મનમાં ઉઠતા તરંગોનું કંઈ નક્કી નથી હોતું. ગરીબોની ડુંગળી જેવો સીલીંગ ફેન પણ હપ્તેથી લેવો પડે એમ છે એ જાણતો હોવા છતાં માણસ મોજમાં હોય ત્યારે એ દીપિકા પાદુકોણ સાથે ઘર માંડવાનું સપનું પણ જોઈ શકે છે. આ ક્ષેત્રે ફક્ત શેખચલ્લીઓનો જ ઈજારો છે એવું નથી, એમાં ગાલિબ જેવા ડાહ્યા માણસો પણ સામેલ છે. ઉલટાનું ગાલિબે તો ‘દિલકો ખુશ રખને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ’ કહીને મન ખુશ રહેતું હોય તો આમ કરવામાં કંઈ વાંધા સરખું નથી એવું કહીને આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું છે.
આપણી મોજીલી પ્રજા માટે ‘તાલાબ કા પાની સારા ઘી હો જાય ઓર પેડ કે પત્તે રોટી બન જાયે, તો બંદા ઝબોળ ઝબોળ કે ખાય’ એ હંમેશનું સ્વપ્ન રહ્યું છે. એમાં ‘ઓહ માય ગોડ’ ફેમ ઉમેશ શુક્લની ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’નાં એક ગીતમાં ગીતકાર શબ્બીર અહેમદે મગણી કરી છે કે ‘હપ્તેમે ચાર શનિવાર હોને ચાહિયે!’ એનાથી પ્રજા ટેસમાં આવી ગઈ છે. વાહ! અમે તો કહીએ છીએ કેમ નહિ? એટલું જ નહિ, બાકીના ત્રણ દિવસ રવિવાર કરી દો. હોવ. પસે આપડે ઘેર બેઠોં જલશા કરવાના અને કોમ કરશી મારી બુનનો દિયોર. શાતેય દહાડા જ તો!
ફિલ્મમાં આ ગીત અભિષેક બચ્ચન ગાય છે જેના માટે અઠવાડિયામાં સાતેય દિવસ રવિવાર હોવાનું કહેવાય છે. આપણે ત્યાં તો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં પાંચ દિવસનું અઠવાડિયું છે. હમણાં સરકારે બેન્કોમાં શનિવારે અડધા દિવસને બદલે આખો દિવસ કામ ચાલુ રાખીને બીજા અને ચોથા શનિવારે રજા આપી છે. સરકારમાં તો બીજો ચોથો શનિવાર રજા ગણો તો સાડા પાંચ દિવસનું અઠવાડિયું છે જ. પ્રાઈવેટ ઓફિસોમાં છ દિવસનું અઠવાડિયું અને ધંધો કરનાર સાતેય દહાડા કામ કરે છે. આવામાં ચાર શનિવાર ખરેખર હોય તો શું થાય.
આ ગીતમાં ગીત લેખકે ચાર શનિવાર બેક-ટુ-બેક આવશે કે કેમ એ ચોખવટ નથી કરી. એટલે બેક-ટુ-બેક હોય તો સોમ, મંગળ અને પછી ચાર શનિવાર અને એક રવિવાર એવું અઠવાડિયું બને. આમ થાય તો બુધવારે બેવડાવાનો ચાન્સ હાથથી ચાલ્યો જાય. જોકે એની સામે બેસણું કરવામાં જે બુધવાર નડતો હતો તે નડતો બંધ થઈ જાય એ ફાયદો પણ થાય. ગુરુવારે ઉપવાસ કરી જે પાસ થતાં હતાં એમણે હનુમાનજીના ભરોસે રહેવું પડે. એમાં જોકે અઠવાડિયામાં એકના બદલે ચાર ચાર શનિવાર કરી શકાય એ ફાયદો. નવી વ્યવસ્થામાં શુક્રવાર પણ ડુલ થઈ જાય એટલે અઠવાડિયે એક દિવસ નહાતા હોય એ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી પડે.
પરદેશમાં શનિવારનું માહત્મ્ય છે. શુક્રવાર અને શનિવારે રાતે ત્યાં પબમાં પીવા જવાનો રીવાજ છે. આપણે ત્યાં અઠવાડિયામાં સાતેય દહાડા રાતે સીરીયલો જ જોવાની હોય છે. એટલે સોમવાર હોય કે શનિવાર બધું સરખું જ છે. પણ જે લોકો શુકન અપશુકનમાં માનતા હોય છે એ લોકો શનિવારે વાળ કપાવતા નથી કે દાઢી પણ કરતા નથી. વાળ કપાવવામાં તો અઠવાડિયું આમ કે તેમ ચાલે, પણ દાઢીમાં ચાર શનિવાર કોરાં જાય તો સમાજમાં કટપ્પા અને બાહુબલી જેવા દાઢીધારીઓની સંખ્યા વધી જાય. હેરકટિંગ સલૂનોની ઘરાકી પર આની અસર પડે અને કદાચ રેઝર બ્લેડ તથા શેવિંગ ક્રીમ બનાવનારી કંપનીઓના શેરના ભાવ ગગડી જાય એવી શક્યતા પણ નકારી ન શકાય.
