ઓ! તારી …

Click on image to visit O! Taree’s Facebook page

છેવટે જોઈ આવ્યો!

સસ્પેન્સ થ્રીલર્સનો વાંચવાનો અને જોવાનો પહેલેથી શોખ હોઈ સમય મળે ત્યારે પહેલી પસંદ એ જ હોય. આ સિલસિલામાં છેલ્લો ઉમેરો ‘ઓ! તારી’નો છે. આગળ લખું એ પહેલા કહી દઉં કે મજ્જા આવી ગઈ બાવા!

શરૂઆત થી જ હિન્દી ફિલ્મોની હરીફાઈમાં હાંફીને હાંસિયામાં ધકેલાઈ ગયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાક સમયથી જાણે આળસ મરડીને બેઠી થઇ હોય એવું લાગે છે. નવા આકર્ષક ચહેરા, હિન્દી ફિલ્મોને કડક સ્પર્ધા આપી શકે એવું દિગ્દર્શન અને અભિનય, ફાસ્ટફૂડ જેવું ચટાકેદાર સંગીત અને મેટ્રો કલ્ચરની પશ્ચાદભૂમિ ઉપર લખાયેલી વાર્તાને અનુરૂપ સિનેમેટોગ્રાફીને લઈને પ્રેક્ષકો થીયેટર સુધી આવતા થયા છે એનો આનંદ છે. ખરેખર નવી ટેલેન્ટનો પ્રવાહ ચાલુ થયો હોય એવું ચોક્કસ લાગે છે. આ બધા વચ્ચે ‘અર્બન ગુજરાતી ફિલ્મ’ના નામે લાભ ખાટવા નીકળી પડેલા સર્જકોની ફિલ્મો પણ આવી ગઈ. કોઈ વાંધો નથી. એમને પણ હાથ અજમાવી જોવા દો. જે ન ગમે એને બેશક અવગણજો. એટલું યાદ રાખજો કે પૂર આવે ત્યારે પાણી ભલે ડહોળું લાગે, પણ જ્યારે પ્રવાહ ધીમો અને સ્થિર થાય ત્યારે એ નિર્મળ બની જાય છે. અત્યાર સુધી પ્રેક્ષકોએ જે સુઝબુઝ બતાવી છે એની ઉપર ભરોસો રાખજો.

‘ઓ! તારી..’ આ આવકાર્ય સિલસિલાને આગળ ધપાવતી ફિલ્મ છે. મેટ્રો સિટીના યુવાનોની તોફાન મસ્તીમાંથી આકાર લેતી રહસ્ય કથા એના સરળ સ્ટોરી ટેલિંગને લીધે કોઈ પણ જાતના બોજ વગર માણી શકાય એવી છે. એક્શન, રોમાન્સ, કોમેડી અને સસ્પેન્સ સાથે એકધારી ગતિથી વાર્તાને આગળ ધપાવવામાં દિગ્દર્શક તપન વ્યાસ સફળ રહ્યા છે. વાર્તાને અનુરૂપ ડાયલોગ માટે મનીષ વૈદ્ય અને વિપુલ વિઠલાણીને દિલથી અભિનંદન. કલાકારો પાત્રોને અનુરૂપ છે અને એમનો અભિનય પણ કથાના ટેમ્પોને દરેક તબક્કે ન્યાય આપે છે. રેવંત, જાનકી, રિદ્ધિ, પ્રતિક, ધૈવત, ખુશી – keep up the good work. જયેશ ભાઈ, રાગી ભાઈ, પધ્મેશ ભાઈ જેવા સીનીયર કલાકારો માટે કંઈ કહેવાનું હોય નહિ. એમના માથે જવાબદારી મોટી છે અને આ ફિલ્મમાં એમના ભાગે આવેલી જવાબદારી એમણે જે રીતે નિભાવી છે એનાથી નવી પ્રતિભાઓનું કામ પણ દીપી ઉઠ્યું છે.

કેમેરા દ્વારા પણ ઘણી વાત કહેવાઈ છે. શરૂઆતનો ઝડપી ઘટના ક્રમ પ્રિન્સીપાલના રોલમાં જહાંગીર કરકરિયાના અદભૂત કોમિક ટાઈમિંગના કારણે ક્રિસ્પી બન્યો છે. લવ યુ દોસ્ત! તારી સ્ક્રીન પ્રેઝન્સ ખરા અર્થમાં રોકિંગ હતી! ચેઝ સિક્વન્સ આ ફિલ્મનું મજબુત પાસું છે. પથરાળ કોતરો અને રૂફ ટોપ પરની હાઈ ટેમ્પો ચેઝ સીક્વન્સનું એડીટીંગ પણ ફ્લોલેસ છે. શરબતી આંખોની અસર… ગીતમાં ડીફ્યુઝ લાઈટમાં એરિયલ ફોટોગ્રાફી દ્વારા આકાશના આસમાની, સમુદ્રના બ્લ્યુ અને દરિયા કિનારાની કરાડોના આછા ભૂરા કેનવાસ પર કોસ્ચ્યુમના રંગો ગીતને સુંદર આયામ આપે છે. ઓ ત્તારીની ટીમને જે મળશે એ આ લોકેશન વિષે જરૂર પૂછશે.  આ વાતની ખાતરી કરવી હોય તો રીવ્યુના છેડે લીંક આપી છે જોઈ લેજો. ઝૂમી ઉઠાય એવા કમ્પોઝીશન તથા ગાયકી માટે હાર્દિક-ઈશાની દવે અને ગીતના શબ્દો માટે મિલિન્દ ગઢવી અને ચિરાગ ભાઈને બધાજ ગીતો માટે દિલથી અભિનંદન. આવા સારા શબ્દો/ કમ્પોઝીશનો આપશો તો આપણે બહુ જલ્દીથી બગાસા આવે એવા સુગમ સંગીત (એ સ્ટેજ ઉપર રહે એ સારું છે) ની છાયામાંથી બહાર આવીશું. યો …
શરબતી પ્રેમનો ગુલાબી રંગ – Video (Facebook Login required) :

Posted in Movie Review | Tagged , | 4 ટિપ્પણીઓ

વર ઘોડો અને વહુ જોકી

var-ghodo-vahu-jockey.jpg

નારીને મુક્ત વિહરતા પતંગિયા જેવી ગણવામાં આવતી હોય તો પુરુષ એ ઉંચે આકાશમાં ઉડતા પતંગ જેવો ગણાય જેની દોર જીવનના અલગ અલગ તબક્કે સ્ત્રી પાસે જ હોય છે. એ તમને આકાશમાં કલાત્મક ઉડાન ભરતો, મોજથી ડોલતો, ઊંચાઈઓ સર કરતો કે પછી બીજા પતંગોને માત આપતો દેખાતો હોય તો સમજજો કે એનું સંચાલન કોઈ સ્ત્રીના હાથમાં જ હશે. બાકી સામાન્ય રીતે પુરુષોની પ્રકૃતિ જ એવી છે કે એમને છુટા મુકવામાં આવે તો એ પતંગની જેમ કાંતો ગોથ ખાશે કાં છાશ ખાશે કાં ઝાડમાં ભરાશે. આ વાતની એને જણનારી અને પરણનારી બંનેને ખબર હોય જ છે. એક કુશળ પતંગ ચગાવનારની જેમ એ બંને બિન હવામાં જતા પોતાના પતંગને પાછો હવામાં પણ લાવી શકે છે કે પછી ઉંચે ચગેલા પતંગને પાછો ધાબામાં પણ લઇ આવી શકે છે. આ વાત લબૂકની કક્ષામાં આવતા પતંગથી લઈને કડકમાં કડક ઢઢ્ઢાવાળા પતંગને પણ ખબર હોય છે. માટે ચગવાનું, પણ માપમાં.

ઘોડાની રેસમાં જોકી વગર એકલો ઘોડો રેસ જીતી શકતો નથી, એમજ જીવન રૂપી રેસમાં જીતવા માટે પત્ની રૂપી જોકીની જરૂર પડે છે. ઘોડામાં રહેલી ક્ષમતાને જોકી એક દિશા અને ગતિ આપે છે, એમ જ પત્ની એના પતિમાં રહેલી ક્ષમતાને પિછાણે છે અને એનો યોગ્ય ઉપયોગ કરે છે. તમે કહેશો કે તો પછી અમે પરણ્યા ત્યાં સુધી વહેલા સુવા, વહેલા ઉઠવા, બધી જાતના શાક ખાવા, વસ્તુઓ વ્યવસ્થિત રાખવી, રોજ નહાવું, ભણવું વગેરેથી લઈને પાર્ટી, પીકનીક, ગર્લ ફ્રેન્ડઝ સુધીની બાબતો માટે મમ્મી એ અમારી પાછળ કરેલી મહેનતનું શું? તો એમાં એવું છે કે ક્રિકેટની મેચમાં હરીફ ટીમનો બોલર દાંડી ઉડાડી ન જાય એ માટે બેટ્સમેનને બાઉન્સર, સ્પીન, યોર્કર અને ફૂલટોસથી લઈને બીમર અને ઘૂસડુટ બોલ રમવા સુધીની પ્રેક્ટીસ આપીને તૈયાર કરવો પડે છે. આવું થાય તો જ મેચ વખતે સારો સ્કોર થઇ શકે છે. આ કામ મમ્મી રૂપી કોચનું છે. પણ કમનસીબે આપણા બેટ્સમેનો આ પ્રકારની પ્રેક્ટીસની ઘોર અવગણના કરતા આવ્યા છે અને એના પરિણામે કોચ વગોવાતા હોય છે. આ પ્રકારના બેટ્સમેનોએ ચાલુ બેટીંગે ‘તારી માએ તને કંઈ  શીખવાડ્યું જ નથી’ કે પછી ‘થેલીમાં ટામેટા ઉપર બટાકા ના નખાય એટલુ પણ ભાન નથી?’ જેવા તીખા કટાક્ષ બાણો રૂપી સ્લેજિંગનો સામનો કરવાનો આવે છે. ઘણીવાર આ જ બાબતને લઈને કોચ અને બોલર વચ્ચે પણ ઠેરી જતી હોય છે.

એક વાત સમજી લો કે તમે આ દુનિયામાં પુરુષ તરીકે અવતર્યા છો તો તમારે અમુક સત્યો સ્વીકારવા જ રહ્યા. પહેલું સત્ય એ છે કે પુરુષને સાચી શિક્ષા પત્ની પાસેથી જ મળે છે. અહી ‘શિક્ષા’ શબ્દના બંને અર્થ અભિપ્રેત છે. માટે તમારી ભૂલ બદલ કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવે એની પાછળનો અભિગમ પણ કેળવણીનો જ ગણવો. તમે શનિની પનોતી વિષે તો સાંભળ્યું જ હશે. કહે છે કે માણસને શનિની પનોતી ચાલતી હોય ત્યારે શનિદેવ એના આ જન્મ તેમજ પૂર્વ જન્મમાં કરેલા પાપનો દંડ કરતા હોય છે. પણ ખરેખર તો આ સમય દરમ્યાન માણસ જીવન જીવવાના અગત્યના પાઠ શીખે છે એવું જયોતિષીઓનું માનવું છે. લગ્નને પણ ઘણા પનોતી માનતા હોય છે. શનિની પનોતી રૂપના પાયે, તાંબાના પાયે કે પછી લોઢાના પાયે હોય છે જયારે લગ્ન રૂપી પનોતી પાકા પાયે હોય છે. શનિની પનોતીની જેમ એમાં શીખવાનું પણ ઘણું હોય છે. ઘણીવાર ભણેલું ભૂલી અને નવેસરથી શીખવું પડતું હોય છે.

