ફાઈનાન્સ સમજાતું નથી


પારસમણિમાં એક ગુણ હોય છે. એ જે વસ્તુને અડે એ સોનુ બની જાય. અમારા ફ્રેન્ડ સર્કલમાં એક ‘પાઠકમણિ’ છે. નામ તો એનું સંદીપ ઉર્ફે સેન્ડી પાઠક છે, પણ એની પારસમણિ જેવી સ્પર્શસિદ્ધિને લઈને વર્ષોથી એ અમારા ગ્રુપમાં પાઠકમણિ તરીકે જ ઓળખાય છે. અમારા પાઠકમણિની ખૂબી એ હતી કે એ જે કંપનીના શેરને અડે એ કંપની બેસી જાય. એના માટે એવું આજે પણ કહેવાય છે કે એ વખતે એની પાસે રિલાયન્સના શેર ખરીદવાના પૈસા નહોતા નહિ તો આજે મુકેશભાઈનો પાઈ પાઈના મહોતાજ હોત.

લોકો પાસેથી શેરબજારનું ચરિત્ર કહો કે ચારિત્ર્ય સમજવાની ઘણી કોશિશ કરી છે છતાં અમને આજ સુધી સહેજ પણ સમજાયું નથી (Click on Image to read Feelings Gujarati Magazine online…)

અમે જો સ્ટોક માર્કેટમાંથી બે પૈસા કમાયા હોઈએ તો એ પાઠકમણિને કારણે કમાયા છીએ એ કબુલવામાં અમને લેશમાત્ર પણ શરમ નથી. પાઠક અમારા જીવનમાં આવ્યો ત્યાં સુધી સ્ટોકમાં અમારો જે કંઈ થોડોઘણો અનુભવ હતો એ એવો હતો કે અમે પાડો મારતા અને અમારા હાથમાં એનું પૂછડું જ આવતું. મોટા ભાગના કિસ્સામાં અનાજના માર્કેટમાં જેને ‘અનાજ વેચ્યું અને બારદાન કમાયા’ એવું બનતું. અમુક કિસ્સામાં નફા કરતા દલાલી વધુ ચુકવતા. મૂળ અમે ભોળા હ્રદયના એટલે કોઈ અમને ટીપ આપે એટલે લઇ લેતા. પછી થતું એવું કે બધા નીકળતા હોય ત્યારે અમે માર્કેટમાં એન્ટ્રી લેતા અને પછી એમ લેટ એન્ટ્રીને લઈને કેટલીય વાસુકી ગયેલી ગાયો અમારી ગમાણમાં બંધાઈ ગઈ હતી! છતાં વટના માર્યા અમે અમારી જાતને લોંગ ટર્મ ઇન્વેસ્ટર ગણાવતા એ જુદી વાત છે. શેર લીધાના દસ-દસ વર્ષ પછી આજે પણ કોઈ શેરનો ભાવ દોઢ રૂપિયાથી વધીને એક રૂપિયો પંચાવન પૈસા થાય ત્યારે અમે જમતી વખતે થાળીમાં ગોળનો ગાંગડો અચૂક લઈએ છીએ. આ હાલત હતી અમારી. લોકોને ધૂમ કમાતા જોઇને ખૂબ હાથપગ માર્યા, પણ સફળતાની ફોર્મ્યુલા હાથ લાગી નહોતી. પછી અમારા જીવનમાં પાઠક આવ્યો!

શેર બજારમાં ઇન્વેસ્ટ કરનારા લોકો કંપનીના પ્રમોટર્સ અને કંપનીની ફન્ડામેન્ટલ્સ જોઇને રોકાણ કરતા હોય છે; અમે પાઠકને જોઇને શેર ખરીદતા! ફોર્મ્યુલા સાવ સાદી હતી – પાઠક જે માલ ઉપાડે એ અમારે ફૂંકી મારવાનો! એની વક્રદ્રષ્ટિ જે કંપનીના શેર પર પડતી એના શેર અમે ચોઘડિયું જોયા વગર ફટકારી મારતા. એ જે કંપનીના શેર વેચે એ અમે ખરીદી લેતા! આજ દિવસ સુધી અમે ખોટ ખાધી નથી. હા, નફામાં થોડું ઘણું નુકસાન થયું હશે, પણ મૂડી અખંડ રહી છે.

