માર્ચ મહિનાનો ખોટો મહિમા


માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે છે. હોળી-ધૂળેટી આવે છે. અને બીજા બધાં મહિનાઓની જેમ શનિ-રવિવાર આવે છે. માર્ચનો પગાર તો મોટેભાગે બીજા મહિનાઓ કરતાં સાત દહાડા વહેલો આવે છે. આમ છતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબોની કૃપાથી, અને ફાઈનાન્સિયલ વર્ષ ૩૧મી માર્ચે પૂરું થતું હોવાને કારણે માર્ચ મહિનો એટલે જાણે એકાઉન્ટ્સનો મહિનો! કંપનીના એકાઉન્ટન્ટો પણ મ્યુચ્યુલ ફંડના સેમિનારમાં મળેલી કાળી બેગ હાથમાં લઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબોની ઓફિસો પર આવ જા કરતા દેખાય. વેપારીઓ માટે તો આ ખોટી એન્ટ્રીઓ પાડવાનો અને અગાઉ પડેલી એન્ટ્રીઓ સુલટાવવાનો મહિનો. સરકારી કર્મચારીઓ માટે માર્ચની ૩૧મી લેપ્સ જતી ગ્રાન્ટ વાપરી નાખવા માટેનો છેલ્લો દિવસ. એ સિવાય સમાજનો દરેક બાબુ, બચુ અને રંછોડ માર્ચ એન્ડીંગના નામે બીઝી થઇ જાય છે. પણ આટલી બધી હોહા થવા છતાં ૧૨૫ કરોડ ભારતીયોમાંથી માંડ દોઢ ટકા એટલે કે ૧.૯ કરોડ (ઇકોનોમિક ટાઈમ્સ મુજબ) ઇન્કમટેક્સ ભરે છે! અમે આવી ગયા એમાં. પીરીયડ. અલા ભ’ઈ અમે કોમન મેન છીએ. અમારી ઓકાત વધુમાં વધુ 80Gનો લાભ લેવા પુરતું કોઈ ચેરીટેબલ સંસ્થામાં ૫૦,૦૦૦નો ચેક આપીને કેશ પાછા લઈએ એટલી જ છે. માટે માર્ચના નામનો ખોટો મહિમા ઉભો કરવાનું બંધ કરો.

સ્કુલમાં ફેબ્ર્રુઆરી કે ઓક્ટોબરનો સ્પેલિંગ ખોટો લખવામાં ટીચરનો માર ખાધો હોય એવા માર્ચના પ્રેમમાં પડી શકે છે. પણ એમ તો મે મહિનો પણ છે જેની ગુજરાતી જોડણી અને અંગ્રેજી સ્પેલિંગ બેઉ સહેલા છે. હકીકતમાં માર્ચમાં ‘માર’ આવે છે. ફેબ્રુઆરીમાં ઠંડી છેલ્લે છેલ્લે આપણી ઉપર આરી ચલાવીને જાય કે તરત માર્ચમાં ઉનાળાનો માર વાગવાની શરૂઆત થાય. લીંબુના ભાવ અને ઈલેક્ટ્રીસીટી બીલ ઉપર જાય એનો માર પાછો. ઉપરાંત માર્ચ એન્ડના નામે ઘણીવાર ઓફિસમાં બૉસ કામ વગર ખાલી કંપની આપવા બેસાડી રાખે. આવામાં ગમે તેને માર્ચ મહિનાથી નફરત થઈ જાય.

માર્ચ મહિનામાં બધા કામો એપ્રિલ પર છોડવાનો રીવાજ છે. આંકડા અને હિસાબ સિવાયના. કોઈ નવું કામ શરુ કરવાનો ઈરાદો જાહેર કરીએ એટલે તરત કહેશે કે, ‘માર્ચ જવા દોને યાર’. જોકે આપણે દુધવાળા, ધોબી, કરીયાણાવાળા, અને હોળી પર અચૂક નાસી જતા કામવાળાને રૂપિયા આપવામાં ‘માર્ચ જવા દો ને ભાઈ’ એવું કહી શકતાં નથી એ આપણી મજબૂરી છે. એમાં આપણી પાસેથી ઉઘરાણી કરનારા ‘માર્ચ મહિનો છે, પતાવી દો’ કરીને ઉઘરાવી જાય છે પણ આપણે લેવાના હોય એ ‘માર્ચ મહિનો જવા દો, બીજી મોટી એન્ટ્રીઓ ઉભી છે યાર’ કરી લટકાવી દે છે. એક્સપ્રેસ ટ્રેન માટે જેમ માલગાડી અને લોકલને ગમે ત્યાં ઉભી રાખી દે તેમ. પછી તમારે તમારા દસ-પંદર હજાર માટે બીજા દોઢ મહિનો રાહ જોવાની. આ તે કંઈ રીત છે? શું લોકલ ટ્રેનના મુસાફર મુસાફર નથી?