આપણે શીખ્યા હતા કે ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય’. વિજ્ઞાનમાં પણ આપણે ‘જાનીવાલીપીનારા’ એમ સાત રંગો વિષે ભણ્યા હતા. હવે તમને નવા રંગો વિષે શીખવા મળશે. તમને જાણીને આનંદ થશે કે બીજ એ માત્ર તિથી જ નહીં કલરનું નામ પણ છે. એ જ રીતે બરગંડી, ગાજર અને રાણી પણ રંગના જ નામ છે એ પણ સમજી લો. આ ઉપરાંત તમારી પત્નીએ પોતે રંગના નામ પાડ્યા હોય તે અને આગળ ઉપર નવા નામ પાડે એ તમામ નોટમાં ટપકાવતા રહેજો. હું બજારમાંથી તાંદળજાની ભાજી કલરનો બ્લાઉઝ પીસ અને ચા કલરની લીપસ્ટીક લઈ આવવાના સાહસો સફળતા પૂર્વક ખેડી ચુક્યો છું. જોકે મેચિંગ માટે હું જે ભાજી સાથે લઇ ગયો હતો એ વાસી નીકળી અને ચા થોડી કડક હતી એ જુદી વાત છે. પણ ફરી વાર આવી ભૂલ થાય એવી શક્યતા નથી, મોર પીંછ કલરના મેચિંગ માટે મોર અને  ભેંશ કલરના મેચિંગ માટે ભેંશ સાથે લઇ જવા સુધીની મારી તૈયારી છે.

મારી જ વાત આગળ ચલાવું તો મને આડા સમારેલા એટલે કે ગોળ પતીકા પાડેલા ટીંડોળાનુ શાક જરાય ન ભાવે એટલે મારી મમ્મી મને ઉભા સમારેલા ટીંડોળાનું શાક બનાવી આપતી. આજે બહેરી પ્રિયા મને ધરાર આડા સમારેલા ટીંડોળાનું ખાક ખવડાવે છે અને હું વખાણી વખાણીને ખાઉં છું. લગ્ન સંસ્થામાં જીવનના પાઠ ભણ્યા પછી આજે મારામાં તુરિયા અને ગલકા બે અલગ શાક છે એની સમજ આવી ગઈ છે. ભીંડા લેતી વખતે એની અણી તોડવાનું ચૂકતો નથી. કાકડી હું શાકવાળાને જ ચાખવાનું કહું છું. દૂધીમાં હું નખ મારી જોઉં છું. ભૂલ ન થાય એ માટે હું કેસર, ગોલા અને તોતા કેરીના ફોટા મોબાઈલમાં રાખું છું. ચા પણ સારી બનાવું છું. લેંઘો ધોવા નાખતી વખતે એને ઉલટાવીને નાખવાનો હોય એની મને ખબર છે. ઉઠ્યા પથારીમાંથી પછી રજાઈ-બ્લેન્કેટ સંકેલી લઉં છું. શર્ટ-પેન્ટની વ્યવસ્થિત રીતે ગાડી કરી શકું છું. સાસ-બહુની રોના-ધોના છાપ સીરીયલોમાંથી આનંદ લેતા શીખી ગયો છું. બહાર મારી જાતને હું ગમે તેટલો મોટ્ટો તીસમાર ખાં ગણતો હોઉં પણ હું મારા સસરા જેટલો જ્ઞાની નથી, સાળા જેટલો સફળ નથી અને સાઢુ જેટલો સ્માર્ટ નથી જ એ વાત સ્વીકારૂ છું. બહેરી પ્રિયા જ મારી માર્ગ દર્શક છે. એ મને જે રસ્તો બતાવે એ રસ્તે હું ચાલી નીકળું છું. એ દરરોજ જુદો રસ્તો બતાવે તો એ દરેક રસ્તે રસ્તે હું જઈ આવું છું. એમ કહોને કે એના બોલ ઉપર દોડધામ કરી મુકુ છું! પણ ખાનગીમાં કહું તો એ દોડાદોડી માત્ર દેખાવની, સાચે સાચ નહી. કરું છું એજ કે જે મને ઠીક લાગતું હોય, પણ જાહેરમાં મારી સફળતાનું શ્રેય એને આપવાનું ચુકતો નથી. આ વાત એને પણ ખબર છે, પણ એને કોઈ ફેર પડતો નથી. મને એનું શાસન ગમે છે અને એ મારી આ બદમાશીઓની ચાહક છે. બીકોજ, વી લવ ઈચ અધર!

सुन भाई साधो
Hug Dayના દિવસે ડાયેરિયા થાય એને ઉલટભેર ઉજવણી ન કહેવાય.

—–X—–X—–

Posted in कहत बधिरा... | Leave a comment

બેસણા आजकल

Besna Aajkalજેમ લોકસેવકો દ્વારા થતી અમુક જાહેરાતો પ્રથમ વિધાનસભા કે સંસદ ભવનમાં ધારાસભ્યો કે સંસદ સભ્યો સમક્ષ થતી હોય છે પછી એની માહિતી અખબારો દ્વારા આમજનતા સુધી પહોચતી હોય છે. એમજ છેલ્લા કેટલાક વર્ષોમાં બેસણાના દિવસની જાહેરાત સ્મશાનમાં હાજર લોકો સમક્ષ કરવાનો શિરસ્તો પડી ગયો છે. સામાન્ય રીતે દેહને અગ્નિદાહ દેવાય કે પછી ગેસ અથવા ઇલેક્ટ્રિક ફર્નેસને અર્પણ કરવામાં આવે ત્યાર બાદ નજીકના સગાઓમાં બેસણું ક્યારે રાખવું એની ચર્ચા શરુ થતી હોય છે. કાકા ઉંમર લાયક હોય, લાંબા સમયથી બીમાર હોય અને મોટો દલ્લો મુકીને જવાના હોય એવા કિસ્સામાં અમુક કુટુંબોમાં તો ‘ડોહા આજે જાય, તો આજે મંગળવાર એટલે આજનો દિવસ તો ગયો. કાલે બુધવારે બેવડાય એટલે બેસણું ન રખાય. રવિવારે રજા ખરી પણ બહુ મોડું કહેવાય. ગુરવારે વર્કિંગ ડે છે પણ રખાય. સવારે નવથી અગિયાર કે સાંજે પાંચથી સાત રાખીએ તો લોકો ઓફિસે જતા કે આવતા અહીં થઇને જઈ શકે શકે.’ એવું વિચારી રાખતા હોય છે. શું છે કે એક કામ પતે. ડોહાને પોતાને જ નથી પૂછતાં એ જ ગનીમત છે. બાકીના કિસ્સામાં મોટેભાગે શોકાતુર વ્યક્તિ વતી બાકીના લોકો પોતાને આવવામાં અનુકુળ પડે એવા દિવસોનું સૂચન કરતા હોય છે. એ પૈકીના એક દિવસ પર ઘટના સ્થળ પર હાજર વડીલ પાસે મંજુરીની મહોર મરાવી દેવાય પછી મસાણિયાઓ સમક્ષ બે હાથ જોડીને ‘ગુરુવારે પાંચથી સાત’ એવા અલ્પ શબ્દોમાં એની જાહેરાત કરવામાં આવતી હોય છે.

આજકાલ બેસણાની જાહેરાત અખબારોમાં આવે એ પહેલા સારા શબ્દોમાં કમ્પોઝ કરીને વોટ્સેપ ગ્રુપ્સ અને કોન્ટેક્ટસમાં ફરતો કરવાનો રીવાજ છે. જેને પણ એ મેસેજ પહોચે એ હરખપદૂડો પાછો બીજાને નહિ ખબર હોય એમ સમજીને એ ઓળખતો હોય એ બધાને ફોરવર્ડ કરી દેતો હોય છે. સરવાળે મૃતકના સગાંના ઈનબોક્સમાં બેસણમ-બેસણી થઇ જતી હોય છે! ફેસબુક ઉપર પડ્યા પાથર્યા રહેનારામાંના અમુક તો દાદાને કાઢી જાય એ પહેલાં તો એમના ફોટા સાથે ‘Will miss you Dadu’ એવો સ્ટેટસ મેસેજ ‘Feeling sad …’ના Emoticon સાથે ચઢાવી દેતા હોય છે. ફેસબુક પરના આવા સ્ટેટસ મેસેજ એ એક જાતનું ઈ-બેસણું જ ગણાય! એક રીતે જોઈએ તો ફેસબુક એ બહારગામ કે પરદેશમાં રહેતા સગા, સંબંધી અને મિત્રો માટે સમાજ સમક્ષ પુરાવો રહે એ રીતે શોક વ્યક્ત કરવાની અદભુત જગ્યા છે! એમાં ઘણા ઇંગ્લીશમાં લાંબો શોક સંદેશ લખીને શોક સાથે ઈંગ્લીશનું જ્ઞાન પણ પ્રદર્શિત કરતા હોય છે. જયારે મોટાભાગના લોકો મંકોડા જેટલું ‘RIP’ કે ‘ઓમ શાંતિ’ લખીને સંતોષ માનતા હોય છે. સ્ટેટસ મુકનાર વ્યક્તિ નારી જાતિની અને દેખાવડી હોય તો સ્ટેટસ નીચે શોકાતુરોની ભીડ જામતી હોય છે. એમાંના અમુક તો પ્રત્યક્ષ સગાંથી પણ વધુ ભાવુક થઇ જતા હોય છે. જયારે  અમુકને તો રીતસરના ઝાલી રાખવા પડે એવી હાલત હોય છે; એવું લાગે કે જનાર તો જતી રહી પણ આ ભૂરો એની વાંહે ન વયો જાય.

પરંપરાગત બેસણામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. વર્ષો પહેલાં એક સ્વજનના બેસણાની ચર્ચા ચાલતી હતી ત્યારે એક કુટુંબી બહેન બોલ્યા કે ‘મંડપ અને ખુરશીઓની વ્યવસ્થા પણ કરવી પડશેને?’ ત્યારે એમના સાસુએ ‘તારા સસરા ગુજરી ગયા છે, એમનું લગન નથી લીધું. બેસ છાનીમાની. બેસણા માટે માંડવા નાખવા નીકળી છે તે …’ કહીને તોડી પડ્યા હતા. જ્યારે આજે એ બહેનની કલ્પના હકીકત બની ગઈ છે. આજકાલ ઢીંચણના સાંધાના રીપ્લેસમેન્ટના ધંધામાં તેજી છે અને એજ કારણથી ફરાસખાનાવાળાને પણ બેસણા નિમિત્તે ખુરશીઓની વર્ધી મળતી થઇ છે. એક જમાનામાં ફક્ત વાથી પીડાતી માજીઓ માટે જ ખુરશીઓ રાખવામાં આવતી. હવે એમાં થાઉં થાઉં કરતી કાચી ઉંમરની માજીઓ પણ ઉમેરાઈ છે. બેસણા માટે હોલ ભાડે રાખવાનું, દિવંગતની જીવન ઝરમર ફોટા કે વિડીયો સ્વરૂપે દર્શાવવાનું અને દિવંગતના લાઈવ સાઈઝના ફોટાની આસપાસ ફૂલોનું ડેકોરેશન કરવાનું સામાન્ય થઇ પડ્યું છે.

