ડાન્સ વિથ DJ
નાચે મન મોરા મગન તીર્ક-ધા-ધીગી-ધીગી …
નાનપણમાં જયારે જયારે રફી સાહેબે ગાયેલું ‘મેરી સુરત તેરી આંખે’ ફિલ્મનું આ ગીત સાંભળતો ત્યારે વિચાર આવતો કે જે ભાઈ ગાય છે એમનું મન તીક-ધા-ધીગી-ધીગી કરીને નાચે છે એ તો સમજ્યા પણ એમાં વચ્ચે મગન ભ’ઈને લપેટવાની શી જરૂર હતી? જોકે એ ઉંમર જ એવી છે કે આવું કન્ફયુઝન થાય. થોડી સમજ આવ્યા પછી ફરી એ ગીત સાંભળવામાં આવતું ત્યારે લાગતું કે કદાચ મગન ભ’ઈ તબલચી હશે અને આ ભ’ઈને એમના તબલા વાદનથી મઝા પડી ગઈ હશે એટલે દાદ આપતાં નાચી ઉઠ્યા હશે. એ વાતને વર્ષો વીત્યા. હવે તો મને સારું છે. ડોકટરે દવા પણ બંધ કરી દીધી છે, છતાં પણ જયારે જયારે આ ગીત સાંભળુ છું ત્યારે લાગે છે કે નક્કી મજકૂર મગન નામનો શખ્સ ડી.જે. એટલે કે ડિસ્ક જોકી હોવો જોઈએ જેના બીટ્સ પર પેલા ભાઈ નાચી ઉઠ્યા હશે.
અત્યારે આવા વિચારો આવવાનું પણ એક કારણ છે. ગઈ રાત્રે અમારી સોસાયટીની બાજુમાં આવેલા હોલમાં નવા વર્ષની પાર્ટી હતી; એમાં દોઢ વાગ્યા સુધી ડીજેનું એવું ઢીંચક ઢીંચક ચાલ્યું કે અત્યારે માથામાં લબકારા પણ ડ્રમના બીટ્સની લયમાં મારે છે. દર વર્ષે નવા વર્ષના પહેલા અઠવાડિયાની રાત્રીઓ આમ જ વીતતી હોય છે.
આપણે ત્યાં ડીસેમ્બર આવે એ પહેલા પાર્ટી માટે પૂછપરછ શરુ થઇ જતી હોય છે. પાર્ટી માટેનું સ્થળ પસંદ કરવા માટે પણ કેટલાક વણલખ્યા નિયમો પળાતા હોય છે. જેમકે નાતની વાડીમાં ડીજે પાર્ટી ન રખાય. એમાં પાર્ટી રાખનારને કંઈ થતું નથી, પણ એમાં નાચવા ગયેલા લોકોના વાંઢા રહી જવાના ચાન્સીસ વધી જાય છે. ધર્મસ્થળ સાથે જોડાયેલો હોલ પણ ના ચાલે, કારણ કે એમાં રાત્રે ભજન-કીર્તનનો ટાઇમ થાય એટલે કાકાઓ અને માજીઓ આવવાના ચાલુ થઇ જતા હોય છે. શિયાળો હોય અને ખુલ્લા મેદાનમાં કે પાર્ટી પ્લોટમાં ડીજે પાર્ટી રાખો તો સાથે તાપણા પણ રાખવા પડે. એમાં પ્રજા તાપણાની આસપાસ જ નાચવાનું ચાલુ કરી દે તો ઠેર ઠેર ભૂત ઉતારવા માટે ભુવા ધૂણતા હોય એવા દ્રષ્યો સર્જાય, ફ્લેટના ધાબામાં રાખો તો સસ્તામાં પતે પણ એમાં બીજા બ્લોકવાળા એમના ધાબામાંથી ઈશારા કરીને પોતપોતાની છોકરીઓને પાછી બોલાવી લેતા હોય છે. એ પછી પાર્ટી જેવું કંઈ રહેતું નથી. એટલે ડીજે પાર્ટી કોઈ મોટા હોલમાં, ફાર્મ હાઉસ પર કે ડિસ્કો થેકમાં જ ગોઠવાતી હોય છે. અમે અભાગિયા એવા જ એક હોલના પડોશમાં રહીએ છીએ.
આવી પાર્ટીમાં સાઈકેડેલીક લાઈટ્સ અને કાન ફાડી નાખે તેવી સાઉન્ડ સીસ્ટમ લગાવાતી હોય છે. બાકી હોય એમ હેડફોન સાથેના માઈક ઉપર ડીજે બાબુ ફ્લોર પર ઝૂમી રહેલા ઝોલાને ‘પાર્ટી પીપલ, લેટ્સ રોક’ અને ‘બર્ન ધ ડાન્સ ફ્લોર’ની બુમો પાડીને પાનો ચઢાવતા હોય છે. જોકે ફ્લોર પર ઝૂમી રહેલા અંગૂરની બેટીના આશીકોને આવી કોઈ હાકલોની જરૂર હોય એવું જણાતું નથી. ડીજેને પેમેન્ટ એડવાન્સ આપ્યું છે કે બાકીમાં ચાલે છે એ તમે એના જુસ્સા પરથી જાણી શકો.
