સુરતવાસીઓને AIB Roastની ચેલેન્જ!


NGSસુરત ગુજરાતનું મોખરાનું શહેર છે. ઊંચી ઈમારતો અને ફ્લાયઓવરોથી ઘેરાયેલું સુરત શહેરી વિકાસનું પ્રમાણ છે. સુરતી પ્રજા ખાવા અને પીવા બેઉની શોખીન છે. કાશીમાં તો મરવાનો લહાવો એક વાર લઈ શકાય છે, અને એમાં પણ મરણ તો કહે છે ભગવાનના હાથમાં છે, પણ સુરતનાં જમણનો વારંવાર લાભ લઈ શકાય છે. સુરતમાં જાવ તો બીજો લાભ ગાળોનો મળે. સ્ટેશનની બહાર નીકળવાની પણ રાહ ન જોવી પડે. સુરતની ગાળ બોલવા અંગેની છાપ અંગે કવિ શ્રી રઈશ મણીયારે કહ્યું છે કે:

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

પણ હવે સુરતનું આ સ્થાન જોખમમાં છે. હમણાં જ એઆઇબી રોસ્ટ નામે એક કાર્યક્રમ થઈ ગયો જેમાં ધાણીફૂટ ગાળો બોલાઈ હતી. એઆઇબી જેનું સંક્ષિપ્ત છે તે ‘બી’ માં ગાળ આવી છે. જે આજકાલ ભણેલાં અને અભણ, પુરુષ અને સ્ત્રી, અબાલ અને વૃદ્ધ સૌને ખબર હોય એવી છે. ભારતમાં કદાચ પહેલીવાર આવો કાર્યક્રમ જાહેરમાં થયો હશે એટલે કેટલાંક મૂઢમતિઓ એનો વિરોધ કરે છે. બાકી વિદેશોમાં એઆઇબી જેવા કાર્યક્રમો નોર્મલ ગણાય છે. વિદેશમાં અંગ્રેજીનું ચલણ છે અને આપણે પણ અભ્યાસથી માંડીને બિઝનેસથી સુધી બધે એ અપનાવ્યું છે. વિદેશમાંથી જીન્સ-પેન્ટ આવ્યા એટલે આપણે ધોતિયાને તિલાંજલિ આપી. વિદેશી સોફ્ટવેર વગર તો આપણા કોમ્પ્યુટર ચાલે જ નહી. આટલું બધું વિદેશી અપનાવ્યું તો કોમેડીમાં ડિક્સનરીના શબ્દો જ વપરાય એવો હઠાગ્રહ રાખીને માંડ એકવીસમી સદીમાં પ્રવેશેલા દેશને પાછો વીસમી સદીમાં શા માટે ઘસડી જવો જોઈએ? અને આ કાર્યક્રમમાં કશુંક આપત્તિજનક હોત તો દિપીકા જેવી સેક્સીસ્ટ કોમેન્ટ્સના નામે જાહેર વિરોધ કરી પ્રસિદ્ધ થનાર ઉંધી પડીને હસતી ન હોત. કે પછી આલિયા જેવી પોતાની મમ્મી સાથે આવી ન હોત. અરે શોમાં ભાગ લેનાર કરણ જોહરની મમ્મી પણ પહેલી રોમાં બેઠી આ કહેવાતાં વલ્ગર શોનો આનંદ થોડી લેતી હોત?

એઆઇબી કાર્યક્રમનાં સમર્થકો વાણીસ્વાતંત્ર્યનાં નામ પર એઆઇબીનો બચાવ કરે છે. ઘણાં ફિલ્મી મહાનુભવોએ એનાં બચાવમાં ટ્વિટ કર્યા કે બ્લોગ કે લેખ લખ્યા છે. પણ ભૂતકાળમાં આસુતોષ ગોવારીકરે સાજીદ ખાનના વાણી-સ્વાતંત્ર્યનો એક એવોર્ડ સમારંભમાં જાહેરમાં વિરોધ કર્યો હતો. આમ તો સાજીદનો પોપ્યુલર ટીવી શો ‘ઇક્કે પે ઇક્કા’ અને ‘કહને મેં ક્યા હર્ઝ હૈ’ એક રીતે ગાળો સિવાયનો સેલીબ્રીટી રોસ્ટ જ હતો. જેમાં જેની મજાક થતી એની લાગણી ક્યારેક દુભાતી હતી. અફકોર્સ બનાવનાર અને સાંભળનારને એમાં કશું અજુગતું નહોતું લાગતું. આમાં તો રેલો પોતાની નીચે આવે ત્યારે દાંત બતાવવાના છે કે ચાવવાના છે એ ખબર પડે!

