આપણને મળેલા મહામુલા જીવનને સાર્થક કરવા માટે અનેક વિભૂતિઓએ પોતાના જીવન અને કવનથી દિશા ચીંધી છે. માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ એવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થ બાબતે શાસ્ત્રોમાં સમજ આપવામાં આવી છે. વાણી, વર્તન અને વ્યવહારથી લઈને દિવસમાં કેટલીવાર ખાવું અને કેટલીવાર નહાવું એ બાબતે વિદ્વાનોએ સ્પષ્ટ નિર્દેશ આપેલા છે. આમ છતાં અમને એવું લાગે છે કે કેટલીક બાબતોમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં નહિ આવે કે કડક નીતિનિયમો લાગુ કરવામાં નહિ આવે તો આગળ જતાં આ પૃથ્વી પર જીવવું દુષ્કર થઇ જશે – જેમ કે નાચવું અને ગાવું!
આ બંને ક્ષેત્રમાં જે લાલીયાવાડી ચાલે છે એટલી તો આપણી મુનસિટાપલીમાં નથી હોતી. કોઈ નિયંત્રણ જ નથી! જેમની સરખામણીમાં ધર્મેન્દ્રને પ્રભુદેવા કહેવો પડે એવા લોકો અત્યારે સંગીત સંધ્યાઓમાં સ્ટેજ પર હાહાકાર મચાવી રહ્યા છે. અને માફ કરજો – ‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએ …’ જેને ફાવતું હોય એના માટે બરોબર છે પણ ‘ગાના આયે યા ન આયે ગાના ચાહીએ …’ એ સમાજ માટે ઘાતક છે. ગયા મહીને લગ્ન પ્રસંગે યોજાયેલી સંગીત સંધ્યાઓમાં ખોખરા રફીઓ અને ખોરા તેલમાં તળેલા ભજીયા ખાઈ ગયેલા કિશોરકુમારોને સાંભળ્યા પછી અમે ચોંકી ઉઠ્યા છીએ. આખરે અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે સરકારે આર.ટી.ઓ. જેવી સંસ્થાની સ્થાપના કરવી જોઈએ જે નાચવા-ગાવાની કળામાં આઠડો મરાવ્યા બાદ ઉમેદવારોને પાકું લાયસન્સ આપે. ત્યાર બાદ જેમની પાસે લાયસન્સ હોય એ લોકો જ જાહેરમાં નાચી કે ગાઈ શકે. એમાં પણ જે લોકો લાયસન્સ વગર કેરીઓકે ટ્રેક સાથે ગાતા હોય એમની સામે તો દેશી દારુ ગાળનારા સામે લગાડવામાં આવે છે એવી કલમો લાગુ કરવી જોઈએ એવી અમારી માંગણી છે.
તમે સોશિયલ મીડિયામાં એક્ટીવ હશો તો તમારો ભેટો તાનસેનની ભટકતી આત્મા જેવા કેરીઓકીયાઓ સાથે થયો જ હશે. એમને ભટકતી આત્મા સાથે સરખાવવાનું પણ એક કારણ છે. ગાવું એ લોકોની અધુરી ઈચ્છા હોય છે. કોઈને ગાવું હોય કે ગાવાનું ગમતું હોય તો એમાં સમાજને કોઈ વાંધો ન હોઈ શકે; પણ આ લોકોને પોતાને સાંભળનારું ઓડીયન્સ પણ જોઈતું હોય છે જે એમને સંગીત સંધ્યામાં મળી રહે છે. પહેલાં તો લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ગાવાનું થતું. એ વખતે સમાજના મેળાવડા કે કોલેજની ટેલેન્ટ ઇવનિંગમાં જેમને ગાવાની ઈચ્છા હોય પણ સુર-તાલના વાંધા હોય એ લોકોને ઓરકેસ્ટ્રાવાળા જ ફેલ કરતા. એવા લોકો પછી અંતાક્ષરીમાં હાજર લોકોનો વારો કાઢી લેતા. હવે સ્માર્ટ ફોન પર