ઇસ ઠંડ કો મૈ ક્યા નામ દૂ?


NGSમ તો ઠંડી રંગ, ગંધ અને વજનહિન કુદરતી પ્રકલ્પ છે. એ મોતની જેમ ચુપચાપ આવે છે. ઠંડી ઉપરવાળાની લાઠી જેવી છે જે પડે છે છતાં એનો અવાજ આવતો નથી. આમ છતાં ઠંડી પડવાની શરૂઆત થાય વાંચવા મળે કે શહેરમાં આજે ગુલાબી ઠંડી પડી. કેટલું તાપમાન હોય તો એને ગુલાબી ઠંડી કહેવાય એ બાબતે ક્યાંય કોઈ સ્પષ્ટતા મળતી નથી. અમુક વ્યક્તિ જેને ગુલાબી ઠંડી ગણીને ગંજીફરાક પહેરીને ફરતી હોય એ જ ઠંડી બીજા માટે ટુંડ્ર પ્રદેશના એસ્કીમોની જેમ જેકેટ, મફલર વાંદરા ટોપી પહેરીને ગોદડાના બનાવેલા ઇગ્લુમાં ઘુસી જવાનું કારણ બનતી હોય છે. એનું કોઈ સ્ટાન્ડર્ડ જ નથી. પણ ઘરડાઓ કહે છે કે સહન કરી શકાય એવી માફકસરની ઠંડીને ગુલાબી ઠંડી કહેવાય છે. આવી ઠંડી મફલર અને સ્વેટર-જેકેટ વગર માણવાની હોય છે.

આમાં પણ ગુલાબી કલર લકી હોય એમ જણાય છે અથવા તો એનું જબરજસ્ત માર્કેટિંગ કરવામાં આવ્યું છે. માર્કેટિંગ પણ કવિઓ જ કર્યું હોય એમ વધુ લાગે છે. જેમ કે –

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the image...

To read this and other articles online on Navgujarat Samay EPaper, click on the image…

મરીઝ હુકમ કરે કે,
‘ગુલાબી છે મોસમ ગુલાબ આવવા દે,
શરાબ આવવા દે, શરાબ આવવા દે.’

આસીમ રાંદેરી અનુભવ લખે કે,
‘ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.’

ઘાયલ લખે કે,
‘ગુલાબી આદમી છઈયે, રૂવાબી આદમી છઈયે
અમે જુના જમાનાના શરાબી આદમી છઈયે.’

અહીં મૂળ કારણ શરાબ અને ગુલાબનો પ્રાસ બેસે છે એ છે. બીજું, શરાબ અને ઠંડીને પણ પોલીસ-બુટલેગર જેવો સંબંધ છે અને ગુજરાતમાં તો ઠંડીએ ‘પીવા’ માટેનું બહાનું હોઈ આવી ઠંડીને શરાબી ઠંડી એવું નામ પણ આપી શકાયું હોત. એમાં પ્રોહીબીશનવાળા વાંધો પણ ન લઇ શકે. પણ લોકો સદીઓથી ગુલાબને જ વળગી રહ્યા છે. બાકી આ પ્રાસ ન બેસતો હોત તો આપણને ગુલાબીને બદલે બીજ, ગાજર કે પછી ચોકલેટી ઠંડી પણ મળી શકી હોત. અરે ગુલાબને બદલે બીજા ફૂલને લાભ આપ્યો હોત તો ચમેલી ઠંડી, મોગરી ઠંડી, જાસુદી ઠંડી એવા પ્રકારો પણ મળ્યા હોત. પણ ગુલાબ એ શાયરો માટે પહેલા ખોળાનું ફૂલ રહ્યું એટલે ખાટી ગયું.

