
કૂતરો માણસનો મિત્ર ગણાય છે. માણસોને એની વફાદારીના દાખલા પણ આપાય છે. કૂતરાથી પણ વધુ વફાદાર અનુયાયીઓ મળવા એ રાજકારણમાં અહોભાગ્ય ગણાય છે એ વાત સાચી, પણ કોણ જાણે કેમ અમને એવું લાગે છે કે રાતનું અંધારું થયા પછી કૂતરાં મિત્રતા- વફાદારી બધું ભૂલી જાય છે. રાત પડ્યા પછી કોઈ ગેબી શક્તિ એમને દોરવણી આપતી હોય કે પછી એસીપી પ્રદ્યુમનની જેમ આવતી જતી દરેક વ્યક્તિ પર શંકા જતી હોય, એને અગમ્ય કારણોસર તમારામાં રસ પડવા માંડે છે.
મેં અમારી સોસાયટીના કૂતરાં સાથે હંમેશા મિત્રતાભર્યા સંબંધો રાખવાની કોશિશ કરી છે. મેં અનેક વાર મારા ભાગની રોટલી કૂતરાને ખવડાવી હશે. આમ છતાં રાત્રે જયારે હું બાઈક લઈને નીકળું ત્યારે એ લોકો બધું જ ભૂલીને મારી પાછળ દોટ મુકવાનું ચુકતા નથી. પછી હું જ્યારે કાર લઈને નીકળું ત્યારે એમને ભગાડું એ એકદમ સ્વાભાવિક છે. હું એમને નામથી ઓળખું છું પણ અંધારું થાય પછી એ લોકો કોઈ ઓળખાણ રાખતા નથી. આ પરિસ્થિતિમાં કૂતરાને મિત્ર કેવી રીતે ગણવો? આજે પણ ક્યારેક મોડી રાત્રે બહારથી આવવાનું થાય અને રસ્તામાં કૂતરું બેઠેલું દેખાય ત્યારે એના કાન પહેલા ઊંચા થાય છે કે મારા રુંવાડા, એ હું આજ દિવસ સુધી નક્કી કરી નથી શક્યો. આવી જ કોઈ અવસ્થામાં મને હાઈકુ સ્ફૂર્યું હતું એ અહી પ્રસ્તુત છે.
કૂતરું ભસે,
રૂંવાડા ઉભા થાય,
ભાગવું પડે.
કૂતરાં માટે એવું કહેવાયું છે કે ‘ખીજ્યું કરડે પીંડીએ, રીઝ્યું ચાટે મુખ’. આ વાક્ય મારા માટે અર્ધ સત્ય છે કેમ કે આજ દિવસ સુધી મને મળેલા દરેક કૂતરાએ મારું મોઢું ચાટવા કરતાં મારી પીંડીએ, થાપા પર કે એથી પણ આગળ વધીને ગળે બચકું ભરવામાં વધુ રસ દાખવ્યો છે. મારે જયારે પણ મારા સસરાની સોસાયટીમાં જવાનું થાય છે ત્યારે હું મારા દેખાવ અને વર્તનથી સજ્જન દેખાવાની ભરપુર કોશિશ કરું છું, પણ મારા પ્રયત્નો એમની સોસાયટીના કૂતરાંની શંકાનું નિવારણ કરી શકતા નથી. મારા સસરા એ મારી ઉપર જેટલો ભરોસો મુક્યો છે એના સોમાં ભાગનો ભરોસો એમની સોસાયટીના કૂતરાંને મારી ઉપર નથી. આ બાબતમાં એમનું બેન્કવાળા જેવું છે. દર મુલાકાત વખતે એ લોકો મારી પાસે આવીને મારું KYC કરવાનો આગ્રહ રાખે છે. દરમ્યાનમાં એક સમય એવો આવે છે કે એ લોકો મને ચાખવો કે મિષ્ટાન્ન ગણીને માત્ર ખુશ્બુ લેવી એ અવઢવમાં મારા ઢીંચણની પાછળના ભાગ આગળ મોઢું રાખીને ઉભા રહી જાય છે. કેટલીક વાર તો મારાથી બોલાઈ જાય છે કે ‘ભાઈ, તારે જે કરવું હોય એ કરીને નીકળ એટલે મારે શું કરવું એ ખબર પડે.’ મારી મજબૂરી એવી કે હું એમને ‘હટ્ટ’ પણ કહી શકતો નથી કારણ કે ગમે તેમ તોય એ બહેરી પ્રિયાનું પિયરિયું કહેવાય. એમની ઘણી પેઢીઓ આવી અને ગઈ. વર્ષોનો આ ઉપક્રમ નવી પેઢી પણ નિભાવી રહી છે.