શેરબજાર રૂપી સમંદરમાં અમે તો નાનું માછલું છીએ પણ શેર બજારમાં મગરમચ્છ ગણાય એવા લોકો અમારા મિત્ર છે. એ લોકો પાસેથી શેરબજારનું ચરિત્ર કહો કે ચારિત્ર્ય સમજવાની ઘણી કોશિશ કરી છે છતાં અમને આજ સુધી સહેજ પણ સમજાયું નથી. અત્યારે પણ જે પ્રશ્ન અમારા મગજની નસ ખેંચી રહ્યો છે તે એ છે કે કોરોનાકાળમાં ફાર્મા અને અમુક જીવનજરૂરિયાતની ચીજોના શેર વધે એ સમજ્યા પણ એ સિવાયના સ્ટોક શું કામ વધે છે? સ્કેમના લીધે શેરબજારમાં ઘોડા સાથે ગધેડા પણ દોડતા થઇ જતા હોય છે એ અમને હર્ષદ મહેતા પરની વેબસિરીઝ જોવાથી સમજાયું છે. એટલે અત્યારે અમે ‘વેલકમ’ વાળા ઉદય શેટ્ટીની જેમ કંટ્રોલ કરી રહ્યા છીએ. હર્ષદ મહેતાની સીરીયલ પરથી એ પણ સમજાયું કે પાનવાળા અને રિક્ષાવાળા શેરબજારની ટીપ્સ આપતા થઇ જાય એ સમય બજારમાંથી નીકળી જવાનો ગણવો. આમ પણ અમે એન્જીનીયર છીએ એટલે ફાઈનાન્સના વિષયમાં અમે એટલા કાચા છીએ કે અમે તો ઓટીપી પણ અઠવાડિયા સુધી વાપરવાનો પ્રયાસ કરીએ છીએ.

મૂડી રોકવી ક્યાં? ફાઈનાન્સના ખેલાડી પાસે મૂડીરોકાણ માટે સલાહ લેવા જઈએ ત્યારે એ લોકો ચેતવતા હોય છે કે વધુ પૈસા કમાવા હોય તો રિસ્ક પણ વધુ લેવું પડશે. રિસ્ક લેવાની હિંમત ન હોય તો નેશનલાઈઝડ બેંકમાં ડીપોઝીટ કરો. આ રિસ્ક પણ અજબ બલા છે. સરકાર વધુ વળતર આપતી સ્કીમ માટે ‘આ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમના બધા દસ્તાવેજ તપાસીને રોકાણ કરો’ એવી ચેતવણી આપે છે. તો સામે ‘સ્કેમ..’ સીરીયલમાં હર્ષદ મહેતા પણ સૂત્ર આપે છે – રિસ્ક હૈ તો ઈશ્ક હૈ! વોરન બફેટ કહે છે કે ‘તમે જે ન જાણતા હોવ એ કરવા જાવ એને રિસ્ક કહેવાય’. અમારા માનવા મુજબ બફેટે આ વાત શેર બજારના સંદર્ભમાં તો નહિ જ કહી હોય કારણ કે અમે શેર બજારના અઠંગ ખેલાડીઓને લાખના બાર હજાર કરતા જોયા છે. ભલે અમે શેરબજાર વિષે એમના જેટલું જાણતા નથી છતાં અમે મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં પૈસા રોકીએ છીએ કારણ કે અમારી પાસે કોઇપણ જાતના જોખમની અણી કાઢે એવો પાઠકમણિ છે!