ધરતીકંપ પણ રીચર સ્કેલમાં મપાય છે. વાવાઝોડા માટે પણ બંદરો પર જુદા જુદા નંબરના સિગ્નલો ચઢાવવામાં આવે છે. આમ છતાં વાવાઝોડાના કેટરીના, હુડહુડ જેવા નામ પણ પાડવામાં આવે છે. વરસાદના પણ આંકડા આવે છે છતાં માત્રા પ્રમાણે એના ફરફર, છાંટા, ફોરા, કરા, પછેડીવા, નેવાધાર, મોલ મેહ, અનરાધાર, મૂશળધાર, ઢેફાભાંગ, પાણ મેહ, હેલી એવા નામ છે. એ હિસાબે ઠંડીના પણ એવા નામ અપાય તો કંઈ ખોટું નથી. આપણે ત્યાં છોકરાનું નામ પડ્યું ન હોય ત્યાં સુધી એને લાલો કે બકો કહીને બોલાવતા હોય છે પછી એ નામ મોટી ઉંમર સુધી છૂટતું નથી. એમ ઠંડીના સમય સંજોગો અને ખાસ તો લખનારની મુનસફી પ્રમાણે ગુલાબી, કડકડતી, હાડ થીજાવતી અને કાતિલ ઠંડી એવા નામ પડી ગયા છે એ બરોબર નથી. ખરેખર તો વાવાઝોડાની જેમ ઠંડીના પણ ઇન્ટરેસ્ટીંગ નામ પડવા જોઈએ. જોકે ઠંડીના ગુણધર્મ પ્રમાણે એને હોટ હિરોઈનોનાં નામ ન આપી શકાય. આપવા હોય તો વધુમાં વધું લલિતા પવાર કે નિરુપા રોય ઠંડી જેવા ગંભીર નામ આપી શકાય.

ગરમી કાળઝાળ હોય છે તો ઠંડી કાતિલ હોય છે. ઠંડીથી એટલે ઘણાં ડરે છે. પર્સનલી અમને ગુલાબી ઠંડીમાં એટલી મઝા નથી આવતી જેટલી કડકડતી ઠંડીમાં આવે છે. કડકડતી ઠંડીમાં દાંત કડકડ કરતાં હોય છે કદાચ એટલે જ આ નામ પડ્યું હશે. ચોકઠું પહેરનારનાં દાંત ગુલાબી ઠંડીમાં પણ કડકડ કરતાં હોય છે. કડકડતું તેલ હોય અને કડકડતી ઠંડી હોય. આ બેનો મેળ પણ સારો છે. કડકડતી ઠંડીમાં કડકડતાં તેલમાં તળેલા ભજીયા, દાળવડાં કે ગોટા ખાવાની મઝા આવે. ચાની ચુસકી કડકડતી ઠંડીમાં વધું ટેસ આપે છે. ઠંડી જયારે કડકડતી થાય ત્યારે ઘરના લોકો થોડાક દયાળુ બનીને નહાવાનાં આગ્રહો જતાં કરે છે.

આમ તો પ્રેમની જેમ ઠંડી એ અનુભૂતિનો વિષય છે, ​છતાં પ્રેમી કરતાં ઠંડીમાં ઠરી ગયેલા જણમાં લક્ષણો ઉડીને આંખે વળગે તેવા હોય છે.​ પ્રેમીજનની હાલત ‘મુઝે નીંદ ન આયે, ચૈન ન આયે…’​ જેવી થઇ જતી હોય છે. પણ એ જોવા માટે તમારે મધરાતે પાર્ટીના બેડરૂમમાં જઈને તપાસ કરવી પડે.​ જ્યારે ટાઢથી ઠરી ગયેલી વ્યક્તિને તો મોકાએ વારદાત પર તમારી સામે જ રોકડમાં ઠુંઠવાતી જોઈ શકો છો. ઉર્દુમાં કહ્યું છે કે ‘ઈશ્ક ઔર મુશ્ક છૂપાયે નહિ છુપતે’ એમ જ ઠંડીમાં ઠુંઠવાયેલી વ્યક્તિ પોતાની હાલત છુપાવી શકતી નથી. ઉલટાનું એના લક્ષણો ટોપી, મફલર, સ્વેટર/ બાંડીયું અને કકડતા દાંત વગેરેથી મુખરિત થતાં હોય છે. જોકે શ્રી કેજરીવાલમાં આ બધા જ લક્ષણો હોવા છતાં એમને ઠુંઠવાયેલા ગણવા કે એમનો સમાવેશ રાજકીય રીતે કોકડું વળી ગયેલાઓમાં કરવો એ પ્રશ્ન થાય!n

મસ્કા ફ્ન
તમારી પાસે પુરતો સમય ન હોયતો કાનમાં રૂ નાખ્યું હોય કે માથે સ્કાર્ફ બાંધ્યો હોય એવી વ્યક્તિને તબિયત વિષે પૂછવું નહિ!
12801

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s