દુનિયા જાણે છે કે ચણાના લોટના લુવાને પાટલા પર વણીને પડાયેલા ગાંઠિયાને અમે ‘ચણાના લોટમાં વણેલી કવિતા’ ગણાવીને ગાંઠિયાને ગરિમા બક્ષી છે. મિલોર્ડ, આ કહેતી વખતે અમે એ નથી જોયું કે કારીગરે ફાટેલું, મેલું અને પરસેવાથી ભીનું ગંજી પહેરેલુ છે કે પછી થ્રી પીસ સુટ પહેરીને ઝારો ચલાવ્યો છે. અમે કબૂલ કરીએ છીએ કે કડકડતા તેલમાં ઉછળતા, ફૂલતા, તળાતા ગાંઠિયાનો એકએક વળ દીપિકા કે વિદ્યાની કમરના વળાંકોને ભુલાવી દે એવો હોય છે. એમાંથી નીકળતી હિંગ, મીઠું, મરી અને ચણાના લોટની ઉનીઉની ખુશ્બુસભર વરાળ દિલને ગાર્ડન ગાર્ડન કરી મુકે છે એ વાતમાં પણ બે મત નથી. આવા ગાંઠીયાના ચાહકો એના વિષે જરા પણ ઘસાતું સાંભળી પણ શકતા નથી. પરંતુ એ જ ચાહકોએ ગાંઠિયાના જ કાકાના દીકરા ફાફડાને ‘નળિયું’ કહીને એમણે પોતાના જ પરમ મિત્રો એવા ફાફડાબાદ સોરી અમદાવાદના લોકોની લાગણી દુભાવી! ગાંઠિયાનો ચાહક આવું કરી જ કેમ શકે?

પ્રસ્તુત લેખ ઓનલાઈન વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો… https://issuu.com/feelings/docs/feelings_gujarati_magazine_diwali_issue_2021
જો ગાંઠિયા એક કવિતા છે તો ફાફડાબાદીઓ માટે ફાફડાએ મજનૂની લૈલા છે. એક વાયકા મુજબ મજનુને લોકોએ ભરમાવ્યું કે ‘લયલા તો શામળી છે’ ત્યારે એ કહેતો કે ‘લયલાને તમે મારી આંખોથી જુઓ’. તમે ફાફડાને અમારી નજરથી જુઓ. લયલાને કદાચ ખીલ હશે, માથામાં જુઓ પણ પડતી હશે, છતાં મજનુની દીવાનગી અટલ હતી. એમ જ ફાફડાનો કારીગર તાવડો-ઝારો-પાટલો નિયમિત સાફ કરતો હશે? ગંજી ધોતો હશે? કે રોજ નહાતો હશે? એવી તમામ શંકાઓને ફગાવી દઈને ફાફડાબાદીઓ એકનિષ્ઠાથી ફાફડાને ચાહે છે. આવી આલાતરીન વાનગીને નળિયું કહ્યું એનાથી અમારું મન ખાટું થઇ ગયું. ગાંઠિયા અમારા માટે કવિતાથી કમ નથી તો ફાફડાને અમે લાયલાની જેમ ચાહીએ છીએ. એ જે હોય તે પણ આ ઘટનાએ અમારા મનને વ્યથિત કરી દીધું.
ક્યારેક આપણી સાથે આવી કેટલીક ઘટનાઓ બનતી હોય છે જે આપણી જાણ બહાર આપણા સુષુપ્ત મગજમાં ઝીણો કેમિકલ લોચો કરી દેતી હોય છે. પછી જે કંઈ બને એની ઉપર આપણું કોઈ નિયંત્રણ હોતું નથી. કોઈ સવારે આપણે ઉઠીએ ત્યારે મગજ પર આવા કોઈ લોચાનો બોજ હોય એવું તમે પણ અનુભવ્યું હશે. કવિતા-નળિયા મામલે મારી સાથે આવું હમણાં જ બન્યું! કેમિકલ લોચાએ મને મધદરિયે લડાકુ જહાજની સામે ખાડો કરી દીધો!
