શોર્ટ સર્કીટ – ઘટમાળમાં અટવાયેલા સમયને ફરી વહેતો કરતો સમય


49948917_10155557717645834_3832801176835850240_n

શોર્ટ સર્કીટ ફિલ્મનું કેચ ફ્રેઝ છે ‘સમય અટકી જશે’.

ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયા ઉપર ફિલ્મ ટાઈમ બાઉન્સ કે ટાઈમ લૂપ થીયરીની ઉપર આધારીત છે એની ચર્ચા શરુ થઇ હતી. અમુક લોકો તો ટાઈમલૂપ ઉપર બનેલી કેટલીક હોલીવુડની ફિલ્મો, ટેલીફિલ્મો અને સિરિયલોનો ઉલ્લેખ કરીને પોતે કેટલા ખોજી અને ખણખોદિયા છે એનો પરિચય આપ્યા વિના ન રહી શક્યા. એ લોકોને ફિલ્મના ટાઈટલ વાંચીને આંચકો લાગ્યો જ હશે એ નક્કી છે. (ટાઈટલ ધ્યાનથી વાંચશો તો તમને પણ ખબર પડશે) અહીં અફસોસ એ વાતનો છે શોર્ટ સર્કીટ એ માત્ર પ્રથમ ગુજરાતી સાયંસ ફિક્શન ફિલ્મ જ નથી પણ પ્રથમ એવી ફિલ્મ છે જેનું VFXનું કામ ગુજરાતમાં જ થયું છે જેનું શ્રેય આપવાનું એ લોકો ચુકી ગયા. શોર્ટ સર્કીટ માત્ર ગુજરાતી જ નહિ પણ આ વિષયવસ્તુ પર બનેલી સમગ્ર ભારતની પહેલી ફિલ્મ છે. આ હિંમતભર્યા સફળ પ્રયત્ન બદલ શોર્ટ સર્કીટ ફિલ્મના દિગ્દર્શક ફૈસલ હાશમી અભિનંદનના અધિકારી છે. ફિલ્મ દર્શકને જકડી રાખે એવી અને રસપ્રદ બની છે એટલે એની સફળતા વિષે કોઈ શંકા નથી. આ ફિલ્મથી અર્બન ગુજરાતી ફિલ્મોના ઢાંચામાં ઢળી રહેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નવા વિષયો પર ફિલ્મો બનાવવા માટે ચોક્કસ પ્રોત્સાહન મળશે. નવું જોવા-માણવા ઉત્સુક ઓડીયન્સને ગુજરાતી ફિલ્મ જોવા માટે થીયેટર સુધી જવા માટે આ ફિલ્મે એક કારણ આપ્યું છે.

વિજ્ઞાન આધારિત વિષય વસ્તુ ઉપર બોલીવુડમાં તો ઘણી ફિલ્મો બનેલી છે. એમાંની ઘણી સફળ પણ રહેલી છે. પણ એમાં જ્યાં ટેકનોલોજીનો ભાગ આવે ત્યારે સામાન્ય પ્રેક્ષક પોતાનું હસવું રોકી ન શકે એવી હાસ્યાસ્પદ સ્પેશ્યલ ઈફેક્ટસ અને આર્ટ ડીરેક્શન જોવા મળ્યું છે. લેબોરેટરી એટલે ચમ્બુમાં ઉકળતા રંગ બેરંગી પ્રવાહી અને કાચની નળીઓ. કંટ્રોલ રૂમ એટલે લાલ લીલી બત્તીઓ ઝબકતી પેનલો અને સ્કૂલની લેબમાં વપરાતા વોલ્ટ મીટર! એક ફિલ્મમાં તો સ્ટીરીયો સીસ્ટમનું VU મીટર પણ લગાડેલું જોયેલું છે! મિસ્ટર ઇન્ડિયા જેવી ફિલ્મમાં પણ ગાયબ થવા માટેના ગેજેટ તરીકે લબક-ઝબક બત્તીઓ વાળી મોટી કાંડા ઘડિયાળ બતાવી હતી! એટલું જ નહિ પણ આખા દેશને ઉડાવી દે એવી ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલને લોન્ચ કરવા માટે જે લીવર બતાવ્યું હતું એ કારના ગીયર બદલવાનું લીવર જેવું હતું જેને મુગેમ્બો બટન કહેતો હતો! થોડો ખર્ચો એ બધું કન્વિન્સિંગ લાગે એ પાછળ કર્યો હોત તો લેખે લાગત.

