વર્લ્ડ કપ છે તો શું થઇ ગયું?


NGSર્લ્ડ કપ વર્લ્ડ કપ….
મુઓ વર્લ્ડ કપ.
ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે કૂતરીને ગલુડિયા વળગ્યા હોય એમ ટીવીને વળગ્યા હોય છે મુઆઓ. જાણે સાસુએ સવા શેર સૂંઠનાં બદલે સવા શેર ગુંદર ખાઈને ના જણ્યા હોય! મને તો ચીસો પાડવાની ઈચ્છા થાય છે, અને મારા જેવી કેટલીય સ્ત્રીઓને પણ થતી હશે. આ વર્લ્ડ કપ આયો નથી કે એમાં અહીં ઘરમાં લોહીઉકાળા શરુ થઈ ગયા છે.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

To read this and other articles online on Navgujarat Samay E-Paper, click on the image.

વર્લ્ડ કપ ચાર વર્ષે એકવાર આવતો હોય તો શું થયું? એમ તો કુંભમેળો બાર વર્ષે આવે છે તો એમાં નાગાબાવાઓ સાથે ગંગામાં ડૂબકી મારવા જાવ છો? અને કેટલી મેચ હોય? કોઈ લીમીટ તો હોવી જોઈએ ને? રોજ ઉઠીને ટીવી સામે બેસી જવાનું. પછી ગમે તે દેશ રમતો હોય. અલા ઝિમ્બાબ્વે અને યુએઈ નકશામાં ક્યાં આવ્યું એ ખબર છે? તોયે ટીવી જોવાનું અને એમાં ઓફિસ જવાનું મોડું પણ થઈ જાય. આપણી મેચ હોય તો તો નવ-દસ કલાક ટીવી સામે ચોંટી રહે. એકી-પાણી માટે ઊભા થાય તોયે રીમોટ ચડ્ડીના ખિસામાં નાખીને ફરે. તે કોઈએ કુકરી શો જોવાનાં હોય કે નહી? હવે એમ ન કહેતાં કે કુકરી શો તો આખું વરસ આવે છે. જે વસ્તુ આખું વરસ આવતી હોય એ નહી જોવાની એવું કોણે કીધું? એમ તો પાણી પણ આખું વરસ આવે છે એટલે નહી વાપરવાનું? છાપું ય આખું વરસ આવે છે તોય રોજ વાંચો છો કે નહી?

આજકાલ બધાને ચાઈનીઝ, ઇટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડ ખાવું હોય છે. પણ એ શીખવા માટે ચાઈના, ઇટલી કે મેક્સિકો લઇ જવાની વાત આવે તો ટાંટિયા કેળા જેવા ઢીલા થઇ જાય છે. થાઈલેન્ડ પણ મારા બેટા કંપનીએ કોન્ફરન્સ ત્યાં રાખી છે એ બહાને જાય છે, એ પણ એકલા. અમે કુકરી શો જોઈને કમસેકમ નવી નવી આઇટમ્સ બનાવીને ખવડાવીએ તો છીએ. જયારે તમે લોકો આ બધી મેચો જોઈને શું શીખો છો? નવરા બેઠા નાસ્તાના ડબા ખાલી કરવાનું? સોફાની મોંઘી ટેપેસ્ટ્રી પર ચા ઢોળવાનું? એક ઓવર પણ સરખી નાખી શકો છો? જીલ્લા-તાલુકાની ટીમ તો જવાદો પણ તમારી સોસાયટીના છોકરાં તમને ટીમમાં લે છે ખરા? સાડા ત્રણ વરસનો ટીટુ એના ડેડને પ્લાસ્ટીકનાં બોલથી એક ઓવરમાં તૈણ વાર ક્લીન બોલ્ડ કરે છે. તો પછી શું મધ લેવા મેચો જોતાં હશે?

