મોબાઈલ ગયો, ટોક ટાઈમ રહ્યો


Mobile Gayo Talk Time Rahyo-2

પ્રસ્તુત લેખ ઉપરાંત અન્ય લેખો અભિયાન મેગેઝીનના ઓન-લાઈન ઈસ્યુમાં વાંચવા માટે ઈમેજ ઉપર ક્લિક કરો.

એક લોક-વાયકા પ્રમાણે સરેરાશ અમદાવાદી હવા, પાણી, મફત મળતી ચટણી અને મોબાઈલ ફોન પર જીવનારો માણસ છે. જ્યારથી મે આ સાંભળ્યું છે ત્યારનો હું આવી ખોટી અફવા ફેલાવનારી પાર્ટીને જ શોધું છું. સાલું, મફત ચટણી અને મોબાઈલ તો સમજ્યા પણ આ લીસ્ટમાં હવા-પાણી ક્યાંથી આવ્યા?

સોરી. આ હથોડો હતો, પણ મોબાઈલવાળી વાતમાં દમ છે. ભારતે એટલી પ્રગતિ કરી છે કે આજકાલ શાકભાજીની લારીવાળા અને રામલાઓ પણ મોબાઈલનો છૂટથી ઉપયોગ કરે છે. એટલું જ નહિ અમુક લોકો તો સતત મોબાઈલને ચીટકેલા જ રહેતા હોય છે. એકવાર તમે કૂતરીને ધાવતા ગલુડિયાને કૂતરીથી છુટું પાડી શકો, પણ અઠંગ મોબાઈલ-બાજને એના મોબાઈલથી છુટો પાડવો – મુશ્કિલ હી નહિ, નામુમકીન હૈ. આવા કોઈ સુરેસ કે રમેસ મોબાઈલ પર લાગેલા હોય ત્યારે એમનું ધ્યાન ખેંચવા માટે ‘છીછ છીછ …’, ‘ઓય’ કે ‘હલ્લો’ બોલવાથી નથી ચાલતું એટલે સીધા જ ટપલાંબાજી અને ગડદા-પાટું પર આવી જવાનું  વધુ સુગમ પડે છે.

એવું પણ નથી કે એ અઠંગ મોબાઈલ-બાજો મોબાઈલ સાથે ફીઝીકલી જ ચોંટેલા રહેતા હોય છે, એ લોકોને મોબાઈલ સાથે ઈમોશનલ એટેચમેન્ટ પણ હોય છે. મોબાઈલ વગરની બે ઘડી પણ એમને બે યુગ જેવી લાગતી હોય છે. જેનો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ ગયો હોય એ વ્યક્તિ મા-વગરના હરણના બચ્ચા જેવો બાવરો બની જાય છે. એનું કારણ એટલું જ કે મોબાઈલના આગમન પછી આપણે ફોન નંબરો યાદ રાખવાની તસ્દી લેવાનું જ બંધ કરી દીધું છે.

એવું જ લેન્ડ લાઈનના જમાનામાં ટેલીફોન ડાયરી ખોવાતી ત્યારે પણ થતું. જેમ એક ડોહા ગુજરી જાય તો એમની સાથે ઘણી યાદો, સંબંધો અને વહેવારો પંચ મહાભૂતમાં ભળી જતાં હોય છે. એમ જ મોબાઈલ ફોનના જવાથી આપણે ફોન નંબરો ઉપરાંત એમાં ‘સેવ’ કરેલા એસ.એમ.એસ., ઈમેઈલ, ફોટા, વિડીયો ક્લિપ્સ અને મ્યુઝીક પણ ગુમાવીએ છીએ. પણ જેમ ડોહાની સદગતિ થાય એ માટે આપણે ઉત્તર ક્રિયાઓ કરાવીએ છીએ, એવી જ રીતે આપણા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ માટે આપણે ખાસ કશું કરતાં નથી એ અફસોસની વાત છે. અમને લાગે છે કે એક સંતાનની જેમ ચાર્જીંગ-રીચાર્જીંગ દ્વારા જેનું લાલન-પાલન કરતાં હોઈએ અને એક મહેબુબાની જેમ જેને હરઘડી ચોંટેલા રહેતા હોઈએ એના ગયા પછી આપણે કંઈ જ ન કરીએ એ વ્યાજબી નથી. કમ સે કમ એક બેસણા તો બનતા હૈ બોસ!

