રીઝલ્ટની સાઈડ ઈફેક્ટસ : વિચારો કંઇક, થાય કંઇક


NGSResults Ke Side Effectsચૂંટણીનાં પરિણામો અને પરિક્ષાનાં પરિણામો વખતે બન્નેનાં કર્તાની મનોસ્થિતિમાં વિવિધ સમાનતાઓ જોવાં મળે છે. ચૂંટણી અને બોર્ડનાં પરિણામોમાં જેને પોતાની જીત પર ખુબ વિશ્વાસ હોય એવાં નેતાઓ કે વિદ્યાર્થીઓ જ પરિણામ સ્થળ પર જવાની હિંમત કરે. ગઈ વખતે એક પાર્ટીના દિગ્ગજ નેતાએ ઓવર-કોન્ફિડન્સમાં સભા ગોઠવી હતી જે પાછળથી કેન્સલ કરી હતી. બાકી, જેને વિજયની ખાતરી ન હોય એવા ઢચુપચુ કેટેગરીવાળા લોકો ફોન પર જ સમાચારો મેળવતા રહે છે.

જોકે એકવાર પરિણામ આવે પછી તો એ જીતવાનાં જ છે એવી એમને ટીકીટ મળી ત્યારથી જ ખબર હતી એવા દાવા પણ કરે. પછી એ ભૂલી જાય કે વિરોધી પાર્ટીના રોડ શો-રેલી-સભાની સફળતા જોઈને એક વખત તો એમ થઈ ગયું હતું કે ‘ગઈ સીટ પાનીમે’. આમાં નેતાઓ જ નહિ જાનમાં કોઈ જાણતું ન હોય અને છતાં વરના ભા થઇને ફરતા લોકો પણ પણ ‘મેં તો પહેલેથી જ કહ્યું હતું કે ટેન્શન ના લે બકા …’ કરીને જાણે ઉમેદવારને એમણે દિશા સૂચન ન કર્યું હોત તો એ ઉમેદવાર એસટીમાં બોલપેનો વેચતો ફરતો હોત એવું પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતાં જોવા મળે છે.

એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું કે ‘एकवर्णं यथा दुग्धं भिन्नवर्णासु धेनुषु’. અર્થાત ગાયો ભલે જુદાજુદા રંગની હોય પણ એ એક જ રંગનું દૂધ આપે છે. એમ જ નેતા ભલે કોઈ પણ પક્ષનો હોય, સત્તા પ્રાપ્તિ એનું એક માત્ર લક્ષ્ય હોય છે. આ બાબતે કોઈએ સાચું જ કહ્યું છે કે ‘ગોળનું ઢેફું હોય ત્યાં મંકોડાઓમાં સર્વસંમતિ હોય છે.’ પ્રભુ એ શ્રી ગીતામાં ભલે નિષ્કામ કર્મનું સૂચન કર્યું હોય પણ ચૂંટણી દેવીની આરાધના ફક્ત સત્તા પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે.ચૂંટણીમાં ઝંપલાવનાર માટે જીત સિવાય બીજું કંઈ લક્ષ્ય હોતું નથી. અપવાદરૂપે દરેક ચૂંટણીમાં ઊભા રહી ડિપોઝીટ ડુલ કરાવવાનો શોખ ધરાવતા એકાદ બે નંગ નીકળે. બાકી ચુંટણીમાં જીત રૂપી ફળ સાથે મીનીસ્ટરશીપ નામક વૃક્ષ મળી જાય તો તો આવનાર સાત પેઢીને ફળ ખરીદવા પેટ્રોલ બાળવું નથી પડતું. મહાભારતના જમાનામાં ચૂટણીઓ નહોતી અને એટલે જ કદાચ ભવિષ્યમાં ભારતની ભૂમિ પર રાજકારણીઓ પણ પાકશે એ બાબત પ્રભુના ધ્યાન બહાર ગઈ હોય એવું જણાય છે.