એક તરફ દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા આરોગી જનાર સૈનિકોની બનેલી અમારી ફાફડાબાદની સેનાનું જહાજ હતું અને બીજી તરફ ગાંઠિયા ખાધા વિના જેના શૂરાઓની સવાર પડતી નથી એવી ગાંઠિયાવાડની સેનાનું જહાજ મોરચો માંડીને બેઠું હતું. ક્ષિતિજ સુધી ફેલાયલા અફાટ સમુદ્રમાં પાણીના બદલે ફાફડા સાથે ખવાતી કઢી હિલોળા લઇ રહી હતી અને એની લહેરો પર સવાર અનેક નૌકાઓમાં ખૂખાર રણબંકા અમારી સેનાને લલકારી રહ્યા હતા. એક સામે અનેકનો જંગ હતો અને અમારા જહાજ તથા એમાં સવાર સૈનિકોના રક્ષણ જવાબદારી મારા શિરે હતી.
બંને બાજુથી ગંજાવર તોપો ફૂટી રહી હતી પણ ગોળાનું નામોનિશાન નહોતું. માત્ર ધડાકાના અવાજો આવી રહ્યા હતા. હવામાં દારૂગોળાની વિશિષ્ઠ ગંધ જણાઈ રહી હતી. દુશ્મન સેનાના સૈનિકો એમની સ્વયંચાલિત એકે-૪૭માંથી વણેલા ગાંઠિયા રૂપી ગોળીઓનો અવિરત વરસાદ કરી રહ્યા હતા. આ લડાઈમાં હવામાન અમારા પક્ષે હતું. દુશ્મનોની ગાંઠિયા રૂપી ગોળીઓ દરિયાની ભેજવાળી હવામાં હવાઈને રૂના પૂમડા જેવી થઇ જતી હતી. ભૂલેચૂકે કોઈ હવાયા વગરની ગોળી અમારા જહાજ સુધી પહોંચતી તો અમારા સૈનિકો એને કઢીના પીપડામાં બોળીને ખાઈ જતા હતા. ક્યારેક એમના તરફથી ગોંડલિયા મરચા રૂપી મિસાઈલ આવી પડતું તો ક્યારેક પોપયાના સંભારાની વર્ષા થતી હતી.
એવું નહોતું કે અમે સામનો નહોતા કરતા. આવા ભીષણ હુમલાનો સામનો અમારા ધનુર્ધારીઓ કરી જ રહ્યા હતા. પણ શસ્ત્રો ઉઠાવતા મારો જીવ ચાલતો નહોતો કારણ કે મહાભારતના યુદ્ધ સમયે અર્જુનની હતી બરોબર એવી જ હાલત અમારી હતી. સામે પક્ષે અમારા જ સ્વજન એવા પ્રિય ગાંઠિયાવાડી સુહૃદો હતા. એમની એકે-૪૭માંથી વરસી રહેલા ગાંઠિયા પણ અમને અતિ પ્રિય હતા એટલે અમારો પ્રતિસાદ સંભારા જેવો જ મોળો હતો.
લાંબા સમયથી ચાલી રહેલા ડીંગ ડીંગ ડીંગ ડીંગથી કંટાળીને મામલો પૂરો કરવા માટે છેવટે મેં ધનુષ ઉપર અમદાવાદની પ્રખ્યાત ઓશવાલના ત્રણ ફાફડા ચડાવ્યા અને બાહુબલીએ દેવસેનાને શિખવાડેલો મંત્ર – ‘ના દ્વે મણિબંધમ બહિર્મુખમ’ – બોલીને દુશ્મન સેના ઉપર છોડી મુક્યા! … અને ફાફડાસ્ત્રે ધારી અસર ઉપજાવી! થોડી ક્ષણો સુધી ધુમાડાના ગોટેગોટા છવાયેલા રહ્યા પછી એકએક ધુમાડા સાથે સામેની સેના હવામાં અલોપ થઇ ગઈ અને આકાશમાંથી ગેબી અવાજ આવ્યો – ‘સાહેબ, ચા’!
