બે પૈસા ક્યાંથી કમાવા મળશે એ ચના જોર-ગરમવાળા અને ફુગ્ગાવાળાને પણ ખબર પડે છે. પત્નીઓ જન્મ દિવસ, સગાઈનો દિવસ, લગ્નની વર્ષ ગાંઠ કે વેલેન્ટાઈન ડે જેવા મોકા સાધતી હોય છે! સ્માર્ટ બાળકો પપ્પા મુડમાં હોય ત્યારે ક્રિકેટ બેટ કે પ્લે સ્ટેશન માટેની એમની અરજી પર મત્તું મરાવી લેતા હોય છે! ભિક્ષુકો પણ અગિયારશ, પૂનમ અને સોમવતી અમાસના દિવસોએ આનાજ કે દાન લેવા હાજર થઇ જાય છે. એજ રીતે સ્કૂલોમાં પરીક્ષાઓ પૂરી થાય અને વેકેશન પડે એ સાથે જ કોચિંગ ક્લાસવાળાઓ એમની જાહેરાતો લઇ ને હાજર થઇ જાય છે.
‘પાસ થવાની ૧૦૦% ગેરન્ટી’ અને તેજસ્વી તારલાઓના ફોટા તો હવે દૂધવાળાની જેમ ઘેર ઘેર ફરીને ટ્યુશન આપનારા ટ્રાવેલિંગ ટ્યુટર્સની જાહેરાતમાંય હોય છે, પણ મોટા ક્લાસીઝની જાહેરાતમાં તો વિધ્યાર્થીઓના લાડીલા ટીચર્સનો એમના હુલામણા નામ સાથે ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે! અને આ હુલામણા નામ પણ કેવા? ‘ટીનું સર’, ‘ચિકા સર’, ‘બકા સર’ અને અને અમારા પ્રિય ‘જીગા સર’! આમાં અમુકના નામને બદલે હુલામણું નામ લખવાનું કારણ એટલું જ કે ‘સર’ પાછા કોઈ સ્કૂલમાં ફૂલ ટાઈમ ‘ટીચિંગ’ પણ કરતા હોય ને? અને આટલેથી અટકતું હોય તો ઠીક છે પણ પછી જેમ ‘ખમણ તો દાસના’, ‘પાણી પૂરી તો માસી’ની અને ‘ભાખરવડી તો જગદીશની’ એવું કહેવાય છે એમ જ કોચિંગ કલાસવાળા પણ ‘મેથ્સ તો જીગા સરનું’ કે ‘બાયોલોજી માટે બકા સરની સ્ટાર બેચ’ જેવા હેડિંગ મારવાનું ચુકતા નથી. ફેર એટલો કે કાંકરિયાની જૂની અને જાણીતી ‘કાલી ટોપી લંબી મૂછ’ ખારેકવાળાની લારી પર તમને વાંચવા મળે કે ‘અમારી બીજી કોઈ શાખા નથી’ અને કોચિંગ ક્લાસવાળાઓ વચ્ચે હજુ આવું લખવું પડે એવી કોમ્પીટીશન શરુ થઇ નથી એ ગનીમત છે. બાકી સૌ સૌનું રળી લે છે!
પછી દસમા ધોરણનું રીઝલ્ટ આવે એટલે શહેરોમાં એક નવી સીઝન શરુ થાય છે, અને એ છે સ્કૂલોમાં ફોર્મ ભરવાની સીઝન! હાથમાં ઝેરોક્સવાળાએ આપેલી પ્લાસ્ટીકની થેલીમાં માર્કશીટોની કોપીઓ અને જુદી જુદી સ્કૂલોના ફોર્મ લઈને એક સ્કૂલથી બીજી સ્કૂલ ફરતા અને આંખે બેતાળા ચડાવીને મેરીટ લીસ્ટ વાંચીને નિસાસા નાખતા પપ્પાઓ આ સીઝનમાં ખાસ જોવા મળે છે. જેમનો પીન્ટુ કે જીમી જો સેન્ટરના ટોપ ટેનમાં આવ્યો હોય એના એન.આર.આઈ. મુરતિયાની જેમ ભાવ ઉચકાઈ જાય છે. તો બીજી બાજુ પોતાના પોલ્ટ્રી ફાર્મનું મરઘુ કોઈ બીજી સ્કૂલવાળો ઘોઘર બિલાડો ઉઠાવી ન જાય એની સ્કૂલવાળાને પણ ચિંતા થવા માંડે છે. જ્યારે ડબલા સ્ટૂડન્ટસ્ ને ભાગે એડમિશન માટે હિન્દી ફિલ્મોની ભાષામાં કહીએ તો ‘દર દર કી ઠોકરે’ ખાવાની આવે છે.
