વાહ! શું ગરમી છે!


NGS

To read the article online on Navgujarat Samay, click on the image.

Wah Unalo‘ગરમીએ માઝા મૂકી છે’. ‘ગરમીથી કંટાળી ગયા છીએ’. ‘ગરમી માથું ફાડી નાખે એવી છે’. ‘ગરમી ૪૪ ડીગ્રીએ પહોંચી’. ‘ગરમીમાં એસીમાંથી બહાર નીકળવાનું મન નથી થતું’. આવું બધું ગરમીથી ત્રાસેલા લોકો બોલતા હોય છે અને અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં રહેતા લોકો ઉનાળામાં આવા બખાળા કરતાં અચૂક જોવા મળે છે. આ પાછા એજ લોકો છે જે બીજે દિવસે સવારે ફેસબુક પર અડધો ગ્લાસ ખાલી હોય તો એને અડધો ભરેલો ગણવો એવી ફિલસુફી ઠોકતાં ફોટો-ક્વોટ શેર કરતાં હોય છે.

ધોમ ધખતો હોય ત્યારે કૂતરું પણ ભીની જગ્યામાં ખાડો કરીને બેસી જતું હોય છે. ભેંશ પણ પાણીમાં જતી રહે છે. પ્રાણીઓ જ નહિ, મનુષ્યો પણ આ જ માનસિકતાને લઈને ઘરમાં એ.સી. રૂમમાં ભીડ કરે છે. બીજાની વાત જવા દો, એક જમાનામાં અમે આશ્રમ રોડ ઉપર પિક્ચર જોવા જતાં તો વહેલા જઈ ટીકીટ લીધાં બાદ થિયેટરના પગથીયા ઉપર બેસવાને બદલે આજુબાજુ મિલના કાપડના એસી શો રૂમનો અમે લાભ લીધેલો છે. એ પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર અને એક કરતાં વધારે વખત! એનાં માટે થોડું ચાલવું પડતું છતાં.

શિયાળો માણસને આળસ કરાવે છે. એની સરખામણીમાં ઉનાળામાં માણસને જલ્દી ઊંઘ નથી આવતી આથી પ્રોડકટીવીટી વધે છે. ઉનાળામાં ઘણાં લોકો ધાબામાં સુઈ જાય છે. ધાબામાં પક્ષીઓના અવાજથી અને અજવાળા તેમજ સૂર્યપ્રકાશથી એકંદરે ઉનાળામાં ધાબામાં સુઈ જનારા વહેલા ઉઠી જાય છે અને પછી બીજું કંઈ ન સુઝતા કામે વળગે છે.

ઉનાળામાં છુંદા અને અથાણા માટે ગેસને બદલે સીધો સુર્યપ્રકાશ વાપરી ઉર્જાની બચત કરી શકાય છે. જોકે ઉનાળામાં ટાંકીનું પાણી ગરમ થઈ જાય છે. પણ આથી હોટલોમાં જમ્યા પછી ફિંગર-બાઉલ આપે એના માટે પાણી ગરમ નથી કરવું પડતું. સીધું નળમાંથી ભરી શકાય છે. નહાવા માટે પણ પાણી ગરમ કરવા ગેસ કે ઈલેક્ટ્રીસિટીનો વપરાશ નથી કરવો પડતો. ઉનાળામાં કપડાં જલ્દી સુકાય છે એટલે લોકોની બાલ્કનીઓ બાલ્કની જેવી દેખાય છે ધોબીઘાટ જેવી નહિ. ઉનાળામાં કામ વગર કોઈ અમથું અમથું રખડવા નીકળતું નથી. એટલે રસ્તા ઉપર ટ્રાફિકજામના પ્રોબ્લેમ્સ ઓછા થાય છે. એટલું જ નહીં પેટ્રોલ ઓછું વપરાવાનાં લીધે વ્યક્તિગત નહિ પણ સમગ્ર રાષ્ટ્રને વિદેશી હૂંડિયામણની બચત થાય છે. આ ડોલર અત્યારે એમનેમ સસ્તો થયો છે? ઉપરાંત રસ્તા ઉપર વાહનો ઓછા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા લાંચ લેવાના કિસ્સાઓમાં ઘટાડો થાય છે. આમ ઉનાળામાં આપણો નીતિમત્તા ક્રમાંક પણ ઉપર આવે છે. નોકરિયાત લોકો એ.સી. ઓફિસમાં વધુ સમય વિતાવે છે જે એપ્રેઈઝલ વખતે એમને રેગ્યુલારીટીના બે પોઈન્ટ વધુ અપાવે છે.