સાંભળીને મારી આંખ ખુલી તો સામે ધુમાડાના બદલે સિન્ડ્રેલા ચાનો કપ અને ગાંઠિયા ભરેલી ડીશ સાથેની ટ્રે લઈને ઉભી હતી!
તમને બીજી કોઈ ગેરસમજ થાય એ પહેલાં કહી દઉં કે સિન્ડ્રેલા ઉર્ફે કમળા એ અમારા હાઉસ હેલ્પર શંકરની પત્ની છે. એને ગમે તેના ચંપલ પહેરી જવાની ટેવ છે એટલે સોસાયટીવાળા એ એનું નામ સિન્ડ્રેલા પાડ્યું છે. અત્યારે એ હેરતભરી નજરે મારી સામે જોઈ રહી હતી.
‘શું થયું સાહેબ?’ એણે પૂછ્યું.
‘ટ્રે બાજુમાં મૂક અને સાવરણી લઈને અહી વેરાયેલા ગાંઠિયા-મરચાં વાળી નાખ.’
‘હેં!’ એને કંઈ સમજાયું નહિ એટલે એ મારી સામે વિચિત્ર રીતે તાકી રહી.
હું અર્ધતંદ્રામાં સ્વપ્ન અને વાસ્તવિકતાનું અનુસંધાન કરવા ગયો પણ સિન્ડ્રેલાના ‘હેં’થી હું યુદ્ધભૂમિમાંથી પાછો પલંગમાં પટકાયો.
ગાંઠિયા મને એટલા જ પ્રિય છે જેટલા મને ફાફડા પ્રિય છે એટલે સ્વપ્નમાં પણ ગાંઠિયા આવે એની નવાઈ નથી. હું ગાંઠિયાને કવિતાની ઉપમા આપવાથી અટક્યો નથી. હું ગાંઠિયાને સમાજમાં માન ભર્યું સ્થાન અપાવવા માટે કટીબદ્ધ છું. મને અફસોસ એ વાતનો છે કે પાર્ટી અને શુભ પ્રસંગોએ થતા જમણવારમાં આપણે મહેમાનોને ભલે આઠસો-હજાર રૂપિયાની ડીશ જમાડતા હોઈએ પણ એમાં ગાંઠિયાને સ્થાન આપી શક્યા નથી. ગાંઠિયા પણ એવી નકટી વાનગી છે કે ‘મારે કોલેસ્ટેરોલ છે એટલે તળેલું નથી ખાતો’, ‘મારે ડાયેટિંગ ચાલે છે’ કે ‘હું બહારનું ઓછું ખાઉં છું’ કહેનારા શરમ નેવે મુકીને સૌ પહેલાં હાથ મારતા હોય છે અને સૌથી વધુ ઝાપટી જતા હોય છે. આથી જ જાનના સ્વાગત પછી ગરમાગરમ ગાંઠિયા, જલેબી, તળેલા મરચાં અને સંભારા વડે જાનૈયાઓને તૃપ્ત કરવાનો રીવાજ છે. પણ ગાંઠિયાની આનાથી આગળ પ્રગતિ થઇ નથી. બજારમાં પણ ગાંઠિયાને લારી કે નાની ખોપચા જેવી દુકાનથી મોટો વૈભવ મળ્યો નથી. ગાંઠિયા નિરાંતે બેસીને ખાવાની ચીજ પણ જણાતી કે ગણાતી નથી અને કદાચ એટલે જ ગાંઠિયાની દુકાનોમાં ટેબલ જોવા મળશે પણ ખુરશી ભાગ્યેજ જોવા મળશે.
