ટાઈમપાસ કરવાની કળા


શાયર ખલીલ ધનતેજવી સાહેબ લખે છે કે,
બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર,
જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર.

શાયરને અહી જે ‘ઘટના’નો ખાલીપો લાગે છે કે અભાવ સાલે છે એ આપણે ત્યાં મોટેભાગે ‘સમય પસાર’ કરવાની ક્રિયા હોય છે એવું અમારું માનવું છે. આપણે ત્યાં એ ઘટનાને ‘ટાઈમ પાસ’ કહે છે અને એ બે કે વધુ જણ નિષ્પ્રયોજન ભેગા થાય અને ત્યાર પછી દુષ્કરમાં દુષ્કર કામ કરવામાં લાગતા સમય કરતાં પણ વધુ સમય સાથે વિતાવતા હોવા છતાં કોઈ નોંધપાત્ર કામ થતું જણાય નહિ ત્યારે બનતી ઘટના છે. આમાં જે સમય પસાર થાય છે એનું કોઈ નિશ્ચિત માપ હોતું નથી. મોટે ભાગે તો ઉભયને એ બાબતની જાણ પણ હોતી નથી. એટલા માટે જ કહેવાયું છે કે कालो न यातो वयमेव याता. અર્થાત આ ટાઈમ પાસ નામની આ ઘટનામાં સમય નહિ પણ આપણે જ પસાર થતા હોઈએ છીએ. કમનસીબે આવા ગાજ્યા વગર ચાલ્યા જતા ચોમાસા આપણી રાષ્ટ્રીય સમસ્યા પણ છે.

ટાઈમપાસ કરવો એ પણ એક કળા છે અને એ આપણા દેશની પ્રજાને સુલભ અને સહજ સાધ્ય છે. આપણે ત્યાં કેટલાય લોકો એવા મળશે જેમને દિવસ પૂરો થાય ત્યારે ખબર પડતી હશે કે તેઓ આખો દિવસ નવરા હતા! આ દરમ્યાન એ લોકોએ જે કંઈ પણ કર્યું હોય એને ‘ટાઈમ પાસ’ કહે છે. અહીં કશું યે કર્યા વગર દિવસ જતો રહે અને ખબર પણ ન પડે એ કારીગરી છે.

आहार निद्रा भय मैथुनं च આ ચાર ઐહિક ક્રિયાઓ મનુષ્ય અને પશુઓમા સામાન્ય છે. આનાથી અધિક કોઈ કાર્ય કર્યા વગર જે આ દુનિયામાંથી વિદાય લે છે એ જીવ અહીં ફક્ત ટાઈમ પાસ કરવા માટે આવ્યો હતો એમ કહી શકાય.

અમુક કિસ્સાઓમાં એક વ્યક્તિની કોઈ વિષય કે શોખ માટેની લગની બીજા માટે અમથો ટાઈમ પાસ હોય એવું બને. પાંચ દિવસની ક્રિકેટની ટેસ્ટમેચ રસથી જોનારા માટે T20ના શોખીનો આવું જ માનતા હોય છે. જયારે શરીરને કસરત મળે એવી રમતને પ્રાધાન્ય આપનારા માટે ક્રિકેટ પોતે જ એક ‘વેસ્ટ ઓફ ટાઈમ’ છે.

ટાઈમ પાસ કરવા માટે આજકાલ મોબાઈલ ગેમ્સનો ઉપયોગ વ્યાપક છે. આ પ્રવૃત્તિ એટલી બદનામ છે કે ચિંતકોને માણસ મોબાઈલ વાપરે છે કે મોબાઈલ માણસને વાપરે છે એવા પ્રશ્નો પૂછવાનો મોકો મળી જાય છે. મોબાઈલમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર રમાતી ગેમ્સમાં બીજાને ઢસડવાથી લાઈફ અને પોઈન્ટ મળે છે, એટલે એ કારણસર નવરેશો અને નવરીશાઓ અન્ય લોકોને ગેમ્સ રમવાની રીક્વેસ્ટ મોકલતા ફરે છે. આ ટોટ્ટલ ટાઈમ પાસ છે કારણ કે આ રીતે કમાયેલા પોઈન્ટસથી ન તો ખરીદી પર ડિસ્કાઉન્ટ મળે છે કે ન સ્કૂલ-કોલેજના એડમિશનમાં રિઝર્વેશન મળે છે.