Mobile Gayo Talk Time Rahyo

પ્રસ્તુત લેખ ઉપરાંત અન્ય લેખો અભિયાન મેગેઝીનના ઓન-લાઈન ઈસ્યુમાં વાંચવા માટે ઈમેજ ઉપર ક્લિક કરો.

અને બેસણું જ શું કામ? અમે તો કહીએ છીએ કે મૃતાત્માના કલ્યાણ માટે જેટલી ઉત્તર ક્રિયાઓ કરવામાં આવે છે એ બધી જ ક્રિયાઓ ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ પાછળ પણ કરવી જોઈએ જેથી કરીને એ જેના હાથમાં આવે એ વ્યક્તિ મોબાઈલ કે એમાંની માહિતીનો દુરુપયોગ ન કરે. ઉપરાંત નકામા થઇ ગયેલા મોબાઈલનું ભૂત નવા મોબાઈલને કનડે નહિ. આ માટે પહેલુ તો બેસણાની જા x ખ એવી ઝકાસ આપવી જોઈએ કે દુનિયા ભરના મોબાઈલોને બગડવાનું મન થઇ જાય. જેમ કે …
બેસણું કમ શોક સભામાં મોબાઈલને લાગતી બાબતો અંગેના વિદ્વાન સર્વિસ એન્જીનીયરની કથા રાખી શકાય, જે આપણને આશ્વાસન આપે કે –

મોબાઈલ દેહ છે તો નંબર એનો આત્મા છે. પુરાણોમાં કહ્યું છે કે દેહ નશ્વર છે પણ આત્મા અમર છે, એમ જ મોબાઈલ બગડી, ખોવાઈ કે ચોરાઈ જઇ શકે છે પણ મોબાઈલ નંબરનો નાશ થતો નથી. મોબાઈલ નંબર iPhone 5 રૂપી ખોળિયું છોડીને Galaxy Note 2 અને Galaxy Note 2 રૂપી ખોળિયું છોડીને Micromax Canvass રૂપી ખોળિયું ધારણ કરી શકે છે. આપણે જન્મીએ ત્યારે આત્મા કે શરીર પસંદ કરવાની તક મળતી નથી. જ્યારે બે દુકાન વધુ ફરો તો તમને પસંદગીનો નંબર મળી શકે છે. મોબાઈલ ઇક્વિપમેન્ટમાં તો આખી રેન્જ મળશે અને અમુક કંપની તો હપ્તેથી પણ આપશે. મોબાઈલનું સીમકાર્ડ જો કરપ્ટ થાય તો થોડા પૈસા આપીને નવું નક્કોર સીમ કાર્ડ લઇ શકાય છે, પણ આત્મા કરપ્ટ થાય પછી તો ઈશ્વર જ એને ઠેકાણે કરી શકે. જોકે એક મોબાઈલમાં બબ્બે સીમકાર્ડ રહી શકતા હોય એવા મોબાઈલ ભારે ડિમાન્ડમાં છે પણ મનુષ્યમાં બીજો આત્મા પ્રવેશે તો પછી એને ભગાડવા માટે ભૂવાની એપોઇન્ટમેન્ટ લેવી પડે છે.

