આ દુનિયામાં ઘણુ બધું ફિક્સ છે. રવિવાર પછી સોમવાર જ આવે. સોમવતી અમાસ કદી શુક્રવારે ન આવે. ગુડફ્રાઈડે કદી બુધવારે ન આવે. એમ જ કેટલીક ક્રિયાઓના પરિણામો પણ ફિક્સ છે. જેમ કે, બાબ્ભ’ઈ આજે દાઢી છોલે તો એ પાછી કાલે ઉગી જ જવાની છે. રમણ ભ’ઈ એમનાં બે ટાંટિયા એક સાથે ઉંચા કરે તો રમણ ભ’ઈ પડી જાય. જો કે નીચે ગાદલા પાથરેલા હોય કે રેતી હોય તો વાગે ઓછું, પણ પડવાનું ફિક્સ છે. એમાં રમણ ભ’ઈ ઉપરથી નીચે પડે – તો એમને વધુ વાગે, એ પણ પાછું ફિક્સ છે. અને કુદરતમાં આવું તો ઘણું બધું ફિક્સ છે. છતાં એક આઈ.પી.એલ.ની મેચ ફિક્સ થઈ એમાં તો પબ્લિક જાણે રજનીકાંતને ચણીયો પહેરીને માણેકચોકમાં ફરતો ભાળી ગઈ હોય એમ ચોંકી ઉઠી છે!
અલા ભ’ઈ, આઈ.પી.એલની મેચ ફિક્સ નહિ થાય તો શું પાણી-પૂરીવાળા અને દાબેલીવાળા વચ્ચેની મેચ ફિક્સ થવાની હતી? મને એક વાત કહો કે, એકતા કપૂર ‘બોર્ડર’ ફિલ્મ જેવી કોઈ યુધ્ધની પૃષ્ઠભૂમિ પર સીરીયલ બનાવે તો એમાં પણ રુપાળા બૈરાના ઝઘડા આવે કે ન આવે? શાહરુખની ફિલ્મ રીલીઝ થવાની હોય ત્યારે એનો કોઈ પબ્લીસીટી સ્ટંટ મીડિયામાં ચગે કે નહિ? સલમાનની ફિલ્મમાં સ્ટોરી-એક્ટિંગને બદલે ફક્ત નાટકબાજી જ હોય છતાં એ ૧૦૦ કરોડની ક્લબમાં આવે છે ને? અને હવે તો લોકો ભગવાને કરેલા સેટિંગ ફેરવીને ધાર્યા દિવસે અને મુહુર્તમાં સીઝેરીયન કરાવીને ડીલીવરી કરાવી લે છે. પછી BCCIને આ રૂ. ૨૬૫ કરોડની કમાણી કરાવતી ક્રિકેટની આ મલ્ટી-સ્ટારર ભેળમાં ફિક્સિંગ તો આવે જ ને? એને આઈ.પી.એલ.નું આઇટમ સોંગ કહેવાય!
તમે આપણે ત્યાંના સ્વીમીંગ પૂલમાં કે વોટર પાર્કમાં ગયા હશો તો તમને ખબર હશે કે તમારી આસપાસ એવા લોકો પણ હોય છે જે ‘કુદરતનો કોલ’ આવે તો પણ બાથરૂમમાં જવાની તસ્દી નથી લેતા. આ હકીકત લેબોરેટરી ટેસ્ટથી સાબિત થયેલી છે. પણ આ ‘ગુના’ સબબ કેટલા લોકો ‘રંગે હાથ’ પકડાયા? છતાં ઉનાળામાં એક પણ સ્વિમિગ પૂલ કે વોટર પાર્ક ખાલી દેખાય છે? અચ્છા, આઈ.પી.એલ.ની કઈ મેચોમાં સ્ટેડીયમ ખાલી દેખાયા? પબ્લિક જલસા કરે છે પછી એકલા તમે કેમ લોડ લો છો?
Keep Cool. જરા સમજો. આ દુનિયામાં ઘણું બધું એવું બને છે જેના ઉપર આપણો કાબુ હોતો નથી. એમાનું ઘણું બનવા કાળ બનતું હોય છે. તો અમુકમાં આપણે પોતે જવાબદાર હોઈએ છીએ. પણ આખરે આ બધું ઉપરવાળા એ ફિક્સ કરેલું હોય એમજ થાય છે એવું સંતો કહે છે. છતાં જ્યાં સુધી આપણા પૃષ્ઠ ભાગ નીચે રેલો ન આવે ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ ક્યારેક ‘નસીબ આડે પાંદડું તો લાફો મારે વાંદરું’ના ધોરણે આપણો વારો નીકળી જાય ત્યારે આપણે ઉપરવાળાના આ ફિક્સિંગ સામે સવાલો ઉઠાવીએ છીએ.