મૂડી રોકાણની જેમ ઉધારીનું શાસ્ત્ર પણ અમને સમજાયું નથી. અમે હોસ્ટેલમાં રહેતા ત્યારે કોઈ એક બીજા ઉપર પાંચ રૂપિયા જેવી સામાન્ય રકમ ઉધાર આપવા જેટલો પણ ભરોસો નહોતું કરતું. એ સમયે બેંકો પણ જાણે પૈસા ઉઘરાવવા માટે જ બની હોય એવું લાગતું. ડિપોઝીટો માટે બેન્કના અધિકારીઓ મુડીપતિઓના પગે પડતા. ક્યારેક  બેન્કમાંથી મોટી રકમ ઉપાડવી હોય તો ચેક કરતાં બંદૂકથી પૈસા ઉપાડવાનું સહેલું જણાતું. આજે તો વાહન, મકાન કે પર્સનલ લોન આપવાવાળા ફોન કરી કરીને લોહી પી જાય છે. અમને તો લોન કંપનીના એક્ઝીક્યુટીવ લોહી પીવા માટે હાથમાં ભૂંગળી લઈને ફરતા હોય એવું જ દેખાય છે. સાચું કહું? રૂપિયા ઉછીના આપવામાં માટે બેંકવાળાને આટલી તાણ કરતા જોઇને પહેલાં તો અમે ગળગળા થઇ જતા કે હાળું બજારમાં આપણી શાખ છે! પછી સમજાયું કે એમનો આખો કારોબાર આપણી ऋणम् कृत्वा घृतम् पिबेत – દેવું કરીને પણ ઘી પીઓની વૃત્તિ પર આધારિત છે. એકવાર માત્ર બે દિવસમાં લાખો રૂપિયાની લોન આપવાની ઓફરથી લલચાઈને અમે બહેરી પ્રિયા માટે ટુ વ્હીલરની લોન લેવા ગયા તો લોનના ફોર્મ, ચેક, ગેરંટી અને સ્ટેમ્પ પેપર પર એટલી સહીઓ કરવાની આવી કે ત્રણ દહાડા સુધી તો જેવી પેન હાથમાં આવતી કે અમારાથી સહી થઇ જતી! ઓછું હોય એમ મેં મારી જે ઓળખ આપી એ વ્યક્તિ હું જ છું કે નહિ એની જયારે સાબિતી આપવાની આવી ત્યારે લાગ્યું કે હાળી આપણી વેલ્યુ એક એકટીવા જેટલી પણ નથી!

થોડા સમય પહેલાં હું હિંચકે બેઠા બેઠા પેટ્રોલના ભાવ વધારા વિષે વિચરતો હતો ત્યાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામે છેડે કન્યા હતી.

‘સર, હું આઈએલયુ બેન્કમાંથી લવલીના લોનવાલા બોલું છું’.

‘બોલો. શું કામ હતું?’ મેં કહ્યું.

‘સર, આપને વાહન માટે લોન જોઈએ છે’?

‘હા. જોઈએ છે’.

‘ટુ વ્હીલર કે ફોર વ્હીલર’?

‘ટુ વ્હીલર’.

‘પેટ્રોલ કે બેટરી ઓપરેટેડ’?

‘હવે તો તાજા લીલા ઘાસથી ઓપરેટ થાય એવું લેવું છે’.

‘તમે કયું વ્હીકલ લેવા માગો છો’?

‘ઘોડાગાડી’! સામેથી ફોન કટ થઇ ગયો.