અગાઉના બેસણામાં સમય પસાર કરવા માટે લોકો પાથરણામાંથી દોરા ખેંચી અને એમાં ગાંઠો મારીને કે વળ ચઢાવીને એની દિવેટ બનાવવાની પ્રવૃત્તિમાં પરોવાઈ જતા. આજકાલ એનું સ્થાન મોબાઈલે લીધું છે. ગુલાબના હાર પાછળ ફોટામાં માજી મલકતાં હોય, જગજીત સિંહનાં રેશમી અવાજમાં ‘હે રામ …’ વાગતું હોય ત્યારે કોઈના મોબાઈલમાં ‘ઐસી ધાકડ હૈ … ધાકડ હૈ … ઐસી ધાકડ હૈ …’નો રીંગટોન ભભૂકી ઉઠે એવી દુર્ઘટનાઓ હવે સામાન્ય છે. ધોળા સાડલાને સ્થાને સફેદ સલવાર કમીઝ આવી ગયા છે. ધોતિયા ગાયબ છે. શોક દર્શક ‘બેસણા’ને બદલે ‘પ્રાર્થના સભા’ પણ ગોઠવાતી હોય છે અને એ બહાને ગાવા-વગાડવાવાળા અને સાઉન્ડ સીસ્ટમ ભાડે આપનારને પણ ધંધો મળતો થયો છે એ એનું જમા પાસું છે. ફક્ત સ્થૂળ લોકાઆચાર નિભાવવા માટે આવતા લોકોની અવરજવર વચ્ચે સ્વજન ગુમાવનારની આંખમાંથી આંસુનું ટીપું પાપણ પર આવીને અટક્યું હોય એ જોવાની પણ ભાગ્યેજ કોઈને પડી હોય છે.

सुन भाई साधो …

ભૂમિતિના પ્રમેયની જેમ શાકમાં અમુક સ્વાદ ધારી લેવાનો આવે ત્યારે સાલું લાગી આવે.

 

Posted in कहत बधिरा... | Leave a comment

વાંદરું એટલે વાંદરું

NGS

ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે થોડા વર્ષો પૂર્વે આપણે વાંદરા હતા. કાળક્રમે માણસ બન્યા. આ શારીરિક દેખાવની વાત છે. હજુ આપણે માણસ બન્યા છીએ કે કેમ એ અંગે કોઈ ચિંતક અથવા બૌદ્ધિકનો અભિપ્રાય લેવો હિતાવહ છે કેમ કે ઈતરજનોનો અન્યો બાબતનો અભિપ્રાય હંમેશા સાપેક્ષ હોય છે. ફ્લેટમાં રહેતા હશે એમને ઉપરના માળે રહેતા પરિવારના છોકરાઓ વિશેનો, ટીચર્સને વિદ્યાર્થીઓ વિષેનો, ગર્લફ્રેન્ડસને બોયફ્રેન્ડસ વિષેનો, પ્રજાનો રાજકારણી વિશેનો અને સ્ત્રીઓને પુરુષો વિષેનો અભિપ્રાય પૂછો તો સૌનો જવાબ ‘વાંદરા જેવા’ એવો હોઈ શકે. વાંદરાઓ પણ જેમને વાંદરાની કક્ષામાં મુકે એવા કેટલાક લોકો બીજાને વાંદરા સમજતા હોય છે. અને વાંદરા તો સાવ વાંદરા જેવા જ હોય છે. બાકી વાંદરા કેવા હોય એ તો સૌને ખબર છે, પણ એમની અમુક ખાસિયતો માણસમાં કેવી રીતે રહી ગઈ છે એ સમજવાનો પ્રયાસ હજુ ચાલુ છે.

Cutting With AB

ઉત્ક્રાંતિમાં વાનરો પ્રાઈમેટ શ્રેણીના વંશજો ગણાય છે જેમાંથી કાળક્રમે આધુનિક માનવો ઉતરી આવ્યા. વૈજ્ઞાનિકો પ્રાચીન અવશેષો તપાસીને આપણા શારીરિક બંધારણનો કયો હિસ્સો વાનરોને મળતો આવે છે એ સંશોધન કરતા હોય છે. અમારા મતે આપણામાંના જ અમુક નમૂનાઓ એનો સીધો પુરાવો છે જે કદાચ વિજ્ઞાનીકોના ધ્યાન બહાર છે.

dsc00639વાંદરાં સ્વભાવે બહુ ચંચળ હોય છે. સ્થિર રહેવું એની પ્રકૃતિ નથી. એ ક્યારે શું કરશે એ પણ ધારવું મુશ્કેલ છે. અમારી સોસાયટીના ટેનામેન્ટસની કમ્પાઉન્ડ વોલ સળંગ છે, અને એની ઉપરથી અવારનવાર વાંદરાઓની લંગાર ડાંફો ભરતી જતી હોય છે. એ વાંદરાં છે અને ઉંચો કૂદકો મારી શકતા હોય છે છતાંય એ કમ્પાઉન્ડ વોલ પર મુકેલા કુંડા ગબડાવવાનું ચુકતા નથી. એ દીવાલ સીધી સટ હોવા છતાં બાજુમાં જો કોઈ ટુ-વ્હીલર પડ્યું હોય તો એના પર સાઈડ કિક મારીને પાછા કૂદીને દીવાલ પર આવવું એ એમનો પસંદગીનો વ્યાયામ છે! રોજ કેટલાય વાહનો આ કારણસર પડી જતા હશે. માણસ પાસે પૂર્વજોનું DNA કરાવતું હશે કે બીજું કંઈ પણ શાંતિથી બેઠેલાને સળી કરવાની ટેવ મનુષ્યોમાં પણ જોવા મળે છે.

કૂદાકૂદી અને વાંદરું એકાબીજાના પર્યાય છે. કુદકો મારવાની પ્રક્રિયા આમ સરળ દેખાય છે પરંતુ છે ઘણી અઘરી. આમ તો વિમાનના ટેકઓફ-લેન્ડીંગ જેવું જ હોય છે, ફેર એટલો જ કે આમાં પાયલોટે વગર વિમાને આ પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. વિમાનની જેમ જ ટેકઓફ અને લેન્ડીંગ વચ્ચેની સફર હવામાં કરવાની હોય છે. સવાલ મહાવરાનો છે. પ્રેક્ટીસ કરો તો તમે પણ કૂદકો મારી શકો છો. જોકે આમાં જગ્યા-૧ કે જ્યાંથી તમારે કુદકો મારવાનો છે તે જો કુદવા માટે સાનુકુળ આધાર ન પૂરો પાડે તો કુદકો મારવાનો પ્રયત્ન લપસવા કે પડી જવામાં પરિણમે છે. એવી જ રીતે જો જગ્યા-૨ એટલે કે લેન્ડીંગ પોઈન્ટ જો તમને સ્વીકારવામાં પુરતુ મજબુત ન હોય તો ભોં ભેગા થઈ જવાની શક્યતાઓ અનેકગણી વધારે હોય છે. આ ઉપરાંત જગ્યા-૧ થી જગ્યા-૨ સુધી પહોંચવા માટે જરૂરી થ્રસ્ટ ન મળ્યો હોય કે યોગ્ય દિશા ન પકડાય તો જગ્યા-૨ ને બદલે જગ્યા-૩ પર પહોંચી જવાય છે. આ વાત રાજકારણમાં પક્ષપલટાના સંદર્ભમાં પણ એટલી જ સાચી છે. નોકરી બદલનારને પણ આવા અનુભવ થાય છે. રાજીનામું આપ્યા પછી ગંતવ્ય સ્થાને બેઠેલ રૂપાળી એચ.આર. એક્ઝીક્યુટીવ કાગળ આપવામાં ઠાગાઠૈયા કરે ત્યારે ભલભલાને લાગી આવે છે !

ટેનીસ સ્ટાર રોજર ફેડરરને કટોકટીના સમયે ટ્રિક શોટ મારીને પોઈન્ટ લેતા જોઇને આપણે અચંબો પામીએ છીએ, પણ એક વાંદરાને કલાબાઝી કરતા જોઇને બીજા વાંદરાંને અચંબો પામતા જોયા નથી. એનું કારણ છે. સંસ્કૃતમાં કહ્યું છે કે शाखा-मृगस्यशाखाया: शाखांगन्तुंपराक्रम: – અર્થાત એક શાખા પરથી બીજી શાખા ઉપર (કૂદીને) જવું એ વાનર માટે પરાક્રમ નથી. શાખાઓ ઉપર મૃગની ચપળતાથી ગતિ કરવી એ એમની પ્રકૃતિ છે. એટલે જ તો એમને શાખામૃગ કહ્યા છે. એમ જ સિદ્ધુ પાજી અટ્ટહાસ્ય કરે, અનુ મલિક ફટીચર શાયરી કરે, મહેશ ભટ્ટ બગલ વલુરતા વલુરતા વિવાદાસ્પદ કોમેન્ટ કરે કે વાંદરું કૂદકો મારે એમાં કોઈને નવાઈ લાગતી નથી.

એ લોકો કૂદવા સાથે ગુલાંટ પણ ખાઈ શકતા હોય છે. વાંદરાંની આ સપરીવર્તુત્પ્લવનકળાનું મનુષ્યોના જીવનમાં વિશેષ સ્થાન છે. વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે એવું કહેવાય છે. વૃદ્ધ મનુષ્યોમાં ઘણીવાર આ ગુણ જોવા મળે છે, અલબત્ત અભિધેયાર્થમાં નહિ પણ તત્ત્વાર્થમાં. ફેર એટલો છે કે કૂદતી વખતે કે ગુલાંટ મારતી વખતે સંતુલન જાળવવા માટે કુદરતે વાનરોને લાંબુ પૂછડું આપ્યું છે અને એથી જ ગુલાંટ મારવાની કળા એ મોટી ઉંમર સુધી જાળવી શકે છે. જ્યારે ઉત્પ્લવનકળા અજમાવવા જતા પટકાયેલ વૃદ્ધ મનુષ્ય હાંસીને પાત્ર બને છે. ઘણીવાર એમના કઢંગી અવસ્થાના ફોટા ટ્વિટર પર આવી જવાથી મોટી ઉંમરે ફરી લગ્ન કરવા પડતા હોય છે કે પાછલી ઉંમરમાં અચાનક જ આધેડ વયના સંતાનો ફૂટી નીકળતા હોય છે. આવી ઘટનાઓ સોશિયલ મીડિયામાં ઉત્સવની જેમ ઉજવાતી હોય છે.