नैनं छिंदंती शस्त्राणी, नैनं दहती पावक :, न शोषयती मारुत વગેરે વગેરે જે આત્મા માટે કહેવાયું છે એ બધું જ મોબાઈલ નંબરને પણ લાગુ પડે છે. આખા વર્ષ માટે બનાવેલા અથાણા કે તિજોરીમાં મુકેલા પૈસા સાચવવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે, પણ મોબાઈલ નંબરને સાચવવો પડતો નથી. આજ સુધી કોઈએ ‘મારા દસ આંકડાના મોબાઈલ નંબરમાંથી ચાર આંકડા કોઈ કાતરી ગયું’ એવી ફરિયાદ કરી હોય એવું પણ સાંભળ્યું નથી. ચાર્જીંગ કરતાં ચાઈનીઝ મોબાઈલ બળી ગયા હોય એવું સાંભળ્યું હશે પણ સરકારી  હોસ્પિટલના ‘બર્ન્સ’ વોર્ડમાં કોઈ મોબાઈલ નંબર દાખલ થયો હોય એવી ઘટના આજ સુધી નોંધાઈ નથી. એજ રીતે મોબાઈલ ભીનો થાય તો પણ નંબર કોરો જ રહે છે.

એટલું જ નહિ પણ મોબાઈલ નંબર એ વિદ્યાની જેમ न चोरहार्यं न च राजहार्यं न भ्रातृभाज्यं न च भारकारी પણ છે. મતલબ કે એને ચોર ચોરી શકતો નથી, રાજા જપ્ત કરી શકતો નથી કે એમાં તમારા ભાઈ-ભાંડું ભાગ પડાવી શકતા નથી. જેમ કે તમારુ કોઈ સગું કદી એમ નહિ કહે કે “તારો નંબર આટલો મોટો છે તો એમાંથી બે-પાંચ હજાર તૈણ મહિના માટે વાપરવા આલજે ને!” ઉપરાંત આંકડાની રીતે તમારો નંબર ગમે તેટલો મોટો હશે કે નાનો, મોબાઈલના વજનમાં કોઈ ફેર નથી પડતો. પણ એક વાત સમજી લેજો કે તમારા નંબરમાં બધા ‘નવડા’ હોય કે બધા ‘એકડા’ પણ સામેવાળાના મોબાઈલમાં રીંગટોન એજ વાગશે જે એણે ડાઉનલોડ કર્યા હશે. એમાં સ્વર્ગના ઘંટ ન વાગે બોસ.

ટૂંકમાં એ વિદ્વાન સર્વિસ એન્જીનીયર આપણને માણસ કરતાં મોબાઈલમાં બબાલ ઓછી છે એવું સમજાવી અને મોબાઈલના નવા મોડેલ, બેસ્ટ ઓફર્સ તથા સારા ઈન્ટરનેટ પ્લાનની માહિતી આપીને આશ્વાસન આપી શકે.

આ ઉપરાંત શોક સભામાં લોકો ‘મુઈ ભેંશના મોટા ડોળા’ના ધોરણે ‘ઈ-વેસ્ટગત’ મોબાઈલના વખાણ શકે જેમ કે “કોઈનો ફોન આવે અને એમાં ‘હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી…’ વાગે એટલે અમારા માજી ખુશ ખુશ થઇ જતાં અને એ ધૂન સંભાળવા માટે કરીને સામેવાળો કટ ન કરે ત્યાં સુધી ફોન નહોતા ઉપાડવા દેતા!” અથવા “એમાં નેટવર્ક જોરદાર પકડાતું હતું. ગઈ સાલ હું ભૂવામાં પડ્યો ત્યારે ત્યાં પણ નેટવર્ક આવતું હતું. મારા વાઈફને મેં વીસ ફૂટ ઊંડેથી કોલ કરીને જાણ કરેલી કે મારો ટાંગો તૂટ્યો છે!” લોકો એની મજબુતાઈના પણ વખાણ કરી શકે જેમ કે “મારો આઈ-નેવુ-બ્યાશી એટલો મજબુત અને વોટર-પ્રૂફ કે લીધો એના બીજાજ દિવસે કમોડમાંમાં પડી ગયેલો. પણ બહાર કાઢીને સાસરે ફોન લગાડ્યો તો તરત લાગ્યો હતો!” આવી રસપ્રદ વાતો કરી છેલ્લે મોબાઈલના આત્માની શાંતિ અને (મનોમન) મોબાઈલના ઇનબોક્સ તથા ફોલ્ડરોમાં પડેલા રાઝ રાઝ જ રહે તે હેતુથી પ્રાર્થના કરી અને મોબાઈલમાં લેટેસ્ટ ડાઉનલોડ કરેલા રીંગટોન વગાડી એની યાદ તાજી કરવાનું રાખી શકાય. સાથે એલ.સી.ડી. ટી.વી. પર એ મોબાઈલથી પડેલા ફોટાનો સ્ક્રોલ ગોઠવી શકાય.