આ ફેરફારનાં એક અસરગ્રસ્ત શ્રી હનુમાનજીને પણ ગણી શકાય કેમ કે હનુમાનજી પાસે આમ પણ ઓછું કામ નથી. જ્યાં પણ રામકથા ચાલતી હોય ત્યાં સૌ પહેલું આસન એમનું પડે છે એ તો જાણે નક્કી જ છે. બીજું ભૂત-પિશાચને ભગાડવા માટે અડધી રાત્રે બીજા કોઈને નહીં પણ ફક્ત એમને જ યાદ કરવામાં આવે છે. કપીશ્રેષ્ઠ પોતે તો અણીશુદ્ધ બ્રહ્મચારી છે પણ એમને સૌથી વધુ અરજીઓ બ્રહ્મચર્યાશ્રમ છોડીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા માટે થનગનતા ઉમેદવારોની મળે છે. અમુક લોકો દર શનિવારે હનુમાન મંદિરમાં હાજરી પણ પુરાવતા હોય છે. હવે પ્રસ્તુત ગીતમાં કવિએ કરેલી માગણી અનુસાર જો ચાર શનિવાર મંજુર કરવામાં આવે તો હનુમાનજીનું કામ વધી જાય એવું ચોક્કસ લાગે છે.
સરકાર માટે પણ આ માગણી ચિંતાજનક છે. સરકારી કર્મચારીઓ કામ કરતાં નથી અને મફતનો પગાર લે છે એવા આક્ષેપો થાય છે, છતાં પણ સરકારી તંત્ર ધમધમે છે એ બતાવે છે એમાંથી થોડાઘણા પણ કામ તો કરે જ છે. પણ જો અઠવાડિયામાં ચાર શનિવાર અને બાકીના રવિવાર થઇ જાય તો તંત્ર પડી ભાંગે એમાં શક નથી. આથી સરકારે કવિ સાથે વાટાઘાટની ભૂમિકા ઉપર આવવું અનિવાર્ય છે. સરકાર ધારે તો એમને શનિવાર પછી રવિવાર જ આવે એવો આગ્રહ પડતો મુકવાની ફરજ પાડી શકે. આનાથી આગળ વધીને અઠવાડિયું ત્રીસ દિવસનું અને વર્ષ બાર અઠવાડિયાનું કરીને પણ માગણી સંતોષી શકે. આમાં કવિને સમજાવવું અઘરું નથી. આમ પણ કવિઓનું ગણિત કાચુ હોય છે.
મસ્કા ફન
ખિસકોલી માટે નાખેલી રોટલી કાગડા ખાઈ જાય ત્યારે સાલું બહુ લાગી આવે!
બધીરભાઈ, આઈડિયા તો બહુ જ સારો છે, મને આપના ત્રીસ દિવસનું અઠવાડિયું કરવાની સલાહ મંજુર નથી અઠવાડિયું એટલે અઠવાડિયું, સપ્તાહ કહો, ચાર દિવસ શનિવાર અને ત્રણ દિવસ રવિવાર બહુ જ સારો વિચાર છે, પ્રોબ્લેમ ફક્ત પગારના દિવસનો થાય, પગારને દિવસે કામે જવું મને તો બહુ જ ગમે, એટલીને માટે કોઈ જોગવાઈ સજેસ્ટ કરો, બાકી તો શાની રવિમાં ખર્ચા બહુ થાય અને પગાર ન મળે તો ઉપાધી તો થાય જ, તમે પણ સમજી શકશો, જેમને સીધો પગાર બેંકમાં જમા થતો હોય તેને કદાચ વાંધો ન આવે અને બેંક બંધ હોય તો એ એટીએમ માંથી પૈસા ઉપાડી શકાય, પણ બીજાનું શું?
LikeLike
આઈડિયા સારો છે. પગાર સીધો બેંકમાં જ જમા થવો જોઈએ જેથી ઓફિસનો ધક્કો નહીં, શું?
હા હા હા ..
– બધિર અમદાવાદી
LikeLike
hahahaha Hanumanji to tel ma doobela j rahe ane tel na bhav khali hanumanji per chadhava mate pan vadhi jaay. aa kavi ne bahu vichar karta nathi aavadyu geet lakhi maryu khali time pass karva . Full sense of humor. Love your articles and enjoy reading them.
LikeLike
Thank you Ketan bhai.
I uploaded five articles together so it must have loaded your mail box. Sorry if it has bothered you in any way. 🙂
– Badhir Amdavadi
LikeLike
એની કરતાં બધા.. સાતે વારને રવિવાર બનાવી દઇએ તો?
છે ને આઇડિયા..જક્કાસ…!!
🙂
LikeLike
ફેસબુક ઉપર એવા ઘણું મળી આવે!
LikeLike