આમ છતાં નર-વાનર વચ્ચે સરખામણી થાય તો આપણે બેશક ચઢીયાતા છીએ કેમ કે એમની પાસે ટેકનીક નથી. એથલેટીક્સ અને જીમ્નાસ્ટીક્સથી લઈને રાજકારણ સુધી આપણે એ સિદ્ધ કરેલું છે. ઉત્ક્રાંતિના ક્રમ મુજબ પણ નરો વાનરો કરતા અનેક રીતે ચઢીયાતા છે જ, પણ કહે છે વાનરોનો છે અંદાજ-એ-કૂદાકૂદી ઔર!

મસ્કા ફન
અડીયલ સાંઢ જેવા મુછાળાને લગ્ન પછી ગવરી ગાય જેવો બનાવી દેવામાં આવે
એ પણ એક જાતનું જલ્લીકટ્ટુ જ છે, અને એના પર પણ પ્રતિબંધ મુકાવો જોઈએ!

Posted in નવગુજરાત સમય | Tagged , | Leave a comment

ધ્વનિતે આપેલો આ મંત્ર ગોખી મારજો …
https://soundcloud.com/rakshit-pandit/rakshit-bhai-maja-na-manas-rj-dhvanit

rj-dhvanit

લિંક | Posted on by | 2 ટિપ્પણીઓ

ઉત્તરાયણની વધેલી સામગ્રીનો નિકાલ

NGSમ તો વધેલ ઘટેલ ફટાકડા ખપાવવા માટે દિવાળીની પાછળ પાંચમ, અગિયારસ, અને દેવદિવાળી આવે જ છે. વધેલા ફટકડા લગ્નમાં પણ ફોડી શકાય છે.વિરાટ કોહલી કે કેદાર જાધવ અંગ્રેજોની ધુલાઈ કરે ત્યારે પણ દારૂખાનું ફોડી શકાય છે. દિવાળીના રંગોળીના રંગ હોળી પર વાપરી શકાય છે. શ્રાવણ મહિનાનો વધેલો રાજગરો-મોરૈયો નવરાત્રીમાં કામ આવી શકે છે. પણ ઉત્તરાયણમાં એવું નથી થતું. ઉત્તરાયણની પાછળ વાસી ઉત્તરાયણ આવે છે, છતાં બીડી પીધા પછી જેમ ઠુંઠાનું બાકી રહેવું જેટલું નિશ્ચિત છે એટલું જ ઉત્તરાયણ નિમિત્તે ખરીદેલા માલસામાનનું માથે પડવું નક્કી છે;પછી તમે પવનને જવાબદાર ગણો કે તમારી પેચ કાપવાની આવડતને. સરકાર બજેટ વાપરવામાં નિષ્ફળ રહે છે એવી અવારનવાર ટીકા કરતા વિરોધપક્ષના નેતાઓના ઘેર દરોડો પાડો તોય આયોજનના અભાવે વધેલા પતંગ, દોરી, બોર-જામફળ અને ચીકીનો વગર વપરાયેલો જથ્થો પકડાઈ શકે છે. મોટો જથ્થો હોય તો ટેન્ડર બહાર પાડીને એનો નિકાલ કરી શકાય, પરંતુ ઓછા જથ્થાનો નિકાલ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા બની જાય છે.

Cutting With ABહોળીમાં પતંગ હોમેલા તમે જોયા હશે તમે. હોળીમાં પતંગ હોમવા પાછળનું કોઈ ધાર્મિક કારણ નહિ હોય. દિવસે દિવસે નમાલી થતી જતી નવી જનરેશન મોબાઈલ નામનો ભાણિયો રમાડવાની ધૂનમાં જે પતંગો ઉડાડી શકતી નથી તે બધા જ હોળી ભેગા કરવામાં આવે છે. આવું અમે નથી કહેતા. અમુક કાકાઓને અમે બબડતા સાંભળ્યા છે. જોકે દોરી તો હજુ વરસ મૂકી રાખી શકાય પણ સંઘરેલા પતંગપૈકી અડધા તો હેરફેરમાં જ ફાટી જાય છે. થોડાક પર પાણી પડે છે કે ભેજના લીધે માવો બની જાય છે. આ પછી જે વધે તેને બીજા વરસે ચઢાવો તો અચૂક ફસકાઈ જાય છે. એટલે જ પતંગને હોળીમાં હોમવામાં આવે તે વાતમાંથી કોઈ બોધ લેવા પાત્ર નથી. દેશ અને દુનિયામાં રિયુઝ, રીસાયકલની ચર્ચાઓ ચાલતી હોય ત્યારે ઉત્તરાયણની વધેલી સામગ્રીનું શું કરવું એ વિષે ગંભીરતાપૂર્વક વિચારવું ઘટે.

શાકની સાથે કોથમીર ફ્રી મળે છે. પરંતુ પતંગ ખરીદવામાં હજુ પણ પુરુષવર્ગ જ વધુ ભાગ લેતો હોઈ પતંગ કે દોરી સાથે જોખમા ગુંદરપટ્ટી કે આંગળી પર પહેરવાની ટોટી ફ્રીમાં મેળવી શકતો નથી. એટલે ગુંદરપટ્ટી બાકાયદા ખરીદ કરેલી હોય છે. વર્ષ દરમ્યાન કથ્થાઈ કલરની આવી ગુંદરપટ્ટી ફાટેલી ચલણી નોટો સાંધવા સિવાય બીજા કોઈ કામ લાગતી નથી. સેલોટેપનાં આગમન પહેલાં ગુંદરપટ્ટી પતંગ સાંધવા ઉપરાંત ગીફ્ટ પેક કરવામાં, કે કેલેન્ડર-ડ્રોઈંગશીટ સાંધવા માટે પણ વપરાતી. હવે પરંપરા મુજબ પતંગ સાથે ગુંદરપટ્ટી લાવવામાં તો આવે છે પણ ગર્લફ્રેન્ડ આગળ ઈમેજ બગડતી હોઈ કોઈ સાંધેલા પતંગ ચગાવતું નથી. ક્યારેક ભારે પવનમાં પતંગને સ્થિર રાખવા માટે પૂંછડી તરીકે ઉપયોગ કરીને નિકાલ કરાય છે. આમેય હવે ગુંદરપટ્ટીમાં અસલના જમાના જેવી ક્વોલીટી પણ ક્યાં રહી છે?હવેની ગુંદરપટ્ટી પર થૂંક લગાડવા જતા મોઢામાં ગુંદરનો સ્વાદ અને પટ્ટી પર થૂંક જ રહે છે.

તલસાંકળી અને સિંગની ચીકી આ બે વસ્તુઓ ઉત્તરાયણની ખાસ આઈટમ ગણાય છે. પરંતુ ગુજરાતમાં ખાસ સારી ક્વોલીટીની બનતી ન હોઈ મોટેભાગે લોનાવાલાની ચીકી વેચાય છે. એમાં ઘરની બનાવેલી ચીકીમાંથી સિંગ છૂટી રખડતી હોઈ એ ન સિંગદાણા તરીકે ચાલે છે ન ચીકી તરીકે. એકંદરે ઉત્સાહથી બનાવેલી ચીકી પ્લાસ્ટિકના ગેરકાયદેસર ઝભલા-થેલીમાં ધાબામાંથી પાછી આવે છે. તલની ચીકી તો ઘણી વખત કડક લાકડા જેવી હોય છે. આવી ચીકીનું શું કરવું એ યક્ષ પ્રશ્ન છે. મહાભારતવાળા યક્ષે યુધીષ્ઠીરને આ પ્રશ્ન પૂછ્યો હોત તો મહાભારતની કથા ત્યાં જ પૂરી થઇ જાત. આ પ્રકારની પાષાણયુગના અવશેષ સમી ચીકી ઉપર પીયુ સ્પ્રે કરીને એને પેપરવેઈટ તરીકે ઉપયોગમાં લઇ શકાય. ફ્લેટ રોટલા જેવા શેપની તલસાંકળી ઉપર પીયુ સ્પ્રે કરીને ડાઈનીંગ ટેબલ પર ટેબલ મેટ તરીકે વાપરી શકાય. તલના લાડુ જો બરોબર ગોળ વળ્યા હોય તો ફલોરિંગ બરોબર લેવલમાં છે કે નહિ તે નક્કી કરવા ગગડાવી શકાય. છેવટે કોઈ આપણી દોરીની ઝોલ લૂંટતું હોય તો આવી ચીકીથી ચીકીમારો કરી સામનો કરી શકાય.ઉદ્યમી લોકો ચીકીના બે ટુકડા વચ્ચે ફટાકડાના ચાંદલિયા મુકીને ભીંત ભડાકા બનાવી શકે કે પછી પતંગ લપટાવવા માટે લંગસીયામાં પથ્થરની જગ્યાએ ચીકી વાપરીને મા-બાપની ઈજ્જતના ભડાકા કરી શકે. અમે ચીકીથી ભીંતમાં ખીલી ઠોકેલી છે એ આપની જાણ સારું.

ચગાવવા સિવાય પતંગનો બીજો શો ઉપયોગ થઇ શકે? ઉત્તરાયણ પછી વધેલા પતંગના કાગળનોઓરીગામી અને ક્રાફ્ટમાં ઉપયોગ સર્વ સામાન્ય છે. પતંગના કમાન ઢઢ્ઢાનાં તીર કામઠા બનાવીને અમે સોસાયટીના રાવણો સાથે લડ્યા છીએ. ઢઢ્ઢાની બે ચીપો વચ્ચે ફુગ્ગાનું રબ્બર ભરાવીને પીપૂડી પણ બનાવી છે. કાળા પતંગમાંથી વેતાલ (ફેન્ટમ)ના આઈ માસ્ક બનાવીને ક્લાસની છોકરીઓને છેડતા જંગલીઓને ઠમઠોર્યા છે. રંગીન કાગળથી ન શોધાયેલા દેશના ઝંડાઓ બનાવ્યા છે. નવરાત્રી વખતે એ જ કાગળના તોરણો બનાવીને મલ્લા માતાને શણગાર્યા છે. તમે રંગીન કાગળના ગોળ ગુલ્લા બનાવીને પથ્થરથી હવામાં ઉડાડ્યા છે કદી? અમે એ પણ કરેલું છે. પણ એનાથી કેટલા પતંગનો નિકાલ થાય?એમાં ઉત્તરાયણના તહેવાર ગાયને ઘાસ ખવડાવીને પુણ્ય કમાવાનું ભૂત લોકોને ઉપડતું હોય છે. એમાં આડે દિવસે ઝભલાથેલી સહીત એંઠવાડ ખાઈને પેટ ભરતી ગાયો પતંગના કાગળને સુંઘતી પણ નથી. આ સંજોગોમાં બે દિવસ મોબાઈલ સ્વીચ ઓફ રાખીને પતંગનો ચગાવવાથી વધુ સારો ઉપયોગ અમને દેખાતો નથી.

મસ્કા ફન
રેલ્વેમાંબેપ્રવાસી.
પહેલો : હુંકવિછું
બીજો : ઓહો નાઈસ, હું ઇન્સ્યોરન્સ એજન્ટ છું.

 

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , , | Leave a comment

આવી નોટો પાછી ખેંચવા જેવી હતી!