મોબાઈલના બેસણામાં શોક પ્રદર્શિત કરવા માટે પોતાના સ્માર્ટ-ફોનમાંથી સીમ-કાર્ડ કાઢીને સાદા એલસીડી ડિસ્પ્લે અને VGA કેમેરાવાળા ડબલામા નાખીને જવાનું રાખવું. બેસણામાં ગયા પછી દરેકે ‘ઈ-વેસ્ટગત’ મોબાઈલના નંબર (કંપનીવાળા ડુપ્લીકેટ સીમકાર્ડ તાત્કાલિક કાઢી આપે છે બોસ) પર મિસકોલ મારીને દુઃખ કરાવવું. નજીકના લોકો SMS કરી શકે. મોબાઈલ માલિક થોડી-થોડીવારે મિસકોલ/ SMSની યાદી જોઈ અને વળતો મિસકોલ મારીને સ્નેહીને રજા આપી શકે. છેલ્લે ઉપસ્થિત સહુ પોત-પોતાના મોબાઈલ બે મીનીટ માટે સ્વીચ ઓફ કરી અને ‘ઈ-વેસ્ટગત’ મોબાઈલને શ્રદ્ધા-સુમન અર્પણ કરી શકે.

ઉત્તર ક્રિયામાં પણ ગોળ નાખો એટલું ગળ્યું થાય એવું છે. તમે ઘણું બધું કરી શકો. પણ એમાં શુદ્ધિ જળવાવી જોઈએ. તમે ‘ડોબાફોન’ના ‘ઘરાક’ હોવ અને વિધિ માટે ‘કાકોમો’ના એન્જીનીયરને બોલાવો એ ન ચાલે. તમારો સર્વિસ પ્રોવાઈડર એ તમારા મોબાઈલનું ગોત્ર છે. માટે યોગ્ય વિદ્વાનને પુરતી દક્ષિણાનો સધિયારો આપીને જ કામ સોંપવું. તેર દિવસ સુધી શોક પાળવો અને રોજ મૃતકની ઓપરેટીંગ સિસ્ટમ પ્રમાણે વિદ્વાન એન્જીનીયર પાસે ‘એન્ડ્રોઇડ’, ‘આઈ-ઓ.એસ.’ કે ‘વિન્ડોસ 8 ફોન’ના ઓ.એસ.ના મેન્યુઅલમાંથી એના અપગ્રેડ-ઈંસ્ટોલેશન, બગ્ઝ, ટીપ્સ અને એનો મહિમા ગાતી કથાનું પઠન કરાવવું. બારમાના દિવસે ઘરના પુરુષ વર્ગે પોતાના મોબાઈલના કવર-સ્ક્રીન ગાર્ડ ઉતરાવી દેવા. તેરમાના દિવસે ઘરના સર્વે લોકોએ મોબાઈલની બેટરી બદલવી તથા મોબાઈલની એક્સેસરીઝનું દાન કરવું.

‘ઈ-વેસ્ટગત’ મોબાઈલ પાછળ સત્કાર્ય રૂપે દર વર્ષે મોબાઈલના જન્મ દિવસે એટલે કે ‘બિલિંગ-ડેટ’ ઉપર  રીપેર-શોપમાં દાખલ મોબાઈલો માટે માઈક્રો એસ.ડી. કાર્ડ પહોંચતા કરવા. પ્રેમીજનોને યથાશક્તિ ટોક-ટાઈમનું દાન કરવું, ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રી એસ.એમ.એસ. સ્કીમનું સબસ્ક્રિપ્શન ભરવું, કુમારિકાઓને ચાઈનીઝ મોબાઈલ આપવા, ગરીબોને ચાર્જર-હેડફોન વગેરેનું દાન કરવું અને મોબાઈલની વરસીના દિવસે કોઈ વિદ્વાન સર્વિસ એન્જીનીયરને શ્રદ્ધા અને શક્તિ અનુસાર આઈ-ફોન 5 કે ગેલેક્સી ટેબ – 2 દાનમાં આપવો.

