બાલમ તો બાઘો જ સારો!


સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો!

    આ હા હા…..ક્યાં મળે છે આવો સાવરિયો? કઈ ફેક્ટરીમાં બનતો હશે? કોઈ સરનામું આપે તો ડાયરેક્ટ ફેક્ટરી શો રૂમમાંથી ઉપાડીએ, પણ કોઈ કહે તો ને! જો તમે લગ્ન વયે પહોચેલી કન્યા હશો તો આ ગીત સાંભળીને તમારા મનમાં આવા જ પ્રશ્નો ઉઠ્યા હશે. નક્કી! જે બબુચકને સોરી, જે બાંકા સાંવરિયાને પામવા માટે તમે મહાદેવજીને આખ્ખા ચોખા તો શું બાસમતી ચોખાની આખી ગુણ ચડાવવા તૈયાર હતા તેને આવો જ કલ્પ્યો હતો ને? ડીટ્ટો? સ્કૂટી માગો અને સ્કોડા દઈ દે એવો? અને ‘સાંવરિયો…’ ગીત પણ એટલે જ ગમતું હતું ને કે બસ આવો એક મળી જાય એટલે ભયો ભયો?

    ઓછામાં પૂરું આજુબાજુ નજર કરતાં જીવ બાળવા માટે ઘણું બધું મળી આવતું હશે. તમારા ભાઈ ને પોતાની ડુગડુગી પર નચાવતી તમારી પોત્તાની ભાભી કે પછી દેખાવે મમરાના કોથળા જેવા પણ કરોડોમાં આળોટનાર ને લપેટમાં લેનાર તમારી બહેનપણી? અને પેલો પોતાના સાળાના ગલુડીયાના બર્થ ડે પર ગુલદસ્તો લઇ ને દોડ્યો આવતો તમારી બહેનપણીનો જીજો? હેં ને? તમે પણ મનોમન કહેતા હશો કે “હે ભોળાનાથ, મારા માટે પણ મારા ઈશારા પર નાચે એવો એક ‘સાવ ભોળો ને સાવ બાવરિયો’ બનાવ્યો તો હશે ને”?

     તો તમારા માટે મોકાણના સમાચાર એ છે કે તમે ખોબો માગો અને દરીયો આપે એવા સાવ ભોળાને સાવ બાવરીયા સાવરીયા આજ કાલ ભગવાને બનાવવાના બંધ જ કરી દીધા છે. હાલમા જે સાવરીયાઓનો જે ફાલ ઉતરે છે એમાં સાવ ભોળાને સાવ બાવરીયા બહુ ઓછા હોય છે અને જે હોય છે એ બજારમાં આવે એ પહેલાજ, એટલે કે સ્કૂલ કે કોલેજમાથી જ ચપોચપ ઉપડી જાય છે! અને બાકીના જે હોય છે તે શરીરે તેલ લગાવેલા પહેલવાન જેવા હોય છે, હાથમાં આવ્યા હોય તો પણ છટકી જાય એવા! પણ તમારે હિમત હારવાની જરૂર નથી. તમારામા જરાક મહેનત કરવાની હામ હશે તો તમે બાવરીયા સાવરીયા વગરના નહિ રહો. એટલે જો તમે જો હજુ પણ તમારો ગમતો બાવરીયો સાવરીયો ન વસાવી શક્યા હોવ તો અમે કહીયે એમ કરો.
    સહુ પહેલા તો એક વાત સમજી લો કે જેમ મદારીના કરંડીયામાં સાપ પડ્યો હોય એમ દરેક સામાન્ય  સાવરીયામા એક ભોળો-બાવરીયો સાંવરીયો પડ્યો જ હોય છે. તમારે ખાલી કુશળ મદારીની જેમ મોહક બીન વગાડી ને એને જગાડવાનો છે. પછી જુઓ એની કમાલ. તમારો સાંવરીયો દુનિયા દંગ રહી જાય એવા ખેલ બતાવશે! જરા આસ પાસ નજર દોડાવશો તો એક કહેતા દસ મળશે! તો એમાંથી એક ને પસંદ કરો અને થઇ જાવ તૈયાર!

    બીજી વાત. સાવરીયાઓની એક વિશિષ્ઠ ખાસિયત છે. અને એ ખાસિયત એ કે જે કોઇ છોકરી એને ધ્યાનથી સાંભળે એના 50% પ્રેમમાં તો એ ત્યાને ત્યા જ પડી જાય છે! એટલે એની વાતો ધ્યાનથી સાંભળો અથવા એટલીસ્ટ સાંભળતા હોવ એવી એક્ટિંગ કરો! ધ્યાન રાખજો, વાતો સાંભળવાનું કહ્યું છે એની વાતોમાં આવી જવાનું નહિ! હા, નહિ તો ગધેડા એ પહેલી ફૂંક માર્યા જેવું થશે!