ખરું પૂછો તો આપણા હાથમાં છે શું? આપણો હાથ લેંઘાના નેફામાં ઘૂસી ગયેલા નાડા સુધી પહોંચી શકતો નથી હોતો અને આપણે આકાશ આંબવાની વાતો કરતાં હોઈ છીએ. જેને અનુભવ થયો હશે એને ખબર હશે કે લેંઘાનું નાડું પણ એવા સમયે અંદર જતું રહે છે જે સમયે આસપાસ માથામાં નાખવાની પીન, સેફ્ટી પીન કે ચીપિયો હોતા નથી. પરિણામે આપણે શક્તિ કપૂરે પીંખેલી હિરોઈનની જેમ મુઠ્ઠીમાં લેંઘાનો નેફો પકડી, દુનિયાની નજરોથી બચતા બચતા સલામત સ્થળે ખસી જવું પડે છે. તમે પૂછશો કે આ માટે જવાબદાર કોણ? અલબત્ત, નબળુ કે ટૂંકું નાડું રાખનાર તમે પોતે! આ બધું કર્મ-ફળના સિધ્ધાંત મુજબ ફિક્સ છે બોસ. Cool down.
ઘણીવાર આપણી વાતમાં વજુદ હોય એવું લાગે પણ ખરું. જેમ કે પાપીને મોડા વહેલા એનાં કર્મોની સજા મળી જ જાય છે એ નક્કી છે. પણ એ બેટાઓને એમનાં કર્મોની સજા મળે ત્યાં સુધી જલસા કરતા જોઈએ અને પછી એમને મળેલી સજા જોઈએ તો ઘડીક આપણને થાય કે આપણે ખોટા રાજા હરિશ્ચન્દ્રના અવતાર બનીને બેઠા છીએ. પણ આવા સમયે ધીરજ લાલનું ધોતિયું પકડી રાખવું. જુઓ, સંજય દત્ત અંદર થઈ ગયો, સલમાન થશે અને શ્રીસંત પર કામ ચાલુ છે.
આપણે ત્યાં કહેવત છે કે ‘ઉપરવાળાને ત્યાં દેર છે પણ અંધેર નથી’. છતાં આપણે નાની નાની બાબતોથી અકળાઈને એને મિસ-કોલ મારવા માંડીએ છીએ જેણે આખું મહાભારત ફિક્સ કર્યું હતું!
सुन भाई साधो…
સોગિયા લોકોએ પોતાના લોહીમાં ‘કોલેસ્ટેરોલ’ની માત્રા ચેક કરાવવાને બદલે ‘કેસ્ટર ઓઈલ’ની માત્રા ચેક કરાવવી જોઈએ!
1426
Tweet
Very Nice Badhirbhai…. 🙂
LikeLike
આપની વાતમાં વજૂદ તો છે જ, ગીતામાં પણ શ્રીકૃશ્ને કહ્યું છે, કે તું તારે યુદ્ધ કર આ બધા મરેલા જ છે એટલે સગાવ્હાલાની વાત છોડી દે, મેં એમને માટે આ પરિસ્થિતિ નિર્માણ કરી છે અને તું એમાં એક છે,
એમ આ IPL ની મેચ પણ ઉપર વાળા શ્રીકૃષ્ણ નું નિર્માણ છે વાત અલગછે કે નામ શ્રીનિવાસ રાખેલું છે, અને આ બુકીઓ, રમતવીરો બધા સાધનો છે, માન ગયે મોગલેઆઝમ -ક્ષમા બધીરસરકાર
LikeLike
પ્રભુની લીલા ન્યારી છે! દુર્યોધન, જરાસંધ, ભીષ્મ, દ્રોણ, કર્ણ … આ બધાની ગેઇમ શ્રી પ્રભુએ જ બજાવી હતી!
જય શ્રી કૃષ્ણ ….
LikeLike
Badhirbhai ,
nice article as would have been expected from you.In this era of wireless technology , badhu j fix chhe.bahgvaan ne najik thi bhalaman mate mandiro ma vip fee pan fix chhe ne politicians ni favours mate fee pan fix chhe.panipuri valao tamane chhelli puri dry masala vali aapse e pan fix chhe.
Biju to shu kahu ? tamara naseeb ma sara hasya lekho lakhva e fix j chhe ane amare te game etle tamne birdava e pan fix chhe.
LikeLike
Thank you so much kahevu pan fix chhe!
– Badhir 🙂
LikeLike
Very good
LikeLike
Thanx 🙂
– Badhir
LikeLike
સરસ! 🙂 😀
LikeLike
Thank you so much Sir.
LikeLike