અમદાવાદ એટલે અમદાવાદ!


DSC01528

ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું પડતું મુકીને ઊંધિયા જલેબી માટે લાઈનમાં ઉભા રહેવામાં અમદાવાદીઓને નાનમ નથી.

મદાવાદ ઝડપભેર મોટું થઈ રહ્યું છે. ઉંમરમાં, વિસ્તારમાં, કદમાં, તાકાતમાં. જયારે શહેરમાં બીઆરટીએસ નહોતી આવી ત્યારે મગનલાલ વખતચંદ શેઠ ‘અમદાવાદનો ઇતિહાસ’માં લખે છે કે “શેહેરના રસ્તામાં ઘણું કરીનેં મોકળા છે. નેં જે જે રસ્તા સાંકડા છે તથા જે જે ઠેકાંણે સંકડાસ પડે છે તે તે ઠેકાંણેના ઘરવાળાને સરકાર રૂપૈઆ આપી ઘર લેઈ રસ્તા મોકળા કરાવે છે.” ટાઉન પ્લાનિંગ (ટીપી) એક્ટ નહોતો બન્યો ત્યારની આ વાત છે. ટીપીમાં હવે કાયદેસર ૪૦-૪૫% જેટલી પ્લોટની જગ્યા લઈને રસ્તા બનાવવામાં આવે છે જે લારીગલ્લાવાળા, કાર એસેસરીવાળા, સેકન્ડહેન્ડ કાર ડીલર્સ, અને વેપારીઓ પાર્કિંગ કરવા માટે ખુશી ખુશી વાપરે છે. બીઆરટીએસ આવ્યા પછી શહેરના બધા રસ્તા ગાંધી રોડ અને રીલીફ રોડ જેવા (સાંકડા) લાગે છે, એ રીતે જુનું અમદાવાદ પાછું સજીવન થયું હોવાનો આનંદ આપણે લઇ શકીએ એમ છીએ.

અમદાવાદ વિષે અનેક દંતકથાઓ છે. એમાંની એક એ છે કે અહમદશાહ બાદશાહ પોતાના કૂતરાઓ લઈને શિકાર પર જતા હશે અને સસલું બાદશાહના કૂતરાની સામે થઈ ગયું હતું. બાદશાહને આ જગ્યામાં દમ હોય એમ લાગ્યું એટલે અહીં શહેર વસાવવાનું નક્કી કર્યું. આ શહેર એટલે અમદાવાદ. અત્યારે અમદાવાદ શહેરના ટ્રાફિકના જે હાલ છે, એમાં સસલા જેવા પ્રજાજન પોલીસની સામે થઈ જાય છે અથવા પોલીસની નજર સામે ત્રણ સવારીમાં, સિગ્નલ તોડીને, મોબાઈલ પર વાતો કરતાં, હેલ્મેટ પહેર્યા વગર બિન્દાસ જાય છે. આ અહીની પ્રજાનો મિજાજ છે જે છસ્સો વરસ પછી પણ એમનો એમ છે. ઉપરથી સોશિયલ મીડિયા પર અમદાવાદીઓ હેલ્મેટ વગર જતા પોલીસના ફોટા પોસ્ટ કરી પૈશાચિક આનંદ ઉઠાવે છે.

મગનલાલ વખતચંદ વધુમાં લખે છે કે “સરકાર સેહેરમાં રસ્તા બંધાવે છે કે જેથી કરીને માણસને તથા ઢોર ઢાંકરને ઉતાવળેથી ચાલી સકાય છે તથા ચોમાસામાં કાદવ નથી થતો”. ચોમાસામાં કાદવ નથી થતો અને ઢોર ઢાંકર ઉતાવળે ચાલી શકતા હતા એ વાંચીને અમારી આંખમાં લગભગ ઝળઝળિયાં આવી ગયા. આ વાંચીને અમદાવાદ શહેર અને માણેકનાથ બાવા વિશેની બીજી દંતકથા યાદ આવી. શહેરના કોટની દીવાલ ચણાતી હતી અને બાવા સાદડી ગૂંથતા. રાત્રે બાવા સાદડી ઉકેલી નાખે એટલે દીવાલ પડી જાય. આજકાલ કોન્ટ્રાકટરો માણેકનાથ બાવા ઉપરથી ઉંધી પ્રેરણા લઇને મુનસીટાપલી માટે કામ કરે છે અને એ જે રસ્તા, ગટર, મકાનો બનાવે છે એ બેસી જાય છે, ભુવા પડે છે, કે તિરાડો પડે છે. રાજાએ તો માણેકનાથ બાવાને ચાલાકી કરીને બાટલીમાં ઉતારી દીધા હતા, પરંતુ અત્યારના બાદશાહોને માણેકનાથના નકલી ચેલા એવા કોન્ટ્રકટરો અને એમના મળતિયાઓ વેચીને ચણા (બાઈટીંગ તરીકે) ખાય એવા છે. અમે તો એક કોન્ટ્રાકટરની ઓફિસમાં માણેકનાથ બાવાનો અસલ ચંદનનો હાર પહેરાવેલો ફોટો પણ જોયો છે.