‘મિંયા બીબી રાજી તો ક્યા કરેગા કાજી’ એ રોસ્ટની તરફેણમાં સૌથી પોપ્યુલર આર્ગ્યુમેન્ટ છે. જો સાંભળનાર પોતાની મરજીથી આવે છે, બોલનાર પોતાની મરજીથી બોલે છે, તો કોઈ થર્ડ પાર્ટીએ આવીને એમાં વચ્ચે ડખો શું કામ કરવો? વાત તો એકદમ સાચી છે. ખરેખર તો આ દાવે થિયેટરમાં પોર્ન ફિલ્મ્સ પણ રીલીઝ થવી જોઈએ, કારણ કે રજૂ કરનાર, થિયેટર માલિક, અને જોનારને વાંધો ન હોય તો પછી જે ખાનગીમાં જુએ છે એ દંભી લોકોએ શું કામ વાંધો ઉઠાવવો? બસ, માત્ર બોર્ડ મૂકી દેવાનું કે ‘એડલ્ટ્સ કન્ટેન્ટ છે, અને તમારી મરજી હોય તો જ અંદર પ્રવેશવું’. અમે તો કહીએ છીએ કે કરણ જોહર, આલિયા, રણવીર સિંહ અને અર્જુન કપૂરને પણ સપરિવાર આવા શોના પ્રીમિયરમાં બોલાવવા જોઈએ. હવે તમે કદાચ એમ કહો કે કાયદાનું શું? અલા ભાઈ કાયદા તો બધાં બ્રિટીશ રાજ વખત (ઇન્ડિયન પીનલ કોડ, સન ૧૮૬૦) બનેલા છે તે આજની જનરેશન એક્સને થોડાં લાગુ પડાય? હાવ બેવકૂફ જેવી દલીલો ના કરો અને તાત્કાલિક કાયદા બદલો, હેંડો !

સર ચેતન ભગતે જેવા આઇઆઇએમ પાસ આઉટે ભૂતકાળમાં દારૂબંધીની તરફેણ કરી જ હતી. આઇઆઇએમ પાસ આઉટ કહે એમાં મીનમેખ હોય જ નહીં. सर्वे गुणा: आई.आई.एम.डिग्रीमाश्रयंते. ગુજરાતમાં દારૂબંધી પણ નર્યો દંભ છે. વેચનારને વેચવી છે, પીનારને પીવી છે, તો જેને નથી પીવી તેણે મ્હોંમાં અંગુઠો નાખીને બેસી રહેવું જોઈએ, એમાં આખા ગુજરાતમાં દારૂબંધીની શી જરૂર? ગાંધીજીના આદર્શો તો સો વરસ જૂની વાત થઈ હવે. હવે તો એમનાં ફોટાંવાળા બંડલોના બંડલો હેરફેર થાય છે તે લાંચ લેવાનું પણ કાયદેસર કરવું જોઈએ. કારણ કે લાંચમાં પણ લેનાર અને આપનાર બેઉનું કામ થાય છે. પણ શું થાય? અમુક આદર્શવાદી, જડસુ, દંભી બેવકૂફો સમજતા નથી એટલે ખોટો વિરોધ કરે છે.

ધુમ્રપાન આરોગ્ય માટે હાનીકારક છે એથી સરકારે સિગારેટના પેકેટ પર કેન્સર દર્દીઓના ફોટા સાથેની કાનૂની ચેતવણી છાપવાનું ફરજીયાત કર્યું છે. જાહેર સ્થળોએ ધુમ્રપાનનો નિષેધ છે. આમ છતાં સરકાર કંઈ કપચીના ઢગલા પર બેસીને ટેસથી બીડી ફૂંકી રહેલા મજુરના મોઢામાંથી બીડી ખેંચી લેવા નથી આવતી. મતલબ કે ચેતવણીઓ છાપવી ફરજીયાત કરીને સરકારે બાકીનું ‘મિયાં બીબી રાજી તો ક્યા કરેગા કાઝી’ના ધોરણે પ્રજાના સ્વવિવેક પર જ છોડી દીધું છે. આ હિસાબે આવનારા દિવસોમાં ઝીણા અક્ષરોમાં યોગ્ય કાનૂની ચેતવણી પ્રદર્શિત કરીને દિશાઓના વસ્ત્રો પહેરેલી કોઈ વ્યક્તિ જાહેરમાં ફરી શકશે કે હનીસિંઘ જેવા ગાળોસિયા ગાઈ શકશે. સ્વાભાવિક છે કે પછી બોલનારા અને સાંભળનારા પરસ્પર સંમત હોય તો ‘રીડ ધ ઓફર ડોક્યુમેન્ટ્સ કેરફૂલી’ના ધોરણે ‘કાનના કીડા ખરી પડવાની સંભાવના છે’ તેવી ચેતવણી પ્રદર્શિત કરીને ગમે તેની માતુશ્રી અને ભાગીનીના ઉલ્લેખ સાથેના સ્વસ્તિ વચનો પણ સંભળાવી શકાશે. જય હો.

મસ્કા ફન
વાઈફ અને વાઈફાઈની રેન્જમાં આવો એટલે ચાલુ પડી જાય !
13117

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , . Bookmark the permalink.

1 Response to સુરતવાસીઓને AIB Roastની ચેલેન્જ!

  1. Ketan કહે છે:

    hahahahaha Surat ni boli ma gaal na hoy to rasoy ma mithu na nakhyu hoy evi fikki lage.

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s