પણા દેશમાં એવા અગણિત લોકો છે જેમને છેક રાત્રે ખબર પડે છે કે એ આખો દિવસ નવરા હતા! કમનસીબે આપણે ત્યાં આવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. એમાંના અઠંગ નવરા તો તમને ફેસબુક અને વોટ્સેપ પર ચાલતા ગ્રુપમાં જોવા મળી શકશે. દેખીતી રીતે આ લોકો કશું જ કરતા ન હોવા છતાં એમની પાસે વાત કરવાનો પણ ટાઈમ હોતો નથી. હિન્દીમાં આવા લોકો માટે કહેવત છે – काम का न काज का दुश्मन अनाज का. ગુજરાતીમાં આ પ્રકારના જાતકને હાથીના પોદળા જેવો ગણવામાં આવે છે જે લીંપવા-ગુંપવાના કામમાં પણ આવતો નથી. અત્યારની Urban lingoમાં આવા લોકોને ‘નોટ’ કહીને સંબોધવામાં આવે છે. આ એવી નોટો છે જે વટાવી શકાતી નથી છતાં ય સમાજમાં છુટ્ટી ફરે છે! ૮મી નવેમ્બર, ૨૦૧૬ પછી ચલણમાંથી રદ થયેલી રૂ. ૫૦૦

[ફીલિંગઝ મેગેઝીનની મારી કોલમ 'કહત બધિરા' માટેનો હાસ્ય લેખ.]
[ફીલિંગઝ મેગેઝીનની મારી કોલમ ‘કહત બધિરા’ માટેનો હાસ્ય લેખ.]

અને ૧૦૦૦નાં દરની નોટો સામે તો સરકાર સરખા મૂલ્યની નોટો બદલી આપે છે પણ આપણી આ નવરી નોટોનું કોઈ લેવાલ નથી! છેલ્લા કેટલાક વર્ષોમાં આવી નોટોના પણ પ્રકાર નીકળ્યા છે. એમાંનો એક પ્રકાર છે …

ફાટેલી નોટ! સામાન્ય રીતે ચલણી નોટનો નંબર સલામત હોય અને બધાજ ટુકડા નિયમસર જોડીને આખી નોટ બનાવી શકાતી હોય તેવી નોટોને બેંકવાળા બદલી આપે છે. પણ અહીં જેની વાત થઇ રહી છે એ લોકો પાંત્રીસ રૂપિયાની ફાટેલી નોટ જેવા હોય છે જે આખી હોય તો પણ ન ચાલે. બેંકવાળા પણ આવી નોટ બદલી આપતા નથી એ બધાને ખબર છે. છતાં જયારે નોટ બદલી આપવા વિષે ટીવી ઉપર જાહેરાત થઇ ત્યારે પત્નીવર્ગને પોતાના ભાગે આવેલી ફાટેલી નોટ ઠેકાણે પાડી શકાશે એવી આશા બંધાઈ હતી, જે પાછળથી ઠગારી નીકળી હતી. એટલે તમે લોકો પણ ખોટી કીકો મારશો નહિ. અહીં રમુજ પ્રેરક વાત એ છે કે ઇટાલીની નોટ આખી હોય તો પણ એને ‘લીરા’ કહે છે અને એ ત્યાંનું અધિકૃત ચલણ છે!

મુર્ખામી ભર્યું વર્તન કરનારાને પણ નોટની કક્ષામાં મૂકી શકાય. આપણી લોકબોલીમાં આવી ‘ખર’ પ્રકૃતિની નોટોના લક્ષણ કંઇક આવા આપ્યા છે : ડાળે બેસી કાપે થડ , ઘાલી હાથ ને જુવે દર, પાણી પી ને પૂછે ઘર અને દીકરી દઈ ને જુએ વર. એમાં તરંગી, ધૂની, અવિચારી અને દીર્ઘસૂત્રીનો ઉમેરો પણ કરી શકાય કારણ કે કેટલીકવાર એ લોકો વાણી, વર્તન કે તેમના કૃત્યોથી જાહેરમાં અક્કલનું એક્ઝીબીશન કરી બેસતા હોય છે. એ હિસાબે હિન્દુસ્તાનની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડી અને પાછી દિલ્હી લઇ જવાનો તરંગી નિર્ણય લેનાર મહંમદ બિન તઘલખ એક ઐતિહાસીક નોટ ગણાય. કવિ કાલીદાસ પણ આ વર્ગમાં જ આવે. એકના ડબલ કરવા જતાં રૂપિયા ગુમાવનાર લોકોના નામ તો છાપામાં અવારનવાર છપાતા જ રહે છે.

અસંબદ્ધ વાતો કરનારા કે પછી ફક્ત ટાઈમપાસ કરવા ખાતર અહેતુક પ્રશ્નો પૂછીને લોકોને પકવનારા  મોટી નોટ ગણાય છે. એક રીતે જોઈએ તો મગજની નસો પર ઠુમકા વાગે એવા પ્રશ્નો પૂછવા એ આપણા દેશની લોકપ્રિય પ્રવૃત્તિ છે. થોડા દિવસ પહેલાં જ એક એકઝીબીશનમાં એક કાકાએ અમને પૂછેલું કે ‘ઓંયથી બહાર નેક્ળવાની એન્ટ્રી ક્યોં છ બકા?’ આવા કિસ્સાઓમાં લાંબી મગજમારી કર્યા સિવાય જે છે તે સ્વીકારીને આપણે આગળ ચાલીએ છીએ. ફિલ્મોમાં આવી સિચ્યુએશન કોમિક સીક્વન્સીસ માટે અનેક વખત વપરાઈ ચુકી છે. ‘ભેજા ફ્રાય’ ફિલ્મમાં આવી નોટો જ બતાવી છે. ‘ચુપકે ચુપકે’માં ધર્મેન્દ્ર, ‘પીકે’માં આમિર અને ‘આજ કા દૌર’માં કાદરખાનને પણ આવી જ નોટ બતાવ્યા છે. ‘જુદાઈ’માં અબ્બા-ડબ્બા-જબ્બાના બાપ બનતા પરેશ રાવલ તો આ પ્રકારના રોલ માટે ઓથોરીટી ગણાય છે. ‘આવારા પાગલ દીવાના’માં એમણે એમના મગજવિધ્વંસક સવાલોથી એ યેડા અન્ના, ગુરુ ગુલાબ ખત્રી અને છોટા છત્રીની ખોપરી ખોલી નાખી હતી. રાજકારણમાં તો આવી અનેક નોટો પડી છે જેમના નિવેદનો આપણે અવારનવાર સાંભળીએ/ વાંચીએ છીએ.

ઘણીવાર તો કોઈ એક જ કિસ્સો માણસને નોટની પદવી અપાવી દે છે. આજકાલ રૂ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બદલાવવા લોકો પાંચ પાંચ કલાક લાઈનમાં ઉભા રહે છે ત્યારે સમાચાર આવ્યા કે પંજાબ નેશનલ બેંકની રેવાડીનામના શહેરની શાખામાંથી કોઈ અક્કલમઠ્ઠાએ રૂપિયા બ્યાંશી લાખની ચોરી કરી! ભ’ઈ અક્કલમઠ્ઠા એટલા માટે કહેવાય કે આખું ગામ રદ થયેલી નોટોનો નિકાલ કરવાને લઈને પરેશાન છે ત્યારે આ ભાઈ ૫૦૦-૧૦૦૦ની નોટો ઉઠાવી ગયા છે. મને લાગે છે કે આજની તારીખે આનાથી મોટ્ટી નોટ મળવી મુશ્કેલ છે.

છેલ્લે, આ રેવાડી હરિયાણામાં આવેલું છે એ આપની જાણ સારું. અસ્તુ.

सुन भाई साधो …
હથેળીમાં વધારે મોઇશ્ચરાઇઝર આવી ગયું હોય તો
પત્નીના ગાલ ઉપર વ્હાલી વ્હાલી કરી લેવી.

Posted in कहत बधिरा... | Tagged , , , , | Leave a comment

નોટો કરાવે નૌટંકી

NGSલણમાંથી પ૦૦-૧૦૦૦ની નોટ રદ થવાથી લોકો દોડતાં થઈ ગયા છે. નોટ બદલાવવા. છૂટા મેળવવા. બ્લેકના વ્હાઈટ કરવા. ખરેખર અત્યારે કહી શકાય કે દેશ બદલ રહા હૈ … અલબત્ત પુરાની નોટ્સ. આમ પણ ગુજરાતમાં તો દિવાળી ટાઈમે કચરો સાફ કરવાનો રિવાજ છે જ. એમાં જૂની અને નકામી વસ્તુઓ સામે વસ્તુ લેવાય છે, ફેંકી દેવાય છે, વેચી દેવાય છે કે પછી કોઈને આપી દેવાય છે. આ બધું જ અત્યારે નોટોનાં સંદર્ભમાં થઈ રહ્યું છે. અત્યાર સુધી પાનના ગલ્લે જ દેશહિતની વાતો થતી હતી, હવે ક્લબોમાં, ફાર્મહાઉસોમાં, જીમોમાં બધે થવા લાગી છે. જોકે શરૂઆતની અપેક્ષિત હાલાકી છતાં જેના બ્લેકના રૂપિયા ફસાયા છે એ ગરીબોને નામે પોક મૂકી રહ્યા છે. જે લાઈનમાં ઉભા રહ્યા નથી એ લાઈનમાં ઉભા રહેલા વતી રોવે છે.

નોટો બદલાવવા માટે લાંબી લાઈનો લાગે છે. ‘હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ..’ એવો અમિતાભ ટાઈપનો દુરાગ્રહ ધરાવતા લોકો અડધી રાત્રે, જ્યાં ભોજીયો ભ’ઇ પણ ન ફરકતોCutting With AB હોય એવી બેંક શોધી રહ્યા છે જેથી એ જ્યાં ઉભા રહે ત્યાંથી લાઇન જ શરુ થાય. પણ હાલના સંજોગોમાં તો રાતના બાર વાગે પણ એમના પહેલાં એમના જેવા જ પંદર-વીસ અમિતાભો આવીને ઉભેલા જોવા મળે છે. સરવાળે આવા લોકો લાઈન વગરની બેંક શોધવા માટે પેટ્રોલ બાળીને એની સામે જૂની નોટોથી પેટ્રોલ પુરાવીને નોટોનો નીકાલ કર્યાનો સંતોષ લઇ રહ્યા છે.

આવામાં અમારા એન્ટેનામાં કેટલાક એક એવા ન્યૂઝ આવ્યા છે, જે સાચા છે નહિ, પણ સાચા જેવા લાગે છે :

ડોકટરે વજન ઊંચકવાની મનાઈ કરી હોવા છતાં
બંડલો
ની હેરફેર કરવા જતાં આવ્યો હાર્ટ-એટેક!