એમ તો બીજા કેટલાય પ્રોફેશન છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિવાયના, પણ કોઈ આટલો ઉધમ નથી કરતું. ડોકટરો એમ નથી કહેતા કે ભાઈ, ડિસેમ્બર તો અમારે એનાઆરઆઈનો મહિનો છે, તો તમે પાઈલ્સ માટે જાન્યુઆરીની પંદરમી પછી આવજો; વકીલો પણ ‘જુનમાં બહુ કામ હોય છે, જામીન અરજી નથી કરવી, મહિનો રહો જેલમાં’ એવું કહેતા નથી અને અમ સિવિલ એન્જીનીયરોની તો શું વાત કરીએ. અમે સાઈટ ઉપર અમાસ સિવાય રજા જ રાખતા નથી! પાછા અમે એટલા ફૂલ ટુ કોઓપરેટીવ કે અમારા નામની આખી કોઓપરેટીવ સોસાયટી બની શકે. ગમે ત્યારે ગમે તે ફોન કરીને બોલાવે કે ‘જરા જોઈ આપજોને આ તિરાડ જેવું લાગે છે તો શું કરવાનું?’ એટલે વહેવારે ટેપ લઈને પહોંચી જઈ અને લાંબુ લચક વિશ્લેષણ કરીને શું કરવું જોઈએ એ પણ સમજાવી દઈએ છીએ. લેકિન, કિન્તુ, પરંતુ, બટ – અમે ગમે તેટલું વિચારીને, ગંભીરતા પૂર્વક અને સાવ મફ્ફતમાં આપી હોય, છતાં પણ પાર્ટી કામ તો પાછી કડિયો કહે એ પ્રમાણે જ કરાવે ત્યારે અમને સેન્ડફેસ પ્લાસ્ટર જેવું કરકરું લાગી આવે! મન પણ થાય કે પાર્ટીને ફેંટ પકડીને સેન્ડ ફેસ પ્લાસ્ટર પર ઘસીએ! પણ જવા દો ને; આ બધા રોદણાં અહીં ક્યાં રોવા!

બીજા દેશોમાં જ્યાં ફાયનાન્શિયલ વર્ષ ડિસેમ્બરમાં પૂરું થાય છે એ લોકો તો છેલ્લા સાત દહાડા ક્રિસમસ વેકેશન મનાવે છે, એ લોકો કંઈ ૩૧મીની મધરાત સુધી ઓફિસમાં ગુડાઈ નથી રહેતા! આપણે ત્યાં ફેબ્રુઆરીના અંતમાં કે માર્ચની શરૂઆતમાં શિવરાત્રી આવતી હોય છે. મોટે ભાગે માર્ચ મહિનામાં આવતી હોળી સુધીનો એક મહિનો હોળાષ્ટકના કારણે શુભ કાર્યો માટે વર્જ્ય ગણાય છે. એ પછી માર્ચ એન્ડીંગના નામે ઈતર કામકાજ બંધ રાખવામાં આવે છે. હોળી પછી પણ માર્ચ મહિનામાં એક પછી એક તહેવારો આવતા જ રહે છે. આ વખતે તો ૧૮ માર્ચે ગુડી-પડવો અને ચેટી-ચાંદ સાથે છે અને એ સાથે જ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ પણ થાય છે. આ નવરાત્રીની નોમ એટલે રામનવમી. એ પછી મહાવીર જયંતી અને ગુડફ્રાઈડે પણ માર્ચમાં જ આવે છે. આ યાદ કરાવવાનું કારણ એટલું જ કે માર્ચ એન્ડીંગની લ્હાયમાં બીજા બધાને ભૂલશો તો કદાચ એ તમને માફ કરી પણ દેશે પણ શ્રી હનુમાનજીને ભૂલ્યા તો ઇન્કમટેક્સવાળાની કૃપાથી તમારા ઘરમાં હનુમાનજી હડીઓ કાઢતા થઇ જાય તો નવાઈ નહિ કારણ કે આ વખતે ૩૧મી માર્ચે ચૈત્રી પૂનમ એટલે કે શ્રી હનુમાન જયંતી છે! બધું પડતું મુકીને શ્રી મરુતનંદનને ભજવાનું ભૂલતા નહિ. મંત્ર છે – જય બજરંગ બલી, તોડ ઇન્કમટેક્સ કી નલી!

મસ્કા ફન

નવરત્ન કોરમામાં રતાળુ નાખવાથી એ ઊંધિયું નથી બની જતું.  

—–X—–X—–

About 'બધિર' અમદાવાદી

Columnist with: નવગુજરાત સમય દૈનિક (Jointly with Adhir Amdavadi) ફીલિંગ્ઝ ગુજરાતી મેગેઝીન (કહત બધિરા) Wrote for: મારી સહેલી મેગેઝીન (Monkey बात) અભિયાન મેગેઝીન (Special issues) દિવ્ય ભાસ્કર ડોટ કોમ (બધિર ખડા બાઝાર મેં)
This entry was posted in નવગુજરાત સમય. Bookmark the permalink.

આપનો પ્રતિભાવ અમારા માટે અમુલ્ય છે. પ્રતિભાવ આપતી વખતે નીચે આપનું નામ લખવાનું ચૂકશો નહિ.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s