એવી ‘કેરીઓકે’ એપ્લીકેશનોઆવી છે જેણે વાંદરાને દારુ પાવા જેવું કામ કર્યું છે. જાપાનીઝમાં ‘કેરી’ કે ‘કરા’ એટલે ખાલી અને ‘ઓકી’ એટલે ઓરકેસ્ટ્રા. કેરીઓકે એપમાં તમે ઢગલાબંધ ગીતોમાંથી એક ગીત પસંદ કરો એટલે એની એવી ધૂન વાગે જેમાં ગાયકનો અવાજ ન હોય; ગાનારે પોતાના અવાજમાં એ ગીત ગાવાનું. જે લોકો ‘ટરર ટરર ઢમ ઢમ ઢમ, કરો રમકડાં કૂચકદમ…’ ગાય તો છોકરાં રડી ઉઠતા હોય એવા લોકો આ એપ્લીકેશન આવ્યા પછી સંગીત સંધ્યાઓમાં રફી, કિશોર અને મુકેશજીના આત્માને આંચકા આપી રહ્યા છે. મારા પરિચિતોમાં ઓચિંતાના મુહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશજીથી લઈને અલ્તાફ રાજા સુધીના ગાયકો ફૂટી નીકળ્યા છે જે એમના રેકોર્ડીંગ મને વોટ્સેપ પર મોકલી રહ્યા છે. ઓફકોર્સ બધાજ સિંગર ઉલ્હાસનગર બ્રાંડ! હું એવો ઘેરાઈ ગયો છું કે સંસારમાંથી મન ઉઠી ગયું છે. હાળું એમ છે થાય કે જિંદગીમાં આપણે કઈં ઉકાળતા જ નથી!
વાત આટલેથી આગળ વધે છે. ડીસેમ્બર મહિનાના પહેલા પંદર દિવસમાં જ લગ્નના મુહુર્ત આવતા હોય છે. મોટા ભાગનાને ત્યાં સુધીમાં બધી સી.એલ. પૂરી થઇ ગઈ હોય છે. આપણા સગા અને સંબંધીઓને પણ ત્યારે જ પ્રસંગ લેવાનું સુઝે છે. લગ્ન હોય એટલે સંગીત સંધ્યા સહીત ત્રણ ચાર દિવસનો કાર્યક્રમ હોય જ. આજકાલ લગ્ન પ્રસંગમાં લગ્ન ગૌણ અને સંગીત સંધ્યા મુખ્ય થઇ ગયા છે. કહેવાય સંગીત સંધ્યા પણ એમાં પહેલાં ગરબા અને ફિલ્મી ગીત પરના ડાન્સ પરફોર્મન્સ થતાં હોય છે અને સંગીત છેલ્લે આવતું હોય છે.
સંગીત સંધ્યાઓમાં પરફોર્મન્સ કો-ઓર્ડીનેટ કરનાર અને ઇવેન્ટના એન્કરનો ઉત્સાહ યજમાન કરતાં પણ વધુ હોય છે. પછી જે થાય છે એ બધું જ હાજર મહેમાનોના ભોગે જ હોય છે. પરફોર્મન્સ માટે જેને જેને સોપારી આપવામાં આવી હોય એ લોકો તૈયારી સાથે જ આવ્યા હોય છે; પણ કહેવાતા કલાકાર અને દર્શકો વચ્ચે કોઈ અનુસંધાન જ નહિ! સ્ટેજ પર જેમનું પરફોર્મન્સ હોય એમાં પરફોર્મ કરનારના સગા સિવાય ભાગ્યે જ કોઈને રસ હોય છે. ઠંડીથી બચવા માથે સ્કાર્ફ બાંધ્યો હોય એવી માજીઓ, કાકીઓ અને માસીઓનું સ્થાન સૌથી આગળ સોફામાં હોય છે અને એમનું ધ્યાન કોને કોને બોલાવ્યા છે અને કોને નથી બોલાવ્યા એની ચર્ચામાં હોય છે. બાકીના લોકો વિડીયો આલ્બમમાં પરફોર્મન્સ જોઈ લઈશું એમ વિચારીને ડીનર ટેબલ તરફ નજર માંડીને બેઠા હોય છે. જ્યાં મોટે ભાગે પાઉંભાજી, ગુલાબ જાંબુ અને પુલાવ એમની રાહ જોતા હોય છે. અમારા જેવા, જેમને એક જ દિવસે ત્રણ સંગીત સંધ્યાઓને ન્યાય આપવાનો હોય એ લોકોને પોતાના પ્રસંગમાં પાઉંભાજી, ગુલાબ જાંબુ માટે કોને બોલાવવો એ નક્કી કરવા માટે અહીં વિકલ્પ મળી રહે છે.