ડીજે લોકો મોટે ભાગે લાંબા વાળ રાખતા હોય છે અને માથા ઉપર આટા-ચક્કીવાળા કે ધોળવાવાળા માથે બાંધે એવું કપડું બાંધતા હોય છે. એ લોકો ખાસ પ્રકારની દાઢી પણ રાખતા હોય છે – સિવાય કે એ માદા ડીજે હોય. નર ડીજે લોકો અંધારામાં દાઢી કરતા હોય કે પછી અરીસા વગર કરતા હોય, પણ રણમાં ગાંડો બાવળ ઉગ્યો હોય એમ મોઢા પર ઠેર ઠેર દાઢી વિખેરાયેલી પડી હોય છે. અમે એક ડીજે એવો જોયો છે જેની દાઢી કાન પાસેથી શરુ થઈને ગાલ સુધી આવીને સરસ્વતી નદીની જેમ લુપ્ત થઇ જતી હતી. એ પછીથી દાઢીનો પ્રવાહ હડપચી આગળ પુન: દેખા દેતો હતો જે મેગ્નેટ પર ચોટેલા લોખંડના ભૂકાની જેમ શોભતો હતો. PK જેવા બીજા ગ્રહવાસીને આપણા ગ્રહના સ્પેસિમેન બતાવવાના હોય તો આવા દાગીનાઓ પર ગોદડું ઓઢાડી રાખવું પડે, નહિ તો પેલો પાછો આવે ત્યારે રણબીર કપૂરના બદલે જ્હોની લીવરને લઈને આવે.
આવી પાર્ટીઓમાં ડ્રેસ કોડ પણ રાખવામાં આવતો હોય છે. એમાં રેડ અને બ્લેક-ઓન-બ્લેક બહુ કોમન છે. આને લીધે હોલમાં સાન્તા ક્લોસ બાઉન્સર્સ સાથે નાચતા હોય એવા સીન થતા હોય છે. બીજું, શિયાળો હોય ત્યારે ગમે તેટલો સ્ટ્રીકટ ડ્રેસ કોડ રાખો તો પણ તમે વાંદરા ટોપી, બાંડીયું સ્વેટર અને સ્કાર્ફ પહેરેલી પબ્લીકને રોકી શકતા નથી. હવે શાહમૃગ આકારનું ફિગર ધરાવતી સીનીયર સીટીઝન યુવતીઓ અને ગદા આકારનું શરીર ધરાવતા કાકાઓ પણ ફલોરમાં ગોબા પાડવા ઉતરી પડેલા જોવા મળશે. આવી પાર્ટીઓમાં કાયદેસર જેને ‘ડાન્સ’ કહી શકાય એવું શરીરનું હલનચલન ઓછું જોવા મળે છે. અમુક કિસ્સામાં વર્ષો અગાઉ સ્વજનના મૃત્યુ પછી જે કૂટવાની પ્રથા હતી એ તમને વધુ તાલબધ્ધ લાગે એવું બને.
આટલા વર્ષોના અભ્યાસ પછી એક વાત સમજાઈ છે કે ગણેશ ઉત્સવના અને 31st નાઈટના ડીજે અલગ હોય છે. તમે ગમે તેટલું ટોપ ક્લાસનું આયોજન કરો પણ છેવટે પાર્ટીની સફળતાનો આધાર તમારો ડિસ્ક જોકી ફ્લોર પર ઉતરી આવેલા ‘પાર્ટી પીપલ’ના મૂડ પ્રમાણેના ગીતોના ટ્રેક બજાવી શકે છે કે નહિ તેના પર હોય છે. તાલ ચુક્યા વગર ટ્રેક શફલ કરવા એ પણ એક કળા છે. ટ્રેક બદલવામાં વચ્ચે સાયલન્સ આવે કે તાલ બદલાય તો ક્રાઉડમાં સીટીઓ જાય. ગીતો પણ વિચારીને પસંદ કરવા પડે. આ સાલ અમારી ન્યુ યર પાર્ટીમાં પબ્લિક ‘ચિપકા લે સૈયા ફેવિકોલ સે…’ પર હૈશો હૈશો કરતી હતી ત્યાં ડીજે એ દબંગનું ‘પાંડેજી સીટી …’ વગાડીને બધાના ફેવિકોલવાળા હાથ મોંમાં નખાવ્યા! અમુક હજી સીટીના બદલે થૂંક ઉડાડતા હતા ત્યાં જ એણે ‘તતડ તતડ તતડ…’ વગાડીને થુંકવાળા હાથ વાળમાં લુછાવ્યા! જય હો!