રાણીપનાં રહેવાસી હસમુખભાઈ હૈયાફૂટાને ડોકટરે વજન ઊંચકવાની મનાઈ કરી હતી, પરંતુ બ્લેકના બન્ડલોનો થેલો ભરી લોકરમાંથી કાઢી ફ્લેટમાં માળીયે ચઢાવવા જતાં હસમુખભાઈને એટેક આવી ગયો હતો. અહીં ચોખવટ એ કે હૈયાફૂટા એ એમની અટક નથી પણ એમની પ્રકૃતિ છે, ઓવર ટુ હસમુખભાઈ. હા, તો હસમુખભાઈને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ડોક્ટર પોતાની કેશનો વહીવટ કરવા ગયા હોવાથી અને મેડિકલ ઇન્સ્યોરન્સ પણ ન હોવાથી પણ તાત્કાલિક સારવાર મળી શકી નહોતી. ત્યાંથી એમને સરકારી દવાખાનામાં ખસેડાતા ત્યાં એમને જરૂરી ટ્રીટમેન્ટ મળતા જીવ બચ્યો હતો. નોટોનાં બંડલો પોલીસે કબજે કર્યા છે તે વાત હસમુખભાઈથી પરિવારે છુપાવી છે નહિતર એમને બીજો હાર્ટએટેક આવવાની શક્યતા હતી.

મોટી સંખ્યામાં બિલ્ડરોએ વિદેશ સફરની ટીકીટો બુક કરાવી

એરલાઈન્સને મોટી નોટો સ્વીકારવાની છૂટ હોવાથી ઘણા બિલ્ડરો વિદેશની ટીકીટો બુક કરાવીને બે-ચાર મહિના વિદેશ જવાની તૈયારીઓ કરી છે. રીઅલ એસ્ટેટમાં મોટા પાયે કેશ ટ્રાન્ઝેક્શન થાય છે એ ઓપન સિક્રેટ છે ત્યારે કાળાનાણા પર નિયંત્રણ આવતાં બિલ્ડરો પોતાની પાસે રહેલી કેશનો વહીવટ કરી, બાકીની કેશથી ટીકીટ લઇ વિદેશ જવાની તૈયારીમાં છે. કારણ કે કેશના અભાવે અગામી વરસમાં ધંધો મંદ રહેવાનો છે એ નક્કી છે. જોકે સપ્લાયરોને અત્યાર સુધીનો હિસાબ ચૂકતે અને એ પણ રોકડામાં મળી રહ્યો છે એ અલગ વાત છે!

એકએક નોટો બંધ કરવાના નિર્ણયને પગલે મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જયારે ઘણાને બગાસું ખાતા મોંમાં પતાસું પડ્યા જેવું થયું છે. જેમ કે ટ્રાવેલ કંપનીઓ, જેમને દિવાળી પછી અને લગ્નની સિઝનમાં ઘરાકી નીકળી છે. સોનાચાંદીના વેપારમાં અમુકે પહેલા સ્પેલમાં ચોર, કસાઈ કે શિકારી સ્વરૂપે મોટી સંખ્યામાં બકરા વધેરી નાખ્યા હોવાના સમાચાર ઇન્કમટેક્સવાળાના કાને પડ્યા છે. ખાનગી કંપનીઓના કર્મચારીઓના ખાતામાં એમના બોસે છ-છ મહિનાની સેલરી એડવાન્સમાં જમા કરી દીધી છે. એમાંથી કેટલાકે તો મહિનામાં નોકરી અને શહેર બદલવાના પ્લાન પણ કરી દીધા હોવાનું બિનસત્તાવાર રીતે અધીર ન્યુઝ નેટવર્ક દ્વારા જાણવા મળ્યું છે.

આમ છતાં તકલીફ તો રહેવાની. ઘણાને તો ઉંચો વટાવદર આપીને સોના સાઇંઠ કર્યા પછીનો આંકડો એટલો મોટો છે કે રીટર્ન મારફતે ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટના ગળે ઉતારવો અઘરુ પડશે. બાકી હોય એમ સાહેબે કર્ણાટકના બેલગામ ખાતે કાળા નાણાના સોદાગરોને ઝાટકતા કરેલા બે-લગામ ભાષણ બાદ ‘સોકે હુએ સાઠ, આધે ગયે નાઠ, દસ દેંગે (ટેબલ નીચેથી જ સ્તો), દસ દિલવાયેંગે ઔર દસમેં ક્યા લેના ઔર દેના?’ ટાઈપના હિસાબો નહિ ચાલે એવું લાગે છે.

હવે સરકારના આ પગલાથી કાળુ નાણું ઘટશે કે નહિ ઘટે એ તો સમય બતાવશે પણ ભવિષ્યમાં એની અસરો જરૂર દેખાશે. જેમ કે, સાતમા ધોરણના ગણિતના પેપરમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે –

પ્રશ્ન ૬ (અ) મુલચંદભાઈ પાસે ૮૦ લાખ રૂપિયા રોકડા પાંચસો અને હજારની નોટો રૂપે હતા. વોલન્ટરી ડિસ્કલોઝર સ્કીમમાં એમણે રૂપિયા ભર્યા હોત તો  સરચાર્જ-પેનલ્ટી સહીત કુલ ૪૫ ટકા ટેક્સ ચૂકવવો પડ્યો હોત. નોટ બેન થયા પછી એમણે ૧૦ લાખ રૂપિયાની ચાંદી ૪૫૦૦૦ હજારના માર્કેટભાવ સામે ૫૫૦૦૦ આપીને લીધી. આ ઉપરાંત ૩૫ લાખનું સોનું બજાર ભાવ કરતાં ૨૪ ટકા વધારે ભાવ આપીને લીધું. બાકીના રૂપિયા એમણે ચાર સગાઓને અનુક્રમે ૧૨ ટકા, ૧૫ ટકા, ૧૮ ટકા અને ૨૦ ટકા વટાવ તરીકે આપી ફેરવ્યા. ટેક્સ ભર્યો હોત એની સરખામણીમાં આ સોદામાં મુલચંદભાઈના વારસોને કેટલો ફાયદો થયો?
નોંધ : મુલચંદભાઈ આ વહીવટ કરવામાં ગુજરી ગયા છે!

મસ્કા ફ્ન

પસ્તીવાળાએ અમને પાંચસોની નૉટ આપી!
અમે કહ્યું ‘પહેલાં એ નકકી કરી લઇએ કે આપણા બેમાંથી પસ્તીવાળો કોણ છે.’

rs500-rs1000-rupee

Posted in નવગુજરાત સમય | Tagged , , , , , | 4 ટિપ્પણીઓ

હું લખતો થયો …

hu-lakhto-thayo-1

મારા કુટુંબના ઈતિહાસકારો કહે છે કે હું પદ્ધતિસરનું લખતા શીખ્યો એ પહેલા લખવાની બાબતમાં હું આદીમાનવોને અનુસરતો. આદીમાનવો ભીંત ઉપર જેમ ચિત્ર લીપીમાં લખતા એમ મારા હાથમાં પેન-પેન્સિલ આવતી ત્યારે હું મોટે ભાગે જમીન પર કે દીવાલ ઉપર લીટાડા કરતો. આમ પણ બરોબર ચાલતા શીખ્યો ત્યાં સુધી લખવાની બાબતમાં ઉંચાઈઓ સર કરવાનું મારા નસીબમાં નહોતું એટલે મારો હાથ પહોંચે ત્યાં સુધી મારું કાર્યક્ષેત્ર સીમિત રહેતું, પણ કદાચ ભણવાનું આકર્ષણ મને નાનપણથી જ હતું. મારા મોટા ભાઈને નોટબુકમાં લખતા જોઇને મને પણ ભણ ચઢતું. હું એની નોટબુક ખેંચવા જતો પણ મને રમકડા આપીને પટાવી લેવામાં આવતો. એક વાર દિવાળીના દિવસોમાં એની વેકેશનના હોમવર્કની નોટ મારા હાથમાં આવી ગઈ અને મેં મારો લખવાનો શોખ પૂરો કર્યો! પરિણામ એ આવ્યું કે ત્યાર પછીથી નન્ની એટલે કે મારી મમ્મી ઘરે એકલી હોય અને કામમાં હોય ત્યારે મારે મોટા તબકડામાં બેસવાનું આવતું.

શાળાજીવનમાં પણ લખવાના ક્ષેત્રે હું કંઈ ઉકાળી શકીશ એવું કોઈને લાગતું નહોતું, પણ મારી હાસ્ય લેખનની યાત્રાના બીજ એ સમય દરમ્યાન જ રોપાયા હતા એમ કહું તો ખોટું નથી. અમારા ગુજરાતીના સર કહેતા કે ટૂંકુ અને અર્થપૂર્ણ લખવું. પણ એમ કરવામાં મારે હમેશા તકલીફ થતી. ટૂંકું લખું તો માર્ક કપાઈ જતા અને ટૂંકું વિધાન લખ્યા પછી એની સમજુતી આપવા જતો તો લખાણની લંબાઈ વધી જતી. પરીક્ષામાં સવાલનો જવાબ લખવામાં એવું ખાસ થતું. લાંબુ લખ્યા લખ્યા પછી પણ પૂછેલા સવાલનો જવાબ એમાં આવતો નહિ. આ બાબતે મારે મારા ગુરુઓ સાથે મનદુઃખ પણ થતું. જોકે આખરી નિર્ણય પણ એમનો જ રહેતો. અમને ગુજરાતી ભણાવતા જોશી સર તો મારી નિબંધની નોટબુક હાથમાં આવે ત્યારે એમાંથી ચૂંટેલો નિબંધ વાંચીને આખા ક્લાસને હસાવતા. એકવાર નોટ તપાસતા તપાસતા મને ઉભા થવાનો ઇશારો કર્યો અને પછી કહે “અલ્યા બાંગડુ, આ ગાંધી બાપુ ઉપરના નિબંધમાં બજાજ સ્કૂટરને કીકો મારવાની વાત ક્યાંથી આવી?” પછી મેં તો મારી રીતે એમને સમજાવવાની કોશિશ કરી પણ શાહજાદા સલીમની વાત જેમ અકબરે કાને નહોતી ધરી એમ મારી વાત પણ ઠુકરાવવામાં આવી! પણ એ ઘટના પછી મને એવી ગેરસમજ થઇ ગયેલી કે આપણામાં કોઈ પણ જાતના પ્રયત્ન વગર, માત્ર લખાણથી બધાને હસાવવાનો હુન્નર છે અને એના પરિણામે તમારા ભાગે મને સહન કરવાનું આવ્યું છે, બાકી તમારો કોઈ વાંક-ગુનો નથી. બની શકે તો નવા વર્ષમાં મને માફ કરજો.

બારમા પછી તો વિષય તરીકે ગુજરાતી ભણવાનો સંયોગ કદી થયો જ નહિ પણ વાંચન યાત્રા ચાલુ જ રહી. કોલેજમાં આવ્યા પછી કોલેજના મેગેઝીન અને બુલેટીન બોર્ડ માટે લખવાનો કીડો સળવળવા માંડ્યો. પણ સવાલ એ થયો કે લખવું શું? એટલે મેં આજુબાજુ નજર દોડાવી કે લોકો શું લખે છે? મારા ગુજરાતીના સરને પણ મળી આવ્યો. એમને મેં કહ્યું કે

‘સર, હું સાહિત્યની સેવા કરવા માગું છું.’