પૂ. બાપુના કરકસરના સિદ્ધાંતને સાચી રીતે આચરણમાં ઉતારનાર અમદાવાદીઓને ખોટી રીતે કંજૂસ તરીકે બદનામ કરવામાં આવ્યા છે. જોકે અત્યારનું અમદાવાદ અને અમદાવાદીઓ બદલાઈ ગયા છે. પહેલા અમદાવાદી માટે રૂપિયાની ત્રણ અધેલી શોધે એવી છાપ હતી. અમદાવાદીઓ સસ્તું સારું અને નમતું શોધે એવું મનાતું. અમદાવાદીઓની કરકસર  વિષે અનેક ખોટા અને બદનક્ષીભર્યા જોક્સ બન્યા છે જે અમે અહીં મૂકી શકીએ તેમ નથી. જુના અમદાવાદીઓ એએમટીએસ બસમાં પાંચ પૈસા બચાવવા એક સ્ટેન્ડ આગળ ઉતરી જતા. આજકાલ તો લો ગાર્ડનમાં મોટામોટા મહાનુભવો ચાલવા માટે કાર લઈને આવે છે. અમદાવાદ આટલું બદલાઈ ગયું છે.

અમદાવાદમાં સૌરાષ્ટ્રના ગાંઠિયાની દુકાનો ભલે ખુલી હોય પણ અમદાવાદના ફાફડા-જલેબીની પરંપરા એક સદીથી પણ જૂની છે. આવી વાનગીઓ માટે પ્રખ્યાત નામોની તો ત્રીજી-ચોથી પેઢી ચાલતી હશે. કંજૂસ ગણાતો અમદાવાદી પોતાને ગમતી વાનગીને માત્ર વખાણીને અટકતો નથી, એ એની પાછળ પૈસા પણ ખર્ચી જાણે છે. દશેરાના દિવસે અમદાવાદમાં ખવાતા ફાફડા-જલેબીના આંકડા સાંભળી ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટને અમદાવાદનો ટાર્ગેટ હંમેશા ઉંચો આપવામાં આવે છે. ચાંદની પડવે પર સુરતમાં ખવાતી ઘારી સિવાય ગુજરાતના બીજા કોઈ શહેરનું ખાવાની બાબતમાં અમદાવાદ સામે પાંચિયું પણ ન ઉપજે. નવતાડના સમોસા, ઝવેરીબજારની પાણીપુરી, હાઈકોર્ટની ચોળાફળી, ગુજરાત કોલેજના દાલવડા, માણેકચોકની સેન્ડવીચ અને ભાજીપાઉં ઉપરાંત ખમણ, મોહનથાળ, ખાખરા, ફાફડા-જલેબી, ચવાણું, ફૂલવડી, પાપડી જેવી ગણી ગણાય નહીં એટલી આઈટમ્સ અમદાવાદમાં મળે છે પણ કોઈ એક આઈટમની ઓળખમાં બંધાવાનું અમદાવાદને મંજૂર નથી. આમ પણ અમદાવાદે પોતાની ઓળખનો પનો પહેલેથી જ મોટો રાખ્યો છે. અમદાવાદીઓએ મુંબઈના વડા-પાંવ, સુરતનું ઊંધિયું, આણંદની સેવ-ખમણી, સૌરાષ્ટ્રના ગાંઠિયા, ભૂંગળા-બટાકા અને કચ્છની દાબેલી જેવી આઈટમોને સરખા જ પ્રેમથી પોતાના ઉદરમાં સ્થાન આપ્યું છે. સ્ટ્રીટ ફૂડની બાબતમાં અમદાવાદે કદી વિસ્તારવાદ કે પ્રદેશવાદને પ્રોત્સાહન આપ્યું નથી. અમદાવાદમાં તમને બોમ્બે ભેળ, સૌરાષ્ટ્રના ગાંઠિયા, સુરતી લોચો-ઊંધિયું, કચ્છની દાબેલી મળશે પણ અમદાવાદીઓ પોતાની સ્પેશીયાલીટી એવા દાળવડા, પાણી-પુરી, ચોળાફળી, ખમણ, ખાખરા વગેરે ચખાડવા માટે કદી મુંબઈ, સુરત કે કચ્છ-સૌરાષ્ટ્ર નથી ગયા. સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યા પછી અમદાવાદ બદલાયું તો છે પણ શહેરવાસીઓનું અમદાવાદીપણું કરંડિયામાંથી ફેણ ઉઠાવતા નાગની જેમ ક્યારે બેઠું થઇ જાય એ કહેવાય નહિ. ખૂનમાં સાબરમતીની મીટ્ટી તો ખરી ને! દેખનેવાલી બાત યે હૈ કી – શહેરમાં આટઆટલા સ્વાદના વિકલ્પો ઉપલબ્ધ થયા; અરે આંતર રાષ્ટ્રીય ફૂડ-જોઈન્ટસ પણ આવી ગયા છતાં વરસાદ પડે ત્યારે લાઈનો તો દાળવડાની લારી પર જ લાગે છે! આ અમદાવાદીપણું છે, બહારના લોકો આટલું સમજે તો ઘણું છે.

મસ્કા ફન

દુકાનવાળો સમોસા સાથે કંકાવટી જેવડા છાલીયામાં
ચાંલ્લો કરાય એટલી જ ચટણી આપે ત્યારે અમને કચકચાવીને લાગી આવે.  

 

 

—–X—–X—–

 

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

5 Responses to અમદાવાદ એટલે અમદાવાદ!

  1. Kshitij Thakore કહે છે:

    ખુબજ સરસ…..ઞૅવ થાય છે અમદાવાદી હોવાનું..

    Like

  2. Kshitij Thakore કહે છે:

    Nice article. Proud to be Ahmedabad…….

    Like

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s