અભ્યાસ એવું કહે છે કે કૂતરાં પોતાનાથી ફાસ્ટ ભાગનાર જીવ કે પદાર્થને ચેલેન્જ ગણે છે કેમ કે ચેઝ કરવી/ પીછો કરવો એમનો સ્વભાવ છે. એટલે જ લોકો આપણને સલાહ આપતા હોય છે કે તમે બાઈક ઉપર હોવ અને કૂતરું પાછળ પડે ત્યારે તરત બાઈક અટકાવી દેશો તો એ બઘવાઈને ઉભું રહી જશે. બરોબર છે. બાઈક ઉપર આપણે હોઈએ એ લોકો નહિ, એટલે એ આપણને આવી સલાહ આપી શકે. બાકી બાઈક પચાસની સ્પીડે જતી હોય, તમારા પગ બાઈકની ટાંકી પર હોય અને તો પણ તમારી જાંઘ પાસે ભયાવહ અવાજે ભસતા-લાળ પાડતા કૂતરાની બત્રીસી દેખાતી હોય ત્યારે બ્રેક મારવા માટે પગ નીચો કરવાની હિંમત ત્યારે જ કરાય જયારે તમે પગ ઉપર પેડ બાંધ્યા હોય.
જે સોસાયટીમાં ઠેર ઠેર કૂતરાં બેસી રહેતાં હોય એ સોસાયટી મારા મતે ભૂમીગત સુરંગોથી ભરેલા યુદ્ધમેદાન જેવી જ ગણાય. એ તમામમાંથી કયું કૂતરું ક્યારે તમને દોડાવશે એ શક્યતા ઉપર સોસાયટીવાળા સટ્ટો રમતા હોય તો પણ નવાઈ નહિ. આવા સમયે માણસને રસ્તા ઉપર પડેલા પથ્થરની કિંમત સમજાય છે.
સૌથી ખોફનાક પરિસ્થિતિ ત્યારે ઉભી થાય છે જયારે તમે ચાલતા ચાલતા કોઈ સાંકડી ગલીમાં વળો અને ત્યાં કોઈ કૂતરું જાણે તમારી જ રાહ જોઇને બેઠું હોય એમ તમારી પાછળ પડે. આવા સમયે મુઠ્ઠીઓ વાળીને ભાગવાનો મહિમા ગણાયો છે કેમ કે હાથમાં રહેલી વસ્તુ મુઠ્ઠીમાં ફિટ પકડી ન હોય અને એ નીચે પડી જાય તો એને લેવા માટે વાંકા પડવું એ ધોનીને ઉલાળિયો કેચ આપવા બરોબર કહેવાય. એ પછી કૂતરા અને મનુષ્ય વચ્ચેની આ રેસમાં કૂતરું ફર્સ્ટ આવે ત્યારે હારનારને ‘લોતિયું’ શબ્દનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એટલે જ કહ્યું છે કે ‘બાબુ મોશાય, દૌડ લાંબી નહિ, તેજ હોની ચાહિયે…’. એટલીસ્ટ કૂતરાથી તેજ દોડતા તો આવડવું જ જોઈએ. અમે તો કહીએ છીએ કે સ્કૂલોમાં પીટીના પિરિયડમાં કૂતરાથી બચવાના કૌશલ્યો પણ શીખવાડવા જોઈએ.
सुन भाई साधो …
પાણીપુરી બનાવવા માટેની સૌથી સરળ રેસિપી:
ભૈયા સિવાયનું બધું જ બજારમાંથી લઇ આવો … પછી પકોડીમાં ભરી ભરીને ખાવ.
બત્તી ફાટીને બત્રીસે દાંત હળું હળું હસવા લાગ્યા… અહો આનંદમ …
LikeLiked by 1 person
આભાર પૂ. બાપુ . આપને લેખ ગમ્યો એનો આનંદ. 🙏
LikeLike