ગાંઠિયા અને ફાફડા તાજા ઉતરતા ખાવાનો જ રીવાજ છે. મોટેભાગે બંને એકજ પ્રકારની કણકમાંથી બનતા હોય છે. ફેર માત્ર એટલો કે ગાંઠિયાના લુવાને પાટલા ઉપર વણવામાં આવે છે એટલે સૌરાષ્ટ્ર બાજુ એને ટૂંકમાં ‘વણેલા’ પણ કહેવામાં આવે છે. જયારે ફાફડા માટે લુવાને પાટલા ઉપર ઘસીને લાંબો પાટો બનાવવામાં આવે છે જેને ચપ્પા વડે ઉખાડીને કડકડતા તેલમાં તળવામાં આવે છે. આકારના લીધે કોઈ કોઈ જગ્યાએ ફાફડાને ‘પાટા’ પણ કહેતા હોય છે. અમદાવાદના ફાફડા રેલ્વેના પાટા તરીકે પણ વાપરી શકાય એવા મજબૂત હોય છે એવો પણ એક આક્ષેપ છે.
ગાંઠિયા વણતી વખતે આખા લુવામાંથી લેંઘાના નાડાથી થોડો જાડો અને તૂટ્યા વગરની સળંગ દોરડી વણી એનું ગૂંચળું બનાવીને તળવામાં આવે છે. જોકે તળતી વખતે એના ટુકડા થઇ જ જાય છે. જયારે ફાફડાના પાટા આખા સળંગ ઉતારવા એ કળા છે. બન્ને કિસ્સામાં ‘ફૂંક મારો તો તૂટી જાય એવા’ કે ‘મોમાં મુકો એટલે ઓગળી જાય એવા’ નરમ હોવા જોઈએ એ માર્કેટ સ્ટાન્ડર્ડ છે. ઇતિહાસમાં કોઈ વાનગીઓ માટે જંગ ખેલાયો હોય એવું જાણમાં નથી પણ ગરમાગરમ ગાંઠિયા-ફાફડા બાબતે સૌરાષ્ટ્રના ગાંઠિયા પ્રેમીઓ અને અમદાવાદના ફાફડા પ્રેમીઓ વચ્ચે સોશિયલ મીડિયામાં કોલ્ડ વોર ચાલે છે.
અમદાવાદના ફાફડા ઉપર આક્ષેપ એ છે કે એ કડક અને ભૂંગળી વળેલા હોય છે એટલે એને નરમ બનાવવા માટે જોડે કઢી સર્વ કરવામાં આવે છે. સાથે જલેબી, સંભારો અને મરચાં ખાવાનો પણ રીવાજ છે પણ એ અધ્યાહાર રાખવામાં આવે છે. હા, ફાફડા થોડા કડક હોય છે પણ આ બાજુ માવા ફાકીનું ચલણ ઓછું છે એટલે શોખીનો આરામથી બટકાવી જતા હોય છે. આની સામે ફાફડા પ્રેમીઓની દલીલ છે કે તમે બટાકા સાથે ભૂંગળા ખાઈ શકતા હોવ તો અમારા ફાફડા એ અડધું ભૂંગળું જ છે. સાથે તમારે જે જોઈએ તે આપશું પણ ફાફડાને અમારો પ્રેમ જોઈને અપનાવો. બીજી ફરિયાદ એ છે કે ફાફડા સાથે સંભારો માર્યાદિત માત્રામાં આપવામાં આવે છે અને મરચાં પણ ગણીને આપવામાં આવે છે. એમાં કહેવાનું એટલું જ કે અમદાવાદમાં સંભારો-મરચાં આપે છે એ જ ઘણું છે. અમારે ત્યાં ચોળાફળી સાથે છાપાનો કાગળ પણ ચોળાફળીના ભાવે જ પધરાવવામાં આવે છે.