શોર્ટ સર્કિટ ફિલ્મમાં આ બાબતે કોઈ કચાશ રાખવામાં આવી નથી. બધું જ કન્વિન્સિંગ લાગે છે. પોળનું લોકેશન હોય, ટીવી સ્ટુડિયો હોય કે કોઈ રીસર્ચ સ્ટેશનનો પરિસર – બધું જ યોગ્ય રીતે પસંદ કરીને ફિલ્માવાયું છે. આ સિવાય ફિલ્મની હાઈલાઈટ કહેવાય એવા કુલ ૧૧૩૨ VFX શોટ્સ લેવાયા છે પણ એનો ઉપયોગ પ્રેક્ષકોને આંજી નાખવા માટે નહિ પણ એક ટુલ તરીકે થયો છે. VFX વાર્તા પર હાવી થતી નથી પણ પૂરક છે. ફિલ્મમાં ગીત છે જ નહિ અને કોઈ બિન જરૂરી સબપ્લોટ કે કેમિયો ઘુસાડવામાં આવ્યો નથી એથી પ્રેક્ષકનું સંપૂર્ણ ધ્યાન વાર્તા અને એમાં એક પછી એક બનતી ઘટનાઓ પર રહેતું હોઈ રસક્ષતી વગર ફિલ્મને માણી શકાય એવી બની છે.

આપણે ત્યાં સાયંસ સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓ ઓછા જાય છે એનું કારણ એ છે કે એ એવું વિચારતા હોય છે કે સાલું ન્યુટનના નિયમો અને કવોન્ટમ થીયરી સાથે કુશ્તી કરવામાં જિંદગી જશે તો મજા ક્યારે કરીશું? કદાચ ફિલ્મની વાર્તા લખનાર ભાર્ગવ પુરોહીત, મોહસીન ચાવડા અને ફૈસલ હાશમી સમજી ગયા હશે અને એટલે જ કથાવસ્તુની વિજ્ઞાન આધારિત બાબતોનો જરૂર પડે ત્યાં ખૂબી પૂર્વક ટૂંકમાં ઉલ્લેખ કરીને વાર્તાને મૂળ ટ્રેક પરથી ઉતરવા દીધી નથી. જેમને સ્ટોરીમાં રીઝનીંગની જરૂર પડતી હોય એમના માટે વચ્ચે વચ્ચે ભારે મેગ્નેટિક ફિલ્ડ, ઓરોરા/ નોર્ધન લાઈટ્સ, ટાઈમ બાઉન્સ અને બીજું એવું બધું આવે છે પણ એ તમામ ફિલ્મમાં ચાલી રહેલી ઘટમાળ પાછળનું કારણ છે એ સમજાવવા પુરતું જ. બાકી મજા એ અટકેલા સમયની ઘટમાળને તોડવા મથતા સમય અને એના મિત્ર ભોપાની જહેમતને જોવાની છે.

ફિલ્મમાં ધ્વનિત ઉર્ફે સમય એ ગુજરાતી કોમ્પ્યુટર સર્વિસ એન્જીનીયર છે જે કોમ્પ્યુટરને હેક કરવા ઉપરાંત લિફ્ટના ચીટકોડ પણ જાણે છે! ‘વિટામીન શી’માં એ ઇન્સ્યોરન્સ એજન્ટ હતો આમાં એ કોમ્પ્યુટર એન્જીનીયર છે. એ હિસાબે ધ્વનિતનું પ્રમોશન થયું કહેવાય. Welcome to fraternity! અભિનયની રીતે સમયના રોલમાં ધ્વનિતને હીરોની રેસમાં સેન્ટ્રલ લેનનો રનર ગણવો પડે એટલો સાહજિક અભિનય એણે આપ્યો છે. કામ સાથે ઓતપ્રોત થવું એ એના સ્વભાવમાં વણાયેલું છે. એકવાર મેં પૂછેલું કે “શો પછી આરજે ધ્વનિતમાંથી ધ્વનિત ઠાકર બનતા કેટલો સમય લાગે છે?” તો એમણે કહેલું કે “ઘણીવાર તો મોડી રાત સુધી આરજે ધ્વનિત માથા ઉપર સવાર હોય છે.” આરજે તરીકેની એમની સફળતા પાછળ આ કમીટમેન્ટ છે. ફિલ્મની ટેન્સ-રોમેન્ટિક મોમેન્ટસ અને એક્શન સિક્વન્સમાં એણે પોતાની આરજેની ઈમેજમાંથી બહાર નીકળીને અદ્ભુત કામ કર્યું છે. એટલું જ નહિ પણ ફિલ્મમાં એણે કેટલુંક એવું કહ્યું અને કર્યું છે કે જે એ વાસ્તવિક જીવનમાં બોલે કે કરે એ કલ્પી શકાય એવું જ નથી! કદાચ એમ કરતાં જાત સાથે લડવું પણ પડ્યું હશે. એક્શન સીન પણ કર્યા છે અને રોમાન્ટિક મોમેન્ટસ પણ છે. એની સાથે ‘વિટામીન શી’નો ‘વડીલ’ અહી લાફ્ટર બ્લાસ્ટર ‘ભોપા’ તરીકે છે. કોમિક ટાઈમિંગ પરફેક્ટ. ભોપાની એક્સેન્ટ અને લિંગો માટે દાદ આપવી પડે. એ વ્યક્તિ કદાચ આપણા શહેરના લોકોની ભાષા બદલી નાખશે. હ્યુમર કડિયો ભીંત ઉપર વધારનો માલ ચઢાવે એ રીતે નહિ પણ વાર્તાની કડીઓ વચ્ચે સાહજિક રીતે ખાંચીને ભેળવ્યું છે. સિચ્યુએશન કરતાં વધુ એક્સપ્રેશન, રીએક્શન અને ડાયલોગનું હ્યુમર વધુ છે. જોરદાર છે. સાયંસ ફિક્શન ફિલ્મ હોવા છતાં વાતાવરણ ખુશનુમા રહે છે.