મૂળ તો આની પાછળ ‘બધા ભેગા થઈને આનંદ કરે’ એવો યજમાનનો ઉદાત્ત હેતુ હોય છે; એમાં લાગણીનું તત્વ ભળતા ગુણવત્તા ગૌણ બની જાય છે. ફાંદને લીધે પોતાના સ્ટેપ્સ પણ જોઈ ન શકતા વર કે કન્યાના કાકા અને ‘વા’ની તાક્લીફવાળા કાકીને પણ સ્ટેજ પર ચડાવી દેવામાં આવે છે. જોકે એમણે ‘નદી કિનારે ટામેટું ટામેટું …’ સ્ટાઈલમાં સામસામે એકબીજાના હાથ પકડીને ઝૂલવાનું જ હોય છે. કન્યાઓમાં જે કેઝ્યુઅલ ડાન્સર્સ હોય એ ‘મોરની બાગમાં બોલે …’, કે ‘ઘૂમર…’ પર પસંદગી ઉતારતી હોય છે. સ્ટેજ હચમચાવી શકે એવું એથ્લેટિક બોડી ધરાવતી કન્યાઓ ‘રંગીલો મારો ઢોલના…’, ‘ચને કે ખેત મેં…’ કે ‘રાતાં લંબીયાં…’ જેવા ગીતો પરના પાવર પેક પરફોર્મન્સથી સ્ટેજ ધમરોળી નાખતી હોય છે. પરફોર્મન્સની દસ મિનીટ પહેલાં પોતાનું છોકરું સાસુને સોંપીને આવેલી ભાભીઓ અને દીદીઓએ ‘એ તો ત્યાં જઈને કૈંક નક્કી કરી લઈશું …’ એવું અગાઉથી ઠરાવ્યું હોય છે; એટલે એ લોકો મુખ્ય પરફોર્મન્સ વખતે સ્ટેજ પાછળ ‘તમે બે જણી આગળ આ સ્ટેપ કરજો અને અમે ત્રણ પાછળ આમ એક હાથ ઉંચો કરીને ફુંદરડી ફરીશું. પછી તમે પાછળ આવી જજો અને અમે આગળ…’ જેવી ચર્ચા અને રીહર્સલમાં પડી હોય છે. થોડું ઘણું પણ સ્ટાન્ડર્ડ પરફોર્મન્સ હોય તો એ વરરાજાના પન્ટરોનું હોય છે. જોકે એ લોકો ‘કેરેક્ટર ઢીલા’ કે ‘એ ગણપત ચલ દારુ લા’ જેવું કંઈ ઘુસાડી ન જાય એ માટે સેન્સરશીપ લાગુ પાડવી પડતી હોય છે. સૌથી આકર્ષક અને ચોંકાવી મુકે એવું પરફોર્મન્સ ડાન્સ ઇન્ડિયા ડાન્સ, સુપર ડાન્સર્સ અને લીટલ માસ્ટર્સ ડાન્સ રીયાલીટી શોઝ જોઇને મોટી થયેલી બચ્ચા પાર્ટી અને ટીનએજર્સનું હોય છે. સૌથી વધુ તાળીઓ એમને મળે છે.
