા આપણી સાથે જ રહેતા હોવા છતાં કોઈને વંદા પાળવાનો શોખ હોય એવું જોયું નથી. કદાચ રડ્યો ખડ્યો કોઈ વંદા પાળવાનો શોખીન હોય તો પણ એને એના ઘરના લોકો જ મેન્ટલ હોસ્પીટલમાં મૂકી આવ્યા હોય એટલે એ આપણી નજરે ન ચઢે.
વંદો ક્યારે શું કરશે એનું પણ કઈં ઠેકાણું નહિ. અમુક વંદા આપણને જોઈને ભાગીને નજીકની તિરાડ કે બાકોરામાં ભરાઈ જતા હોય છે. બહુ ભાગાભાગી કરનારો વંદો વહેલો મારે છે. આવા વંદા એવા બાવરા હોય છે કે નજીકમાં જેનો પગ હોય એની ઉપર ચઢી જતા હોય છે. આવા જ એક વંદાના લીધે અમારા મિત્ર મેહુલનું નાક તૂટી ગયું હતું. તમને થશે કે જમીન પર સરકતો વંદો નાક કેવી રીતે તોડે? એ તો એકવાર વંદો ઓચિંતાનો તમારા પગ નીચે આવે અને પગ નીચે પાપડ કચરાતો હોય એવો અવાજ આવશે ત્યારે જ ખબર પડશે. મારા મિત્ર સાથે આવું થયું ત્યારે ભડકીને એણે એક પગે એવો કૂદકો મારેલો કે બીજા પગનો ઢીંચણ નાક ઉપર ટીચાયેલો. એક અઠવાડિયા સુધી એ ટેડીબેર જેવું નાક લઈને ફરેલો. લોકો પૂછે તો જવાબ પણ શું આપે બિચારો.
ઉડવાની બાબતમાં મોર અને વંદા સરખા આળસુ હોય છે. બંનેને એમને પાંખો હોય છે પણ એ મોટેભાગે જમીન ઉપર ફરવાનું જ પસંદ કરે છે. ફેર એટલો કે વંદા ટહુકા કરતા નથી. વંદા અને વંદી બંનેને મૂછો હોય છે. એ રીતે એમનામાં પુરુષ અને મહિલા વર્ગ બંને માટે મરદનું ફાડિયું રૂઢી પ્રયોગ વાપરી શકાય છે. એમનામાં હેર સ્ટાઈલ જેવું કંઈ હોય છે કે નહિ એ તો આપણને ખબર નથી પણ આપણે ત્યાં છોકરીઓ કપાળ આગળ વંદાની મૂછો જેવા અને જેટલા વાળ રાખતી હોય છે. હકીકતમાં વંદાની મૂછો એ વંદાની એન્ટેના છે જેનાથી એ એની આસપાસ ખબર રાખતા હોય છે. છોકરીઓને આસપાસની ખબર રાખવા માટે એવી એન્ટેનાની જરૂર પડતી નથી. ભગવાને એમને કુદરતી રીતે સિકસ્થ સેન્સ આપી છે અને એનાથી એ ભલભલાની ખબર લઇ નાખતી હોય છે.
છોકરીઓને વંદા ગમતા નથી એનું એક કારણ એ પણ હોઈ શકે કે વંદા એક જ કલરના આવતા હોય છે. હા, થોડી ઘણી ડીઝાઈન મળે પણ શેડ એક જ. હાઉ મીન. બીજી એક જાણીતી બાબત છે કે સ્ત્રીઓ વંદાથી ડરતી હોય છે. આમાં બહેરી પ્રિયા સિવાયની બાકીની સ્ત્રીઓ ગણવાની. પ્રિયા વંદાથી ડરતી નથી. એનો પરચો એણે લગ્નના બીજા જ દિવસે સવારે આપી દીધો હતો. બન્યું એવું હતું કે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા ત્યારે ટીવીની કેબીનેટ નીચેથી વંદો નીકળ્યો અને હું બેઠો હતો એ તરફ ધસ્યો. મને એમ કે એને સોફા નીચે જવું હશે એટલે મેં બંને પગ સોફા ઉપર લઇ લીધા. પણ એ સોફા નીચે ઘૂસે એ પહેલાં જ પ્રિયા ઉભી થઇ અને અચાનક રજનીકાંતના હાથમાં ગન પ્રગટ થાય એમ જ એના હાથમાં સ્લીપર પ્રગટ થયું! મને એમ કે એક જ ઝાપટમાં વંદા કા છુંદા હો જાએગા. લેકિન કિન્તુ પરંતુ એણે એમ ન કર્યું. એણે હળવેથી વંદાને સ્લીપર નીચે દબાવ્યો અને રોજર ફેડરર જેમ વિમ્બલડન ટ્રોફી ઉંચી કરે એ અદાથી વંદાને મુછથી પકડીને ઉંચો કર્યો! એના મોઢા ઉપર વિજયી સ્મિત હતું. આટલે સુધી બધું ઠીક હતું પણ વંદાને બહાર ફેંકવા જતી વખતે એણે તરફડતા વંદાને મારી ઉપર ફેંકવાની ચેષ્ટા કરી! આમ તો એ એ મારાથી દસેક ફૂટ દૂર હતી અને મને એ પણ ખબર હતી કે એ નાટક જ કરે છે પણ એ આવું કરશે એવી કલ્પના નહોતી એટલે હું ચમકીને સોફામાં ગબડી પડ્યો. જોઇને એ હસી અને મારી તરફ જોઇને માર્મિક સ્મિત કરતી કરતી બહાર ગઈ. બસ, એ દિવસથી અમારા જીવનમાં લીટીઓ દોરાઈ ગઈ. આજે અમે સુખી છીએ – એક વંદાના કારણે!
सुन भाई साधो …
દીપિકા: તારે લગ્નમાં આવા વેશમાં નથી આવવાનું.
રણવીર: શું પ્રોબ્લેમ છે આ ડ્રેસમાં? કેટલો સરસ છે.
દીપિકા: એ શાક ભરવાનો કોથળો છે સ્ટુપીડ.

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , . Bookmark the permalink.

2 Responses to વંદો

  1. kamleshthakkar કહે છે:

    રોફળ.. જોરદાર .. 😂😂

    Liked by 1 person

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s