શ્રાદ્ધ પક્ષમાં ઘરના બધા લોકોના મોબાઈલમાં સારા સારા રીંગટોન તથા ગીતો ડાઉનલોડ કરવા અને બાળકોને લેટેસ્ટ મોબાઈલ ગેમ્સ અને એપ્લીકેશન્સ ડાઉનલોડ કરી આપીને ખુશ કરવા. મોબાઈલના આત્માની સદગતિ માટે શર્ટ કાઢી, કાને ઉંધા હેડફોન ભરાવીને ધાબે ચઢી જવું અને ટોક-ટાઈમ-વેલીડીટી સાથેનું સીમકાર્ડ કાગડાને વાસ તરીકે નાખવું પછી મૃતક માટે સહુએ હૃદય પૂર્વક પ્રાર્થના કરવી. મોબાઈલના ગયા પછી ઘરમાં મોબાઈલ બગડવાની, વાઈ-ફાઈ ડાઉન થવાની કે ઇન્સ્ટ્રુમેન્ટ હેંગ થવાની ઘટનાઓ વારંવાર બનતી હોય તો સમજવું કે તમારા મોબાઈલની અવગતિ થઇ છે. એના નિવારણ માટે કાળી ચૌદશની રાત્રે ઘર નજીકના મોબાઈલ ટાવર ઉપર લીંબુ-મરચા બાંધી આવવા.

આમ ખરા દિલથી મોબાઈલની ઉત્તરક્રિયા કરીને તમે વૃધ્ધાશ્રમમાં સમદુખિયા લોકો સાથે જીવન વિતાવતા એકલવાયા વૃદ્ધ દાદાના ૮ વર્ષ જુના મોબાઈલમાં નવી બેટરી નાખી આપવાનું પુણ્ય કમાઈ શકો. બાકી તો મારે જે કહેવાનું હતું એ આટલામાં આવી ગયું.
4572

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in અભિયાન and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to મોબાઈલ ગયો, ટોક ટાઈમ રહ્યો

 1. Ketan કહે છે:

  Superb. Loved the article. Thanks for sharing.

  Like

 2. Hemant Trivedi કહે છે:

  વાહ બાપુ,
  મઝા પડી ગઈ . પણ અમારે અમેરિકા માં તો મોબાઈલ છૂટાછેડા લેનાર સ્ત્રી ની જેવી શરતે મળે છે.
  “અહી કુદરતી મૃત્યુ પામે ત્યાં સુધી કે અખંડ “હેવાતણ હોજો ” એવા આશીર્વાદ સાથે મોબાઈલ કંપનીઓ મોબાઈલ નામ ની કન્યા તમને નથી સોંપતી . અહી નાં ધારા પ્રમાણે છોકરી છુટા છેડા લેવાની જ છે એમ ધારી ને પહેલા તમારી સામે થી દહેજ નાં ચાર્જ લઇ લે અને મહીને મહીને ભારણ પોષણ નાં ચાર્જ તે અલગ દેવાના.
  મોબાઈલ નામની કન્યા એકાદ બે વરસ પછી તમને કઠવા માંડે કે પછી વધુ સારું મોડલ તમને ગમે તો આ મોબાઈલ કંપનીઓ જૂની કન્યા ને પાછી લઇ લે પણ ખરા.અથવા કહેશે કે એને કચરા નાં ડબ્બા માં પધરાવી દો. અમને ભારે પડશે.

  એટલે અમે એના શ્રાદ્ધ સરવાણી માં થી બચીએ.

  બસ બાપુ આમજ અમે દસ વરસ માં સાત કન્યા ઓ બદલાવી છે તે તમારી જાણ માટે.

  આમ ને આમ લખતા રહો.

  Like

 3. Umesh Shah કહે છે:

  Badhirbhai ,

  very nice article as usual.

  Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s