અમને અમદાવાદીઓને સૌરાષ્ટ્રના ગાંઠિયા પ્રેમીઓની ‘અસલ’ ગાંઠિયા માટેની તલબ જોઇને આશ્ચર્ય થાય છે. મોટાભાગના ઘરોમાં સવારના પહોરમાં ગાંઠિયા ખાવાનો રીવાજ છે. એમાંના ઘણાંને તો સવારે ગાંઠિયા ન મળે તો પેટ પણ સાફ ન આવે એવી તકલીફ પણ હોય છે. આવા લોકો પરદેશ જાય તો ત્યાં સવારે ‘ક્વિક એન્ડ સ્મુધ’ ડીલીવરી માટે કબજીયાતના ચૂરણ તરફ વળતા હોય છે. આ બાબતે અમારું નમ્ર સૂચન છે કે વતનથી દૂર રહેતા લોકોની સુખાકારી માટે કબજીયાતના ચૂરણ તરીકે ગાંઠીયાના ભુકાનો સ્ટોક નિયમિત રીતે મળતો રહે તો સમગ્ર પ્રક્રિયામાં બળ પ્રયોગની માત્રા ઘટાડી શકાય.
સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાના પ્રવાસ દરમ્યાન ગાંઠિયા સાથે ખાવા માટે પપૈયાનો સંભારો, તળેલા મરચાં ઉપરાંત સિઝનમાં કાચી કેરી, કાકડી, ડુંગળી, કોબીજ તથા બીટનું છીણ અને એક કિસ્સામાં ટીંડોળાના પીતા પીરસાતા પણ જોયેલા છે! એક જગ્યાએ અમને ગાંઠીયા સાથે સરસ મરચા-કચુંબર ઉપરાંત કાંદા અને કાચી કેરી પણ આપી. સારું લાગ્યું. પણ સાથે ચપ્પુ આપી ગયા! મતલબ કે એ કેરી-કાંદા આપણે જાતે છોલવા-સમારવાના! અમે એક સાદી વાત કહી કે બીલમાંથી આ સમારવાનો ‘લેબર ચાર્જ’ કાપી આપો, તો ધરાર ના પાડી દીધી બોલો! અમારા જેવા ભોળા અમદવાદીઓનું સાંભળ્યું જ નહિ! પણ એક વાત કહેવી પડે કે ગાંઠિયા મસ્ત હતા અને ગામ? ગોંડલ!
અમારી વાત કરું તો અગાઉ કહ્યું એમ અમે સૌરાષ્ટ્ર સ્ટાઈલના ગાંઠિયા અને અમદાવાદી સ્ટાઈલના ફાફડા બંનેને સરખા જ ચાહીએ છીએ. અમને અમદાવાદી ફાફડાને કઢી અને જલેબી સાથે ઉડાવવાની એટલી જ મજા આવે છે જેટલી ગાંઠિયા સાથે સંભારો-મરચાં ઉલાળવાની. અમારા માટે સ્વાદ સત્ય છે; આ સારું કે તે સારું એ બધી માયા છે. આ બધાથી પર ‘આત્મન્યેવ આત્મના તુષ્ટ:’ એવા અમે સ્થિતપ્રજ્ઞ છીએ. અમને બધું જ ભાવે છે. કોક ખવડાવતું હોય તો શ્રેષ્ઠ કારણ કે અમે અમદાવાદી છીએ!
सुन भाई साधो …
બધિર: નકાબમાં તું સ્ટનિંગલી બ્યુટીફૂલ લાગે છે.
બહેરી પ્રિયા: એ નકાબ નથી તમારા મોઢા પર કરોળિયાનું જાળું ચોંટ્યું છે. રોમાન્ટિક થયા વગર માળિયામાંથી નીચે ઉતરો હજી આખું રસોડું બાકી છે.
Awesome. Nice article
LikeLike
Thank you Ketanbhai.
LikeLike
😂😂😂😂 superb
LikeLiked by 1 person
👍👌👌Excellent Article.
LikeLiked by 1 person
Thank you so much.
LikeLike
Thank you so much.
LikeLike
ગાંઠિયા મને એટલા પ્રિય છે કે સ્વપ્નમાં પણ ગાંઠિયા આવે એની નવાઈ નથી.
LikeLiked by 1 person
Thank you so much. 🙏
LikeLike
too good.
LikeLiked by 1 person