એક સંસ્કૃત ઉક્તિ પ્રમાણે બુદ્ધિમાન વ્યક્તિઓનો સમય કલા, સાહિત્ય કે શાસ્ત્ર વિષયક ચર્ચામાં પસાર થતો હોય છે, પણ ‘ટાઈમ પાસ વાતો’ની તો વાત જ નિરાળી છે. જેમ ચેઈન સ્મોકર્સ એક સિગારેટ બુઝાય એ પહેલા જૂની સિગારેટથી નવી સિગારેટ સળગાવી લે છે, એમ જ  વાતચીતમાં ટાઈમપાસ કરવા માટે “બીજું શું ચાલે છે?” પૂછવાનો ઉપક્રમ છે. એક વાત પૂરી થવા આવે એવું લાગે અને વાતચીતનો દીવડો રાણો થવા માંડે ત્યારે જ ‘બીજું શું ચાલે છે?’ પૂછીને એને ફરી પ્રદીપ્ત કરવામાં આવે છે. જોકે એક કરતાં વધારે વખત ‘બીજું શું ચાલે છે?’ પૂછનારે હિંસક પ્રત્યાઘાતોનો સામનો કરવા તૈયાર રહેવું જરૂરી છે.

વર્કિંગ દિવસે રજા મુકીને જાનના આગમન સમયે લગ્ન પ્રસંગે પહોંચી જનાર લોકો ભોજનના સમય સુધીનો સમય પસાર કરવા માટે ગપસપ કે કુથલીનો રસ્તો અપનાવતા હોય છે. આવા લોકો તો જેની સાથે આડે દિવસે ‘કેમ છો?’ કહેવાનો પણ સંબંધ ન હોય એવી વ્યક્તિ સાથે ટાઈગર શ્રોફ છાતી ઉપર વેક્સિંગ કરતો હશે કે શેવિંગ એવી રસપ્રદ ચર્ચાથી માંડીને સાડત્રીસ વર્ષની બિપાશા બાસુના ઘર માંડવાના સમાચારની ચર્ચા કરી ટાઈમ પાસ કરતા હોય છે. સ્મશાનમાં પણ ‘બળી રહે એટલે નીકળીએ’ની ઉતાવળ વચ્ચે જે હાથમાં આવે એની સાથે ‘ઓડ-ઇવન’ની ફોર્મ્યુલાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે કે નહિ, દાઉદ-કાળુ નાણું-વિજય માલ્યાને ભારત કેવી રીતે લાવી શકાય કે પછી સલમાનને ઓલમ્પિક્સનો ગુડવિલ એમ્બેસેડર બનાવવાથી ભારતના મેડલ વધશે કે નહિ એવી ચર્ચાઓ કરીને ટાઈમ પાસ કરવામાં આવતો હોય છે. અને એ ખોટું પણ નથી. સ્મશાનમાં તમે ટાઈમ પાસ કરવા માટે પત્તા, બોલ-બેટ કે શટલ-રેકેટ લઇ જાવ કે પાટા પાડીને લંગડી-કબડ્ડી રમો એ સારું પણ ન લાગે.

ઘણીવાર ટાઈમ પાસ કરવો કઠીન પણ હોય છે. જેમ કે પત્ની લેબરરૂમમાં પોતાના સંતાનને જન્મ આપતી હોય ત્યારે લોન્જમાં ખુશખબરની રાહ જોતા પતિ માટે સમય કેવી રીતે પસાર કરવો એ એક સમસ્યા હોય છે. સ્પેસ શટલ પુન: પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતું હોય ત્યારે જે ‘કોમ્યુનીકેશન બ્લેક’ આઉટ થતો હોય છે એ પાંચથી સાત મિનીટનો સમય ખુદ અવકાશયાત્રીઓ, તેમના કુટુંબીજનો અને વૈજ્ઞાનિકો માટે યુગ જેટલો લાંબો હોય છે. અને હવે તો લાંબા સમય સુધી ચાલતા તબક્કાવાર મતદાન પછી મત ગણતરીનાં દિવસ સુધીનો ટાઈમ પાસ કરવો એ ઘીટ ગણાતા રાજકારણીઓ માટે પણ કપરો હોય છે. એમનું ચાલે તો પરીક્ષાના પેપરની જેમ ચૂંટણીનું રીઝલ્ટ પણ ફોડી લાવે. પણ સદનસીબે ચૂંટણી પંચ એમ થવા દેતું નથી.

મસ્કા ફન

બીડીથી દાઝીને મરેલાને પરવાના ન કહેવાય.

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s