‘જબ કોઈ બાત બિગડ જાયે …’ ગીતને સંગીત સંધ્યાનું રાષ્ટ્રગીત કહી શકાય કારણ કે એ સૌથી ડાન્સની છેલ્લી આઇટમ હોય છે. આ ગીત વાગે ત્યારે ડાન્સમાં બાકી હોય એવી તમામ જોડીઓએ મેદાનમાં ઉતરી પડવું ફરજીયાત હોય છે. અત્યાર સુધી ભૂલાયેલા અને ક્યાંક ખૂણે બેઠેલા ફૂઆઓ, બનેવીઓ અને બે ત્રણ વર્ષ જુના જમાઈઓને શોધીને હાજર કરવામાં આવે છે. થોડો ઘણો ભાવ મળે પછી એ જોડાઈ જતા હોય છે. આ ગીત સાથે કયો ડાન્સ કરવો એ બાબતે કાયદામાં કોઈ સ્પષ્ટતા ન હોઈ પબ્લિક ગીતની ધૂન પર સામ સામે હાથ પકડીને કે એક બીજાના ખભા ઉપર હાથ મુકીને ઝાડની જેમ ઝૂલવા માંડતી હોય છે. દૂરથી જુઓ તો ગોડાઉનમાં મજૂરો પીપડા દેડવતા હોય એવું દ્રશ્ય હોય છે.
એ પછી ગરબાનો વારો આવે છે. ગરબામાં પણ આજકાલ હેલીકોપ્ટરનો પંખો ફરતો હોય એ રીતે હાથ વીંઝવાની સ્ટાઈલ ચાલતી હોઈ ગરબામાં માજીઓ, માસીઓ, કાકીઓ અને મોટી ભાભીઓની બાદબાકી થઇ જાય છે. અમુક કાકાઓ ‘અભી તો મૈ જવાન હૂં..’ બતાવવા ગ્રાઉન્ડ ઉપર ઉતરી તો પડતા હોય છે પણ પછી ‘નથી સારા લાગતા’ એવો કાકીનો ઈશારો થાય એટલે બેસી જતા હોય છે. જેણે જેણે મોંઘા ચણીયા ચોળી કે ધોતી કુર્તા-શેરવાની પહેર્યા હોય એ અચૂક ગરબા ગાવા ઉતરતા હોય છે. રંગ જમાવવાની જવાબદારી પરણનારના સખા-સખી સહેલીઓની હોય છે જે એ લોકો નિભાવી લે છે. એ પછી તારા વિના શ્યામ …થી લઈને અમે કાકા બાપાના છોરા …, ભાઈ ભાઈ … અને સનેડો વગેરે પર જે નૃત્ય કરવામાં આવતું હોય છે એને ગરબામાં જ ગણવાનું હોય છે.
સંગીત સંધ્યાઓમાં ગરબા સુધી ટકી ગયેલું ઓડીયન્સ ખરેખર જ્યારે સંગીતનો કાર્યક્રમ ચાલુ થાય ત્યારે ધીરજ ગુમાવી બેસે છે. એટલે સુધી કે ફૂડના કાઉન્ટર સુધી સંદેશો પહોંચી જાય છે કે ‘ગાવાનું ચાલુ થાય છે, હવે સ્ફૂર્તિ રાખજો’. આમ છતાં જેમને શરમે શરમે બેસવું પડે એમ હોય એ લોકો ડીશ લઈને સ્ટેજ સામે ગોઠવાતા હોય છે. પછી ઘટના એવી બને કે તમે ‘રીમઝીમ ગીરે સાવન…’ ગાતા હોવ અને સામે પેલો આખું ગુલાબ જાંબુ એના મોઢામાં પધરાવતો હોય – જે જોઇને તમારા મોઢામાં જ સાવનની રીમઝીમ ચાલુ થઇ જાય! રિહર્સલમાં જે પરફોર્મન્સ સર્વાનુમતે રોકિંગ ઠરાવવામાં આવ્યું હોય એ જયારે લાઈવ ગવાતું હોય ત્યારે ઓડીયન્સમાં બા-બાપુજી, સિક્યોરીટીવાળા અને સ્ટેજ પરથી તોડેલા ફૂલ વડે મારદડી રમતાં બાળકો જ વધ્યા હોય છે.