તો એમણે કહ્યું કે ‘તું રહેવા દે બકા. તું સાહિત્યની સેવા કરીશ તો સાહિત્ય માંદુ પડી જશે.’

‘પણ સર, વાંચવાવાળા મારા જેવા એન્જીનીયરીંગના સ્ટુડન્ટ જ છે.’ મેં કહ્યું

hu-lakhto-thayo-2

‘તો ઠીક. એમ કર, જે દેખાય તે લખ, પણ તારા શબ્દોમાં. બીજું એ કે લોકોને રસ પડે તેવું લખજે.’ એમણે કહ્યું

મેં કહ્યું ‘ઓકે સર. એમ જ થશે’ અને હું બહાર પડ્યો.

કોલેજ પહોંચ્યા પછી મેં આજુબાજુ નજર દોડાવી. ત્યાં ઘણું બધું હતું. વૃક્ષો, મકાનો, માણસો, એ.એમ.ટી.એસ.નું ટર્મિનસ, પોલીસ ચોકી, હોસ્ટેલ, કેન્ટીન, ક્લાસરૂમ, ચાની લારી વગેરે .., પણ અમારો વધુ સમય ચાની લારી ઉપર વીતતો એટલે પહેલો લેખ ચાની લારી પરના ઘટનાક્રમ ઉપર લખવાનું નક્કી કર્યું. સરે કહ્યું હતું કે જે દેખાય તે લખજે એટલે સ્થળ અને પાત્રો પણ અસલ જ રાખ્યા. લખાણમાં પણ મારે કોલેજના સમય દરમ્યાન જે બનતું હતું એ જ લખવાનું હતું એટલે લારીના બાંકડા પર બેઠા બેઠા કોલેજની, આવતા જતા લોકોની, દેશ દુનિયાની જે વાતો થતી એ બધી જ લખી. હું પ્રવક્તા હતો એટલે સ્વાભાવિક રીતે લેખમાં મારો ઉલ્લેખ નહોતો. કાચુ લખાણ તૈયાર થઇ ગયું એટલે લીટીવાળા આર્ટ પેપર પર સારા અક્ષરે લખી નાખ્યું. નીચે મારું નામ લખી અને અમારા એડિટરને આપી આવ્યો.

દરમ્યાનમાં મારે બે દિવસ બહારગામ જવાનું થયું. પાછો આવ્યો અને કોલેજ ગયો ત્યારે ત્રણ ચાર જણાએ મને કહ્યું કે પાર્થિવ, દેવાંગ, દીક્ષિત અને પ્રકાશ તને બે દિવસથી શોધે છે. ખ્યાલ ન આવ્યો કે શું કારણ હશે. પણ જેવો હું એમની નજરે ચઢ્યો એવો જ એ લોકોએ મને પકડીને બરોબર ધોયો! ટપલા ખાતા ખાતા મેં આજીજી ભર્યા સ્વરે પૂછ્યું કે ‘મેરા કુસુર કયા હૈ?’ તો જાણવા મળ્યું કે મેં મારા લેખમાં નેક બયાનીના ભાગ રૂપે જે લખ્યું હતું એના અનુસંધાનમાં પ્રિન્સીપાલ સાહેબે આ ચારે જણાને એમની ઓફિસમાં બોલાવીને ‘ચાલુ કોલેજે આ ધંધા કરો છો?’ એમ કહીને ખખડાવ્યા હતા. બાકી હોય એમ લેખમાં જે પ્રોફેસરોનો ઉલ્લેખ હતો એ લોકોએ અલગથી બોલાવીને ફાયર કર્યા એ જુદું. ખેર, લેખ તો બુલેટીન બોર્ડ પર બે કલાકથી વધુ ન જીવ્યો પણ શું ન લખાય એ બાબતનો એક અનુભવ જરૂર થઇ ગયો.

hu-lakhto-thayo-3સદર ઘટના પછી પણ હું હતોત્સાહ ન થયો. અમારા જોશી સર પણ ગુજરાતી સાહિત્યને મારા સ્વરૂપે અણમોલ રત્ન અપાવવા કટિબદ્ધ હતા. એટલે જ જે બન્યું એ બાબતે એમનું કહેવું હતું કે એમ ન બન્યું હોત તો એમને નવાઈ લાગત. એમણે મને જે સુઝે એ લખતા રહેવાનું કહ્યું ફક્ત મારા લખાણને જાહેરમાં મુકતા પહેલા એમને બતાવી દેવાની તાકીદ કરી. મને વાંધો ન હતો. એ બહાને મારા લખાણનો એક વાચક પાકો થતો હોય તો મને શું વાંધો હોય ભલા?

આ એ સમયની વાત છે જયારે એન્ડ્રોઈડ-આઈઓએસની વાડાબંધી નહોતી. અરે મોબાઈલ જ નહોતા. ડાયલ-અપ ઈન્ટરનેટનો જમાનો હતો. અમુક માલેતુજારો બ્રોડબેન્ડ કનેક્શનની સ્પીડને લઈને ડાયલઅપીયાઓને ડિપ્રેસ કરતા હતા. કોમ્પ્યુટર પર Unicode Fonts એટલે કે આ લેખ જેમાં ટાઈપ કરીને મોકલ્યો છે એ શ્રુતિ ફોન્ટ હજી આવ્યા નહોતા એટલે કલમ દેવીનું શરણું સહજ હતું. મને હમેશા બોલપેન જ ફાવતી. એક જમાનામાં કહેવાતું કે બોલપેનથી અક્ષર બગડે છે એટલે પરીક્ષામાં ફાઉન્ટન પેન વાપરવાનો આગ્રહ રાખવામાં આવતો. એ પેનમાં તકલીફ એ હતી કે અમુક સમય પછી એ લીક થતી અને લખતા લખતા સહી સુકાય એટલે વારંવાર છંટકોરવી પણ પડતી. એના લીધે એ પેઢીના લોકોના હાથ મજબુત રહેતા. બોલપેનમાં એ ઝંઝટ નહોતી. એને મગજના વિચારોની ઝડપે ચલાવી શકાતી, અલબત્ત અક્ષરના ભોગે. પણ કહે છે ને કે મન મર્કટ છે એટલે ચેકચાક પણ ઘણી થતી. એટલે લેખ લખ્યા પછી એને ફેર કરવો પડતો અને ફેર કરતી વખતે જે ભૂલો થતી એને લીધે એને ફરી ફેર કરવો પડતો. આને હું ‘લખ ચોરાશીના ફેરા’ કહેતો.

એ વખતે કોલેજમાં મારા સમવયસ્કોમાં આવું આવું ય લખનારા બહુ ઓછા હતા એટલે આ ટીડા જોશીનું ગબડી ગયું. જે કંઈ લખ્યું એમાંથી ઘણું બધું જુદાજુદા સામયિકો અને છાપાની ઓફિસોના આંટા મારીને પાછું આવતું. કદીક કંઈ છપાતું તો મહિનાઓ પછી કોક કહે ત્યારે ખબર પડતી અને એ વખતે નકલ મળતી નહિ. પુરસ્કાર એટલે શું એ તો બહુ મોડી ખબર પડી. સદનસીબે જે કંઈ લખ્યું હતું એનું કાચુ કામ ડાયરી, છુટ્ટા પાના કે કાર્બન કોપી રૂપે ફાઈલમાં સલામત હતું.

હાસ્ય પ્રેરક વિષયવસ્તુ બાબતે આપણા સ્ટેન્ડ અપ કોમેડીયનો કહે છે ને કે ‘હાશ્ય ગમે યાંથી મળી ર્યે …’ એટલે શરુ શરૂમાં તો લખવા માટેનો કાચો માલ આસપાસમાંથી જ મળી રહેતો અને એમાં હું મારો મસાલો કર્યા કરતો. પેલા અનુભવ પછી કોલેજના ચાર વાચકો તો હું ગુમાવી જ ચુક્યો હતો. એટલે મારા વાચકોમાં મોટે ભાગે મારા ઘરના લોકો જ બાકી રહ્યા હતા જે મને માત્ર લખાણ સુધારવા બાબતે ટીપ્સ આપતા. આમ તો મહીને બે મહીને એકાદ લેખ કે બે-ત્રણ કવિતા જેટલું જ લખતો. પણ એમાં ય એક સમય એવો આવ્યો કે લખવા માટે કોઈ વિષય જ ન સુઝે! થોડા કોમેડી મુવીઝ જોઈ નાખ્યા, એસ.ટી. ડેપો પર મળતી ‘ફટાફટ જોક્સ’, ‘મારફાડ જોક્સ’ અને ‘ફર્સ્ટ ક્લાસ જોક્સ’ની ચોપડીઓ પણ ચાટી મારી પણ કિક જ નહોતી વાગતી! પછી ક્યાંક જાણીતા લેખકોની લખવાની તેવો વિષે વાંચવામાં આવ્યુ. એક લેખકને અડધી રાત્રે ઉઠીને લખવાની ટેવ હતી પણ મારે ઉઠવાના ફાંફા હતા. કોઈ લખવા માટે નદી કિનારે જતું હતું જયારે મારા ઘરથી નદી દૂર હતી. એક મહાશય એવા હતા કે એમને ઘોડેસવારી કર્યા પછી જ કિક વાગતી. પછી વિચાર આવ્યો કે કઈ કમાણી પર મારે ઘોડો લાવવાનો? અને ધારો કે લઇ આવું તો અમારા તૈણ માળિયા ફ્લેટમાં રાખવો ક્યાં? એટલે એ વિચાર પડતો મુક્યો. પછી વાંચવામાં આવ્યું કે એક લેખકને જુના મોજા પહેરે પછી જ લખવા માટેની કિક વાગતી. મને એ આઈડિયા ગમ્યો. મારી પાસે જુના, કાણાવાળા અને જોઈએ એવા ગંદા મોજાનો પુરતો સ્ટોક હતો. થયું એવું કે મોજાની વાસથી ઉંદરને મજા આવી ગઈ! હું લખતો રહ્યો અને એ મૂષક કાણામાંથી બહાર નીકળેલા મારા અંગુઠાને ફૂંકી ફૂંકીને કરડતો રહ્યો! પણ લખવામાં કિક ન વાગી તે ન જ વાગી. આજે ખબર પડે છે કે એ ‘રાઈટર્સ બ્લોક’ હતો અને એ પણ રાઈટર થયા પહેલાનો!

એ દિવસોમાં મારી હાલત ઉત્તરાયણના દિવસે પોતાની પાસેનો છેલ્લો પતંગ પણ ચગાવી મારીને ધાબામાં બાઘા મારતા બેઠેલા પતંગબાજ જેવી હતી. મારી પાસે લચ્છા મારવા સિવાય કંઈ કામ નહોતું. એવામાં જ જાણે ભાર દોરીમાં કપાઈને આવતા પતંગનો છેડો હાથમાં આવી જાય અને માણસ પાછો ગેમમાં આવી જાય એવું થયું! મારા લગન થયા! પ્રિયા મારા જીવનમાં આવી. એ વખતે દેવદાસનું ‘બૈરી પિયા …’ ગીત નહોતું આવ્યું એટલે એ હજી ‘બધિર’ની ‘બહેરી પ્રિયા’ બની નહોતી. કહે છે કે ભાવી જીવન સાથીને સ્ત્રી પોતે એક જુનું ઘર ખરીદતી હોય એ રીતે જુએ છે; કેટલું રીપેરીંગ કર્યા પછી રહેવા લાયક બની શકશે એનો અંદાજ લગાવે છે. પ્રિયાએ પણ એ જ કર્યું. ઘણા, અરે ઘણા શું મોટા ભાગના લોકો સાથે બને છે એમ લગ્ન પહેલાં હું કળાયેલ મોરલો હતો, પણ મારા બેદરકારી, બેફિકરાઈ અને બેપરવાઈ રૂપી પીંછા કેરવી નાખીને મને બાંડીયો મોર બનાવી દેવામાં આવ્યો! પણ ટર્નીંગ પોઈન્ટ ત્યાંથી જ આવ્યો.