ફિલ્મની હિરોઈન કિંજલ રાજપ્રિય કલાક્ષેત્રના પ્રતિષ્ઠિત ગુરુ રામકુમાર રાજપ્રિયની પૌત્રી છે એટલે કલા એના લોહીમાં છે. આ અગાઉ સુપર હીટ છેલ્લો દિવસ, ડેઝ ઓફ તફરી અને શું થયુંમાં અભિનય કરીને ઘડાયેલી અભિનેત્રી છે. આ ફિલ્મમાં એ ન્યુઝ એન્કર ‘સીમા’નું કિરદાર નિભાવે છે. કિંજલે વિવિધ તબક્કે બનતી ઘટનાઓને અનુરૂપ સુંદર અભિનય આપ્યો છે. કોસ્ચ્યુમ્સ બિલકુલ યોગ્ય. ગમ્મતની વાત એ છે કે ફિલ્મમાં એ ટીવી ન્યુઝ એન્કર હોવા છતાં એ આપણા ગુજરાતી ટીવી ન્યુઝ એન્કરોની જેમ એકનું એક વાક્ય દસ જુદીજુદી રીતે બોલીને પકાવતી નથી!

ફિલ્મમાં વાર્તાના ભાગ રૂપે કેટલીક ઘટનાઓનું પુનરાવર્તન બતાવવાનું થતું હોવા છતાં શું બની રહ્યું છે એ સામાન્ય પ્રેક્ષકના મગજમાં સ્પષ્ટ બેસી જાય અને સિક્વન્સનો ઓવર ડોઝ ન અપાઈ જાય એની સ્ક્રિપ્ટમાં કાળજી લેવામાં આવી છે. બાકીનું ટૂંકાવીને અને સિનેમેટોગ્રાફીથી અલગ રીતે ઝડપીને રસપ્રદ બનાવ્યું છે. ક્લોઝઅપની માત્રા વધુ જણાઈ જે નિવારી શકાઈ હોત.

ફિલ્મનું નામ શોર્ટ સર્કીટ કેમ રાખ્યું છે એનો અંદેશો આ દરમ્યાન જ આપી દીધો છે અને આગળ ઉપર મગજને લોડ ન પડે એ રીતે એને વાર્તામાં સાંકળી લેવામા આવ્યો છે. દરેક સિક્વન્સ દરમ્યાન સમય અને ભોપાએ ઘટમાળને બદલવા માટે કરેલા તોફાનથી નવી જે નવા વળાંકો આવે છે એમાં લાફ્ટર પણ આવે છે અને આતુરતા પણ ઉભી થાય છે જે અંત સુધી જળવાય છે.

સાઈ-ફાઈ ફિલ્મની સાઉન્ડ ઈફેક્ટસ અને બેકગ્રાઉન્ડ સ્કોર આમ પણ સામાન્ય ફિલ્મો કરતાં જૂદો હોય છે અને આ ફિલ્મમાં પણ એમ જ છે એ ટ્રેલર પરથી સ્પષ્ટ થતું હતું. આ ફિલ્મની સાઉન્ડનું મિક્સિંગ એ. આર. રહેમાનના સ્ટુડીયોમાં થયેલું છે. બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મનું જમા પાસું છે. એ માટે આપણા ગુજરાતી સંગીતકાર મેહુલ સુરતીને અભિનંદન આપવા ઘટે.

સ્ટોરી અને જકડી રાખે એવી સ્ક્રીપ્ટ માટે ભાર્ગવ પુરોહીત, મોહસીન ચાવડા અને ફૈસલ હાશમીને ફરી અભિનંદન. સહકુટુંબ માણી શકાય એવી અને ગુજરાતી ફિલ્મોમાં નવો ચીલો ચાતરતી ‘શોર્ટ સર્કીટ’ને મારા તરફથી એનર્જી સ્ટાર રેટિંગ ફોર/ ****.

જોઈ જ આવો…

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in Movie Review and tagged , , , . Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.