બેકસ્ટેજની વાત કરીએ તો લગ્નના મહિના પહેલા ફક્ત ગીતની પસંદગી માટે અને કેરીઓકે ટ્રેક ભેગા કરવા માટે બનાવેલા વોટસેપ ગ્રુપમાં એક-એક ગીત માટે ખૂન ખરાબા થઇ જાય એવી સ્થિતિ હોય છે. સૌથી બેસુરા અને બેતાલા ગવૈયાઓનો ઉત્સાહ સૌથી વધુ હોય છે. કમનસીબે એમાં સૌથી નજીકના સગા વધુ હોય છે. એ લોકો પોતાનો કેરીઓકે ટ્રેક પણ સૌથી પહેલાં જમા કરાવી દેતા હોય છે. ઘણા બધાને ખોટું લગાડ્યા પછી પણ જે લીસ્ટ બનતું હોય છે એમાં ઉપર કહ્યું એવી ભટકતી આત્માઓ જેવા કેરીઓકીયાઓ વધુ હોય છે. દરેક કુટુંબમાં એકાદ માસા કે ફુઆ એવા હોય જ છે જે સારું ગાતા હોવાની છાપ પ્રવર્તતી હોય છે. એ લોકો બાકીના બધાને સારા કહેવડાવે એવું પરફોર્મન્સ આપતા હોય છે.
ખરેખર જયારે લાઈવ કાર્યક્રમ શરુ થાય ત્યારે બેત્રણ ગીત પછી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીવાળા ઉત્સાહીઓ પ્રગટ થતા હોય છે. જેમાં મોટા ભાગના ‘આના કરતા તો હું સારું ગાઉં છું’ એવું માનતા લોકો હોય છે. એમની પાસે મોબાઈલમાં પોતાનાં ગીતનો કેરીઓકે ટ્રેક પણ તૈયાર હોય છે. આયોજક જો સાઉન્ડ કોન્સોલ પાસે કડક પહેરો ન રાખે તો પ્લાનિંગના તબક્કામાં હાથ રૂમાલ જેવડા રાખવા ધારેલા કાર્યક્રમમાંથી પ્રસંગ ટાણે વધીને ગમછો બની ગયેલા કાર્યક્રમનું ધોતિયું બની જતાં વાર નથી લાગતી. આવા સમયે ઘરની કોઠાસૂઝ ધરાવતી વ્યક્તિ ‘અગિયાર વાગે હોલ સોંપી દેવાનો છે’ કે ‘માઈક બંધ કરાવવા પોલીસવાળા આવ્યા છે’ એવું સ્ટેજ પાસે આવીને જાહેર જાહેર કરે પછી ફીરકી લપેટી લેવા સિવાય કોઈ છૂટકો નથી હોતો. આમાં ગળું ખરાબ ન થાય એ માટે જમ્યા વગર છેલ્લે સુધી પોતાના વારાની રાહ જોઇને બેઠેલો ઉત્સાહી ગાયક જયારે ફૂડ કાઉન્ટર પર પહોંચે ત્યારે બાઉલમાં તરતા ગુલાબ જાંબુના ટુકડા જોઇને આઘાત પામે છે. એ વખતે જેમના માટે એણે આટલો ભોગ આપ્યો હોય છે એ લોકો બેગો લઈને ઘર ભેગા થઇ ગયા હોય છે. જય હો …
सुन भाई साधो …
‘પ્રિયાભાભી છે?’
‘ચાર્જિંગમાં છે…’
‘એટલે?’
‘એના મમ્મી સાથે વાત કરે છે. કલાક પછી આવજો.’
Click this link to read Feelings magazine online… https://issuu.com/feelings/docs/feelings_magazine_marriage_issue_21-22
—–X—–X—–
નાચવું અને ગાવું!
આ બંને ક્ષેત્રમાં જે લાલીયાવાડી ચાલે છે એટલી તો આપણી મુનસિટાપલીમાં નથી હોતી. કોઈ નિયંત્રણ જ નથી! જેમની સરખામણીમાં ધર્મેન્દ્રને પ્રભુદેવા કહેવો પડે એવા લોકો અત્યારે સંગીત સંધ્યાઓમાં સ્ટેજ પર હાહાકાર મચાવી રહ્યા છે . આટલુંક જ નહીંઆખે આખો લેખ અહીં મુકવાનું મન છે પણ……
LikeLiked by 1 person
Thank you so muck. I am glad that you liked it.
LikeLike