
To read this and other articles online on Feeling Gujarati Magazine, click on following link … https://issuu.com/feelings/docs/feelings_1st_december_2020_issue
સ્કૂલમાં જયારે ‘મારો પ્રિય ઉત્સવ’ વિષય ઉપર નિબંધ લખવાનો આવતો ત્યારે અમે નિબંધની શરૂઆતમાં લખતા કે આપણા દેશની પ્રજા ઉત્સવ પ્રિય છે, ઉત્સવો આપણા જનજીવનને ધબકતું રાખે છે વગેરે વગેરે. કારતક મહિનાથી નવું વર્ષ શરુ થાય ત્યારથી લઈને આસો મહિના સુધી સતત ધાર્મિક ઉત્સવો આવતા રહે છે. સાથે સાથે ગણતંત્ર દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આવતા રહે છે. અચરજ એ વાતનું છે કે આજકાલ તહેવારો ગૌણ બની ગયા અને ઉજવણી મુખ્ય બની ગઈ છે.
સોશિયલ મીડિયાના આગમન પછી ઉજવણીમાં નવો રંગ ઉમેરાયો છે. આટલા તહેવારો ઓછા હોય એમ આઈપીએલવાળા એ સાત-આઠ અઠવાડિયા લાંબી આઈપીએલ ટુર્નામેન્ટને ઇન્ડીયાકા ત્યોહાર જાહેર કરી દીધી તો લોકોએ એને પણ તહેવાર તરીકે અપનાવી લીધી છે! પ્રજા પણ સતત ઉજવણીમાં રત રહેવા માગતી હોય કે પછી બીજું કોઈ કારણ હશે પણ હવે તો લોકો રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે જેવા દિવસો પણ મન મુકીને ઉજવે છે. આ બધામાં સામાન્ય વાત એ છે કે આ બધા જ તહેવારો કે ડેઝમાં દુકાનદારો અને વેપારીઓને ઘરાકી થાય છે – સિવાય કે ‘હગ ડે’ અને ‘ટોઇલેટ ડે’!
‘હગ ડે’ અને ‘ટોઇલેટ ડે’ને એક બીજા સાથે કોઈ સંબંધ નથી. ‘હગ ડે’નો અર્થ ‘ચક દે’ જેવો પણ નથી થતો. અંગ્રેજીમાં ‘ટુ હગ’ એટલે ભેટવું. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૧૨મી ફેબ્રુઆરી હગ ડે તરીકે ઉજવાય છે; એ દિવસે લોકો પ્રિય પાત્રોને ભેટીને એમના માટેનો પ્રેમ અભિવ્યક્ત કરતા હોય છે. જયારે યુનાઈટેડ નેશન્સ દ્વારા ટોઇલેટ ડે સ્વચ્છતા અને જાહેર સુખાકારી અંગે જનજાગૃતિ આવે એ માટે ઉજવવામાં આવે છે. જે ખુબ જરૂરી છે. કમનસીબે રોઝ ડે અને ચોકલેટ ડેની જેમ આ દિવસની ઉજવણી જોઈએ તેટલા જોશ-ઓ-જૂનુનથી થતી નથી! આટલા અગત્યના ડેની ઉજવણીમાં લોકોની ઉદાસીનતા અમને સતાવે છે.
ફાધર્સ ડે, મધર્સ ડે કે પછી થેન્ક્સ ગિવિંગ ડે જેવા દિવસોની ઉજવણી થાય ત્યારે અદક્પાંહળા લોકો કહેતા હોય છે કે આવા દિવસો વર્ષમાં એક દિવસ ઉજવીને ભૂલી જવાના બદલે બારે માસ ઉજવાવા જોઈએ. જયારે ટોઇલેટ ડે એ એવો દિવસ છે જે અબાલ વૃદ્ધ રોજ ‘ઉજવતા’ હોવા છતાં એનું કોઈ મહત્વ ગણાતું જ નથી! રોજ સવારે આ ઉજવણી નિયત સમયે થઇ જાય એ માટે લોકો પોતાનાથી બનતું બધું કરી છૂટતા હોય છે. અમુક લોકો જોર લગાવીને કે પછી આગલી રાત્રે ચૂરણ કે ફાકી લગાવીને બીજા દિવસે ઉજવણીને અંજામ આપતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં રેલવેના પાટા પર થતી ઉજવણી જગમશહુર છે. પણ બધે જ અન્ય દિવસો જેવી ધામધૂમનો સદંતર અભાવ વર્તાય છે. આમાં આગલી રાત્રે ખાધેલા વાલ-વટાણાથી થતા ધૂમ-ધડાકાને ધમધૂમમાં ખપાવવાની ચેષ્ટાનો અમે વિરોધ કરીએ છીએ.