અને મેચ હોય એટલે નહાવાનું નહી? શું કામ ? ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો શું તમને કંપનીમાં પ્રમોશન આલવામાં આવશે? મેચ હોય એટલે ડ્રોઈંગરૂમમાં અમારે બોલવાનું નહી? એમ ? મેચ હોય એટલે ડ્રોઈંગરૂમમાં કામવાળાએ કચરો નહી કાઢવાનો? એમ ? એમાં ઈંગ્લીશમાં ટપ્પો પડતો નથી તેમાં તો હિન્દી કોમેન્ટરી મુકે છે. મેચ હોય એટલે અમારે કોઈ પ્રશ્નો નહી પૂછવાના? એમ ? બે ટીમો ગ્રીન ડ્રેસ પહેરે તો અમને કેમની ખબર પડે કે કઈ ટીમ કઈ છે? અમને એવી હેન્ડસમ હન્ક્સનાં થોભડા સામે તાકી રહેવાની ટેવ નથી કે મોઢું જોઈને નામ ખબર પડે. અને ધારોકે અમે કંઈ પૂછ્યું તો જવાબ આલવામાં મારા સસરાનું ગયું શું ?

તમારો માટીડો પણ જો મેચ જોવા બાબતે તમારી સાથે આવી બબાલ કરતો હોય તો હું કરું છું એમ કરો. મહાભારતમાં જેમ યક્ષે પાંડવોને પ્રશ્નો પૂછ્યા હતા એમ એ નવરાઓ માટે દરેક મેચ પહેલાં પાંચ પ્રશ્નોનો જવાબ આપવો ફરજીયાત કરી દો. નો ઓપ્શન્સ- નો લાઈફલાઈન. પ્રશ્નોની જરૂર પડે તો કહેજો, વાઈડ બોલમાં સ્ટમ્પલા ઉડાડે એવા બીજાં સવાલો હું આપીશ. જેમ કે,

  • વર્લ્ડ કપમાં ઈંગ્લેડ ઉપરાંત સ્કોટલેન્ડ અને આયર્લેન્ડની ટીમ પણ રમે છે તો શું આપણી દીવ, દમણ અને દાદરા નગર હવેલીની ટીમો ભાગ લઇ શકે?
  • સ્ટમ્પ ઉપર ઝબકતી લાઈટો ચાઈનાથી ઈમ્પોર્ટ કરેલી હોય છે કે ફુગ્ગાવાળા પાસેથી ખરીદેલી?
  • ઝીમ્બાબ્વેની ટીમના કોઈપણ પાંચ પ્લેયરના નામ સાચા ઉચ્ચાર સાથે બોલી બતાવો.
  • યુએઈની ટીમના ખેલાડીઓ પહેરે છે એને ટી શર્ટ કહેવાય કે ઝભ્ભો?
  • ઇન્ડિયાની ટીમે ૩૮ ઓવરમાં છ વિકેટે ૧૯૭ રન કર્યા પછી વરસાદને કારણે મેચ ૩૮ ઓવરની કરી દેવામાં આવી. પણ સામેની ટીમ બેટિંગ કરતી હતી એ દરમિયાન ફરી વિઘ્ન આવ્યું તો સામેની ટીમને ૨૫ ઓવરમાં કેટલાં રનનો ટાર્ગેટ આવે એ ડકવર્થ લુઈસના લેટેસ્ટ નિયમ મુજબ ગણી બતાવો.

આટલું કર્યા પછી પણ એ લોકો ચેં ચેં પેં પેં કરે તો મને મિસકોલ મારજો, આખી ઘાઘરા પલટન તમારા ઘરે ઉતારી ના દઉં તો મારું નામ સરલા સળીકર નહિ.

મસ્કા ફન
અમેરિકન પત્ની, ચાઈનીઝ વસ્તુઓ, અને ફેસબુક છોડવાનો નિર્ધાર ઝાઝાં ટકતાં નથી.
13444

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય and tagged , , , , , , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s