કેટલીક મઝાઓ માણવા માટે તમારે ઉનાળાની રાહ જોવી પડે. કેરી-તડબૂચ તો સમજ્યા પણ અસલી મજા બરફગોળા ખાવાની છે. આઈસ-ફ્લેક પાડવાનું મશીન ફરે અને ડીશમાં રૂના પેલ જેવા હિમકણોનો ઢગ ખડકાતો જોવો એ લહાવો છે. આ ઢગલા ઉપર દાડમ-કાચી કેરીનું શરબત, કોપરાનું છીણ, કન્ડેન્સ્ડ મિલ્ક, કાજુ-દ્રાક્ષ, ચેરી, ટૂટી-ફ્રૂટી વગેરે ધબકારી ચમચીએ ચમચીએ ખાવાની મજા જ કંઇક ઓર છે. તો બરફના ગોળામાં વાંસની સળી ભરાવી, શરબતમાં બોળીને ચૂસવાથી રોમરોમમાં ઠંડક પ્રસરી જાય છે. લેહ-લડાખ કે સ્વીત્ઝરલેન્ડમાં આકાશમાંથી આવું જ છીણ વરસતું હોય છે, પણ ત્યાં કોઈ બરફગોળા ખાતા નથી. આ ગરમીની મજા છે. અમેરિકામાં આટલો બરફ પડે છે પણ કોઈ બરફગોળા ખાતું હોય એવા ફોટા તમે ફેસબુક પર જોયા? એ તો અમદાવાદ કે રાજકોટમાં રહેતા હોવ તો તમને ગોળાની અસલી મઝા ખબર પડે. એના માટે પાછો ઉનાળો હોવો જોઈએ.

આપણે ત્યાં સર્વત્ર ગરમીનું પ્રમાણ વધે એટલે ‘ગરમીનું મોજું ફરી વળ્યું’ એવું કહેવાનો રીવાજ છે. અમને આ વિચિત્ર લાગે છે. શિયાળામાં ઠંડીનું મોજું ફરી વળ્યું એમ કહો તો બરોબર છે કારણ કે ઠંડીથી બચવા લોકો મોજા પણ પહેરતા હોય છે, જયારે ઉનાળામાં તો લોકો કપડાં પણ લોક લાજે પહેરતા હોય છે. આપણે ત્યાં લગભગ દર ત્રીજો પુરુષ ગંજી ભેર ફરતો હોય છે. એટલે ઉનાળામાં ‘ગરમીનું ગંજી ફરી વળ્યું’ એવુ કહેવાય એ યોગ્ય છે.

ગુજરાતીમાં એક શબ્દ છે ‘ન્યારુ’. એનો એક અર્થ જુદું, દૂર કે છેટું એવો પણ થાય છે. ઉનાળામાં ગરમીથી થતા પરસેવાને કારણે લોકો એક બીજાથી દૂર કે છેટે બેસવાનું વધુ પસંદ કરે છે. ભૂતકાળમાં લોકો જ્યારે ‘હું ન્યારો… હું ન્યારો’ કહીને જુદા બેસવા-સુવાનું શરૂ કરતા હશે ત્યારથી ગ્રીષ્મઋતુની શરૂઆત ગણાતી હશે અને પાછળથી આ ‘હું ન્યારો’નું અપભ્રંશ થઇને ‘ઉનાળો’ થઇ ગયું હોઈ શકે. આવા ન્યારા અને અનેરા ઉનાળાને આવકારવાનો હોય કે કકળાટ કરવાનો હોય? n

 8,733

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , . Bookmark the permalink.

1 Response to વાહ! શું ગરમી છે!

  1. Ketan કહે છે:

    Very funny and full of humor. The reality is written with humor. Great job. Love the article. Thanks for sharing.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s