લગ્ન પછી શરૂઆતમાં તો મારી કલમમાંથી પ્રેમકથાઓ જ નીકળી. થોડા વર્ષો પછી કોણ જાણે કેમ પણ એમાં અનાયાસે કરુણતા ભળવા માંડી! જોષી સાહેબને મારું કામ બતાવ્યું તો એ પણ કહે કે ‘બસ, લખતો રહે. બધું ઠીક થઇ જશે.’ દરમ્યાનમાં એક દિવસ ચાર્લી ચેપ્લિનનું ક્વોટ વાંચવામાં આવ્યું. એ કહેતા કે જીવનને તમે ‘ક્લોઝ અપ’માં જોશો તો એ ‘ટ્રેજેડી’ છે, પણ ‘લોંગ શોટ’માં જોશો તો એ ‘કોમેડી’ છે. એ પછીથી મેં જીવન અને લગ્ન જીવનના વાઈડ એન્ગલ શોટ લેવાનું ચાલુ કર્યું. જીવનની દરેક ઘટનાને હળવાશથી લેવાનું ચાલુ કર્યું અને એ ધીમે ધીમે બોલચાલ અને લખાણમાં ઉતરતું ગયું. એના બીજા ફાયદા પણ થયા. આજે પણ હું ક્યારેક શાક લેતો હોઉં ત્યારે આસાનીથી કહી શકું છું કે ‘ઘરે ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા આપ’ અને પેલી સમજીને જ તોલતી વખતે મુઠ્ઠી ભરીને ભીંડા વધારે આપે છે.

હેપ્પી દીપાવલી …

सुन भाई साधो …
નાટકમાં ભાલાવાળો ઓવર એક્ટિંગ કરી જાય ત્યારે સાલું લાગી આવે.

 —–X—–X—–

Posted in कहत बधिरा... | 4 ટિપ્પણીઓ

અમુક સત્યો ઉપર ટોપલો ઢાંકી રાખવામાં જ સાર છે

NGS

ન ૨૦૦૫ની વાત છે. બિહારમાં સત્યેન્દ્ર દુબે નામના એક પ્રમાણિક આઈ.ઈ.એસ. ઓફિસરે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરનાં ખરાબ કામ અંગે સત્યના પક્ષે રહી કાર્યવાહી કરી જેને પરિણામે રોડ માફિયાઓએ એને ગોળી મારી દીધી. જોકે એનાથી બીજા સત્યેન્દ્ર દુબે નથી બન્યા કે નહીં બને એવું નથી. ગાંધી બાપુનો બર્થ ડે આવે છે એટલે આ વાત યાદ આવી. હેપી બર્થ ડે ટુ ડીયર બાપુ. બાપુએ ઘણું બધું આપ્યું અને અપાવ્યું છે. એમાં સત્ય અને અહિંસા એ બે વાત સૌથી વધારે યાદ રહી જાય તેવા સિદ્ધાંતો છે. બાપુએ સત્યના પ્રયોગો કરીને આત્મકથા લખી છે. પ્રયોગ શબ્દ સંશોધનમાં ખાસ વપરાય છે. પ્રયોગના પરિણામો પોઝીટીવ અને નેગેટીવ બેઉ હોઈ શકે છે. વિજ્ઞાનમાં પ્રયોગ સફળ જાય તો આપણને નવી શોધ મળે છે અને નિષ્ફળ જાય તો અનુભવ મળે છે. અત્યારે તો સત્યના પ્રયોગો કરવામાં જાનનું જોખમ છે, અને એ પરણેલાઓ સારી રીતે સમજે છે. ગાંધીજી એટલે પણ મહાન હતાં કે એમણે સત્યના પ્રયોગો કસ્તુરબાની હયાતિમાં લખ્યા હતા, અને પાછા તે વકીલ પણ હતા!

Cutting With AB ખોટું બોલવા અંગે કેટલીય માન્યતાઓ પ્રવર્તે છે. હિંદુ ધર્મમાં એવી એક માન્યતા પ્રવર્તે છે કે જો થોડુક ખોટું બોલવાથી કોઈનું ઘર વસતું હોય તો ખોટું બોલવામાં પાપ નથી. અધર્મનો નાશ કરવા માટે યુધીષ્ઠીર પણ ‘નરો વા કુંજરો વા’ બોલ્યા હતા. જોકે અમારા સાકર બાનું માનવું છે કે ઘોંઘાટ વચ્ચે ગુરુ દ્રોણ ‘વા’ની તકલીફ માટે કંઈ પૂછવા આવ્યા છે એમ માનીને યુધિષ્ઠિરે એમને નરીયો વા છે કે કુંજરીયો વા છે એવું સામે પૂછ્યું હતું. પણ ઉંમરના લીધે દ્રોણના કાને પણ કાચું હશે તે એ પણ ઊંધું સમજ્યા. એ જે હોય તે પણ એ વાત સત્ય છે કે નકરું સત્ય ચોખ્ખા ઘી જેવું હોય છે, જેનું માપમાં સેવન કરો તો ગુણકારી નહિ તો એ અતિસારકારી નીવડે છે! એટલે જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ‘सत्यम ब्रुयात प्रियम ब्रुयात न ब्रुयात सत्यम अप्रियम’ અર્થાત સાચું બોલો, પ્રિય બોલો, પણ કડવું લાગે એવું સત્ય ન બોલો. એમ તો પ્રિય લાગે એવું અસત્ય બોલવાની પણ મનાઈ કરવામાં આવી છે. અને હજી જો ગ્રંથોનો વધુ અભ્યાસ કરશો તો તમારે જોઈતુ હોય એવું સત્ય મળી જશે. જેમ કે જે સત્ય કહેવાથી છૂટાછેડાની નોબત આવે એવી હોય એવું સત્ય કહેવાનું ટાળવું જોઈએ. આશય એટલો જ કે છોકરાં રખડી ન પડે. બાકી અમને ખબર છે કે આ વાંચીને ઘણાને હાશ થઈ હશે!

પોતાના લખાણથી વાચકોને સેન્ટી કરી મુકનારા કોલમિસ્ટો અને લેખકો વારંવાર લખે છે કે આપણા  સમાજમાં પ્રત્યેકના ચહેરા ઉપર અસત્યનું મહોરું ચડાવેલું હોય છે જેની પાછળનું સત્ય ચોંકાવનારુ હોય છે. હાથીની જેમ માણસોમાં પણ ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. આમ પણ હવે ઇમ્પ્લાન્ટસ આવી ગયા પછી અસલી અને નકલી દાંત વચ્ચેનો તફાવત જાણવો પણ મુશ્કેલ થઇ ગયો છે ત્યારે સ્માઈલ પણ ચોવીસ કેરેટનું હોવાની શક્યતા નહીવત છે. પણ વાતમાં અસ્થમા છે. આપણે ત્યાં એવા ‘કુમાર’ મળી આવશે જે સાસુને કાંદા-લસણની ના પાડતા હોય અને બહાર એમના મિત્રો એ ભાઈ બાઈટીંગ લઈને આવે તો બાટલી ફોડીએ એમ કરીને એની રાહ જોતા બેઠા હોય છે. અમારો તાજો અનુભવ કહીએ તો એક સત્સંગી અને ભક્ત ગણાતા ભાઈ સાથે અમે ચાની લારીએ બેઠા હતા ત્યારે પાણીનો ગ્લાસ અમારી તરફ લંબાવતા એમણે જયારે કહ્યું કે “લો, લગાવો” ત્યારે અમે બાંકડા પરથી ઉલળતા ઉલળતા રહી ગયેલા. આ બધા રાજપાલ યાદવની સાઈઝના સત્યો છે જેની ઉપર ટોપલો ઢાંકેલો રાખવામાં જ સાર છે.

જીવનમાં કેટલાય એવા પ્રસંગો આવે છે કે જયારે સાચું બોલવું જોખમી હોય છે. પોલીસ પકડે ત્યારે પોતે વેપારી કે માલદાર છે એની જાણ કરવી, પત્ની આગળ ઓફિસમાં ખુબસુરત મહિલા કલીગ છે તે જાહેર કરવું, ઇન્કમટેક્સનાં દરોડા વખતે સામે ચાલીને લોકરની ચાવીઓ આપી દેવી, અને દારુડીયો મિત્ર ઘેર મળવા આવે ત્યારે સારી બ્રાંડની બાટલી પડી છે તેવું કહેવું રિસ્કી છે.

અમુક એવું માને છે કે મોટું જુઠ્ઠાણું ન ચલાવાય, પરંતુ નાના-નાના મીની જુઠ બોલીએ તો ચાલે. મોઢા ઉપર માખણ ચોંટ્યું હોય છતાં બાળ કનૈયો પણ કહેતો કે ‘મૈયા મોરી મૈ નહિ માખન ખાયો…’ એવું. આથી જ ‘અમદાવાદ આવવા નીકળી જ ગયો છું, રસ્તામાં જ છું’ એવું કહેનાર હજી મુંબઈથી નીકળીને વિરાર માંડ પહોંચ્યો હોય એવું બને, અને છતાં ‘રસ્તામાં જ છું’ એને માટે એવું મોટું અસત્ય નથી કે જેના માટે એને નરકમાં જવું પડે!  ફેસબુક કે ટ્વિટર પર કોઈની પોસ્ટ કે ટ્વિટ લાઈક ન કરી હોય તો ‘મેં તો જોઈ જ નથી, ક્યારે મૂકી?’ એવું કહી છટકી જવું એ મીની જુઠ છે. આ બધા નાના નાના જૂઠ છે જે સાહજીકતાથી બોલવામાં આવે છે. આવી વાતમાં છુપાયેલા અસત્ય બાબતે બોલનાર પોતે સભાન રીતે અભાન હોય છે. પછી જેમ ટ્રાફિક પોલીસ ત્રણ સવારી કે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવનાર સાથે પરત્વે સખ્તાઈથી કામ નથી લેતા, તેમ આવા નાના જુઠ બોલનારને ઉપરવાળો આડા હાથે નહિ લેતો હોય, એવું સાહજીક રીતે સ્વીકારી લેવામાં આવ્યું છે.

મસ્કા ફન
શોભાના ગાંઠિયાની બહેનને ચટણી ન કહેવાય, એકતા કપૂર કહેવાય!

Posted in નવગુજરાત સમય | Tagged , , , | Leave a comment