આ બધી ખેચમતાણ વચ્ચે કોચિંગ કલાસવાળા ધીરજથી પોતાનું ‘કામ’ ચાલુ કરી દે છે. જે સ્ટૂડન્ટ હાઈસ્કૂલથી એમની પાસે હોય એ તો જાણે ‘બોટેલુ’ ગણાય છે. ક્લાસમાં જો દસમા સુધીની જ સગવડ હોય તો એને પર્સનલ એટેન્શન મળે એવી તજવીજ કોઈ જાણીતા ક્લાસ સાથે એ લોકો જ કરી આપે છે. ‘ટોપર્સ’નાં ઘરે અભિનંદન આપવાના બહાને બેઠકો પણ થવા માંડે છે. તો ઉઠતી વખતે પાસ થયેલા પપ્પુના પપ્પાના કાનમાં ‘અમને પૂછ્યા સિવાય ક્યાંય એડમિશન લેતા નહિ’ એવી ફૂંક પણ મારવામાં આવે છે! ‘રેન્કર’ સ્ટુડન્ટ મળતું હોય તો આખરી દાવ તરીકે ફીમાં ધરખમ ડિસ્કાઉન્ટ કે ‘ફી વેઇવર’નું ગલ પણ લટકાવવામાં આવે છે. સામે પપ્પુના પપ્પા શરતો મુકે છે. પેલા શરતો સ્વીકારે છે. આમાં પપ્પુના પપ્પાનો અહમ પોષાય છે પણ પેલા લોકોને તો આ કાયમનું હોય છે એટલે એમને કોઈ ફેર પડતો નથી. પણ પછી નખરા કરતી પદમણી જેમ કોઈ વંઠેલ રાજકુમારને વરમાળા પહેરાવે એમ હાર-તોરા થઇ જાય છે અને પપ્પૂ ધંધે લાગી જાય છે!
દસમાની પરીક્ષાનું વેકેશન પૂરું થયું ન થયું હોય ત્યાં કલાસીસ શરુ થઇ જાય છે, કેમ કે એમને દિવાળી પછી ‘બારમું’ ચાલુ કરવું હોય છે. પપ્પૂને નવા રમકડા મળે છે. સ્કૂટી-કાઈનેટીક તો હવે દસમા ધોરણના સીલેબસમાં ગણાય છે, પણ હવે પપ્પુ ને ઘણા બધા ટાઈમ સાચવવાના હોય છે એટલે એને મોબાઈલ ફોન મળે છે! સ્કૂલ, ક્લાસ, વાંચવાનું અને ક્લાસની ટેસ્ટના ટાઈમ ટેબલ ગોઠવાઈ જાય છે. આ દોડધામમાં એના પપ્પા ક્યારેક એને લેવા મુકવામાં કે ક્યારેક એના પેમ્ફલેટોની ઝેરોક્સ કઢાવવાના કામમાં જોતરાઈ જાય છે. તો મમ્મીઓ ને બે વર્ષ માટે સેવા કરવા માટે દેવ મળ્યા જેવો ઘાટ થાય છે!
સતત બે વર્ષની ધમાલ પછી જ્યારે બારમાની બોર્ડની પરીક્ષા પૂરી થાય ત્યારે ઘર ટ્રેન ગયા પછીના ભેકાર સ્ટેશન જેવું ભાસે છે અને છોકરાના માબાપની હાલત પ્લેટફોર્મ પરના થાકેલા ચાવાળા અને ફેરિયા જેવા થઇ ગઈ હોય છે! સરવાળે બધું સુખરૂપ પૂરું થાય એટલે બધા રાહતનો દમ લે છે!
बधिर खड़ा बाज़ार में…
ઇન્સ્ટન્ટ નુડલ્સ નો શોધક ગુજરાતી મમ્મીઓની દુઆઓથી જ બે પાંદડે થયો હશે!
1771
મને તો ક્યારેક એ નથી સમજાતુ કે પરીક્ષા બાળકની હોય કે મા-બાપની ?
LikeLike
હવે કોઈ પણ ફેરફાર આવશે તો આ લોકો એમાં પણ આવા દૂષણો ઘુસાડી દેશે. પણ એટલું કહેવું પડે કે ટેલેન્ટ હોય એને સફળતા મળે જ છે. એક નહિ તો બીજા ક્ષેત્રમાં.
LikeLiked by 1 person
જોરદાર કટાક્ષ !
LikeLike