અમે નથી કહેતા કે ઉજવણીના ભાગ રૂપે તમે ટોઇલેટમાં રોશની કરો, રંગોળી કરો, ફટાકડા ફોડો કે ડીજેના તાલ ઉપર નાગિન ડાન્સ કરતા કરતા ઉજવણી કરો; પણ તમારે જનજાગૃતિ લાવવી હશે તો આ ઉજવણીને વ્યક્તીગતના બદલે સામુહિક ઉજવણીનો દરજ્જો આપવો જોઇશે.
ટોઇલેટ ડેની ઉજવણી સમૂહમાં કરવી કે વ્યક્તિગત એ બાબતે યુનો કોઈ સ્પષ્ટતા નથી. છતાં પણ આપણા દેશમાં જનજાગૃતિમાં કૂચ, પ્રભાત ફેરી અને સરઘસનું પ્રદાન જોતાં ‘ગમે ત્યાં ખાવ પણ શૌચાલયમાં જ જાવ’ કે ‘જહાં સોચ વહાં શૌચાલય’ જેવા સૂત્રો સાથેના બેનર અને લોટા-ડબલા, ઝાલર-મંજીરા સાથે ગાતા-સૂત્રોચ્ચાર કરતા ભાગોળ તરફ કૂચ કરી જવાના કાર્યક્રમો આપી શકાય. જે વડીલો ભાગોળની ખુશનુમા સવારના વાતાવરણમાં થતી મિત્રો સાથેની ગોષ્ટી સહિતની ઉજવણીની ખોટ અનુભવતા હોય એ આમાં ઉમળકાભેર ભાગ લઇ શકે. જોકે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જાહેરમાં આ કાર્યક્રમ કરનાર વ્યક્તિને પણ દંડ કરવામાં આવતો હોઈ સામુહિક ઉજવણી તો બિલકુલ અશક્ય છે. પણ જેમ અંતિમ યાત્રા પછી ઘરે આવીને નહાવાનો રીવાજ છે એમ આ કિસ્સામાં નગરયાત્રા કર્યા પછી ઘરે આવીને ઉજવણી કરતા કોણ રોકી શકશે? આમ પણ આ દિવસની ઉજવણીનો હેતુ આ ‘ઉજવણી’ ખુલ્લામાં કે પાદરના બદલે ઘર પુરતી જ માર્યાદિત રહે એ જ છે. બાકી હૈયામાં હામ અને પેટમાં ધાન હશે તો કશું અશક્ય નથી.
આ ઉજવણીમાં વ્યક્તિ તરીકે આપણી જવાબદારી શું એ પણ દરેકે વિચારવું રહ્યું. દરેકના પોતાના પ્રશ્નો હોઈ શકે છે. જેમ કે કોઈ આ આખી ઉજવણીને પોતાના પુરતી સીમિત રાખવા માગતું હોય એવું બને. એ સિવાય સમાજ જોશો જૂનુનથી ઉજવણી કરવા માટે બહાર પડવા હાકલ કરતો હોય અને તમે ઉજવણી કરી લીધી હોય કે પછી ઉજવણીમાં વાર કે બાધા હોય તો શું કરવું? એવા કિસ્સામાં જો તમે મોકો ચુકી જાવ તો કવિઓ રસ્તો બતાવતા કહે છે એમ – સાવન આયે ય ના આયે જીયા જબ ઝૂમે સાવન હૈ … અર્થાત ભલે તમે સામુહિક ઉજવણીમાં સામેલ ના થઇ શકો પણ અંગત રીતે જયારે પણ ઉજવો – કોઈ કચાશ રાખ્યા વગર ઉલટભેર અને ધામધૂમથી ઉજવો. યે કુદરત કા તકાજા હૈ જરા ઝૂમ કે મનાઈયે …
सुन भाई साधो …
માથામાં સફેદી હોય એ વ્યક્તિ અનુભવી અને જમાનાની ખાધેલ જ હોય એ જરૂરી નથી. એ ઘંટીવાળો કે ધોળવાવાળો પણ હોઈ શકે છે.
—–X—–X—–
૪૮૧૧૦
👌🏼👌🏼😃😃😃😃😃😃
LikeLiked by 1 person