આમ પણ મનુષ્યોમાં નેતાઓ કેમિકલ કમ્પોઝીશનની દ્રષ્ટિએ જુદા પડે છે. એમ કહોને કે જે વ્યક્તિમાં તમામ પ્રકારના કેમિકલ્સનું કોકટેલ થઇ ગયું હોય એ નેતા બને છે. આ પ્રજાતિ કોઈ પણ સંજોગોમાં મોળી પડતી નથી. પરાજયનું અર્થઘટન પણ એમનું આગવું હોય છે. દોઢ લાખ મતે હાર્યા હોય છતાં કહેશે કે ‘ગઈ વખત કરતાં અમારા તરફી વોટિંગના ટકા વધ્યા છે’ અથવા ‘સાત પૈકી ત્રણ વિધાન સભા મત વિસ્તારમાં અમે જીત્યા છીએ’. પોતાનો પક્ષ જીલ્લા, તાલુકા કે મ્યુનિ. સ્તરેથી સાફ થઇ ગયો હોય તોયે એ વિજેતા પક્ષને અગાઉની ચૂંટણી કરતાં ત્રણ સીટ ઓછી આવી એ બદલ કટાક્ષ કરી શકે છે. હાર્યા બાદ હવે પછીની ચૂંટણીમાં ટીકીટ નહિ મળે એની ખાતરી થઇ જાય તો ‘મારા જ માણસો એ મને હરાવ્યો છે’ કહેતા પણ ન અચકાય. અગાઉ પ્રજા મોટા પાયે પરિવર્તન લાવે ત્યારે મતદારને ડાહ્યો અને કોઠાસુઝવાળો કહેવાનો રીવાજ હતો. એને છેતરવો મુશ્કેલ ગણાતો હતો. જયારે અત્યારના સાયબર યુગમાં નેતાઓ ‘પ્રજા ભોળવાઈ ગઈ છે’ કહેતા પણ અચકાતા નથી. હાર-જીતની વાસ્તવિકતા જાણતા હોવા છતાં રાજકારણની ગટર-સરિતામાં પીંછા પલાળ્યા વગર બતકની જેમ તર્યા કરવાનું એમને માટે સહજ છે.

કદાચ આભ, ગાભ (ગર્ભ), રોતા બાળ અને ઘોડાના પેટના ગબગબ વિષે ચોક્કસ આગાહી કરી શકાય પણ નેતાજી ક્યારે શું કહેશે એ વિષે કંઈ ચોક્કસ કહી ન શકાય. એ જે બોલ્યા છે એનો અર્થ એ બોલ્યા છે એમાં આવી જ જાય છે એવું પણ ન કહી શકાય. એ ન બોલ્યા હોય એવું ઘણું એમની વાણીમાં આવી જતું હોય છે જે પાછળથી સ્પષ્ટતા રૂપે પ્રગટ થાય છે. એ ન બોલીને પણ ઘણું કહી દેતા હોય છે અને એ એવું ઘણું બધું બોલતા હોય છે જેનો કોઈ જ અર્થ નીકળતો ન હોય. અદભુત કોમિક ટાઈમિંગ ધરવતા કોમેડિયન અને સંવાદ લેખક કાદર ખાન એક સફળ નેતા બનવાની ચાવી બતાવતા ફિલ્મ ‘ગિરફ્તાર’માં કહે છે ‘સોચો કુછ, બોલો કુછ, દેખો કુછ, દિખાઓ કુછ, કરો કુછ ઔર હો જાએ કુછ … સમજ મેં આયા કુછ?’

8307

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , . Bookmark the permalink.

1 Response to રીઝલ્ટની સાઈડ ઈફેક્ટસ : વિચારો કંઇક, થાય કંઇક

  1. Ketan કહે છે:

    Very nice article. This is the way political leaders use the excuse. Loved it.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s