લોન માટેના ફોનનો તો આ રીતે નિકાલ કરી દઉં છું પણ ક્રેડીટકાર્ડવાળાનાં દાવનો તોડ હજી નથી જડ્યો. આપણે બેંકના મેનેજરની દીકરીના લગનમાં હજાર રૂપિયા ચાંલ્લો કરી આવ્યા હોઈએ અને વળતા વ્યવહારે એ આપણને ન્યાલ કરવા માંગતા હોય એમ લાઇફ ટાઈમ મફ્ફત ક્રેડીટ કાર્ડ આપવા માટે એ લોકો અઠવાડિયામાં ચાર વાર ફોન કરાવતા હોય છે. મને હાળું એ સમજાતું નથી કે આપણે રૂપિયા આપ્યા વગર ક્રેડિટકાર્ડથી માલ ખરીદીએ અને પછી એ રૂપિયા મહીને ચૂકવીએ એમાં ક્રેડિટકાર્ડ કંપનીઓને એટલો તો શું દલ્લો મળી જતો હશે કે કાર્ડ વેચવા કન્યાઓ પાસે ફોન કરાવતા હશે? અમુક વાર તો અમે સિન્કમાં વાસણ માંજતા હોઇએ ત્યારે અજાણ્યા નંબર પરથી કોઈ કન્યાનો ફોન આવે અને અમને મંજુલ સ્વરમાં પૂછે કે, ‘સર, હું આઈસીયુ બેંકમાંથી બોલું છું અને અમારી બેંક તમને એક લાઈફ ટાઈમ મફત ક્રેડિટકાર્ડ ઓફર કરે છે, તમને ઇન્ટરેસ્ટ છે?’  ત્યારે ધર્મસંકટ ઉભું થઈ જાય છે. એક તો કન્યાનો ફોન હોય એટલે ના પાડવામાં અવિવેક થાય તો વધારે ખુંચે, એમાં મફતની વાત હોઈ અમદાવાદી તરીકે વિશેષ રસ પડે. એકંદરે થાય એવું કે અમને વાસણ માંજવા કરતાં કન્યા સાથે વાતચીત કરવામાં વધુ રસ હોવા છતાં અમારા ‘સેનીટરી ઇન્સ્પેક્ટર’ના કડક સ્વભાવના લીધે ‘ના, ઇન્ટરેસ્ટ નથી હોં’ કહીને ફોન મૂકી દેવો પડે છે. જોકે અમને મદદરૂપ થવા માગતી કન્યાને ક્યારેય કડક અવાજમાં ખખડાવવાની ચેષ્ટા અમે કરી શકતા નથી. છતાં એકાદું ક્રેડિટકાર્ડ રાખવું પડે એટલે અમે રાખ્યું છે. પણ એના બિલની ઉઘરાણી બહેનો નહીં ભાઈઓ કરે છે, અને એમનો અવાજ બહેનો જેટલો મધુર નથી હોતો એટલું અમને સમજાયું છે.

ધન ઉપાર્જન, સંચય અને વ્યયના મામલે આવી જાત જાતની બોલિંગ સામે બેટિંગ કરતા કરતાં એટલું સમજાયું છે કે પૈસાની અતિશય લાલસા પણ ન હોવી જોઈએ કે પછી એની તૃષ્ણા જ ન હોય એવી વિરક્ત મન:સ્થિતિ પણ ન હોવી જોઈએ. એક સંસ્કૃત સુભાષિત મુજબ शनैः शनैश्च भोक्तव्यं स्वयं वित्तमुपार्जितम् અર્થાત સ્વઉપાર્જિત ધનને યથાવકાશમ્ છતાં અવધાનપૂર્વક વાપરતા રહેવું એ જ આદર્શ રસ્તો છે. બાકી અંબાણી-અદાણી, બીલ ગેટ્સ (છૂટાછેડા પહેલાનો), ઇલોન મસ્ક અને ઝેફ બેઝોસ જેવા નામો તરફ નજર પડશે ત્યારે લાગશે કે આપણે પૃથ્વી પર અમસ્તો જ આંટો મારવા આવ્યા છીએ અને કઈં સાહસ કર્યા વગર જ પાછા જઈશું. જો કે પછી નિરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યાના સાહસો પર નજર કરશો ત્યારે થશે કે આપણા જેવા પ્રામાણિક અને આબરુદાર માણસો પૃથ્વી પર વસે છે એટલે જ પ્રલય નથી આવતો. અસ્તુ.

सुन भाई साधो …

‘તમે શટલ રિક્ષા ચલાવો છો?’
‘ના. હું ગઝલ ગાયક છું અને મને પોગરામમાં હાર્મોનિયમ સાઈડ ઉપર રાખીને વગાડવાની ટેવ છે’.

-----X-----X----- ૪૭૮૦૩ 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in कहत बधिरा... and tagged , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s