    જરૂર પડે તો તમારી મમ્મીની સલાહ લો. આ સાવરીયા લોકોની ચાલાકીઓ પકડવામાં તમારી મમ્મી એ.સી.પી. પ્રદ્યુમન કરતા પણ વધુ અકસીર સાબિત થશે. સાંવરીયાના દરેક દાવનો તોડ એની પાસેથી મળશે. એ તમને કોઈ આલિયા માલિયા ના હાથે નહિ પડવા દે! સાથે સાથે તમારા પપ્પા બાબતે પણ ઘણું નવું જાણવા મળશે!

    એક અગત્યનો દાવ છે વાયદા કરો! આ દાવ ટ્રાય કરવા જેવો છે. એને મલ્ટીપ્લેક્ષ પર બોલાવો. પિક્ચર અડધું થવા આવે ત્યારે પહોચો. એ થીયેટરમાં જવા ગમે તેટલી ઉતાવળ કરે પણ તમે બહાર કેક શોપ પર એના જ પૈસે નિરાતે એકલેર પેસ્ટ્રી સાથે સોફ્ટ ડ્રીંક ઠઠાડતા રહો. છેલ્લે “એય, આજે તો ટીવી પર ‘ડાન્સ ઈન્ડીયા ડાન્સ’માં મારી કઝીન પરફોર્મ કરવાની છે and I dont wanna miss it” જેવા કોઈ બહાના નીચે એને લબડાવી ને ભાગી છુટો. પણ બીજા દિવસે લંચ બોક્ષમાં એના માટે તમારા મમ્મી એ બનાવેલો ગાજરનો હલવો લઇ જાવ અને તમારા હાથથી જ ખવડાવવાનું ભૂલતા નહિ. હા. હજુ પણ ગાજરનો હલવો એ હિટ ફોરમ્યુલા છે!

    આ બધું કર્યા છતાં આખરી કિલ્લાના કાંગરા ખેરવવા તો તમારે એના ઘરે જ જવું પડશે. જઈ ને કરવાનું શું? તો એક વાત યાદ રાખો કે સાંવરીયાઓ કબુતર જેવા હોય છે. એમના રૂમ અને કબુતરના માળા વચ્ચે કોઈ ફેર ન મળે! લબડતા મોબાઈલના કેબલો, અસ્તવ્યસ્ત ચાદર- ઓશિકા, ચોતરફ ફેલાયેલા ચોપડા, ગમે ત્યાં  પડેલા કપડાના ગંજ, ખુલ્લું લેપટોપ, પાણીની બોટલો, નાસ્તાના પડીકા બધું તમારી જ રાહ જોતું લાગશે! હા. એની મા પણ આ બધું જ તમને વળગાડી ને જાત્રા એ જવા, સોરી, (આજ કાલ એ બધું ડાઉન માર્કેટ છે) સિંગાપુર-પતાયા કે યુરોપની ટૂર મારવાની ફિરકમાં જ હશે! એટલે શરૂઆતની મુલાકાતોમાં થોડી મહેનત કરશો તો એ બકરીને તમારા ડબ્બામાં આવતા વાર નહિ લાગે! જો જો રખે એવું માનતા કે આ બધું તમારે આખી જિંદગી કરવું પડશે! આને તો ખાલી ઇન્વેસ્મેન્ટ ગણજો. પછી તો તમે તમારા પપ્પાને બધું જ કરતા જોયા છે ને? મમ્મીની ટ્રેઈનીંગ ક્યારે કામ આવશે? હોવ ત્યારે!       

    પણ એટલું યાદ રાખજો કે વહેલા કે મોડા સાંવરિયાઓને પણ અક્કલ આવે છે અને એ તમારા માટે મુશ્કેલી ખડી કરી શકે છે. માટે તમારે જરા પણ ઢીલુ મુકવુ નહી સમજ્યા? તો પછી શું કરવાનું? મુદ્દાનો સવાલ છે. એ બધું અહી કહું? અને આ બધું જો તમારો થનાર બાલમ વાચી જશે અને તમને રન આઉટ કરી દેશે તો?

    અને મારા માટે તમે એકલા થોડા જ છો? બીજા એવા પણ લોકો છે કે જેમનો પનારો અલરેડી ‘એડા’ કિસમના સાવરીયા સાથે પડી ચુક્યો છે અથવા તો જેમણે  અલરેડી સાવરીયો વસાવી લીધો છે પણ હાલત તૂરીયા સમજીને ગલકા ઉપાડી લાવ્યા હોય જેવી થઇ છે.
એમાના માટે પણ ઉપાય છે!

   પણ મહેબાન, કદરદાન, સાહેબાન… એના માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઇ ને મળવું પડે!

‘બધિર’ અમદાવાદી

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in હાસ્ય લેખ. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s